મંગળવેઢા મહાગણપતિ મંદિર .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
રિધ્ધિ એટલે સમૃધ્ધિ સિધ્ધિ એટલે બુધ્ધિ
આ ગામની પશ્ચિમ દિશાએ ઉત્ખનન દરમ્યાન ચાંદીના દાગીના, માટી શિલ્પોનો અવશેષો અને વિવિધ વસ્તુઓ સાંપડી. આ નિબિડ વનમાં અને આસપાસ માનવવસ્તી ન્હોતી પરંતુ કુદરતનું કરવું ને ધીમે ધીમે સોના-ચાંદીના વેપાર અને વૈભવ વધ્યા. ૧૦૬૦ થી ૧૧૨૧ સુધી અહીં કલચુરિ રાજઘરાણાંનું રાજ ચાલ્યું. પારંપરિક મંદિરો અને અન્ય સ્થાપત્યોમાં મોટી શિલાઓ અને દગડ (પથ્થર, કાંકરા, રેતી)નો ઉપયોગ થયો. મંગળવેઢા તો જાણે એની રાજધાની ! સંસ્કૃતિની પરંપરાના આ ગામે વ્યાપારી પેઠ (પેઢી) હતી જેનો છેલ્લો રાજા બિલ્હણ નોંધાયો - જેની કીર્તિ ઠેરઠેર પ્રસરેલી. ૧૧૯૧માં એ સઘળાનો નાશ થયો. પરંતુ એ દરમ્યાન ઘણું ઘણું થયું. સ્થાપત્ય અને કલા ક્ષેત્રે કહેવાય છે કે પ્રથમ સંસ્થાન મહાગણપતિ મંદિરમાં પત્નીઓ રિધ્ધિ-સિધ્ધિની સ્થાપના માટે દેવોએ બ્રહ્માને વિનંતી કરી અને તેથી એ દેવીઓ સ્વર્ગમાંથી ઉતરી આવી. ભક્તિ, શાંતિ, આધ્યાત્મિક ચિંતન, પ્રાર્થના, મેળાવડા અને હકારાત્મક ઉર્જા પ્રસરાવી. વર્તમાનમાં કેટલાંક પુરાતન મંદિરોમાં ભગ્નાવશેષો રૂપે શિલ્પો, પૌરાણિક સુંદર મૂર્તિઓ મળી આવે. પ્રાચીન મંદિરમાં નકશીદાર સુંદર દગડી શિલ્પો છે જેમાં બ્રહ્મદેવની મૂર્તિ પૂર્વાભિમુખ બિરાજે છે. ભોંયરામાર્ગ નજીક ગોપાલકૃષ્ણનું મંદિર અને કૃષ્ણ તળાવ છે. હાથી, દૈત્ય, દેવીની ભગ્ન-પથ્થર કે દગડની મૂર્તિઓ ઉપરાંત જરઝવેરાત મળેલા એ સ્થળે દેવીની મૂર્તિના ચહેરાના હાવભાવ નોંધપાત્ર છે. એકવીસ નામના મંદિરને ઘુમ્મટ આકારનું શિખર છે - દીપમાળ પણ છે. જૂનો શિલાલેખ કહે છે કે આ રાજધાની ેએક હજાર વર્ષ પુરાણી છે. ઈતિહાસ સાક્ષી છે ! સ્થાનિક સ્થાપત્ય શૈલી હેમાડપંતી (પંથી)ની અહીં બોલબાલા છે.
