કાંગરા કિલ્લાની કાંગરીએથી .

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
કાંગરા કિલ્લાની કાંગરીએથી                          . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

શૌર્યનું ગૌરવપૂર્ણ પ્રતીક છે કાંગરા કિલ્લો

સૃષ્ટિની રચના જ એટલી સર્વાંગ સંપૂર્ણ થઇ છે કે તેના દરેક અંગનું મહત્ત્વ છે. 'પૃથ્વી' એટલે કે પ્રત્યેક જીવનું ઘર. કુદરત, નિસર્ગ, પ્રકૃતિ - જે નામે બોલાવીએ એ પણ આપણા જીવન સાથે વણાઈ ગેયલાં તત્ત્વો છે. માનવજીવનમાં આ બધાં પાસાં અગત્યનો ભાગ ભજવે છે અને તેથી જ સૌના તાણાં-વાણાં વણાઈ ગયેલા અનુભવાય છે. તેના વડે જીવનનું પોત તૈયાર થાય છે. માનવી માત્રને આખા બ્રહ્માંડને પામી જવાની ઝંખના હોય છે તેથી જ ઇતિહાસને સાચવી વારંવાર તેમાં ખોદકામ કરવાનું મન થાય છે, ભૂગોળને સમજી જુદા જુદા પૃથ્વીપટનું અટન કરે છે માનવી. ખગોળને પામવાની વાત આકાશકુસુમવત્ છે પરંતુ તેમાંય માનવી સંશોધન કરતો રચ્યો પચ્યો રહે છે. હવે જ્યારે આપણા પોતાના હાથમાં અને ભાગ્યમાં જે હોય તેનો ભોગવટો કરવાનો હોય ત્યારે ઉત્તમ ઉપાય પ્રયાસ તો પ્રવાસનો જ રહે ! તેમાંય મેદાનો, પર્વતો, નદીઓ, સાગર, ઝરણાં, ધોધ, જંગલો સઘળાંથી માનવી આકર્ષાયેલો રહે છે ત્યારે જે તે શક્ય સ્થાને જવા તે તલપાપડ થતો રહે છે. તેની જિજ્ઞાસા તેને સતત કનડતી રહે છે અને લટકામાં ભળે છે ધર્મ. 'જાતરા'ના સિક્કા વટાવવાય બહુ ગમે અને કુદરતી સૌંદર્ય તો ખરું જ ! રોજિંદી ઘટમાળથી દૂર તન-મનની તાજગી અર્થે નીકળી પડે છે ઉત્સુક જનો ખભે કોથળો નાખીને મોકળા મને વાત અહીં અઠંગ પ્રવાસીની છે - સ્થળોની યાદીને 'ટિક' કરીને ટૂંકાવવાનો ઉપક્રમ નહિ; પણ સાચા દિલથી કુદરત અને હેરિટેજને પામવાના પ્રયત્નોની છે.

દેશના સૌથી મોટા કિલ્લાઓમાં આ કિલ્લો આઠમા ક્રમે

પવિત્ર ભારત ભૂમિનાં વંદનીય સ્થળોને હૃદયસ્થ કરવાં હોય તો હિમાલય જેવો અન્ય કોઈ વિકલ્પ નથી. એમાંય દેવભૂમિ હિમાચલ પ્રદેશના લોકપ્રિય જિલ્લા કાંગરા (કાંગડા)ની યાત્રા ચિરંજીવ બની રહે. અહીં રસિકોને પ્રકૃતિ પોતાની કળાથી બહેલાવે અને ઘેરાં લીલાંછમ વન હિમાચ્છાદિત શિખરો, હિમખંડો, ધોધ, ઝરણાં, નદી, પર્વતો અને ફરતે સર્પાકાર સડકો, કાંગરા ક્ષેત્રની લઘુકળાના વારિથી શુધ્ધ થઇને આપણે તાજગી અનુભવતાં કાંગરા કિલ્લા તરફ વળીએ તો આ પ્રદેશના મુખ્ય મથક ધર્મશાળાથી વીસેક કિ.મી. કાપવાના થાય. કાંગડા ખીણ પસાર કરતાં આંખોને ટાઢક વળે એવાં 'સોપાન ખેતી'નાં દ્રશ્યો મા'ણવા મળે. ઠેર ઠેર આછા જામલી રંગના ફૂલના ઝૂમખાદાર વૃક્ષો આંખ ઠરે. 'રાજકલી' એનું નામ જેનો ઠાઠ પણ રાજાશાહી દૂ...રથી કિલ્લાના કાંગરા ડોકું કાઢતા જાય. આ કિલ્લો 'નાગરકોટ' અને 'કોટ કાંગડા' તરીકે પણ પ્રસિધ્ધ છે. હિમાલયની 'ધૌલાધાર' પર્વતમાળાની તળેટીમાં બે નદીઓ વચ્ચેની એક ટેકરી પર છે આ હજી જાજરમાન લાગતો કિલ્લો. આ સૌંદર્યની શ્રેણીની બે નદીઓ છે - બાણગંગા અને માઝી.

