Get The App

લાખેણા લખનૌનો નવાબી ઠાઠ .

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
લાખેણા લખનૌનો નવાબી ઠાઠ                           . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

જૂનાની સાચવણી - નવાને આવકાર

નવી ટેકનોલૉજીએ દુનિયાનું કદ ઘટાડી દીધું છે એ કામ વર્ષોથી ચાલી આવતી ટ્રેઈનોએ શરૂ કરી જ દીધેલું. એને માટે સુવિધાઓ યુક્ત નિતનવીન સ્ટેશનો પણ જોઈએને ! અને જો કોઈ સ્ટેશન સગવડ, ઉપયોગ અને કલાની દ્રષ્ટિએ બેનમૂન હોય તો એને યાદ કરીએ - પછી ભલે તે ગમે તેટલું જૂનું કેમ ન હોય ! ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થિત ''ચાગબાગ રેલ્વે સ્ટેશન''ની મુલાકાત તો કોઈ સુંદરતમ્ સ્થાપત્ય કળાના અદભુત નમૂનાથી લેશેય કમ નથી. મુઘલ બાદશાહાંની રાજધાની અવધ ક્ષેત્રમાં ફૈઝાબાદ ખાતે હતી તેને લખનૌ શહેરમાં લઈ જવાઈ. નવાબોએ ઠાઠ-માઠ યુક્ત નવાં સ્થાપત્યોની રચના કરાવી. મૂળે લખનૌ ''બાગોંકા શહર'' કહેવાય છે એ ન્યાયે ત્યાં ચોરે ને ચૌટે બાગ-બગીચા-ઉદ્યાનો હતાં જેના નામે એ વિસ્તાર પણ ઓળખાતા. આદિ કાળથી જ આ શહેર ''ગ્રીન સિટી'' કહેવાયું છે. અલબત્ત, હવે ત્યાં પણ લીલાશ ઓછી થઈ નવી ઈમારતો અને સેતુઓને કારણે બહુરંગી માહોલ જામ્યો છે. બાગની ભૌમિતિક રચના ચતુષ્કોણીય હતી જેની પ્રેરણા પવિત્ર કુરાનમાંથી લેવામાં આવી છે. કુરાનની પંચાવનમી કડી (સુરાહ)માં કહ્યા મુજબ સ્વર્ગમાં બાગ, વૃક્ષો, સ્થાપત્ય, ફળફળાદિ જાજમ ઈત્યાદિ હોય. એ રૂપકાત્મક બગીચા ઈસ્લામિક સ્થાપત્ય શૈલીના હતા જેનો વિચાર મુઘલો ઈરાન અને અન્ય દેશોમાંથી ભારત લાવેલા. બાગના લેઆઉટ (નકશા પ્રમાણેનું સ્વરૂપ)માં ડિઝાઈન મુજબ તે પગદંડીઓથી ઘેરાયેલો રહે. ધરી વાળી કેડીઓ સામસામી એકબીજાને છેદીને ચાર ભાગોમાં વહેંચાય. ચારેય ભાગોમાં વળી જળસ્ત્રોતની વાછંટ તન-મનને તૃપ્ત કરે.

સ્વર્ગીય બાગનું ધરતી સ્વરૂપ છે ચાર બાગ

આવા પરંપરાગત અનેક ઉદ્યાનો મુઘલ બાદશાહો દ્વારા બનાવાયા. ''ચાર બાગ''ની સંરચના સૌ પ્રથમ ઈરાનમાં થયેલી. આગરાના તાજમહાલમાં અને હૂમાયુની મઝારમાં પણ આવી જ યોજના હતી. ખેર ! અહીં બાગની ખાસિયત સમા કદાવર, ઘટાદાર, ફળ-ફૂલથી લચકતાં વૃક્ષો તો ખરાં જ - સાથે સાથે તાડ જેવી લાંબી નાળિયેરી ઉપર લાગેલાં નાળિયેર શોભામાં વૃદ્ધિ કરે. નાળિયેરીની શ્રેણી બાગ અને સ્ટેશનની ઈમારત વચ્ચે નાકલીટી તાણે અને બાગમાં પેલા હોજમાં બતક તરે ને પંખીડાં પાંખો ફફડાવી, ખંખેરીને નૃત્ય કરે ! વળી લીલાંછમ ઘાસ અને ઝીણેરાં પાનનાં છોડવાઓમાંથી વિધવિધ આકારો બાગમાં છાતી તાણીને ઊભા હોય. પશુ, પંખી, સંગીતનાં વાદ્યો, ઓટલા, બેઠક અને અધધ. હરિયાળી રચનાઓ આંખમાં અમી આણે ! બાગને મન ભરી નિરખીએ અને પેલા સ્ટેશનને જીવંત અને જીવતું જોવા જઈએ ત્યાં તો વચ્ચે પાછું લ્યો; આવ્યું એક સ્ટેશન ! હા, આ છે ઘડીક પોરો ખાઈને જોવા જેવી - દર્શન કરવા જેવી એક જગ્યા. મહેલ જેવી ઈમારતના ખોળામાં બેઠેલા સ્ટેશનના બે નંબરના પ્લેટફોર્મ ઉપર છે નવસો વર્ષ જૂની ગાદી એક સૂફી સંતની. તે છે ''ખામ્મન પીર દરગાહ''. શાહ સૈયદ કયામુદ્દીન સાહેબની તે અજબગજબની મઝાર છે. સર્વધર્મ સમભાવ ન્યાયે દરેક ધર્મના લોકો અહીં શ્રદ્ધાથી શીશ ઝુકાવી પીરબાબાને નમન કરે છે ને સુંદર મઝાની ચળકતી ચાદરો ચડાવી માનતાપૂર્તિ કરી એમના આશિષ ઝંખે છે. પુણ્યતિથિએ ઉર્સનો ઉત્સવ થાય. પુરાતત્વ ખાતાની એ હેરિટેજ સાઈટ પણ છે. આ છે ચારબાગ સ્ટેશન પહેલાંનું સ્ટેશન !