ગુજરાતના કલાવિદ મોહનલાલ સોમપુરાનો મંગળ સંકલ્પ
નજર ઝવેરીની હોય તો કથીરમાંય કંચન ભળે એમ સ્થાપત્ય વિશ્વમાં ડંકો વગાડનાર સોમપુરા પરિવારના નજરે મંગળવેઢા ગામ અને તેની પ્રાચીન સંસ્કૃતિ વસી ગઈ હશે તેથી જ તેમણે એ શ્રીસ્થળે હેમાડપંતી શૈલીમાં જ શ્રી ગણેશ અને તેમની પત્નીઓ - રિધ્ધિ-સિધ્ધિ ઉપરાંત પરિવાર શ્રેષ્ઠી શિવજી-પાર્વતીનો પ્રતિમા પરિવાર અંજલિ સ્વરૂપે પધરાવવાની સ્નેહગાંઠ બાંધી મોટા મોટા પથ્થરના બેલા, આરસપહાણ અને સંધાણ સામગ્રી એકઠી થઈ મંગળ કાર્યમાં એકજૂટ થઈ ગયા પણ શુભ કાર્યમાં સો વિઘ્ન ન્યાયે, ક્યાંક કોઈ વિલંબના સૂર પરિસરમાં ગૂંજ્યા અને મંદિર નિર્માણ ચાર દાયકાથી વધુ સમય લઈ પ્રૌઢ વયે પહોંચ્યું. પણ આખરે સુપરિણામની શરણાઈ તાજેતરમાં વાગી જ અને આજના સમયનું આધુનિક શાસ્ત્રીય બાંધણીવાળું શ્રીસ્થળ તૈયાર થયું ત્યારે જ ઝપ્યું ! શ્રી રિધ્ધિ- સિધ્ધિ મહાગણપતિ મંદિર - મંગળવેઢા રસિકો અને ભક્તોને અર્પણ. આખરે બૈંતાલીસથી વધુ વર્ષોની તપસ્યા પૂર્ણ ! આ એક એવી ઐતિહાસિક ક્ષણ છે એની કળાને માણવાની કે જેમાં વાસ્તુ શાસ્ત્ર અને સ્થાપત્યના અદ્ભુત મિશ્રણનું ઉદાહરણ જોવા મળે. કોઈ પણ આધુનિક સાધનો કે વધુ પડતી નકશીનો દમામ ન ઉમેરવા છતાં એ ભવ્ય અને દિવ્ય ભાસે છે. સ્વચ્છ સુઘડ શ્વેતરંગી પરિસર અને સંકેતાત્મક, પ્રતીકાત્મક પ્રતિમાઓ પ્રસ્તર અને સંગેમરમર (આરસપહાણ)માં જે શોભે છે ! આખું મંદિર જાણે કે એક રથ ! મહાબલિપુરમ્ યાદ આવી જાય. લંબચોરસ સ્થાપત્ય. નેવું સ્તંભોના ઊભાર પર ઊભેલું મંદિર પ્રવેશથી લઈ રવેશ સુધી, મંડપમાં થઈને ગર્ભગૃહ સુધી સ્તંભોને જોડતી કલાત્મક કમાનોના જોડાણ પર પૂતળીઓ, અપ્સરાઓ અને દેવીદેવતાઓ યુક્ત રંગીન મદલો !
સફેદ-કાળા પથ્થરો કે ચૂનાનું બાંધકામ હજાર વર્ષ જીવે!
બહુ ઊંચાઈ નહિ એવું સાદગીપૂર્ણ સુંદર પ્રવેશદ્વાર ભાવકોને નીચા પગથિયાં પર ઊભેલા ત્રણ શિખરોવાળા સ્થાપત્યની અંદર નંદીની સાક્ષીએ લઈ જાય. ભીતરમાં શિવ દરબારમાં અદબથી ઊભેલા ગણેશજી જડી જાય. ગર્ભગૃહમાં પવિત્ર વાતાવરણનો અનુભવ કરી, ફરી કલાદર્શનાર્થે મંદિરની નાની
જગતી પર ૧૬૪ ગજરાજોની શિષ્ટબદ્ધ કૂચ જોવા મળે જેમાં ધવલ માર્બલ સાથે સોનેરી, ગુલાબી, લીલા રંગોથી સજ્જ ગજરાજની આંખો આપણને આવકારે. વળી, ઈન્દ્રદેવના ૧૦૨ દેવોને સેવાર્થે અહીં સહભાગી કર્યા છે તેમને અંદરના પ્રદક્ષિણા પથ પરના ગોખલામાં નમી શકાય. ગુંબજની આંતરિક શોભાને ઉજાગર કરતા આ શિલ્પો છત અને છોની ભૌમિતિક ભાતની સુંદરતાને ચાર ચાંદ લગાડે