હિમના આંચલમાં રમતી કાંગડા ચિત્રકળા

Updated: May 28th, 2024


Google NewsGoogle News
હિમના આંચલમાં રમતી કાંગડા ચિત્રકળા 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

કાંગડા (કાંગરા) જિલ્લો - હિમાચલનો રમણીય ખોળો

આપણા દેશમાં અનેક કળાઓ પોંખાઇ છે એમાંની ચિત્રકળામાં ઓળઘોળ થઇ જઇએ તો અનેક પ્રદેશ, પ્રાંત, નગર, રાજ્ય, ધર્મો, વિવિધ પંથ, વિચાર સરણી, સાહિત્ય, વ્યાવસાયિક ક્ષેત્ર, સાંસ્કૃતિક, ઉત્સવ, વારતહેવારોને વણી લેતી ચિત્રકળા વિશે આદિ સમયથી અંકન થતાં આવ્યાં છે. આપણે એ તો જાણી જ ચૂક્યા છીએ કે દરેક દેશના આદિવાસીઓનું આ કળાક્ષેત્રમાં મહત્વનું - નોંધપાત્ર યોગદાન છે. વાતાવરણ, આબોહવા, જીવનની શૈલી - રીતિ - નીતિનું પણ આ કળામાં પ્રતિબિંબ પડયા વગર રહેતું નથી. ખાસ કરીને રાજા-રજવાડાના સમયમાં કળાને રાજ્યાશ્રય મળતો, અનુદાન મળતું ત્યારે તે વધુ ફૂલીફાલી અને સમયની સાથે એમાં અનુરૂપ ફેરફારો પણ જોવા મળ્યા. ભારતની ઉત્તરે હિમાલય સંત્રી છે - જે દેશની રક્ષા કરે છે તે પ્રદેશોમાં ચિત્રકળાના અનેક પ્રકારોના આવિષ્કાર થયા.ં હિમાચલ પ્રદેશમાં અતિબારીકી યુક્ત કાંગડા શૈલના ચિત્રોનો જન્મ થયો.વૈશ્વિક કલાફલક પર વિશ્વને મળેલી આ અપ્રતીમ ભેટ ભારતની પ્રશંસનીય દેન છે. દેશમાં રાજદ્વારી અસ્થિરતા ટાણે રાજા દલીપસિંહ (ગામ-ગુલેર) ૧૬૯૫ થી ૧૭૩૦ દરમિયાન કલા અને કલાકારોને આશ્રય આપી મુગલ શૈલીનાં લઘુચિત્રો દોરવાનું પ્રોત્સાહન અને ઇજન આપ્યા. હિમાલયની ટેકરીઓ વચ્ચેની કાંગરા અને અન્ય ખીણોમાં એક સુંદર કળાનું વાતાવરણ જામ્યું. નવીનતમ નાજુકાઇ અને સુંવાળપ ધરાવતી નમણી કળા જન્મી. મહારાજા સંસારચંદે કાંગડામાં આ કળાને પ્રોત્સાહન, રક્ષણ, આધાર ૧૭૨૬ થી ૧૮૨૪ દરમિયાન પૂરાં પાડયાં.

ભવ્ય હિમાલય - ભવ્ય અદ્વિતીય કળા

પ્રાચીન - પૌરાણિક સાહિત્યમાં અગ્રેસર એવાં કેટલાંક સર્જનોએ ચિત્ર અને સાહિત્યનું સાયુજ્ય સર્જ્યું. નળદમયંતીના જીવન પ્રસંગો, સંગીત રત્નાકર રાગમાળા, પ્રણય - ઊર્મિ ગીતો (કવિ કેશવદાસ) ઉપરાંત 'બારમાસા' કાવ્યો આધારિત ચિત્રોનાં સર્જન થયાં. જયદેવના 'ગીતગોવિંદ'નું ચિત્રમય અવતરણ થયું. કવિ કાલિદાસનાં રસઘોળ નાટકો અને શ્લોકો આધારિત સાહિત્યિક ચિત્રસ્વરૂપ 

