''ચેન્નાઈ એક્સપ્રેસ'' દ્રશ્ય વિશેષ
- રસવલ્લરી-સુધા ભટ્ટ
રેનેસાંના પ્રતાપે ભરાયા ભિન્ન ભિન્ન કળાઓના મેળા
આમ તો આપણે પાછાં બુદ્ધિશાળી, કળાપ્રિય, સાહિત્યપ્રેમી, ભાષાઅનુરાગી અને નિસર્ગ પ્રત્યેની ચાહત ધરાવતા... તેથી નિરીક્ષણવાદી અને નિતનવીન કાંઈ જાણવાનું ઔત્સુક્ય રાખીએ ! એટલે તર્કચાતુર્યમય બુદ્ધિને ભારતીયોએ કામે લગાડી. જાત-જાતની, જુદા-જુદા વજન અને કદની અનેક દેશોના લોકોના પગની એડીઓ હેઠળ કચડાઈ આપણે જાગ્રત થઈ ગયા ! નવસર્જન માટે ''ઘણુંક ઘણું તોડવું - ઘણુંક ઘણું ભાંગવું'' કરવાને બદલે એ લોકો જે કાંઈ મૂકીને ગયેલા એને એ જ સ્વરૂપે કંકુ ચોખા ચડાવી, સ્વીકારીને અપનાવી લીધું. શિક્ષણ ક્ષેત્ર, કળા ક્ષેત્ર, સંશોધન ક્ષેત્ર, વિજ્ઞાાનવિષયક જે કાંઈ સામગ્રી અને ઈમારતો હતી તેને પુનર્જીવન આપ્યું. યાતાયાતનાં સાધનો, ઉદ્યોગો (ઔદ્યોગિક ક્રાંતિનો વારસો) વગેરેને નવજીવન બક્ષ્યું અને પછી પાછું વાળીને જોયું નહિ. સ્વીકારી લીધું- ખેંખેરીયે નાખ્યું- પણ બમણી તાકાતથી ઊભા થઈ આપણે જે કાંઈ વારસામાં પામ્યાં તેને પુન: જિવીત કર્યા. યુરોપિયન અને બ્રિટીશ કળાનાં ગરવા અને નરવા સ્થાપત્યોમાં પ્રાણ પૂરી દેશનાં ઉત્તમ સ્થાપત્યોની હરોળમાં તેમને બેસાડયાં-ગણાવ્યાં... બલ્કે અદના માન-પાનથી એનો ભરપૂર સદુપયોગ કર્યો. મદ્રાસ અર્થાત્ ચેન્નાઈના સેન્ટ્રલ એ ગ્રેડ સ્ટેશન ઉપર ચેન્નાઈ એક્સપ્રેસમાં બેસી આપણે આવ્યાં ત્યારે એના વૈભવશાળી-ગૌરવપ્રદ સ્ટેશનમાં રોમનસ્ક અને ઈન્ડોસાંર્સેનિક શૈલીના હસ્તધુનનને જોતાં જ રહી ગયાં. આમ તો રસિકોએ એ સ્ટેશનની ખુદની યાત્રાને માણી - એના ઉત્કર્ષના સાક્ષી રહ્યાં. અલબત્ત, આઝાદી પછી એ સઘળી અસ્કયામતોને જાણે કે ભારતે દત્તક લઈ લીધી હોય એમ હૈયે ચાંપી અને ઉલટભેર એને નવાજી.
