દ્વારકાધીશ મંદિર સંરચના - સદા સુવર્ણકાળ
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- સંયુક્ત લ્હાવો : દેવદર્શન અને કલાદર્શન
આપણા ભારત દેશના સંસ્કાર, તેની સંસ્કૃતિ, પૂર્વજોનાં જ્ઞાાનનો વારસો, ધર્મનિષ્ઠપણું, પ્રત્યેક જીવમાં ઈશ્વર નિહાળવાની શ્રધ્ધા, માનવસેવા, નવું જાણવાની-સ્વીકારવાની વૃત્તિ, આતિથ્યની ભાવના, ઈશ્વરમાં આસ્થા, વિવિધ કલા અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ દેશવાસીઓને ''ખાસ'' બનાવે છે. આધુનિક યુગમાં વિજ્ઞાાન અને ટેકનોલૉજીને અપનાવવાનો અભિગમ પણ આપણને સહજ સાધ્ય છે. ભારતીયોની જીવનશૈલીમાં આનંદ-પ્રમોદ, પ્રવાસ, ખાણી-પીણી, જ્ઞાાનોપાર્જન એકમેકમાં અંકોડા મેળવીને સમાઈ જાય છે. આપણે પાક્કા વ્યવહારુ, ઊંડી કોઠાસૂજવાળા હોવાની સાથે સાથે સ્વપ્નદ્રષ્ટા પણ હોઈએ છીએ તેની ખાતરી આપણી સંશોધનવૃત્તિને કારણે થાય છે અને તેથી જ અતિ ઉત્સુક એવા આપણે સમયાંતરે ઘર બહાર નીકળી જઈને પ્રકૃતિના ખોળે ઓળઘોળ થઈ જવાનું પસંદ કરીએ છીએ. માત્ર આરામ ફરમાવવા માટે નહિ પણ અજાણી ભોમકાને ખૂંદવાનો લ્હાવો લૂંટવાનો પણ આશય એની પાછળ હોય છે. અને માટે સાહસી કરવાનું ય આપણે ચૂકતાં નથી. મોટા ભાગના દેશવાસીઓ ચાર ધામ યાત્રાથી આકર્ષાય છે. ઉત્તરાખંડના ચાર ધામ - બદ્રી-કેદાર-ગંગોત્રી અને યમનોત્રી ઉપરાંત દેશના ચાર ધામ - જગન્નાથ પુરિ, દ્વારકા - સોમનાથ, બદ્રી-કેદાર અને રામેશ્વરમ્ જવાનાં સોણલાં સૌ સેવતાં હોય છે.
વિશ્વના આશ્ચર્યકારક સ્થળનો ખિતાબ આ મંદિરને મળ્યો.
શ્રાવણનાં સરવરિયાંની સાથે તહેવારોની મોસમ પણ છલકે છે ત્યારે પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલ ''દેવભૂમિ દ્વારકા'' જિલ્લામાં કાળિયા ઠાકોરજી શ્રીકૃષ્ણને એમના જન્મદિને ઝૂલવવા શ્રી.દ્વારકાધીશના મંદિરે જઈએ તો એના અદ્ભુત સ્થાપત્ય સૌંદર્યને માણવાનો મોકો પણ મળે એ લટકામાં. હા, સમયની યુક્તિપૂર્વકની પસંદગી કરી, ઓછી ભીડના સમયે ત્યાં પહોંચી જઈએ તો આખા પરિસરમાં ફરી વળીએ અને વિશ્વ સ્તરે લેવાયેલી નોંધ મુજબ આપણને જગત આખામાં પંકાયેલ આ આશ્ચર્યકારક સ્થળનો પરિચય અચૂક થાય. જગત મંદિર કે નિજમંદિર તીરેક પણ ઓળખાતા આ શ્રી સ્થળને અદ્ભુત સ્થાપત્ય રાશિ પ્રાપ્ત થયેલી છે. એ રીતે આદિ શંકરાચાર્યજીએ ચીંધેલા ચાર ધામમાંના એક-દ્વારકા જવાનો મોકો ઝડપી લઈએ તો પ્રસ્તુત મંદિરની પડખે જ આવેલા શંકરાચાર્યજીના અદ્વૈતવાદની પુષ્ટિ કરતા ''શારદાપીઠ''નાં પણ દર્શન થઈ જાય. આ ગરવા ગુરુએ અહીં આઠમી સદીમાં એમનાં પગલાં પાડેલાં. તામિલ સંતકવિઓ અલવર્સે ''દિવ્ય પ્રબંધન'' નામનો ગ્રંથ લખેલો જેમાં એકસો આઠ ''દિવ્ય દેસમ્''નો ઉલ્લેખ છે. દ્વારકાધીશ મંદિરનું એમાં અઠ્ઠાણુંમું સ્થાન છે એ ગૌરવની વાત છે ને ! વળી, આ મંદિરને પગલે ''પંચ દ્વારકા''માં સામેલ અન્ય ચાર મંદિરો છે ઃ બેટ દ્વારકા, શ્રીનાથજી, ડાકોર અને કાંકરોળી. આખરે પંદરમી સદીની સ્થાપત્ય શૈલી ''મારુ ગુર્જર'' અહીં શોભે છે જેમાં ''નાગર શૈલી''નાં પણ કેટલાંક લક્ષણો દેખા દે છે.
