Get The App

રસરાજ શ્રી કૃષ્ણના ભીંતચિત્રોનું રસદર્શન

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
રસરાજ શ્રી કૃષ્ણના ભીંતચિત્રોનું રસદર્શન 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

જ્યાં રાધા અને માધવ રાસ રમે છે ત્યાં શુદ્ધ આનંદ છે 

ભારતીય ભીંતચિત્રોએ આદિકાળથી આરંભાઈ પ્રત્યેક યુગમાં પ્રગતિ- આગેકૂચ કરી છે. ક્યાંક એ લઘુચિત્રો રૂપે દેખાય છે તો ક્યાંક વળી ભીંત, છત, છો, સ્તંભ ઉપર વરસી પડતી કળાધારા રૂપે સંસ્કૃતિને સાચવીને વિવિધ કદમાં વિલસતી જણાય છે. વિવિધ કળાશૈલી અભિવ્યક્તિનું સુંદર પરિણામ છે જે આનંદ-મનોરંજન આપે છે. વિગતોથી ભરપૂર ઝીણાં અંકનવાળી આ કળા ગુફાઓમાં ફ્રેસ્કો કળારૂપે નજરે પડે. આ કળાએ સમાજ જીવનને સમૃદ્ધ કર્યું. રાજસ્થાનમાં ગલતા મંદિર સંકુલમાં, મંડાવા હવેલીમાં, શેખાવતી મહેલોમાં આ મેવાડ કલમ કળાને જીવતદાન મળ્યું છે. ગુજરાતમાં વડોદરામાં તાંબેકર વાડા, કામનાથ મંદિર, ખંડોબા મંદિર, કીર્તિ મંદિર, ખેડા, છોટાઉદેપુર, હરિશ્વર મંદિરમાં ગોવર્ધન ધારણ લીલા, ગોપી વસ્ત્રહરણ, સમુદ્રમંથન, વિષ્ણુના દશ અવતાર આદિ ચિત્રો સચવાયાં છે. કોટા, ડુંગરપુર, ગોધરા, બુંદી ચિત્રશાળા અને અનેક સ્થળોએ ભારતભરમાં ''નાગર કૃષ્ણ'' વંદના થઈ છે. જેમનું જીવન જન્મથી તે નિર્વાણ સુધી ભર્યું ભર્યું રહ્યું. ચતુર્ભુજ વિષ્ણુ, ગોવાળ, રાધા-કૃષ્ણના સ્વરૂપો, સાઁવરિયાનાં ચિત્રો અને કુદરતી તત્વો ભીંતચિત્રોની શોભા રહ્યા છે. રસરાજ કૃષ્ણ અને રાધા ફેર-ફૂદરડી ફરતાં હોય એવું અલભ્ય ચિત્ર મોરારકા હવેલી નવલગઢમાં જોવા મળે છે. જેમાં ઝરૂખાની વળાંકવાળી મરૂન રંગની કમાન હેઠળ બન્ને સામસામા સજ્જડ હાથ ભીડાવી, ત્રાંસા ઊભા રહી ગોળ ચક્કર ફરે ત્યારે ગતિને કારણે એમનાં વસ્ત્રો લહેરાય, વળી; બેઉનાં માથાં પાછળ નમી જાય. બન્નેનાં શ્વાસ ઊંચા થઈ ગયેલા લાગે અને હડપચીયે ઊંચીને આંખો બંધ. લય સહ ફેરફૂદરડીનો આનંદ વરતાય ને ચિત્રમાં ચોમેર નિસર્ગ !

આ નભ ઝૂક્યું તે કહાનજી ને ચાંદની તે રાધાજી... 

