મેવાડી સ્થાપત્ય ખજાના ઉપર કૃપા કુદરતની

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
મેવાડી સ્થાપત્ય ખજાના ઉપર કૃપા કુદરતની 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

સ્થાપત્ય એ અવિચળ કળા છે

કળાના પ્રત્યેક પ્રકારમાં કુદરતની કળાનું પ્રતિબિંબ દેખાય. શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, નાટય સંગીત આદિ કળાઓ અંગે ભરતમુનિએ લખેલ 'કોશ'- એનસાયકલોપિડીયા સમાન ગ્રંથ - ''નાટયશાસ્ત્ર''માં કળાના વિવિધ આયામોની વિશદ છણાવટ કરવામાં આવી છે. સાહિત્ય પણ એમની પરિભાષા પ્રમાણે ઉચ્ચ કળાની શ્રેણીમાં આવે. આપણને વિદિત છે એ મુજબ સ્થાપત્યમાં રસ હોય એમણે સ્વયમ્ સ્થાપત્ય સુધી જવું પડે. વળી, સ્થાપત્યના પણ અનેક પ્રકારો હોય છે - પ્રાચીન, મધ્યયુગીન, અર્વાચીન, અતિ આધુનિક ઇત્યાદિ. પ્રાચીન કળામાં રસ હોય એમણે સ્થાપત્યના ભગ્નાવશેષોને જોવાની તૈયારી રાખવી પડે - પછી ભલેને તેઓ મનોમન ભગ્ન ઇમારત કે મંદિરના ભિન્ન ભિન્ન ભાગોનો તાલમેળ કરીને મનોવાંછિત આકૃતિ તૈયાર કરી લે અને પછી કલ્પના વિહારમાં જ રચ્યાપચ્યા રહે ! હા, તે સમયે સદાબહાર પ્રકૃતિ જરૂર મદદે આવે. પંચમહાભૂતનાં તત્ત્વોની યાદ અપાવે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વીના તત્ત્વોનો પ્રભાવ તેમને છિન્ન-વિચ્છિન્ન ભાગ, પ્રભાગ, વિભાગને જોડવામાં નિમિત્ત બનાવે. સામાન્ય રીતે આપણે દેશ-દુનિયાના પ્રખ્યાત સ્થાપત્યોને ઓળખતા હોઈએ છીએ - તસવીરના માધ્યમ દ્વારા તાજમહાલ, કુતુબ મિનાર, એફિલ ટાવર, સિડની ઓપેરા હાઉસ ઇત્યાદિ....પરંતુ ભારત દેશના ખૂણે ખૂણામાં ઉપેક્ષાનો અંચળો ઓઢીને પોઢેલાં સ્થાપત્યોનું શું?

