વિદ્યાશંકર - એક વિશાળ રાશિ મંદિર .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- જ્ઞાન-વિજ્ઞાન - કલામાં શિરમોર - વિદ્યાશંકર મંદિર
પવિત્ર શૃંગેરી ગામે આદિ શંકરાચાર્યે દક્ષિણામનય શૃંગેરી શારદા પીઠમની સ્થાપના કરી. અદ્વૈતવાદના પ્રહરી આ ગુરુવર્યે શ્રી વિદ્યાશંકર મંદિરની પણ સ્થાપના કરી. વિદ્યારણ્યા સંતના હાથે આ શ્રી સ્થળની સ્થાપના થઈ. વિજયનગર સામ્રાજ્યના હરિહરા અને બુક્કા નામના બે ભાઈઓ એના આશ્રયદાતા હતા. શિલાલેખમાં ઉલ્લેખ છે તે મુજબ આ સામ્રાજ્યની સ્થાપના પણ એ બે ભાઈઓ દ્વારા થઇ હતી. મંદિર સ્થાપત્યમાં ત્રણ પ્રકારની શૈલીનો સંગમ દેખાય છે. હોયસાલા (ચાલુક્ય), વિજય નગર (દ્રવિડ) અને દક્ષિણ ભારતીય આર્કિટેકચરલ શૈલીનાં પ્રભાવક તત્ત્વો એમાંથી ઝળકે છે. ૧૩૩૮ એ.ડી.માં આ અદ્વિતીય સ્મારક ગ્રેનાઇટ પથ્થરો વડે બનાવાયું. પર્વત ઉપરથી ભવ્ય દ્રશ્ય દેખાય. તીવ્ર વળાંકો અને ઢોળાવો પર્વતને ગોળ ફરતે ભરડો લેતા હોય એવું લાગે. સ્હેજ સ્હાજ લંબચોરસ જેવો લાગતો આકાર પૂર્વ પશ્ચિમ દિશાને આવરતો જણાય. ઊંચી પ્લિન્થ ઉપર ઊભેલ આ મંદિર ભગવાન મહાદેવજીને સમર્પિત છે. મઠની જેમ મંદિરમાં પણ ગુરુજીની પ્રાચીન ગાદીનો મહિમા છે. આ પવિત્ર તીર્થ સ્થળ તુંગ નામની નદીને કાંઠે આવેલું ચૌદમી સદીનું કૌતુક છે. આ સ્મારકની પશ્ચિમે છ ગર્ભગૃહ છે જેમાં મુખ્ય ગર્ભગૃહમાં વિદ્યાશંકરના લિંગની સ્થાપના છે. ઉપર જ મુખ્ય શિખર સોહે છે. પ્રવેશની એક બાજુએ વિદ્યાપતિ અને અન્ય બાજુએ દુર્ગાદેવી છે. ગર્ભગૃહની ત્રણે બાજુએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સપત્નીક ઉપસ્થિત છે.
'જય જય તુંગ તરંગી ગંગે...'