સ્ટેશન એક - મંઝિલ અનેક
ઉપરોક્ત ચારેય શહેરોમાં થઈને હજારોની સંખ્યામાં પરદેશી શૈલીનાં સ્થાપત્યો જુદા જુદા સ્વરૂપમાં વિદ્યમાન છે જેમાંના આ સ્ટેશનની બહારના ચોગાનમાં ફેબ્રુઆરી-૨૦૧૯માં ૧૦૦ ફૂટનો ધ્વજ સ્તંભ રોપ્યો. પોલી ખાદીનો ૬૦ ફૂટ પહોળો, ૯.૫ કિલોનો ધ્વજ વસાવ્યો. હાથેથી અને ઈલેકટ્રોનિક્લી - બન્ને રીતે એનું બહુમાન કરી શકાય. આ સ્ટેશનની બહાર એક વારસાગત એન્જિન અને રેલ્વે સંગ્રહાલય રસિકો તથા ટેકનિકલ લોકોની રાહ જુએ છે. વિજય નામ્બિસન નામના તમિલ કવિએ ''મદ્રાસ સેન્ટ્રલ'' નામે લખેલી આધુનિક-શાસ્ત્રીય સાહિત્ય ગણાતી કવિતાને એવોર્ડ મળ્યો છે. અરે ! આ સ્ટેશનના પ્લેટફોર્મના શ્વાસોચ્છવાસ જ્યાં આડે પટે બન્ને બાજુ પહોંચે છે એ ડાબા અને જમણા પડખે બે ઈમારતો બ્રિટીશ યુગની છડી પોકારતી આપણને બરકે છે. જોઈએ એ બે વિશેષ દ્રશ્યો - સ્ટેશનની ડાબી બાજુએ છે દક્ષિણ રેલ્વેનું મુખ્ય મથક (હેડક્વાર્ટર) દક્ષિણની દ્રાવિડ શૈલીમાં ચણાયેલી આ ઈમારતે શતાબ્દીની ઉજવણી કરી લીધી છે. અદ્ભુત આ સ્થાપત્ય કુલ ત્રણ માળનું છે જેની અગાશીએ ફરતા નવ ગુંબજો છે. સાથે છત્રી જેવા બે મિનારાઓ ચોમેર થાંભલીઓથી શોભે છે. છત્ર ઉપર કઠેડા અને એની ઉપર નાના ગુંબજ પર પશુમુખની ઝાંખી સુરમ્ય. કમાનદાર મિનારા વચ્ચે બાલ્કની. સ્થાનિક શૈલી ઉપરાંત ઈન્ડો સાર્સેનિક શૈલીનો પ્રભાવ જોવા મળે જેમાં છજાવાળા ટાવર્સ છે. હવાદાર વિશાળ બારીઓ અને મધ્યસ્થ ભાગને બે લંબચોરસ પાંખો છે જે લીલાંછમ પ્રાંગણને ઘેરે છે. ગૉથિક જેવી બે કમાનો પર છત્રીદાર ટાવર્સ. ૧૯૨૧માં આ મકાન મૂલ પોરબંદરના સ્થપતિએ બનાવેલું જે શાસ્ત્રીય દ્રાવિડ શૈલીમાં છે. મુખ્ય પ્રવેશદ્વારે ચોરસ નાની અગાશી અને પથ્થરના બાંધકામમાં કોંક્રિટનો ઉપયોગ અને ખાસિયત છે આ ગ્રે એન્ડ વ્હાઈટ સ્થાપત્યની, ચાલો, અદ્ભુત ઈમારતોની ત્રિવેણી-પંક્તિ તરફ.
શુભ્ર જ્યોત્સના સમધવલ જાજરમાન સ્થાપત્ય- રિપીન બિલ્ડીંગ
હવે, પ્રસ્તુત સ્ટેશનની જમણી બાજુએ છે ગ્રેટર (બૃહદ્) ચેન્નાઈ કોર્પોરેશન ભારતનું પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૯ સપ્ટેમ્બર ૧૬૮૮માં પૂર્ણપણે રચાયેલ આ મકાનમાં ૧૮૪૦ દરમ્યાન પ્રેસિડેન્સી કૉલેજ બેસતી. ૧૯૧૩ થી અહીં સુધરાઈની ઑફિસ શરૂ થઈ. સૌ પ્રથમ ૩૦ ડિસેમ્બર ૧૬૮૭ થી ''કોર્પોરેશન ઑફ મદ્રાસ''નું કામકાજ શરૂ થઈ ગયેલ. ગ્રેટ બ્રિટનની બહારના દેશોમાંનું આ સૌથી વિશાળ પરિસર છે. ઈસ્ટ ઈંડિઝની ડચ સરકારના મૉડેલ પર આ કોર્પોરેશનની સ્થાપના કરાઈ. મેયરની ચૂંટણીમાં બ્રિટન, સ્કૉટલેન્ડ, ફ્રાન્સ, પોર્ટુકલ ચીને ભારતની વેપારી કોમના મહાજનોનો મોટો ફાળો રહેતો. સુધરાઈના ધ્વજનાં દરિયો, બોટ, ૩ સિંહ અને ૨ માછલી દરિયાનું મહત્વ ઉજાગર કરતા. પછીથી પાંડયા, ચોલા આદિરાજનાં પ્રતીકો- માછલી, વાઘ અને ધનુષબાણ ધ્વજમાં નિરૂપાયાં. આ સ્થાપત્યમાં ઈન્ડોસાર્સેનિક શૈલી દેખાય છે. યુરોપિયન સ્થાપત્ય શૈલી - નિયોકલાસિક, રોમનસ્ક, ગૉથિક શૈલીનો વિનિયોગ દેખાય છે. પોર્ટુગીઝ, ડેનિશ અને ફ્રેન્ચ શૈલીનાં અમીછાંટણાં પણ અહીં છે. ઈસ્લામિક, મુઘલ અને અફધાનિસ્તાનની છાંટપણ મળે. કુલ ત્રણ માળનું આ મકાન ૧૯૯૬ સુધી વિકસતું રહ્યું. દરેક માળે સળંગ ઊભી થાંભલીઓ ગૉથિક બારીઓની ઝાંખી કરાવે છે. અગાશી કઠેડા વચ્ચે આડી ઘડિયાળવાળો ટાવર છે. થાંભલીઓની હરોળ સહિત ઉપરની રચના શિખર સમાન લાગે. મોટું પ્રાંગણ છજા અને ગુંબજ સમક્ષ જુએ ત્યારે અન્ય ગૉથિક પ્રવેશદ્વાર પર થાંભલી, મથોડાં, કુમ્ભીમાં ભૌમિતિક ભાત સજાવે. ગોળાકારે ટોડલા, ચક્રમાં સર્જનાત્મકતાનો ઉભાર આવે. પ્રાચીન ઝીણી કારીગરી સાથે રિપોન હરિયાળીના ખોળામાં બેઠું મોજ કરે છે - કરાવે છે.
લસરકો
આંગણે બે શિલ્પો ધ્યાન ખેંચે : વાઈસરૉય ઑફ ઈન્ડિયા - લૉર્ડ રિપોન અને પિટ્ટીથિયેગારાયા- તામિલનાડુના રાજવીઅંશ.
જાગીને જોઉં તો જગત દીસે નહિ
આપણા દેશની ચારે દિશાએ - પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણે ચાર મોટા શહેરોની બોલબોલા છે જેને ''મેટ્રોસિટીઝ'' પણ કહેવાય છે. અનુક્રમે કોલકાતા, મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ દેશનાં ''ગ્રોથ એન્જિન'' સાબિત થયાં છે. આદિ કાળમાં તો આવું ન્હોતું - તો પછી શાને અને શી રીતે આ શહેરોનો અવિરત વિકાસ થતો ગયો ? સ્વાભાવિક છે કે સ્વયમ્ દેશના અને પરદેશના પ્રબળ રાજવંશોની નજર આ મહાકાય શહેરો પર પ્રાકૃતિક સંપદા અને વિસ્તૃત વ્યવસાયને કારણે ઠરી. આંતરરાષ્ટ્રીય વેપાર અને વ્યવહારે વિશ્વભરના વ્યાવસાયિકોને અને પ્રવાસીઓને આકર્ષ્યા. યેનકેન પ્રકારેણ તેમણે ડેરા-તંબુ તાણ્યાં અને ''આંગળી આપી ત્યાં પ્હોંચું પકડયું'' તેવો ઘાટ ઘડાયો. ગરવા ભારત દેશમાં સર્વત્ર મૂર્છા છવાઈ રહી. અઢીસો વર્ષની ''કુંભકર્ણ નિંદર'' ત્યાગ્યા પછી નવેસરથી એકડો ઘૂંટવાનો આવ્યો ત્યાં સુધીમાં તો જંગી ઉથલપાથલનો વચગાળાનો સમય ખરી કસોટીનો રહ્યો... પણ ખેર ! જાગ્યા ત્યાંથી સવાર ! જેનો સૂર્ય કદી આથમતો નહિ એ બ્રિટીશરાજ પોબારા ગણી ગયું પછી જ ચોમેરનો હિસાબ-કિતાબ તપાસ્યા પછી નફા-તોટાનો ખરો ખ્યાલ આવ્યો. આપણી પ્રકૃતિ મુજબ ''ક્ષમા વીરસ્ય ભૂષણમ્''ના સંસ્કાર-સંસ્કૃતિ જાગ્યાં. આપણે શું ખોયું- શું પામ્યાં એનો વિગતે અંદાજ આવ્યો. હા; સરી ગયેલા સાપના પારદર્શક લિસોટામાં આશ્વાસનકર્તા આનંદદાયિની એવી અનેકવિધ કળાઓનાં નયનરમ્ય નઝારા ઉડીને આપણી આંખોએ વળગ્યા.