ગોરખપુર રે.સ્ટે.ના શિરે ગોરખનાથ મંદિરનું છત્ર
- રસવલ્લરી-સુધા ભટ્ટ
આડા પટ્ટે વચ્ચોવચ શોભે ઘડિયાળ સ્ટેશન સ્થાપત્ય વિશાળ
ઝાંસીના રેલ્વે સ્ટેશનની કિલ્લા જેવી રચનાને હૂબહુ મળતી આવતી સ્થાપત્ય રચના વાળા ગોરખપુર જંકશન રેલ્વે સ્ટેશને આપણે આવી પહોંચતામાં જ ઘડીક તો એ વિચારીએ કે શું દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત, બંગાળની જેમ ઉત્તર પ્રદેશમાં પણ સ્ટેશનોની ઇમારતના રંગ સંયોજનમાં આટલું બધું સામ્ય છે ? હોય જ ને ! બાંધનારા બ્રિટીશ અધિકારીઓ- અને ફરજ પર હાજર અંગ્રેજ સ્થપતિ-પછી 'કોપી પેસ્ટ' જ હોય ને ! ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લિાઓમાંનો એક તે ગોરખપુર જિલ્લો- અગત્યનો અને ધાર્મિક, આધ્યાત્મિક તથા સાહિત્યિક મહત્ત્વ ધરાવતો. પૂરા સો વર્ષનું આયુષ્ય ધરાવતું આ રેલ્વે સ્ટેશન ૧૯૩૦ પછી વિશ્વના સૌથી મોટા અને લાંબા રેલ્વે સ્ટેશનોની યાદીમાં દમામભેર હજુ અણનમ છે તે ! ૩૬૬ ફૂટની લંબાઈ અંદરના ભાગમાં ધરાવે છે અને સ્ટેશનનો બાહરી ઘેરાવો એક કિ.મી.થી વધુ છે. આ અનોખા સ્ટેશનનું પરિસર પણ બહુ જ વિશાળ છે. પ્રાંગણમાં બે-ત્રણ જગ્યાએ જૂનાં-કાળાં વરાળ એન્જિનો પ્રદર્શિત કર્યા છે જે આપણી વિરાસત છે. છ મોટા મોટા પ્રવેશ દ્વારો આવકારો આપે છે. તેની સન્મુખ ધ્વજ સ્તંભ અને પ્રવેશને પડખે અન્ય એક દ્વાર કિફાયત ભાવના સ્વચ્છ અતિથિગૃહ તરફ દોરવી જાય. લખનઉ ડિવિઝનના છ+ ગ્રેડના આ સ્ટેશનમાં દસ પ્લેટફોર્મ્સ છે. અલબત્ત, સૌથી લાંબા પ્લેટફોર્મનું માન કર્ણાટકનું હુબલી સ્ટેશન ખાટી જાય છે. પરંતુ આ સ્ટેશન પણ અનેક માનાંકોને સર કરે છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત એ પૂર્વાંચલનું અગત્યનું સ્ટેશન છે. જે પૂર્વોત્તર, બિહાર, નેપાળ (કાઠમંડુ)ને જોડે છે. વીસમી સદીના આરંભે તેને વીજળીનું વરદાન મળ્યું. ૧૯૮૧માં તેને બ્રોડગેજ લાઈન મળી અને ૨૦૦૯ માં તેનો જીર્ણોધ્ધાર થયો.
