Get The App

વિકટોરિયાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ .

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
વિકટોરિયાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ                      . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

C.S.T. ને વર્લ્ડક્લાસ સ્ટેશનની શ્રેણીમાં મૂકાય

સ્થાપત્ય માત્રને જાળવવા માટે અનેક પગલાં લેવા પડે. વધુ પડતા પ્રવાસીઓ, ભારે ટ્રાફિક, અરબી સમુદ્રની ખારી હવાની અસર તેના વિકસાને ધીમો ન પાડે તે જોવું રહ્યું. પર્યટન વિભાગની પણ તેમાં ખાસ કામગીરી રહે છે. આમ, રેલ્વેના વિવિધ એકમો અંતર્ગત આ મહામૂલી ઈમારતને નકારાત્મક ઉર્જાયુક્ત તત્વોથી બચાવવાના ઉપાયો જારી છે. વી.ટી. એક એવું સ્ટેશન છે જે ઓગણીસમી સદીનાૃ બ્રિટીશ કૉમનવેલ્થમાં થતા રેલ્વે સ્થાપત્યનું સર્વોત્તમ ઉદાહરણ છે. વિકટોરિયન ઈટાલિયનેટ ગોથિક રિવાઈવલ સ્થાપત્યમાં થયેલા અનેક ફેરફારોની સીધી અસર આ ઈમારત પર પડી છે અને એ સ્પષ્ટપણે દેખાય છે. આમાં ભારતીય પારંપરિક સ્થાપત્ય કળાનાં લક્ષણો ઉપરાંત આધુનિક બાંધકામ અને ટેકનિકને લગતી નવી વિદ્યા અને જૂની રીતોને નૂતન રીતે સજ્જ કરવા માટેના ઉપાયો પણ મળે. આ સુઆયોજન શ્રેણીબદ્ધ અખંડિતતા અને સંપૂર્ણતાને કારણે ટકી ગયું છે. ઈમારતનો અગ્રભાગ- છજાનો મોખરાનો ભાગ, બહારનો દેખાવ અને તેના ઉપયોગ મૂળભૂત સ્થાપત્ય આધારિત છે. આખુંય પરિસર ભીડથી હળવું કરવા અન્ય સ્ટેશનો સુધી એને ફંટાવવાની પણ યોજના છે જેથી આ બાંધકામ ચિરંજીવી રહે. અલબત્ત, વિશાળ વિકાસ અંતર્ગત હવા પ્રદૂષણ, ટ્રાફિક સમસ્યા, ઔદ્યોગિક પ્રદૂષણ, દરિયાના બારા ઉપરની પ્રવૃત્તિ, દરિયાની ખારી હવાની અસરો આદિથી બચવાના ઉપાય સાથે ફાયર પ્રોટેકશન સિસ્ટમને સમયાંતરે અપગ્રેડ કરાય તો વિવિધ પ્રકારના નુકસાનથી આ મહામૂલા વારસાને બચાવી શકાય. પથ્થરના ગુંબજો, ઈટાલિયન મોડેલ્સ (પૂતળાં), નાનાં ખૂણે પડતા મિનારા સાથે અહીં વિષમકેન્દ્રી (સેન્ટરમાં ન હોય તેવું) ભૂમિ યોજના ભારતીય મહેલ સ્થાપત્યને ઉજાગર કરે છે તે મુદ્દો પણ વારંવારે ઉંચકાવો જોઈએ.