પ્રકાશમાં આવ્યાં. બિહારી 'સત્યાયી' સાહિત્યને મહત્વ મળ્યું. વળી એમાં શ્રીનગર રસ ભવ્યો અને ચિત્રકળા એની ચરમ સીમાએ પહોંચી. ભક્તિટણે તો આ કળાને સૌંદર્યમય બળ પૂરું પાડયું. રાધા-કૃષ્ણનો પ્રેમ પ્રકાશમાં આવ્યો. એ એક એવી મુખ્ય તરાહ શરૂ થઇ કે સાહિત્યની આધ્યાત્મિકતાની અનુભૂતિ ચિત્રકલામાં પ્રવેશી. પ્રભુચરણે આત્મીય લાગણીથી અપાતા અર્ધ્યસમ એ આત્માના સમર્પણનું પ્રતીક બની રહ્યું. આ તો થઇ કાંગડાશૈલીના ચિત્રોની પવિત્ર યાત્રાના આરંભની વાત, પણ આગળ શું બન્યું ? કેવા ચિત્રો બન્યાં અને ક્યાં સચવાયાં ... આગળની યાત્રાના શું સમાચાર છે એના માટે તો આપણે સંગ્રહાલયમાં જ જવું પડે કારણ કે વૈયક્તિક રીતે એ જયાં સચવાયાં હોય એને ક્યાં ક્યાં શોધવા ? ચાલો, એ જ પ્રદેશમાં ભ્રમણ કરીએ જ્યાં આ કળાના તરંગો હજુ તાજગી પ્રસરાવે છે. કાંગડા ફોર્ટ (કિલ્લો)માં પુરાતત્વ ખાતાના સંગ્રહાલયમાં કાંગડા ચિત્ર શૈલીનાં ઉદાહરણો ઇતિહાસના પૃષ્ઠોમાં સમાયેલાં છે.

પ્રાચીન 'ત્રિગર્ત' એટલે જ કાંગડા રાજ્ય

ધનીરામજીને મન નાયક - નાયિકાનું મહત્વ અદકેરું છે. પહાડી ચિત્રકળામાં સુંદર વિષય હોય તો રસનિષ્પત્તિ વ્યવસ્થિત રીતે થાય. પ્રેમરસ, યોગ-સયોગ આદિ વિષય ઉપરાંત કાંગડા ચિત્રોમાં કુદરતનું અસાધારણ સ્થાન છે. બારીક રેખા, રંગ સંયોજન, મૂળ રંગો ધારી અસર ઉપજાવે છે. તેઓ કાંગડા અને રાજસ્થાની લઘુચિત્રોનો ભેદ બતાવી સચોટ વાત એ કરે છે કે રાજ્યસ્થાની પાત્રોની આંખોના આકાર માછલી જેવા અને કાંગડાપાત્રોની આંખો ધનુષ જેવી હોય છે. જૂની તકનીક મુજબ રંગો આછા અને રેખા બારીક એ કાંગડાની ખાસિયત છે. ધર્મશાળાના આ સંગ્રહસ્થાનમાં પ્રદર્શિત ચિત્રોને જોઇએ તો શ્રીકૃષણ અને ગોવાળોની રમત ગાયોના ચરાવવાના સમયે જ ગોઠવાતી. બધાની આકૃતિ શ્વેત, સ્મિત સભર ચહેરાની ઝીણી રેખાઓ અને ગતિશીલ એ ચિત્રમાં દરેક પાત્રની અલગ પ્રવૃત્તિનું અંકન તેમાં લય પણ આણે છે. અન્ય ચિત્ર દાણલીલાનું નિરૂપણ છે. 'દાણમાગે-કાનુડો દાણ માગે' માં માથે મટુકડી, મહીની દોણી લઇને ઊભેલી ગોપીને જ્યારે કનૈયો છેડે અને કંકરનાખી મટુકી ફોડે તેવા ચિત્રમાં તીણા નાક અને આંખની અલૌકિક અભિવ્યક્તિ કરે છે. બધાંય પાત્રો. ગોપીઓ ખોટો ગુસ્સો કરી મુખ છુપાવી હસે તો શામળિયોય મરકાય. અહીં વૃક્ષ, ઘાસ રસ્તો આદિ વિવરણ થકી ચિત્ર પુષ્ટ બને છે. 'રાગ હિંડોળ' ચિત્રમાં કેસરીરંગનો હિંડોળો ઝૂલે છે. જેમાં રાધા- કૃષ્ણ બિરાજમાન છે. બન્નેનાં વસ્ત્રાભૂષણ અને હારમાળા આ રાગમાલા ચિત્રમાં પ્રાણ પૂરે છે. ચિત્રકાર ધનીરામજીનું એક ચિત્ર 'રાધા-કૃષ્ણ' નોંધનીય છે. જેમાં બન્ને વૃક્ષ- પર્ણ - પુષ્પ, મોર આદિસંગ કુદરતી વાતાવરણમાં સંવાદ સાથે છે. જેમાં રંગસંયોજનમાં મોરપીંછ રંગનું બાહુલ્ય જણાય છે. કાંગડાકલાએ સીમા વળોટી અન્યત્ર પ્રવાસ કર્યો છે. એ સંદર્ભે આપણે પણ એને મળવા જવું છે ?