સ્વનિલ ગતિનાં માન-પાન-આન-બાન અને શાનનાં ગાન ગોરખપુરમાં
આ રહ્યું- આપણી સમક્ષ પ્રસ્તુત છે ઇતિહાસ રચી આપનું ગોરખપુર સ્ટેશન. જેને બે હાથે બથ ભરવાનું મન થાય. પણ એવી ઇચ્છાપૂર્તિ તો માત્ર નજરથી કરવી પડે. રંગ સંયોજન છે મરૂન અને શ્વેત.. ના,ના, શ્વેત અને મરૂન. એટલે કે મુખ્ય ભીંતો, કઠેડા, જાળી, બારી, બારણાં, અગાશી ધવલ રંગનાં અને એ સૌની ઉપર સુંદર વસ્ત્રની કિનારે ગોટ મૂકી હોય એવા મરૂન રંગની લકીરો ! માની જ લો કે સ્થાપત્ય શૈલી છે યુરોપિયન ગોથીક, ઇમારત બહારની કમાનદાર ગોથિક શૈલી તો ખરી જ પણ અહીં તો સ્ટેશનની અંદરની ઓફિસોની શ્રેણીના બારણાંય ગોથિકનાં જ મળે ! ઉપરાંત અંદર સુંદર મૂર્તિઓનાં દર્શનેય ખરાં ! મધ્યે અગાશીમાં કઠેડે જાળીઓ અને આજુબાજુ નાનાં પ્રવેશ દ્વારો સાથે સ્તંભના ટેકા. બહાર બારીઓ અને બારણાંની સળંગ કમાનદાર ભાત-બારીઓ ખોલ બંધ કરતાં ય મરૂન રેખા હસી ઉઠે એવી અગાશી ઉપરની ડિગ્રી મધ્યસ્થ પ્રવેશ પર નાની નાની કબિનો પણ દેખાય. પરિસરમાં ચબૂતરા અને સ્તંભો પર પણ એ જ રંગ સંયોજન. પ્રવાસ આરંભે અને પૂર્ણતાએ સ્ટેશન આવશ્યક. ઉત્તેજના, નવાં સોપાનો, નિતનવીન સ્થળો, માનવ મહેરામણ અને સ્ટેશનની માયા અનેરી અને થાય એની ઇંતેજારી. સાચા પ્રવાસી સતત સ્ટેશનો વચ્ચે સરખામણી કરે. હા..ગોરખપુર શહેર પણ કાંઈ ઓછું આકર્ષક શહેર નથી. બન્ને સ્થળે ગોરખનાથ મઠ (મંદિર)ની સ્થાપના થયેલી છે જેણે બન્ને દેશોને શ્રધ્ધાથી જોડી રાખ્યા છે. નેપાળ નરેશ આપણા દેશમાં અચૂક ગુરુચરણે શીશ ઝૂકાવવા આવે. લગે હાથ ઝાંખી કરી જ લઈએ મંદિર પરિસની ! સંગ્રહાલય, ગૌરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સાહિત્ય, સાધના અને દર્શનશાસ્ત્રની છે આ ભૂમિ.
ગોરખપુર સ્ટેશન- કલાત્મકતા આંખો આંજે એવી નહિ- આંખો ઠારે એવી !
પ્રસ્તુત હિંદુ મંદિર બૌદ્ધ શૈલીના મઠ (મોનેસ્ટ્રી) પ્રકારનું અંશત: સ્થાપત્ય ધરાવે છે. નાથ પરંપરા સંપ્રદાય અંતર્ગત ગુરુ મત્સ્યેન્દ્રનાથે મધ્યયુગમાં એની સ્થાપના કરેલી. અગિયારમી સદીમાં સંત ગોરખનાથે ભારતભરનુ ભ્રમણ કરી અનેક ગ્રંથો થકી જ્ઞાાનપ્રચાર કરેલો જેમાં નાથ સંપ્રદાયના નિયમો, કસોટી અને સિધ્ધાંતનું પાલન થતું. બાવન એકરમાં પથરાયેલ આ મંદિર સંકુલમાં અનેક મંદિરો છે જ્યાં સાંસ્કૃતિક, સાહિત્યક, આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનાં આયોજન થતાં આવ્યું છે. આ શ્રીસ્થળને પ્રાચીન રાજવીઓનો સહકાર સાંપડેલો ઇતિહાસ સાક્ષી છે. અનેક આક્રમણોનો પરંતુ સાચી આસ્થા ચિરંજીવ હોય છે. આ મંદિર સંકુલનું પૂર્વાય મંદિર તેરાઈ પ્રદેશ (નેપાળ)ને અનુસરે છે. સંકુલમાં સમાયેલો છે મુખ્ય મઠ- જે ફતેહપુર શેખાવતી અને અસ્થલ બોહારની જેમ મંદિર ભીતર ખંડો, પરસાળ અને જુદાજુદા દેવી-દેવતાઓની પાવન મૂર્તિઓની ઝાંખી કરાવે. ગુરુ ગોરખનાથજીની સમાધિ, સિંહાસન, પગલાં અને બેઠક દેખાય. દેવી-દેવતાઓનાં રૂપચિત્રો (પોટ્રઇટ) અને અખંડ દિવ્ય જ્યોત મંદિરનો મહિમા વધારે છે. અતિ શુધ્ધ, સ્વચ્છ અને શુભ્ર માર્બલથી સજાવાયેલો મંદિર દેહ મધ્યમાં ગોળ ગુંબજ અને આસપાસ હિંદુ મંદિર શૈલીનાં શિખરો ધરાવે છે જેની ઉપર અન્ય નાનાં શિખરોની શ્રેણી સાધારણ સુશોભન સાથે સજાવાયેલાં છે. મંદિર સ્તંભોનાં કુંભી અને કેપિટલ (શીર્ષ) મંદિરને ભવ્ય બનાવે છે. અહીં તેરમી સદીની જ્ઞાાનેશ્વરી હસ્તપ્રતો છે. ૧૮૩૦ના 'જનમસખી' શ્રેણીના ચિત્રોમાં નાથગુરુઓ ઉપરાંત ગુરુ નાનકજી પણ આજ્ઞાનસ્થ છે. ચોમેર અલૌકિક આધ્યાત્મિક ગરિમા આ તપોભૂમિમાં અનુભવાય. નંદી શિલ્પ અને મોટો ઘંટ પ્રવાસીઓને ઘંટડીઓના અનુરણન થકી આવકારે. પડખેનું તળાવ અહીં ઠંડક પ્રસરાવે એવું છે આ સંકુલ.
