બૌદ્ધ સ્થાપત્યની રાજધાની ધર્મશાલા સંકુલ .

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
બૌદ્ધ સ્થાપત્યની રાજધાની ધર્મશાલા સંકુલ                     . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

ભારતનો સંત્રી-ગર્વીલો હિમાલય

એશિયા ખંડના ગૌરવ સમા આપણા ભારત દેશને અદકેરા માન-સન્માન અને સૌંદર્યનું નજરાણું આપી રાષ્ટ્રને વધુ પુખ્ત અને પુષ્ટ બનાવનાર આખીય હિમાલયન પર્વત શ્રેણી ઉત્તરે આપણી રક્ષા તો કરે જ છે પણ સાથે સાથે ભારતીય સંસ્કૃતિનાં રખોપાં પણ કરે છે. ભૌગોલિક અને પર્યાવરણને લગતી ખાસિયતોને કારણે સળંગ મથાળે તાજ  ધારણ કર્યો હોય એવા આ પર્વતરાજનો મિજાજ વાર-તહેવારે બદલાતો રહે છે. આમ તો એને એવી ટેવ છે કે શિયાળે ફાંટ ભરીને બરફ ભેગો કરી લેવો અને આપણા રેફ્રિજરેટર જેવા એના હિમખંડોમાં એને ભરી લેવો. ઋતુચક્ર ફરે એટલે બરફ પીગળવા લાગે અને પેલા હિમખંડો થોડા હળવા થાય. એની આંખમાંથી જાણે કે નેહ નીતરતા મેહની જેમ જ ઝીણી-પાતળી રેખાઓ જેવી જળધારા વહેવા માંડે. શુભ્ર વાધાં ક્યારે ઓગળી જાય અને પર્વત શિખરો ક્યારે લીલુડાં સાળુ જેવી વનરાજી ધારણ કરે એ ખબરેય ન પડે. અચાનક થીજી ગયેલું જીવનચક્ર ચાલવા માંડે અને જીવન જીવંત થઈ જાય. ત્યાં વસતા માનવોના સંકુલ જીવનમાં જાણે કે રૂધિરાભિસરણની પ્રક્રિયા પુન: પ્રવૃત્ત થઈ જાય. શિયાળાના જામી ગયેલા મંદિરના કપાટ પણ કિચૂડ...ડ...ડ... કરતા ''ખુલ જા સિમ સિમ'' કહેતા ખુલી જાય. સિક્કિમ નામનો નાનકડો દેશ ભારતનો ભાગ બની ગયેલો એ સિવાયના અનેક દેશો અને વિસ્તારોય જાગી જાય. હિમાલયના વિશાળ ખોળે શ્વસતા વિવિધ નાગરિકો પોતાના ક્ષેત્રમાં નિજફરજમાં મશગૂલ થઈ જાય.