કલાકસબીઓએ પથ્થરમાં પ્રગટાવ્યો જીવ
મંદિરને ઓસરી, ત્રણ બાજુએ લંબ ચોરસ મંડપ અને પ્રાંગણ છે. ગર્ભગૃહના દ્વાર સોનેરી -રૂપેરી ઝાંય ધરાવે અને દીવાલો પણ ઝીણી કલાકારી-પૌરાણિક પાત્રો અને કથાઓ સહ શોભે. રણછોડરાયની પ્રતિમા ગૂઢ અને ચુંબકીય તત્વો ધરાવે છે. વર્તમાન પ્રતિમા અનિરૂધ્ધ આશ્રમના શંકારાચાર્યજીએ ૧૫૫૯માં પધરાવેલી. મંદિર દીવાલની બાહરી બાજુએ જગતી અને જંઘા ઉપર વિવિધ આકૃતિઓ, શૃગારિત શિલ્પો, પ્રવૃત્તિ, પ્રકૃતિ, દશાવતાર અને ગોવર્ધન પર્વત કોતરાયેલાં જોવા મળે. અતિ સુંદર શિખર પર ઝરોખેદાર, રવેશનુમા ખુલ્લી જગ્યા દેખાય. શિખર ઉપર સેંકડો નાનાં મોટાં શિખરોનો મેળાવડો જ જાણે ! સ્તંભો, નાની થાંભલીઓ પર આડા, ઊભા વળિયા, કુંજા ભાત, કુંડા ભાત, ઉપસેલી કલાકૃતિઓ, ભૌમિતિક નક્શી અને એકની ઉપર એક સોપાન ચડતાં ડિઝાઈન રચતા વિવિધ આકારો અને કદ ધ્યાનાકર્ષક ફૂલદાની જેવી આકૃતિ, તુલસી ક્યારા શિખર પર રચે આખું વિશ્વ. ટોડલાનાં તોરણો, દેવી-દેવતા, પ્રાણી-પક્ષી, ઘટ પલ્લવ, કલાત્મક કળશ-કુંભ, વેલ, આમલક, વર્તુળ, ખૂણિયા, જાળિયાનો દરબાર ભરાયો છે. અહીં, શિલ્પ શૃંગાર અનોખી સોડમ પ્રસરાવે છે. ગીચ નક્શી વચ્ચે ઠેર-ઠેર અવકાશ પણ રચ્યો છે કલાકારોએ, ઈમારતની મૂળભૂત રચનામાં પ્રાણ પૂરે છે આ કલાવારસો. સમાંતરે મીરાંબાઈ જીવ રોપ્યો અને ભક્તોને - રસિકોને પ્રાપ્ત થયો કલાપુંજ!
લસરકોઃ
ભરતકામના ટાંકા કે વણાટના તાણાંવાણાં જેવી શિલ્પ રચના દ્વારકાધીશ મંદિર શિખરે ઉન્નત મસ્તકે મ્હાલે!
દ્વાર, ગર્ભગૃહ અને મંડપ - સળંગ કલાકૃતિઃ સ્થાપત્યનો મહિમા
વહેલામાં વહેલું ૨૦૦ મ્.ભ.માં - મૂળે તો દસમી સદી પહેલાં શ્રી કૃષ્ણનું આ મંદિર તેમના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્યાનું નોંધાયું છે. પંદરમી-સોળમી સદી પછી આધુનિક સમય સુધીમાં અનેકવાર એનો જિર્ણોધ્ધાર કરાવાયો છે. આશરે ૨૫૦૦ વર્ષ પુરાણું આ મંદિર અરબી સમુદ્ર સ્તરથી ૪૦૦ ફિટ ઊંચું છે. નાની ટેકરી પર સ્થિત આ સંરચનાનો પરિચય તો જ થાય, જો ૫૦ પગથિયાં ચડી જઈએ. ''હંમેશ ઉદ્ગ્રીવ દ્રષ્ટિ રાખી ઊંચે જવું'' એ સંદેશો એમાંથી મળે છે. મંદિર ૨૭ મીટર X ૨૧ મીટર પૂર્વ-પશ્ચિમ લંબાઈ અને ૨૯ મીટર ઉત્તર દક્ષિણ લંબાઈ ધરાવે છે. તેની પહોળાઈ ૨૩ મીટર છે. ચૂનાના પથ્થર વડે સર્જાયેલી આ ભવ્ય ઈમારત પાંચ માળની છે જે ૭ સ્તંભો પર ઊભી છે. એમાં સભાગૃહ છે. રેતિયા પથ્થરના મંદિરમાં ૬૦ સ્તંભો છે એવો પણ એક મત છે. મંદિરને બે પ્રવેશદ્વારો છે, આગલું અને મુખ્ય ''મોક્ષદ્વાર'' અને પાછળ ગોમતીઘાટે નિર્ગમન ''સ્વર્ગદ્વાર'' કહેવાય છે. ૫૬ પગથિયાં ઉતરીને નદીમાં ડૂબકી લગાવી શકાય. મંદિર શિખર ૭૮ મીટર ઊંચું છે જેની ઉપર ૧૫ મીટરનો ધ્વજ ફરકે. દસ કિ.મી. દૂરથી દેખાતો એ ધ્વજ સમુદ્ર પરથી આવતી લહેરોને કારણે ફરકે છે. તેની ઉપર સૂર્ય-ચન્દ્રાનાં અંકન છે. જ્યાં સુધી સૂર્ય-ચન્દ્ર બ્રહ્માંડમાં રહેશે ત્યાં સુધી કૃષ્ણનું સૂક્ષ્મ અસ્તિત્વ રહેશે એવી ભાવના છે. પ્રાચીન સોનાની દ્વારકાએ છ વખત જળ સમાધિ લીધી અને આક્રમણકારીઓની ઝીંક પણ ઝીલી.