 માઝીને પાતાળગંગા પણ કહે છે. એ સંગમને આરે હિમાલય શ્રેણીનો સૌથી મોટો પ્રાચીનતમ કિલ્લો કાંગરાના ઇતિહાસની ગાથા ગાતો હજી શ્વસે છે. આમ તો ઇતિહાસ તેને મહાભારત કાળ સુધી ખેંચી જાય છે. કહે છે કે રાજાનકા ભૂમિચન્દ્ર એ વંશના ૨૩૪મા રાજા હતા. જેમણે ખીણમાં સમારકામ કરાવી આ કિલ્લો બાંધેલો. પણ આપણી આધુનિક શોધખોળ મુજબ કાંગરા રાજ્યને પ્રાચીન 'ત્રિગર્ત' નામ મળેલું. ત્યાંના કટોચ વંશના રાજપૂત રાજવીએ ૭૦૦ મીટર ઊંચો આ કિલ્લો બંધાવેલો.

અહીં ચિત્રમય રસપ્રદ ભગ્નાવેશો છે

સુરક્ષાહેતુ કાંગરા કિલ્લામાં ઊંચી દીવાલો પર કાંગરી જોવા મળે. વચ્ચે વચ્ચે હથિયારધારી સૈનિકો માટે સાંકડી ડોકાબારી ખોડીબારું હોય જેમાં બંદૂકનું માત્ર નાળચું જ બહાર ડોકું કાઢે. બહારના દ્વારથી ૫૦૦ ફૂટે ગોળ ફરતો તીક્ષ્ણ ખૂણો મળે. બધે જ ચોકડીવાળી ભાત કિલ્લાની શોભા વધારે. રણજિતસિંહ દ્વાર, આહિની દ્વાર અને અમીરી દ્વાર વટાવતાં ચડતી દીવાલે ભગ્ન શિલ્પોનાં દર્શન થાય. ગણેશજીના જમણા હાથમાં લાડુ લાગે. અન્ય ગણેશજી કમલાસન પર બિરાજ્યા છે; તો હનુમાનજી સંજીવની પર્વતને માથે ધારણ કરીને દર્શન દે. સામસામી દીવાલે ઝીણી જાળીઓ આ દુર્ગને નજાકતતા બક્ષે. ત્યાર બાદ દર્શિની દ્વાર, મહેલોંકા દરવાજા અને અંધેરી દરવાજા આવે ત્યારે સાત મીટર ઊંચાઈ પહોળાઈવાળા રસ્તે બેજણ મુશ્કેલીથી પસાર થઇ શકે. અન્ય ૧૫ ફિટવાળી દીવાલ ઘોડાને દોડાવી શકે અને દુશ્મનોથી બચી શકાય એવી છે. દ્વાર પર લોખંડના ચાપડા ચોડયા હોય. વચ્ચે કટોચ મહારાજનું સ્થળ અને કુળચિહ્ન મળે. જહાંગીર દ્વાર પછી કિલ્લાનું આંગણું અને પ્રાચીન ઇમારતોનાં દ્રશ્ય ખુલે. વચ્ચે ગંગા-જમના નદીનાં ખંડિત શિલ્પો અલૌકિક મુદ્રામાં દેખાય. ચોકમાં શિખર શૈલીના લક્ષ્મીનારાયણ મંદિરનાં અવશેષો રેઢાં પડેલાં દેખાય. જાળીદાર, કોતરણીવાળા સ્તંભો, ચબૂતરો અને સાડા ત્રણ આમલકો ઉપર શીશ મહેલને ઝાંખે અને ઝંખે. રાણીઓનાં નાવણિયાં અને વેરવિખેર પથ્થરો, વળિયાવાળા ગોખલા, કસબ, કિનાર, ઢળતી કુંભી પર ફૂલ પત્તી, ખાંચેદાર સ્તંભ અને કેટલીક ભગ્ન મૂર્તિઓ આંસુ સારે. અહીં શ્રી આદિનાથજીની મૂર્તિ પાણિયારા જેવા પાષાણ આસન પર બિરાજેલા છે. મૂર્તિ શ્યામલ પથ્થરની, કાન લાંબા, આંખ બંધ અને પદ્માસન. આ જૈન મંદિરમાં પૂજા-અર્ચના થાય છે. અહીં અંબિકાદેવી પણ બિરાજે છે.