છે. આ દરેક શિલ્પ પણ બહુરંગી આભા, પ્રભા અને વાઘા ધારણ કરી રસિકોનાં નેત્રોને તૃપ્ત કરે છે. એક મોટા મૂષક રાજ નમસ્તે મુદ્રામાં દેખાય તો, પેલા પ્રત્યેક સ્તંભ પર અલગ અલગ વાંધો ધારણ કરી મૂષકવાહન સૌનું અભિવાદન કરે. મુખ્ય પ્રવેશે સૂર્ય મૂષક અને ચન્દ્ર મૂષક વિનયસભર સ્મિત કરતા દેખાય. અન્ય પ્રદક્ષિણા પથ પર ત્રેવીસ ગોખલાઓમાં સર્વે દેવી-દેવતાઓને તથા બાહ્ય પ્રદક્ષિણા પથ પર એકવીસ ગોખલાઓમાં વિવિધ સાધુસંતોને આસનસ્થ કર્યા છે. બહાર પ્રાંગણમાં અષ્ટસિદ્ધિ શુભ ચિહનો એ દીપસંભ ઉપરાંત રામતુલસી તથા શ્યામ તુલસીના ક્યારા શોભે. સળંગ સર્વત્ર શુભ્રતા સાથે સુરેખ રંગાકૃતિઓ વાતાવરણને પવિત્ર કરે. ગામના શ્રી અશોક કોળીના સ્વપ્નાનુસાર કર્મઠ મોહનભાઈ હેમાડપંતી શૈલીને વર્યાને કલાસાયુજ્ય યોજાયું.
લસરકો :
હેમાડપંતી શૈલીમાં મંદિરની બાહરી દીવાલ ખાંચે પડતી તારલિયા આકારમાં હોય જેમાં પ્રકાશ-છાયાનું સુંદર આયોજન સરળ બને.
દ.ગંગા ભીમા નદીની પશ્ચિમે શ્વસે છે મંગળવેઢા
દરેક દેશને પોતાની પ્રાચીન સંસ્કૃતિનું ગૌરવ હોય છે અને સાથે સાથે એ સંસ્કૃતિનો દોર લંબાયો હોય અને તે મધ્યકાળમાં અને આધુનિક - નૂતન યુગમાં પણ જળવાયો હોય તેનું મહત્વ અદકેરું છે. કદાચ; આ નવયુગના નવા વાયરામાં જો આપણી- ભારત દેશની પરંપરા જળવાઈ રહી હોય તો તેનું વિશેષ મહત્વ અને ગર્વ હોય એ સ્વાભાવિક છે. એક માના બે સપૂતો - મુંબઈ રાજ્યના ગુજરાત અને મહારાષ્ટ્રના ઉલ્લેખ સાથે કલાક્ષેત્રે થયેલા એક અતિ મહત્વના પ્રકલ્પની વાત કરતાં મનમોરલો નાચી ઉઠે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તાલુકા મંગળવેઢાના ગામ મંગળવેઢાની ઓળખ આ રીતે થાય. દૂર-સુદૂર... લાંબે લાંબે... જ્યાં સુધી નજર લંબાય ત્યાં સુધી જમીન પર કાળી માટીની જાજમ પથરાયેલી દેખાય તે ઐતિહાસિક-પૌરાણિક ગામ મંગળવેઢા. સોલાપુરથી ચોપ્પન કિ.મી.ના અંતરે આવેલ આ નાનકડા કસ્બા જેવડા ગામમાં મહારાષ્ટ્રનાં ત્રણ રિધ્ધિ સિધ્ધિ મંદિરોમાંનું એક ગણેશ-મહાગણપતિ મંદિર આવેલું છે. અલબત્ત, તેનાં અન્ય પુરાતન-પ્રાચીન મંદિરોનો ફાળો ય કાંઈ નાનો-સૂનો નથી આ સ્થળનું મહત્વ જતાવવા માટે. એ સંતોની ભૂમિમાં સ્વામી સમર્થ અને સંત બસવેશ્વર મહારાજ જેવા સંતો વિચર્યા છે. અહીં શિવાજી મહારાજ ચાર દિવસ રોકાયેલા તેવી નોંધ છે. પ્રાચીન એવું આ ગામ શાલિવાહન શકનું આરંભનું ગામ છે જેમાં મંગળ રાજાનું શાસન હતું. દુશ્મનો સામે ઝીંક ઝીલી, દોરો (વેઢા) ઘાલી આ શહેરને જીતી લીધું તેથી મંગળવેઢા.