પ્રતિભાવંત વિજયંત ચિત્રોની જય જય .

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
પ્રતિભાવંત વિજયંત ચિત્રોની જય જય                             . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

કલા માહ્યલામાંથી બહાર આવે જ્ઞાન બહારથી ભીતર પ્રવેશે

માનવજીવનની સાર્થકતા ત્યાં જ છે જ્યાં જીવનનાં મૂલ્યોનું જતન થાય. અભ્યાસ, નિષ્ઠા, શિસ્ત, નિયમિતતા, લગન, અનુભવ જેવાં તત્વો એ મૂલ્યોનું ઘડતર કરે અને તેનું દ્રઢીકરણ કરે. બાળક જન્મથી જ કોઈ આગવી ખાસિયત લઈ પૃથ્વી પર પદાર્પણ કરે છે. એને યોગ્ય વાતાવરણ પોષણ પૂરું પાડે અને એ ભાવિ તરફ કૂચ કદમ કરે. એમાંય જો એને કોઈ કલા હસ્તગત થાય અને એ એમાં રમમાણ થાય તો કલામૂલ્ય સાર્થક થયું ગણાય. કલા અને અભ્યાસના અવિનાભાવિ સંબંધને કારણે કલાકાર સુસજ્જ બની જઈ કલાક્ષેત્રને ખૂંદી વળે ત્યારે ધાર્યું પરિણામ મેળવી શકે અને જેમ જેમ વય વધતી જાય તેમ તેમ એની કલાશક્તિ અને ભક્તિ પાકટ થતી જાય. સંતોષની આભા અને માત્રા કલાકારની આગળ ધપતી કલાયાત્રાને બળવત્તર બનાવે. અહીં, કલા અને અભ્યાસનું જે યુગ્મ સર્જાય તેનું ઉદાહરણ સમાજમાં દેવાય અને ચર્ચાય. કલા એક વધુ અને પ્રેરણાદાયી આયામ લઈને કલાકારના ચિત્રમાં પ્રવેશે છે. તે છે નિરીક્ષણશક્તિ, પરિશીલન અને અભિવ્યક્તિ કલ્પના અને વિચારશીલતા કલાકારની સૂઝબૂઝ અનુસાર કળામાં ઓળઘોળ થઈ જાય ત્યારે કલાકાર સ્વયમ્ પોતાના જીવનનો, પોતાની કળાનો કસબી, શિલ્પી, સ્થપતિ- કહો કે વિશ્વકર્મા બની જાય ! વળી, કલા કોઈ પણ હોય; કલાકર્મી પોતાની આગવી કળા વડે ઓળખાય. એ એની ''સિગ્નેચર'' બની જાય. એણે કૃતિ નીચે સિગ્નેચર કરી ન હોય તોય ઓળખાય. કલાનગરી વડોદરાના જયંત જેઠાલાલ પરીખની વિશિષ્ટ ચિત્ર શૈલીને મળીએ.

સજીવ-નિર્જીવ સૌમાં સંવાદની સરવાણી

ચિત્રોના પાત્રો કેડે પાતળિયા, નાજુક, ઉત્સવી, રંગભીનાં અને ફરફરતી ધન જેવા લાગે. ચિત્રમધ્યે અવકાશ (સ્પેસ)એ એમની વિશેષતા છે જેનાથી ચિત્રાંકન ભર્યાં ભર્યાં છતાં મોકળા મને મસ્તીમાં મ્હાલતાં લાગે. કર્મનિષ્ઠ માનવપાત્રોમાં ગતિસૌંદર્ય અને લયકારી દેખાય. ઝીણી-પાતળી-નાજુક રેખાઓના કસબી જયંતભાઈએ પક્ષી-પ્રાણી વિશ્વ અને બ્રહ્માંડ સકળને પોતાના અસલ મિજાજથી કંડાર્યાં છે. વાંદરા, હાથી, ઊંટ પોતાના અસ્તિત્વ છતાં ચિત્રવિષય સંદર્ભે બહુરંગી લિબાસમાં મળે. મોર, જટાયુ વાતાવરણ ગજવી મુકે. આવી અજોડ કળામાં માધ્યમ, વિષય, અંકનને કોઈ બંધન નહિ. વિવિધ રંગછટા, 'મલ્ટિમિડીયા'ની મિજબાનીમાં લઈ આ કવિ જેવો ઓલિયો જીવ પોતાની અદ્વિતીય શૈલી સંગ આંગળીએ રેખાઓની સવારી અને મૂળ વિદ્યાને લઈને કલાપંથે સહજ ચાલથી જાણે કે નિસરી પડતો લાગે છે. સ્થાપત્યોનાં અંગો-ગુંબજ, શિખર, ઝરૂખા, બારણાં, સ્તંભો, કુંભી, મલ્લને વ્યાખ્યાના કોઈ બંધન નહિ. સૌને મળે મુક્ત આકાશ. રંગ-રેખાની વિભાવના અસામાન્ય. ત્રિલોક ગુલાબી કે લીલું હોઈ શકે. સૃષ્ટિમાં પીળી-ગુલાબી ઝાંય, રણના ઢુવાઓ ઉપર લકીરો લયબદ્ધ અને રંગ આભાયુક્ત કોર ઓઢાડી હોય ! નદી, નાવ, નીર, નાવિક સૌ કોઈ એમના જેવા જ અલ્લડ ! મુક્ત હાસ્ય વેરાતું હોય - અરે ! શેરી સૂમસામ તોય બોલકી ! પાત્રો જીવંત, ગતિ, વિચારશીલતા, લયમાધુર્ય, સજ્જતા, શૃંગાર સહ વર્ણનાત્મક રસનિબંધ જેવા ચિત્રો ભાવકને ડુબાડે રસસમાધિમાં. ચોર્યાસીને વર્ષે પણ હાથમાં પીંછી-રંગ-કાગળ-પેન્સિલ-કેનવાસ સહ કલાપ્રયાસ જારી રાખનાર આ અદના કલાકારે સત્યાસી વનમેન શો કર્યા છે અને ગુ્રપમાં તો અનેક વળી ! દેશ-વિદેશની આર્ટગેલેરીઓને એમનાં ચિત્રોની પ્રતીક્ષા હોય છે. અંગત સંગ્રહો પણ જયંતભાઈનાં ચિત્રોથી રળિયાત છે.