લસરકો :

શું ભગ્નાવશેષોને ભેગાં કરી નૂતન નિર્માણ થઇ શકે ? ચાલોને, નવું ઉમેરણ પણ કરીએ.

ભગ્નાવશેષોની પણ ગરિમા છે અહીં

કાંગડા ગામની સીમમાં કાંગડા કિલ્લો નવમી-દસમી સદીમાં બંધાયાની શક્યતા છે. લગભગ તરત જ મહંમદ ગઝનીથી માંડીને મહંમદ તુઘલખ, શેરશાહ, અકબર, જહાંગીર સુધીના બાદશાહોએ એને ઘમરોળ્યો. ૧૭૮૬માં ત્યાંના રાજા ધરમચંદના વારસ સંસારચંદે આ કિલ્લો સંભાળ્યો જેમાં સતલજ નદીની સાખે અન્ય નેતાઓને થોડો ભાગ આપ્યો. અંતે ૧૮૪૬ દરમ્યાન બ્રિટીશર્સે કિલ્લો પચાવી પાડયો. ૪ એપ્રિલ ૧૯૦૫માં ભારે ભૂકંપ આવ્યો પછી અદ્ભુત બાંધણીની આ વિરાસત એકલતામાં પડી ઝૂરવા લાગી. હાલ આ ભગ્ન કિલ્લા માટે ઇતિહાસ પોકાર કરે છે. રાજકીય ગેઝેટ મુજબ હિમાલયન ક્ષેત્રમાં ૨૮૨ કિલ્લાઓ હતા તેમાંનો આ એક હજી પાંચમાં પૂછાય છે. શાહજહાઁએ સુંદર વર્ણન કરતાં કહેલું કે 'ઘણો દળદાર છે આ કિલ્લો'. ૪૬૩ એકર વિસ્તારમાં ઊભા ખડકની કરાડ પર ઊભેલો આ કિલ્લો બાણગંગા નદી તરફથી ૪૦૦ ફિટ ઊંચો છે. સંરક્ષણ સારુ કિલ્લા પર ત્રેવીસ પંચકોણિયા બુરજ છે. અત્યંત મજબૂત પથ્થરના આ પરિસરમાં અગિયાર દ્વાર છે. પચાસેક વાર તો એના શક્તિશાળી માલિકો બદલાયા. છેલ્લા રાજા જયચન્દ્ર પછી આઝાદ ભારતમાં ભારતીય પુરાતત્ત્વ ખાતાએ એનો કબજો બળવાન કર્યો. તે આજ લગી બરકરાર છે. ઘણી ઊંચાઈ પર સુંદર મકાનોની પ્રેરણાથી સ્પેનના બધા જ 'મૂરિશ' કિલ્લાઓ આ પેટર્ન પર જ બન્યાં છે. કિલ્લાનું બાંધકામ ઘણું જ રસપ્રદ છે તેની પાછળ સાર્થ બુદ્ધિનો પ્રતાપ અને પ્રસાદ છે. પ્રવેશે નાનું પ્રાંગણ છે બે ગેઇટની વચ્ચે ગૉથિક શૈલીની અસર હેઠળ દ્વારના આકાર ચર્ચ જેવા લાગે છે. જમણી કોરે સિંહાકૃતિમાંથી સતત શીતળ જળ શિકરો વહે છે. નાના સાંકડા દાદરા વચ્ચે પહોળા ઊંચા દાદરા પણ આહ્વાન કરે. આગળ પાછા મળે જળકુંડ અને કોઠાર.


Google NewsGoogle News