સર્જન, પુન:સર્જન, સ્કેચ મેચ થાય - તો કળા થાય કેચ

જીવનરીતિમાં ચમત્કાર સર્જે એવી નાગદા-એકલિંગજી વિસ્તારની આધ્યાત્મિક અસરના મૂળમાં છે અનેક પ્રાચીન મંદિર સંકુલો, મંદિર પરિસરો અને બધેલા તળાવ. પર્વતોની વનરાજી તેમાં ડોકિયું કરે અને સરોવરમાં તો ખીલ્યાં હોય જ બેસુમાર કમળો, કમળકાકડી અને નીચે કમળ પત્રો ! આ દરેક દ્રશ્યના સાક્ષી બની કૃપાને સ્થળ પર ચિતરવું અત્યંત ગમે અને જ્યારે એ કમળવન સાથે તળાવમાં ડૂબકી મારીને રમતું પ્રાચીન મંદિર નજરે પડે ત્યારે કોઈ કલાકારનો જીવ હાથવગો રહે ખરો ? અહીંના સુંદરતમ શિલ્પો અને સ્થાપત્યો પ્રાચીન કલાકર્મથી સમૃદ્ધ છે. તેમાં ભેદ પણ જણાય. બ્રહ્માંડનાં કોઈ તત્ત્વોમાંથી જાણે એ ન સર્જાયું હોય એવું લાગે ! એ બોલકું છતાં શાંત અને અદ્ભૂત તો ખરું જ ! અહીં સહસ્ત્રબાહુ મંદિર વિષ્ણુસ્વરૂપ ઉપરવાળો હજાર હાથ વાળોની અનુભૂતિ કરાવે. દસમી સદીમાં નાગદાના રાજાએ બંધાવેલ આ મંદિર નાગર શૈલીનું, પર્વત શિખર જેવું ઉન્નત શોભાયુક્ત છે જેના શિખર ઉપર આમલક શોભે છે. તેની ઊંચી જગતી અને કુંભી ખાંચાવાળા છે. ભૌમિતિક ભાતયુક્ત સ્તંભોવાળો કઠેડો ખભે સ્તંભ ધારણ કરી ઊભો છે. એનો ટેકો લઈને મદલ છજા સુધી લાંબા થયાં છે. મુખ મંડપ અને મંદિર પ્રવેશ તરફ જતાં ચોમેર સ્તંભો અને દેવી દેવતાઓનાં શિલ્પો દર્શન દે છે. મિથુન દ્રશ્યો, નાનાં મંદિરો, પૈડાં, ગણેશજી, ઝરૂખા ભાતમાં ઊભી અપ્સરા અને અન્ય દેવી દેવતાઓ મંદિરને શોભાવે ! દીવાલે ખાનાઓમાં ભૌમિતિક ભાત અને સ્તંભ વચાળે વર્તુળમાં ફૂલપત્તી સોહે. સ્થાનિકો તેને ''સાસબહુ મંદિર'' તરીકે ઓળખે છે. ભારતીય મંદિર સ્થાપત્યના અગત્યના અંગ સમા તોરણોનો પણ અહીં મહિમા છે જેમાં આગલી પેઢીના સ્થાપત્યની જુદી કલા કારીગરી જોવા મળે.

સ્થાપત્યકળા અને ચિત્રકળાનું સંયુક્ત રસદર્શન

ઠેર ઠેર વેરાયેલાં પડેલાં સ્થાપત્યનાં અંશો જળરંગમાં ઝબોળી સુતરાઉ કાપડના ચોક્કસ માપના ''કેનવાસ'' પર ઉતારતાં કલાકાર કૃપા ચિત્રના સહજ લસરકામાં ખોવાઈ જાય છે. ગુરૂ શ્રી નટુભાઈ પરીખને સ્મરી એવી રંગછાંટની છોળો ઉડાડે કે પીળા અને સ્હેજ કથ્થઈ રંગના સપાટા આખા ઇન્દ્રસરોવરને સૂર્યકિરણોની જેમ ઝળાંહળ કરી દે. ભગ્ન શિવ મંદિરના ગુંબજની અંદરની કિનાર પર રમતી અપ્સરાના પગે બાંધેલા ઘૂંઘરૂના રણકાર 

ચિત્રમાંથી સંભળાય છે કે સ્થાપત્યમાંથી તે નક્કી કરવું ઘટે. ફૂલપત્તીની લકીરમાંથી સોડમ પ્રસરે ત્યારે નકશી-કોતરણીનો મહિમા સ્થાપત્યમાં શું સ્થાન ધરાવે છે તે ચિત્રમાંથી સુપેરે સમજાય. પ્રાચીન એકલિંગજી મંદિર સંકુલના વિશાળ પરિસરમાં ચૌદિશ-ચાર દ્વારના પગથિયાં રત્ને જડેલા લાગે. પ્રત્યેક દ્વારે નંદી ભીતર ડોકિયું કરે ત્યારે ચિત્રમાં તેનો અણસાર આખી આકૃતિ ઊભી કરે. ચાંદી જડેલા દ્વારે ઊભા ગણેશ અને કાર્તિકેય સ્થાપત્યનો ભાગ છે કે ચિત્રના નાયક - તે રસિકો જાણે ! અરે ! ઉજાસ અર્થે મંદિરમાં પથ્થરની જાળી હોય તો તે હવા પણ લહેરાવે અને આકાશદર્શન પણ કરાવે તે જળરંગોની મેળવણી અને વૉશનું મહત્ત્વ ઉજાગર કરે. આ સ્થાપત્યનું એરિયલ વ્યૂયુક્ત ગૌરવ પાર વગરની ઝીણી વિગતો ચિત્રને અને મૂળ કળાને - બન્નેને બિરદાવે. નાનાં-મોટાં શિખરોનો મૈત્રી મેળો અલંકૃત મંડપને માન-પાન બક્ષે ત્યારે સ્થાપત્ય અને ચિત્ર-બન્નેના ધ્વજ હવામાં ફરકે. સ્થિર ઉભા સ્થાપત્યોને જાણે કે સ્થળાંતર કરાવી - ચિત્રરૂપે જીવંત કર્યાં છે એ એકાવન મૂળ ચિત્રો નાગદાના શ્રી તુષાર ભંડારીના અંગત સંગ્રહમાં સોહે છે. આમ, આ કાયાકલ્પ બન્ને કળાના આયામોમાં ઇશકૃપાએ ચિરંજીવ રહેશે એવી શ્રદ્ધા.