લસરકો

રાજાઓની ભાટઇ, લડાઇ અને શિકારનાં વર્ણનો ત્યજી કલાકારોએ પૌરાણિક પ્રસંગો, સાહિત્ય અને કુદરતને અપનાવ્યા તેથી કલારાણી ખુશ !

કાંગડા ખીણમાં અતિતીવ્ર માનવલાગણીથી ભરપૂર લઘુચિત્રો

અહીં કાંગડા અને આસપાસના ક્ષેત્રોમાં ગુલેર, દેહરા અને હરિપુર સ્થળોએથી પાષાણ યુગનાં અવશેષો મળ્યાં. કાંગડા રાજ્ય સતલુજ, રાવી, વ્યાસ નદીઓ મધ્યે આવેલા ભૂભાગ છે. આ સ્થાન કલાની જન્મભૂમિ છે. 'પહરી' કે 'પહાડી' તરીકે ઓળખાતાં ચિત્રો પણ અહીંના જ વતની છે. પ્રસ્તુત મ્યુઝિયમમાં પ્રદર્શિત કાંગડા ચિત્રોના પ્રતિનિધિઓ હજરાહજૂર છે. રાગમાલા આધારિત ચિત્રો આ શૈલીનું ઘરેણું છે. રાગ મેઘ આધારિત એક ચિત્રમાં શ્રી કૃષ્ણ ઉદ્ગ્રીવ દ્રષ્ટિએ શંખ વગાડે છે. કેસરી વસ્ત્ર, અદ્ભૂત જડતરનો મુગટ અને અતિઅલકૃતએમની દેહયષ્ટિ કમરીય છે. પશ્ચાદ્ભૂમાં  ઘેરાયેલા કાળાં વાદળ પરથી પંખીડાં ઉડ્ડયન કરે છે. મંદિર અને લીલાછમ વૃક્ષોના સાનિધ્યમાં છત્ર ધરીને ઉભેલી બે ગોપીએ સોહે છે. ઉમડ ઘુમડ કર આઇરે ઘટા સાથે ત્રણેના ચહેરાની બારીકરેખાઓ, વસ્ત્રાભૂષણ, અભિવ્યક્તિ ઉત્તમ છે. અન્ય એક ચિત્રમાં કૃષ્ણની પ્રતીક્ષામાં રાધાનો મનોભાવ ચહેરા ઉપર જાણે કે લખાવીને આવ્યો છે. એ પ્રાચીન કલાકાર, એકલવાયાપણાની રેખાઓ રાધાના અંગે અંગમાં લબકારા મારે છે. રાગિણી કમોરી નામક ચિત્રમાં નાયિકા આરામદાયક ગાદીતકિયે બિરાજમાન દેખાય છે. ગાદીતકિયા ઉપરથી ઝીણી ફુલપત્તીભાત વાતાવરણ સાથે મેળ ખાય છે અને રાગિણી રેલાય છે. હિમાચલ પ્રદેશના મુખ્ય શહેર ધર્મશાળામાં કોટવાલી બઝાર ખાતે આવેલ રાજ્યના મ્યુઝિયમમાં આગલી સદીઓના કાંગડા ચિત્રો તો છે જ પણ સમય સારણી આગળ વધે તેમ નવા નવા કલાકારો આગળ આવતા જાય એવા ક્રમમાં પણ આ કળાની પ્રગતિ નોંધાય છે. અહીં ઉપસ્થિત વરિષ્ઠ કલાકાર શ્રી ધનીરામજીનાં ચિત્રો તો આ સ્થળે મૂકાયેલાં જ છે. ઉપરાંત હેરિટેજ ચિત્રોનાંય અહીં માનપાન ઘણાં ભાઇ ! આ કલાકારની કલાસાધના બરકરાર છે જે સાથે સાથે વિદ્યાર્થીઓ સંગ રહીને કાંગડા શૈલીનાં ચિત્રોનું આયુષ્ય વધે એ માટે તેઓ કર્મશીલ છે. એમના મતે ચિત્રાંકનમાં બારીકી તો જળરંગથી જ આવે - પેપર કે કેનવાસ પર અલબત અન્ય માધ્યમનું પણ મહત્વ તો છે જ.


Google NewsGoogle News