શિલ્પો ભારતના વિવિધ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે

પ્રસ્તુત ઈમારતનું આવશ્યક અને આકર્ષક તત્વ છે તેના ગુંબજો. તેની ઉપર શસ્ત્રોનાં આવરણ જેવા ચિત્રો છે જે અસરપરસ જાણે કે ગોષ્ઠિ કરતા ભાસે છે. આવું પેઈન્ટિંગ સ્ટેઈનગ્લાસ પેનલ્સ પર કરવામાં આવ્યું છે. એમાં અનેક મોટી સંખ્યામાં મૂર્તિઓ અને પૂતળાના શણગાર છે. જેનો ઉપયોગ કરીને સ્થપતિએ ઈમારતના આગળના (સન્મુખ) ભવ્ય ભાગને અતિ શૃંગારિત રૂપ આપ્યું છે. અહીં રૂપક શૈલીની થોડીક શિલ્પ કળાઓ પમ નજરે ચડે છે ત્યારે આંખો ચકળ વકળ થઈ જાય છે. માનવી, વિવિધ પ્રાણીઓ, વનરાજી આદિ મિશ્ર કળા દેખાય જેમાં ગૌમુખ પ્રકારની અદ્ભુત અતિકલાત્મક, ભારે સુંદર આકૃતિઓ છે. 

ગાય, મગર, ગરોળી, કૂતરા વગેરેના શિલ્પોનાં મુખ ખુલ્લા છે જેમાંથી જળાભિષેક થતો રહે છે. વિવિધ કદ, આકાર અને આભિવ્યક્તિવાળાં આવાં શિલ્પોને ગોથિક કેથેડ્રલ (ધર્મસ્થાન)માં શોભાવે છે એ રીતે આખાય મકાનના બાહરી ભાગમાં ચોમાસામાં શિલ્પોના મુખમાંથી પાણીના ઝરા ફૂટે છે. આ આકૃતિઓને ખ્રિસ્તી સ્થાપત્યમાં ''ગારગોઈલ્સ'' કહે છે. તેના ભારેખમ બહાર પડતા દાંડા જેની ઉપર પક્ષીઓ લીલા કરે છે તે આ આકૃતિઓને ટેકો કરે છે. દીવાલ પરથી તે ઝૂલતાં અને ઝૂમતાં દેખાય છે તે અજબ ગજબનાં લાગે છે. અત્યંત શૃંગારિત-સમૃદ્ધ રંગસંયોજનવાળા ઈટાલિયન (ખાસ તો વેનેશિયન) ગોથિક સ્થાપત્ય અલંકૃત અને વિગતસભર હોય. તેમાં પારંપરિક રીતે સ્વરૂપ અને સામગ્રીનો વિનિયોગ કરવામાં આવે છે. ઈમારતના મધ્યસ્થ ગુંબજની બરાબર નીચે સ્ટેશનમાંથી દેખાય એવો ઝૂલતો દાદરો છે - છે ને કમાલ!

ભવ્યતાને પાછી લાવવાના ભરચક પ્રયત્નો

ચોમેર અગણિત છજાઓની ખાસ ખાસ જગ્યાઓએ બારીરિલીફ (ઉપસેલાં)માં વિશિષ્ટ વ્યક્તિઓનાં પૂતળાં જોવા મળે. આ ટર્મિનસના પ્રવેશદ્વારે બે કૉલમ (ગોળથાંભલા) છે જેને ક્રાઉન (મથોડા) છે. જેમાં એક ઉપર સિંહ ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરે છે અને અન્ય કૉલમ પર વાઘ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં બારણાંની કમાનમાં મનમોહક મોરલાનાં રૂપચિત્રો દેખા દે છે. બાંધકામ દરમ્યાન રાણી વિકટોરિયાનું આરસપહાણનું પૂતળું મુખ્ય મકાનમાં છજામાં છત્રીની નીચે મુકાયેલું. ૧૯૫૦માં દેશમાંથી બધાં જ પૂતળાં હટાવ્યાં જેમાં એનો પર વારો આવેલો. મધ્યસ્થ ગુંબજની ઉપર (જે ધ્યાનાકર્ષક) એક પ્રચંડ નારી પ્રતિમા છે જે પ્રગતિનું પ્રતીક છે - મશાલચી છે. તેનો જમણો ઊંચો હાથ કંઈક ચીંધે છે અને ડાબા હાથમાં આરીવાળું પૈડું છે. આસપાસના નાના મિનારાઓને લીધે આ ડિઝાઈન સંતુલિત બની છે. ઉત્તરી પાંખના ભોંયતળિયાને સ્ટાર ચેમ્બર કહેવાય છે જેમાં ભારતીય પૉલિશવાળો આરસ-બ્લ્યૂસ્ટોન છે. અન્ય ઓરડાની છત અને છો પર વાદળી, ઘેરો લાલ, ચમકતો ભૂરો રંગ અને સોનેરી તારલિયા હતા અને દીવાલો પર ટાઈલ્સ હતી. પથ્થરના અષ્ટકોણીય ગુંબજ, કઠેડા, લોઢાનાં ઘડતર, ધાતુકલા, આસપાસની ખુલ્લી જગ્યા, ફ્રી હેન્ડ ડિઝાઈન, જાળીભાત, ત્રિકોણભાત, ભારતીય શૈલીના કોરિડોર ઈત્યાદિની નોંધ યુનેસ્કોના દસ્તાવેજમાં છે. તેની નોંધ મુજબ આવું મિશ્ર કલા સંયોજનવાળું સ્થાપત્ય મુંબઈનું પ્રથમ જાહેર ઉપયોગનું મકાન છે.