ફેરફૂદરડીના અન્ય ચિત્રો પણ મળે છે જેમાં વાદળી-કથ્થઈ વસ્ત્રોની આભા, રાધાની દામણી અને કનૈયાના શિરપેચમાં મોરપિંછ સોહે જનમજનમના આ સાથી પાત્ર ''કાઈપો છે...'' વાળો પતંગોત્સવ પણ ઉજવે હોં ! કથ્થઈ-ભૂરા રંગના બાહુલ્યવાળા આ ચિત્રમાં ગોપ-ગોપીઓ સંગ પતંગ, ફિરકીનાં ઝીણાં નિરૂપણ, ''બક અપ''નો મૂડ અને રાધારાણીને મળતી ગોપીઓની નૈતિક હૂંફ આધાર આપતી જણાય છે. નાના ગોપ અને નાની ફિરકી, માંજા સહિત જુદી જુદી અંગ-ભંગિમાઓ સાથે ''ચલી ચલી રે પતંગ મેરી ચાલી રે...''નો માહોલ જામે અને ચિત્રની ખાસિયત એ છે કે એમાં માનવાકૃતિઓ સ્પષ્ટ, મરૂન, વાદળી, આકાશી રંગમાં મ્હાલે. લયબદ્ધ ગતિનાં સૂચનો એમાં અચૂક મળે. અન્ય ચિત્રમાં ''વસ્ત્રાહરણ'' પ્રસંગના નિરૂપણમાં ગગન, ગોપીઓના ગવન અને મોરલિયાના વાદળી, સફેદ મોરપીંછ રંગનું સામ્રાજ્ય છે જેમાં બાજુમાં શ્વેત મંદિર જમણે અને ગોપીઓના શ્વેત, વાદળી, આછા રંગોવાળા આછાં વસ્ત્રોમાં ભીનાશ વરતાય. કનૈયો વૃક્ષ મધ્યે ગોપીઓની ઠેકડી ઉડાડે. વૃક્ષાકૃતિ પણ ગજબની કળા દર્શાવે. ચિત્રમાં ઉપર બે ચક્રો- ગોપીઓના વાળ વિખરાયેલા ખુલ્લા વિશિષ્ટ ભાવ ઉપજાવે. પછી ''વસ્ત્રો આપો કહાન કુંવર''ની વિનવણી-આજીજી જાણે કે ચિત્રમાંથી સંભળાય ! પણ કૃષ્ણ તો મજેથી વાંસળી વગાડે અને જળમગ્ન ગોપીઓ લાલ, લીલા, કેસરી, વાદળી રંગોના સંયોજનોમાં વધુ ઓપ આપતી શોભે. ચિત્ર સજીવ થઈ ઉઠે અને એની તસ્વીર પણ સ્પષ્ટ-સ્વચ્છ પરિણામ દર્શાવે. આ તો ભાઈ હજારો ચિત્રોમાંથી નમૂના રૂપ પ્રતિનિધિ ચિત્રોની રસલ્હાણ !

મુખડાની માયા લાગી રે... મોહન પ્યારા...

એક અન્ય રાજસ્થાની શૈલીનું ચિત્ર ''નવ નારી કુંજર'' અદ્ભુત કથાનક ધરાવે છે. શ્રી કૃષ્ણે ગોકુળ છોડી મથુરા પ્રયાણ કર્યું તે સમયે રાધા અન્ય ગોપીઓ સંગ એમની પાછળ પાછળ જવા પ્રેરાય છે ત્યારે વિરહવશ ગોપીઓ સ્વયમ્ હાથીનું સ્વરૂપ 

ધારણ કરે છે. હાથીના શરીરના અંગેઅંગમાં સમાણી છે ગોપીઓ. સૂંઢ, ચારે પગ એ વિરહિણીઓના આસન બની ગયા છે. આ સુરેખ ચિત્રમાં વાદળી, કથ્થઈ, સફેદ, લીલો, શ્યામ, શ્વેત રંગ પ્રાણ પુરે છે. જમીન પર ઉગેલા ઘાસફૂલમાં કમળભાત જણાય છે. હાથીની પીઠે અંબાડી, વાંસની બેઠક, મુરલી, ભૂરો દેહ કૃષ્ણનો અને હાથીના પેટ પર આડી પડેલી ગોપીની છટા બેમિસાલ છે. અશક્ય લાગતી કથાવસ્તુનું બેમિસાલ આ અંકન છે જેમાં હાથીની ચાલ જીવંત લાગે છે. સૌના મોં પરનો વિષાદ જણાઈ આવે પણ ચિત્રની ગુણવત્તાની દ્રષ્ટિએ અનુપમ ! માનવાકૃતિઓ રાજસ્થાની શૈલીમાં- તીણાં નાક, આંખ, ભ્રમર લાંબી રંગો ઓજસ્વી. હાથના આકારમાં સમાઈ ગયેલી ગોપીઓને પાછા કૃષ્ણ મહાવત બની લઈ જાય ! લીલા છાંટવાળાં વસ્ત્રો, મૌર મુકુટ, અલંકાર અલૌકિક ! ગતિશીલ હાથીના ચાર પગ, ટૂંકી પૂંછ અને લાંબી સૂંઢ હાલના ભાસે-કમનીય વળાંકો, પાત્રોના મુખભાવ સ્થિર પણ ભવિષ્ય ધૂંધળું ! આવા દરેક ચિત્ર કમાનમાં અને સૌના દિલમાં સમાયા ખરૃં ને ??