લસરકો :

''નાગદા-એકલિંગજી-ટ્રેઝર ઓફ મેવાડ એક એવી રસપ્રદ નોંધ છે કે જેમાં કળાનાં યશોગાન થકી સ્થાપત્યો અને ચિત્રો સમાંતરે આગેકૂચ કરતાં કરતાં નૈસર્ગિક તત્ત્વોને અને કળાની બારીકીને સલામી અર્પે છે.''

એક સમયે એકલિંગજી ''પશ્ચિમનું કાશી'' કહેવાતું

સદીઓ પુરાણાં સ્થાપત્યોને સમયનો લૂણો લાગે. તેની ઉપર વિધર્મીઓનાં આક્રમણ થયાં હોય. કલાકૃતિઓ વેરણ છેરણ થવાના કારણે ચોરાઈ ગઈ હોય. ભારત દેશના આવા તો કેટલાય અંશો દરિયાપાર પગ કરી ગયા છે. પુરાતત્ત્વ ખાતા અને યુનેસ્કોના અથાગ પ્રયત્નો છતાંય તે સચવાયાં ન હોય તો એને અમર રાખવાના અન્ય કોઈ ઉપાયો ન વિચારી શકાય ? આ કળા ચિરંજીવ રહેવી જોએઈ. હેરિટેજ સ્થાપત્યે મને આકર્ષી છે. કુદરતે મને પોષી છે તો એને લોકહૈયામાં સ્થાન અપાવવા માટે મારે કંઈક કરવું છે કહેનાર અમદાવાદના યુવા ચિત્રકાર શ્રીમતી કૃપા બીજલ શાહ હેરિટેજ ચિત્રોના સર્જનમાં મહારત ધરાવે છે. રાણકી વાવ, પોળો વન સ્થિત સ્થાપત્યો ઉપરાંત અન્ય પરંપરાગત વારસા સમાન સ્મારકોને એમણે કેનવાસ અને કાગળ પર જીવંત કર્યાં છે અને એને જીવિત રાખવાના પણ એમના અથાગ પ્રયત્નો હજુ બરકરાર છે. આ યજ્ઞામાં સતત સમિધ ઓરવા કૃપા નિરંતર પ્રવાસ કરે છે. દેશ-વિદેશે ઘૂમી વળી જાણે કે ફાંટમાં કલારૂપી સોનું ભરી રહ્યાં છે અને તેનો ગુલાલ ખોબે ને ખોબે ઉડાડી રહ્યાં છે. પંચેન્દ્રિયો ઉપરાંત આ કલાકાર પોતાની સાથે સ્કેચ બુક, ચિત્રસામગ્રી અને કેમેરાને પણ સતર્ક - તૈયાર રાખી મોકળા મને નીકળી પડે છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના મેવાડ પ્રદેશ, નાગદા વિસ્તાર, શ્રીનાથદ્વારાથી પચીસેક કિ.મી. દૂર એકલિંગજી મંદિર અને નાનાં નાનાં રજવાડાં અરવલ્લી પર્વત શ્રેણીના અંકમાં મ્હાલી રહ્યાં છે. તેમની પાસે સ્થાપત્યનો મહામૂલો ખજાનો પડયો છે જેની ઉપર કૃપાની અમી દ્રષ્ટિ પડી અને થયો ચમત્કાર !


Google NewsGoogle News