હિમના આલયની નસેનસમાં સ્ફૂર્તિનો સંચાર

કેટકેટલું છે આ નગાધિરાજના વિધવિધ સ્થળોમાં ! એના અંકમાં પોઢી દુનિયાભરની ચિંતામાંથી મુક્તિ પમાય. એના દેહ પર જુલમ કરી દોરડાં બાંધવા ખીલા ઠોકી પર્વતારોહણની યોજના કરાય, એની ઉપર સોપાન ખેતી નભે. ફળ, ફૂલ, જડીબુટ્ટી અને અપાર વનસ્પતિના વેપલાં થાય, નદી, નાળાં, ઝરણાં, ધોધ આદિને બાંધવાની કોશિશ થાય. નૂતન યુગમાં વ્યાપારીકરણ માઝા મૂકે એટલે કુદરતી સંપત્તિ ભાન ભૂલીને ઘાંઘી થઈ જાય. શિયાળે જ્યાં સોપો પડી ગયો હોય અને બરફની ચાદરને લીધે શુભ્ર જ્યોત્સના ચોમેર છવાઈ ગઈ હોય તે જ સ્થળે સૂર્યનારાયણના ડોકાતાં વેંત માનવમહેરામણ છલકાતો દેખાય. એ સમયે સાવ નાનાં ગામડાં શહેરમાં પરિવર્તિત થઈ જાય. જુદા જુદા માણસો, નોખાં નોખાં હેતુ લઈ હિમાલયના પ્રવાસે નીકળે. આપણને અતિ પ્રિય એવાં ધાર્મિક સ્થાનો પણ ધમધમવા લાગે. હિમાલયના આધારે ઊભેલા આખેઆખા દેશો અને આપણા દેશના ભાગે આવેલ આ સીમા વિસ્તારમાં ફરજ બજાવતા સૈનિકોના એકાંતવાસ પૂરા થાય. જ્યારે કુદરત નવો વેશ ધારણ કરે. સવાઈ ગુજરાતી કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદ જેવા પ્રવાસીઓ તો હવે ''થવા નથી... બાપલિયા...'' બોલી પડાય એવું વાતાવરણ અહીં સર્જાય. આ મહા પર્વતના સાન્નિધ્યમાં અનેક ધર્મોનાં અગણિત થાણાં છે પરંતુ તિબેટ અને અન્ય એશિયન દેશોમાં પ્રિય એવા બૌદ્ધ ધર્મનું ઘણું મહત્વ છે અહીં અને એને કારણે તો સળંગ હિમાલયમાં ''બૌદ્ધ સર્કિટ'' છે. હિમાલય પ્રદેશના ધર્મશાલા અને મેકલોડગંજને એનો ''ધર્મલાભ'' મળેલો છે.

સ્તબ્ધ કરી દેતું તિબેટીયન પારંપરિક કલાકર્મ

પ્રસ્તુત મંદિર જાણે કે મહેલ ! છજાની કિનારીએ બૌદ્ધ સાહિત્યનો પ્રસાદ ! ઝીણી કોતરણી- નકશીમાં ફૂલ, પત્તી, ફળ, વળિયા અને વર્તુળનો વટ. 

મંદિર ભીતરમાં શાકયમુનિ બુધ્ધનું બ્રોન્ઝનું શિલ્પ છે. ઊભા બુધ્ધની લંબાઈ ત્રણ મીટરની છે. સાથે દેવ અવલોકિતેશ્વર અને પદ્મસંભવની પ્રતિમાઓ પવિત્ર વાતાવરણનાં ઉપસ્થિત છે જેઓ શુદ્ધતા અને માનવતાનો સંદેશો આપે છે. મુખ્ય મંદિર બહારથી ભવ્ય દેખાય. છાપરે ખૂણે પડતી વિવિધ આકૃતિઓ, ચક્ર રંગીન ડ્રેગન અને છત પર સોનેરી શિખરો - તેની ઉપર કળશ - કુંભ શોભે. રંગીન મ્યુરલ્સ (મિશ્ર ચિત્રો), ઘીના દીવા, જળ, પુષ્પો અને ગર્ભગૃહની પવિત્રતાને ઉજાગર કરે. ભગવાન બુધ્ધના ઊંચા સિંહાસન પાછળ અલંકૃત આભા દર્શાવતું કલાકર્મ, તેમની વિચારશીલ મુદ્રા, લાંબા કાન, હાથમાં જળકુંભ અને દ્રષ્ટિ ધ્યાનમગ્ન અનુભવાય. આ જ પરિસરમાં નામગ્યાલ નામક ગોમ્પા છે જેનો શ્વેત રંગ શાંતિસૂચક છે. તેની ત્રણ માળની ઈમારતમાં પ્રથમ મજલે ચક્ર, કુંભ અને બે હરણાં પેગોડાને શોભાવે. શિખર પર શ્વેત, સોનેરી ઉપસેલી ભાત અને ફૂલવેલની માંડણી તથા બૌદ્ધ લિપિમાં નામ સ્મરણ દેખાય. ભૌમિતિક ભાતમાં વચ્ચે વચ્ચે મોતી, રત્નાદિ વચ્ચે ચારેકોર અલંકૃત હાથીઓ અંબાડી પર નિશાન-ડંકા લઈને ઊભા જોવા મળે. ચોમેર સુંદર થામકાઝ ચિત્રો ! સુંદર સિંહાસન પ્રભુની યાદ અપાવે. ભીંતે ફ્રેસ્કો ચિત્રકળા દલાઈ લામાની કળાસૂઝને અહીં પોંખે. આધ્યાત્મિક્તા અને કલાત્મક્તાનો સુમેળ રસિકોની આંખોને ઠારે.