લસરકો :

ભારતીય ભીંતચિત્રોની કૂમળી કળાએ નાજુક રેખાંકનો, પ્રતીકાત્મક રંગો, ઈતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ અને વારસાનું રક્ષણ કરી બહુમાન કર્યું છે.

શ્રી કૃષ્ણ ચરિત્ર, ચિત્રકળા અને તસવીર કળાનો ત્રિવેણી સંગમ

ગરવી ગુજરાતી ભાષા અનેક રીતે પુષ્ટ થતી આવી છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના તત્સમ્-તદ્ભવ શબ્દો ઉપરાંત દ્રશ્ય શબ્દો અને બોલી આધારિત ભાષાએ આપણી માતૃભાષાનું ક્લેવર ઘડયું છે. તો, પરદેશી અને દેશની અન્ય ભાષાઓમાંથી અમૃત શોધી કરાયેલા ભાવાનુવાદોએ પણ ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે અને એને સમૃદ્ધ પણ કરી છે. 'ગુર્જર રાષ્ટ્ર' કહેવાતા ગુજરાતમાં ''જૂની પશ્ચિમી રાજસ્થાની'' ભાષાથી માંડી પ્રેમાનંદ ભટ્ટ, દલપતરામ અને દયારામે ખેડેલી આ ભાષાની યાત્રા અતિ સુંદર પરિણામ લાવી શકી છે; તો, આધુનિક સમયમાં હજુ એ ઉપક્રમ જળવાઈ રહ્યો છે ત્યારે આપણા જ વિદ્વાન લેખક વડોદરાના શ્રી પ્રદીપભાઈ ઝવેરીએ લખેલ શિષ્ટ અંગ્રેજી ભાષાના પુસ્તક  Life of Krishna Depicted on Wall Paintings નું ભુજના ડૉ. પૂર્વી ગોસ્વામીએ કરેલ ગુજરાતીમાં ભાવાનુવાદ મૌલિક પુસ્તકની છાંટ લઈને આવે છે ત્યારે અતિ સુંદર છાપકામ અને તસવીરોયુક્ત પ્રકાશન સુરતના કલાતીર્થ ટ્રસ્ટ વતી શ્રી રમણિકભાઈ ઝાપડિયા એને રસિકોના મન-મસ્તિષ્ક-હૃદય સુધી પહોંચાડી આપે છે. ભલે આ ઉમળકો પ્રસ્તુત લેખના પ્રાસ્તાવિક સંસ્કરણથી પડઘાતો આવ્યો છે પણ ખરે જ શ્રી કૃષ્ણ ચરિત્રની ''લીલા'' સંદર્ભે આપણને આ ઉલ્લેખ કાવ્યના ધુ્રવ પદ સમાન લાગે છે જેનું અનુરણન આપણને કર્ણપ્રિય લાગે. દાણલીલાથી પ્રારંભાયેલી એ યાત્રાના અનેક મુકામો પર ભાવકોને પોરો ખાવો ગમે. અરે ! લીલાના ઉદધિ જલમાંથી થોડાંક અમીછાંટણાં આપણને મુખરિત કરી દે. પછી તો એના મૂળ સુધી પહોંચવાની લગન લાગે હોં !!


Google NewsGoogle News