લસરકો :

ટ્રેઈન માત્ર યાતાયાતનું સાધન નથી પરંતુ એ લાઈફલાઈન છે, લાગણીનું ઝરણું છે અને હા; તે શુદ્ધ પ્રેમ છે.

મુંબઈની શોભામાં ચાર ચાંદ લગાડતું આ સ્ટેશન

અરે અરે જોજો ! આપણે સ્ટેશન નથી બદલવાનું. આ તો બદલાયાં છે નામ- જેમ જેમ શાસકો બદલાયાં અને ક્રમશ: વિચારો બદલાયાં; તેમ તેમ પરિવર્તનો આવતાં ગયાં. (V.T.) બોરીબંદર - વિકટોરિયા ટર્મિનસ (વી.ટી.) અને છત્રપતિ શિવાજી ટર્મિનસના દેહ તો એના એ જ પણ વ્યવસ્થાપક મંડળ અને તેની કામગીરી બદલાતી રહી. સ્વાતંત્ર્ય મળતાની સાથે જ નવું સ્વરૂપ અને પછી સ્વતંત્રતા સ્થિર થવા માંડી પછી શુદ્ધ ભારતીય વ્યવસ્થાપનમાં ફેર તો પડે જ ને ! હા, દરેક વખતે પેલી ''તૂ તૂ - મૈં મૈં'' રમત તો ખરી જ. સરખામણી કરવામાં આપણે ઉણાં નથી ઉતરતાં એના પુરાવાઓ શોધવાની મુહિમ ચાલે- પણ અહીં તો વાત છે મૂળ બોરીબંદર સ્ટેશનની સ્થાપત્યકળાની. એને કદી કાટ ન લાગે એની કાળજી લેવી પડે. એનું અસ્તિત્વ એની કળા દિન-બ-દિન ઉજળી થતી રહે એ જ કામનાથી આ સજીવ સ્ટેશનનાં કલા અંગને અખંડ રાખવા અખંડ ઘીનો દીવો કરીએ. બ્રિટીશ સરકારે કળાતત્વનું ધ્યાન રાખી દેશભરમાં અનેક ઈમારતો બાંધી તેને કારણે આપણને ''રેનેસાં''- કળાક્રાંતિનો પરિચય થયો અને અનેક અન્ય પાશ્ચાત્ય કળાઓ અંગે માહિતી મળી. મુંબઈ સ્વપ્નનગરી બની તે પહેલાં એણે ખાસ્સો સંઘર્ષ કર્યો. દરમ્યાન, અહીં ૬૨૪ નોંધાયેલી હેરિટેજ ઈમારતો બની જેમાંનાં ૬૩ સ્થાપત્યો ''એ ગ્રેડ'' છે. તેમાં આ વી.ટી. સ્ટેશન અગ્રસ્થાને છે. મુંબઈનો આ આખોય ''ફોર્ટ'' એરિયા રક્ષિત છે. ''મુંબઈ હેરિટેજ કોન્ઝર્વેશન કમિટિ'' પુરાતત્વ ખાતાની જેમ એની રખેવાળ બની છે.


Google NewsGoogle News