લસરકો :

હિમાલય-ધૌલાધાર પર્વત શ્રેણીનાં મઠ: સંસ્કૃતિ અને પ્રકૃતિને જોડતી કડી.

હમાલયના લાંબા પટે અનેક બૌદ્ધ મોનેસ્ટ્રી (મઠ) અને ગોમ્પા (દેરી-મંદિર)

હિમાચલ પ્રદેશના ધર્મશાલા અને મેકલોડગંજ ગામ એકબીજાના શાખ પડોશી - જેમની વચ્ચેની સીમારેખા હવે ભૂંસાઈ જઈ બન્ને એક જ એકમ બની ગયા છે. મૂળ તિબેટના દલાઈલામાના ચૌદમા ધર્મવારસ હાલ અહીં જ બિરાજે છે અને ત્સુગલાગખંગ મોનેસ્ટ્રી સંકુલનું સંચાલન કરે છે. પર્વતીય સૌંદર્ય અને પ્રવાસી પ્રિય પ્રવૃત્તિઓના આ પ્રદેશમાં અહીંનાં બૌદ્ધમંદિરો પણ લોકપ્રિય છે. વિશ્વસ્તરે બૌદ્ધ મંદિર- મોનેસ્ટ્રીનો દબદબો છે. વિશાળ પરિસર, સ્થાપત્ય અને શિલ્પ કળાના અનેકવિધ નમૂના એ એમની ઓળખ છે. વળી બૌદ્ધચિત્ર પરંપરા જેને ''થામકાઝ'' કહે છે એ પ્રાચીન શૈલીને હજી આ આસ્તિકો વળગી રહ્યા છે - સાચવી રહ્યા છે. આ ચિત્રોની ખાસિયત ઝીણી રેખાઓ, સુંદર વળાંકો, ઘાટા-દોરા-આછા રંગોની ઝાંય અને એની ''થીમ'' છે. જીવનની ઘટનાઓના અંકન, બુધ્ધ ભગવાન અને એમના અવતારોની કલા એમાં નિરૂપાય છે. મંદિરની અંદર અને બહારની ભીંતો પર ચોક્કસ સિદ્ધાંતવાળાં ચિત્રો ભાવકોને આકર્ષે છે. પ્રસ્તુત પરિસરમાં એક મુખ્ય મંદિર અને અન્ય નાનાં મોટાં શ્રધ્ધાસ્થાનો છે. મુખ્ય મંદિર તિબેટીયન સંસ્કૃતિને ઉજાગર કરે છે. વિશ્વ સ્તરે નોંધાયેલું તેમનું પ્રાચીન સાહિત્ય, શિલાલેખો, હસ્તપ્રતો, ઐતિહાસિક દસ્તાવેજો, હસ્તકલા, ચિત્રો, કાર્પેટ, પૉટરી, રંગબેરંગી પ્રાર્થના ધ્વજ, પ્રાર્થના ચક્ર તો અગત્યનાં છે જ પરંતુ અહીંના સંગ્રહાલય અને વાચનાલયની વાત અલગ જ છે. મંદિર પ્રવૃત્તિ ઉપરાંત અહીં સાંસ્કૃતિક, શૈક્ષણિક અને કલાપ્રવૃત્તિઓ થાય છે. પરફોર્મિંગ આર્ટ અને ધ્યાન-શિબિરો થકી આ કેન્દ્ર વધુ ઉજળું થયું છે. આ મંદિરનું સ્થાપત્ય પેગોડા શૈલીની યાદ અપાવે. ત્રણે માળને લાકડાની છત છે જેમાં લાલ, લીલા, મરૂન, વાદળી, પીળા, ભૂરા રંગયુક્ત ડિઝાઈન મુલાકાતીને આકર્ષે, છજાની કિનારીએ બુંદ-વર્તુળ-ટપકાંની ઉજાણી !


Google NewsGoogle News