લસરકો
રેલ્વે સ્ટેશનનાં અનુસર્જનના ઉપક્રમ નિમિત્તે ગોરખપુર સ્ટેશન ઉપર ગોરખનાથ મંદિરનાં ભવ્યશ્વેત સ્થાપત્યની પ્રતિકૃતિ સમાન ગુંબજ, શિખરો, કમાનો, જાળીદાર કઠેડા, સ્તંભદાર પ્રવેશદ્વાર અને પગથિયાં યાત્રીઓને વધાવશે.
કળા, ઉદ્યોગ અને ટેકનોલોજીનો સુભગ સંગમ
જીવનનું બીજું નામ 'ગતિ' છે. એ ગતિ વિવિધ સ્વરૂપે આપણને સ્પર્શે છે. બે ડગલાં ચાલવું, પ્રગતિ કરવી, હરવું ફરવું, સામાન્ય રોજિદાં કાર્યો કરવાં, અભ્યાસ, જ્ઞાાન પ્રાપ્તિ આદિમાં વ્યસ્ત રહેવું- બધું જ ગતિને સ્પર્શે છે, અરે ! વિચારોમાં પરોવાઈને મનોમન કોઈ યોજના ઘડવી પણ ગતિ પ્રેરક જ છે ને ! એટલે જ શારીરિક ગતિ જેટલી જ માનસિક ગતિ પણ અગત્યની છે. આ નવયુગમાં એને માટે 'બ્રેઈન સ્ટોમિંગ' શબ્દ છૂટથી વપરાય છે. આપણે જ્યારે વિવિધ સ્ટેશનોનાં સરનામે જઇને રહ્યાં છીએ ત્યારે સ્ટેશન તો મળી જ જાય છે. સાથે સાથે 'એકની ઉપર એક નિ:શુલ્ક' ભેટ સ્વરૂપે આપણને કંઈક ભેટી જાય છે. બ્રિટીશકાળના અઢીસો વર્ષોના જમા ઉધાર પાસાંનો પેલો લાલ ચોપડો તપાસવા બેસીએ તો દિવસોના દિવસો લાગી જાય અને હાથ આવે કંઈક એવું નક્કર કે આપણે તો વિચારોમાં જ ખોવાઈ જઈએ. એ જ સમય હતો જ્યારે વિશ્વ આખાનું ધ્યાન ઔધોગિક ક્રાંતિમાં અને કળાક્ષેત્રે 'રેનેસાં'નાં કળાકર્મોમાં પરોવાઈ ગયું હતું. પ્રશ્ન એ હતો કે એ સમો સાચવી કઈ રીતે લેવો ? દૃષ્ટિ અને મગજ સતત પ્રવૃત્ત રહીને સામે ઉભેલી તકોનાં વિશ્વમાં પરોવાઈ જતાં ત્યારે કળા બાબતમાં અને ઉદ્યોગ બાબતમાં સમાંતર પ્રગતિનો માહોલ જોવા મળતો. અલબત્ત, આંખમાં અને હૃદયમાં 'ગુલામી'નામનો કાંટો ખૂંચતો પણ નજર સમક્ષ ખુલી ગેયાલ વિશ્વને નિરખવાનો અને અનુભવવાનો એ લ્હાવો પણ હતો. ઉદ્યોગના ભાગરૂપે ટેકનોલોજીનો શાંત પ્રવેશ આગળ જઈને માનવ સેવાના કાર્યોમાં વ્યસ્ત થઈ ગયો.