ધાર્મિક સ્થળ, બાગ અને સ્ટેશન - એક જ મુકામે

ચાર બાગને 'ચહાર બાગ' પણ કહેવાય છે એવા આ શ્રીત્રિસ્થળની આસપાસ ગીચ વસ્તી અને વ્યવસાયના દબાણ વધતા જાય છે ત્યારે બાગ ઝાંખા પડે તે સ્વાભાવિક છે પણ આપણે તો ''માણ્યું એનું સ્મરણ કરવું''ને અમલમાં મૂકીએ તો મનનું સમાધાન ઝટ થઈ જાય. આપણા ઈચ્છિત ગંતવ્ય સ્થીત સ્ટેશને જાતાં પહેલાં બહારના એક શિલાલેખ ઉપર નજર કરીએ તો એક અગત્યની નોંધ વાંચવા મળે : આ એ જ જગ્યા છે જ્યાં ગાંધીજી અને પં.જવાહરલાલ નહેરૂનું પ્રથમ મિલન થયેલું : ૨૬ ડિસેમ્બર - ૧૯૧૬. તેઓ ત્રીસ ડિસેમ્બર સુધી - ચાર દિવસ માટે દેશદાઝને હૈયે ધારણ કરી બન્નેએ અહીં વિદ્વત્ ચર્ચા કરેલી. ત્યારબાદ ૧૯૩૬માં બાપુ અહીં ફરીથી આવ્યા અને આ જ સ્ટેશનમાં એક 

પરિસંવાદમાં એમણે ભાગ લીધો. ભારતીય શ્રમિકોને પરદેશ ન મોકલવાનો તથા બાળમજૂરી પ્રતિબંધ અંગેનો એમણે ભારપૂર્વક પ્રસ્તાવ મૂક્યો - જેનો અમલ આજ સુધી થઈ રહ્યો છે. આ થઈ દેશના દેહ અને દિલના અણમોલ સ્થાપત્યની વાત. ચાલો, ચારબાગ તરફ ફરી કૂચ કરીએ તો એહીં ઐશબાગ, આલમનગર, અમૌસિ અને બાદશાહનગર સ્ટેશનો પણ છે પરંતુ ચારબાગ જેવું સુંદર અને ઐતિહાસિક સ્ટેશન અન્ય કોઈ નહિ. એ મુખ્ય હેરિટેજ સ્થાપત્યવાળું અનુપમ મહેલ સમ અને ગૌરવશાળી સ્ટેશન છે લખનૌનું. એના સ્થાપત્ય, ઈતિહાસ અને વહીવટને સમજવા અંદર જતાં પહેલાં બહાર નજર કરીએ અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદીએ.

લસરકો :

લખનૌની ઓળખ છે ગંગા જમુની સંગમ : સર્વધર્મ અને સંયુક્ત સંસ્કૃતિ.

હંગામી રોકાણ અને સ્ટેશન સમાનાર્થી

આપણા જીવનની ગતિવિધિ જેવું જ વાતાવરણ કોઈપણ સ્ટેશન ઉપર જોવા-સમજવા મળે. સતત કામ, પ્રવૃત્તિ, ચહલ-પહલ અને વળી થોડો વિરામ. માંડ ઝોકાં આવે ત્યાં તો ''ગાડી બુલા રહી હૈ... સીટી બજા રહી હૈ...'' અને સફાળા ઊભા થઈને ટ્રેઈનમાં ગોઠવવાનું હોય. પ્રવાસ દરમ્યાન પણ; ટ્રેઈનની ગતિ-વિધિઓમાં એ જ પુનરાવર્તન. થોડો લોકમેળો, થોડોક મનમેળો ને ઉતરો ! બસ, અવિરત ચાલતી આ બધી જ વૈવિધ્યપૂર્ણ સફરોનો થાક તો લાગે પણ એના અનુભવની ઉજાણી કરવીય ગમે. વૈશ્વિક સ્તરે નોંધીએ તો નાનાં-મોટાં સ્થળો અનુસાર નાનાં-મોટાં સ્ટેશનોના ઠાઠમાઠ અને ગરિમાય અલગ અલગ જોવા મળે. અરે ! ક્યારેક તો સ્ટેશનને શોધવું પડે. પ્રથમ દ્રષ્ટિએ સીધે સીધા સ્ટેશનો જે અગાઉ દેખાતાં એવું રહ્યું નથી. હવે ક્યાં પાટા-પ્લેટફોર્મ અને ટિકિટબારી એક સાથે જોવા મળે છે ? કેનેડાના કેલગરી નામના ગામે એક મસમોટી ઈમારતની અંદર સમાયેલાં સ્ટેશન અને પ્લેટફોર્મને ગોતવાં પડે એવા અનુભવે શીખાયું કે પેલી ચડ-ઉતરની ધમાલ, દોડાદોડ, કુલી, ખાણી-પીણી, અન્ય દુકાનો અને ''આવજો... સાચવીને જજો...'' જેવા અશ્રુસભર વાકયો હવે દુર્લભ થઈ ગયાં છે. પહોંચ્યાના પોસ્ટ કાર્ડસ અદ્રશ્ય થઈ ગયાં છે. બધા જ પ્રકારની યાતાયાતનું હવે નવીનીકરણ થયું - જોયું ને ! મેટ્રો ટ્રેઈન આવી ગઈ અને બુલેટ ટ્રેઈનના ભણકારા વાગી રહ્યા છે!


Google NewsGoogle News