મંદિર સંરચનાનો અડધો ભાગ તો મંડપ છે જેમાં બાર શૃંગારિત સ્તંભો છે. વિશાળ મોનોલિય (એક પથ્થરમાંથી બનેલ) એવી આ રચનામાં મહાકાય આકૃતિઓ અને વજનદાર આગળ પડતા ભીંતમાં જડેલા લાકડા અને પથ્થરા નજરે ચડે જે જાણે કે શિખરને ઊંચકીને ઊભેલા જણાય. મંદિરનું વિમાન (બહારની ભીંત અથવા ટાવર) ભવ્ય સ્તંભદાર, ઉપરથી નીચે આડા વળિયાવાળી ભાતવાળું શોભે છે. ત્રણ ટૂકડે સ્તંભો, વચ્ચે ઝરૂખી, સૌથી ઉપર શિખરે આમકલ, કુંભ-કળશ છે. ભવ્ય શિખરમાં મહામંડપ અને સ્તુપિ (નાનો સ્તુપ) છે. બાકીનું છાપરું ઢોળાવવાળું, ચડ-ઉતર છજાવાળું એક કલાકૃતિ તરીકેની પોતાની શાખ જાળવી રહ્યું છે. ભોંયરું વિગતવાર શિલ્પોથી ખચિત છે જેમાં પ્રાણીઓ, પૌરાણિક કથાઓ, શિવ, વિષ્ણુ, દશાવતાર, કાલીમાતા, ષણ્મુખ દેવનાં દર્શન થાય. સાંકળની શૃંખલાઓ, રિંગ (કડીઓ) અને ઘૂરકતા સિંહના શિલ્પોમાં અઢળક પથ્થરના નાના નાના દડા મોટા મોતી જેવા લાગે જેને ફેરવી પણ શકાય. મધ્યસ્થ ખંડમાં પણ પથ્થરની ગોળીઓ અને કડીઓ અલગ ભાત પાડે છે. તે લટકે પણ છે. વિજયનગર કાળની આ અદ્ભુત કળા અન્ય સર્વકળાઓથી હટકે છે જેની નોંધ સ્હેજ રીતે લેવાઈ જાય. આકૃતિઓનાં નિરૂપણ રસિકો માટે તો શિલ્પોના કોઠાર કે ભંડારથી કમ નથી. યુગની સંસ્કૃતિ અને તેના સંસ્કારને સમર્પિત મંદિરની જગતી પણ શિલ્પોથી ભરચક છે. મુખ્ય દ્વારો મંડપ તરફ જાય છે જે બાર સ્તંભોથી જોડાયેલા છે તે અસામાન્ય છે. તે 'રાશિ ખંભા' છે. જે ગીચ ઝીણી નકશી કોતરણી સહિત મક્કમ ઊભા છે, યુગોથી તેની ઉપર બાર રાશિચિહ્નો હિંદુ કેલેન્ડરને વરેલા છે.
વિદ્યાશંકર લિંગ શ્રી વિદ્યા તીર્થજીની સમાધિ ઉપર છે
પ્રસ્તુત રાશિ સ્તંભો ન માત્ર સૌંદર્ય મંડિત છે પરંતુ તે સર્જકોની ઊંચી સમજ, જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન અને બ્રહ્માંડની ગતિવિધિઓ પર આધારિત છે. મંદિર અંદરની છો ઉપરની રેખાઓ ઉપર એની છાયા પડે છે તે યોગ્ય દિશા બતાવે છે. વિજયનગરના ઇતિહાસનું તે સુવર્ણ પાનું છે. આ 'ઝોડિયાક' સ્તંભો 'સનડાયલ'ની ભાત રચે છે તે વિજ્ઞાનના રત્ન સમાન છે. પરોઢિયાનાં સૂર્યકિરણો બાર મહિનાની બાર રાશિઓ અને તેની સંજ્ઞાનું સૂચન કરે છે.
સ્તંભોમાં કદ વૈવિધ્ય છે. પ્રત્યેક પ્રભાતે ચાલુ હિંદુ મહિના મુજબ ચોક્કસ રાશિ ચિહ્ન પ્રમાણે ખાસ સ્તંભ પર સૂર્ય કિરણો પડે તે આખા મહિનાનો ક્રમ હોય. યોગ્ય રાશિનું પ્રતિનિધિત્વ કરે અને મહિના સાથે રાશિ ચિહ્ન બદલાય અને નવા સ્તંભનો વારો ! સૂર્યકિરણ સ્વયમ્ પ્રકાશ રાશિ દ્વારા માસની ઓળખ કરાવે એ બને બારે રાશિના પ્રતીકાત્મક સ્તંભો. આ એક સ્થાપત્ય અને વિજ્ઞાનને લગતી સિધ્ધિ છે જે એ વખતના સ્થપતિઓના જ્ઞાન અને દૂરદર્શિતાને આભારી છે. કોઈપણ સાધન વગર બનેલી આ અજબગજબની રચનાને સલામ ! આવા ભાવતીય નિષ્ણાતો અને તજજ્ઞાોએ ભારતનું નામ ઉજાળ્યું છે. તડકાને અનુસરતા સિદ્ધાંતોમાં ગાણિતિક જ્ઞાન પણ ખરું ! સ્તંભોની સંજ્ઞા નકશી કલા સ્વરૂપે થાંભલાઓને અનુરૂપ રાશિનાં નામ-ઓળખ આપે ! સ્તંભોની રૂપરેખા ખગોળીય અવધારણા ઉપર અવલંબિત છે. અનેકવિધ કળાઓ, વિજ્ઞાન, ખગોળ અને ગણિત શાસ્ત્રના સામૂહિક સિદ્ધાંતો અહીં સમયને માપવા અને સમજવાની ગુરુચાવી અર્પણ કરે છે.
લસરકો :
સૂર્યનારાયણના સંકેત મુજબ સૌરચિહ્ન વર્ષના મહિનાને ઓળખાવે એ આ પૃથ્વી ઉપરનું અચરજ જ ને વળી !!
સંસ્કૃતિ, સંસ્કાર, સાહિત્ય, સર્વે કળાનાં વતન છે મંદિરો
મંદિર પ્રવાસ અને પ્રવાસમાં મંદિરની મુલાકાત એ બન્ને જુદી વિભાવના છે. બન્નેનું મહત્ત્વ સરખું છે છતાં એમાં એક ફરક છે. મંદિર પ્રવાસ એ કલા પ્રવાસમાં રૂપાંતરિત થઇ જાય પણ આરામ, વાતાવરણ ભેદ, મનોરંજન, રખડપટ્ટી, કુદરતી સૌંદર્ય અને શીતળતાની શોધમાં નીકળેલા પ્રવાસીને અનાયાસે કોઈ ધાર્મિક સ્થળ મળી જાય તો એને એ ઉવેખી શકે નહિ. હોંશે હોંશે 'દર્શન' તો કરે જ પરંતુ તેનાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રો જેવી અનેક કળાઓ યાત્રીને જરૂર આકર્ષે. હશે ! હેતુ જે હોય તે - આપણા દેશમાં પર્યટન અને દર્શન કેટલેક અંશે એકમેકના પર્યાય બની જાય ખરા ! વળી, બન્નેમાં નૈસર્ગિક તત્ત્વો પર્વત, નદી, તળાવ, સમુદ્ર, પ્રપાત, ઝરણાં, વનરાજી, પશુ-પંખી, અન્ય જીવોનાં માન-પાન-સ્થાન-શાન ઘણાં હોં ! આમ તો આપણા આસ્તિક ભારત દેશમાં ચોરે ને ચૌટે ધર્મસ્થાનો મળે પણ દક્ષિણ ભારતના મંદિર વૈભવની તો વાત જ અનેરી છે. તેના દરેક રાજ્યની જુદી ઓળખવાળાં બેશુમાર મંદિરો કલાનાં પ્રહરી છે, શ્રદ્ધાનાં સુકાન છે, થાક્યાનો વિસામો છે, ભૂખ્યાંજનોનાં જઠરાગ્નિ જાગ્યાં હોય તો એ મા અન્નપૂર્ણાનાં અવતાર છે. શિક્ષણ, માનવસેવા, દેશસેવા, વિજ્ઞાન, સાહિત્ય, ટેનોલોજી ક્ષેત્રે અગ્રણી બની વિશ્વ સ્તરે ભારતનું સર્વાંગી સ્તર ઊંચું કરવામાં પણ તેઓ સહભાગી બને છે એ ગૌરવપૂર્ણ અભિગમ છે. કર્ણાટક રાજ્યના ચિકમંગલુર જિલ્લાના શૃંગેરી ગામે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રને બહાલી આપનાર એક અલગ પ્રકારના મંદિર વિદ્યાશંકર મંદિરને અહોભાવયુક્ત નમન.