''રેખા''ને આંગળીએ વળગાડીને ચાલતી કરતા કલાકાર

વિશ્વ સ્તરે પોંખાયેલા ગુજરાતના ગૌરવસમા આ કલાકારે ચાળીસ તો એવોર્ડઝ મેળવ્યા. અનેક ખિતાબ, માન-અકરામ, ગોલ્ડ મેડલ ખરા જ. બે વાર ''રાજા રવિ વર્મા એવોર્ડ'' મેળવનાર જયંતભાઈનું નામ એમ. એસ. યુનિવર્સિટીના નોંધપાત્ર વિદ્યાર્થીઓના નામની યાદી શોભાવે છે. 'મૉડર્ન આર્ટ' તરીકે ઓળખાતા એમના ચિત્રોને ભારત અને દરિયા પારના રસિકો વખાણે છે. સત્યાસીમા પ્રદર્શનમાં પ્રદર્શિત કેટલાંક ચિત્રોને સંભારીએ. 'કલાનું વળગણ', 'કલાનો લગાવ' એટલે શું તે જોઈએ. 

દીવાલો પર ઘેરા- આછા રંગોની જાણે રંગોળી. 'વિરાટનો હિંડોળો ઝાકળઝોળ' યાદ આવે એવા ચિત્રમાં જમીનથી આભે અડતા શૃંગારિત સ્તંભો અને આભથી વ્હાલ વરસાવતા હોય એવા દીવા-પંખા હેઠળ સ્ત્રી-પુરુષો આરામ ફરમાવતા હોય એ ચિત્રમાં ઘેરી રંગસજ્જા તેમની પ્રવૃત્તિને પણ આવકારે છે. ઊંચા મહેલોની ટોચ પરના મોરલાનો ગહેકાટ આસમાની-સોનેરી વ્યોમને વિશેષ રૂપ આપે છે એવા અન્ય ચિત્રમાં હાથી, ઘોડા, લૅમ્પ પોસ્ટ અને કાર્યાન્વિત માનવપાત્રોનું સાયુજ્ય અદ્ભુત ! એમાંય આકાશના આધારે રહેલું ઝુમ્મર ! વાહ ભાઈ ! તાકાત છે આ કલ્પનામાં, વળાંકદાર રેખાઓ અણિયાળી અને વાદળીવૉશ. આ જુઓ... વડની વડવાઈઓએ હીંચકતા પાતળિયા માનવ પાત્રો. મનવાંછિત આકારો અને મુદ્રા ભાવકને સર્જક બનાવે. લીલા રંગના વાતાવરણમાં ડાળીઓ અને થડ- બધાં મન ખોલીને ઝૂલે ! અન્યત્ર નૃત્યાંગનાઓનું મુક્ત નૃત્ય વગર વાદ્યે તાકધીનાધીન કરે ! અને પેલા મુખ્ય નાયક જેવા રેતીના ઢુવા જુવો. નાના નાના ટેકરા બહુરંગી, લયાનુસાર ઝુલતા સ્થાપત્યો, આકાશની ખીંટીએ હીંચકા રણને પણ રંગીન બનાવે. મુક્ત ઉડ્ડયન એ જ ભાવ મન, મસ્તિષ્ક અને કરાંગુલિઓમાં. એ જ તો નિરાવલંબે કલાકાર અને રસિકો સૌને સાતમા અસમાને પહોંચાડે.

લસરકો :

પ્રત્યેક માધ્યમે, વિચારે, વિષયે, લસરકે, રંગે, અવસરે પ્રયોગશીલતાના માલિક કલાકર્મીની કલાસાધના અચૂક વૈશ્વિક કલાસફરને વરે.

જયંતભાઈના પ્રત્યેક ચિત્રમાં સૂર, તાલ, લયની હાજરી

ભારતીય આધુનિક સમકાલીન ચિત્રકાર એવા જયંતભાઈ પ્રિન્ટ મેકર અને મ્યુરાલિસ્ટ પણ છે જેમણે અમૂર્ત (abstract) ચિત્રકલા હાથવગી કરી છે. એમ. એસ. યુનિવર્સિટી વડોદરાના લલિતકલા વિભાગમાં ગુરૂ શ્રી એન. એસ. બેન્દ્રે, ગુરૂ શ્રી કે. જી. સુબ્રમણ્યમ્ અને ગુરૂ શ્રી સાંખો ચૌધરી પાસે ઘડાવાનું સદ્ભાગ્ય એમને સાંપડયું. ચિત્રકામમાં કાઠું કાઢતાં કાઢતાં વુડ કટ ઈન ગ્રાફિક્સ, એચિંગ અને રંગની કેમેસ્ટ્રીમાં તેઓ તરબોળ થયા. અધ્યાપકની રૂએ જ્ઞાનની વહેંચણી કરી અને પરિવારમાંથી મળેલા કળાસંસ્કારને એમણે ઉજાળ્યા. કલાવિશ્વને નોખી દ્રષ્ટિએ નિહાળતા રહેલા આ કલાકારની શૈલી આરંભથી જ વેગળી હતી તેથી વિચારવલોણામાંથી નૂતનનવનીત તેમને સહજ સાધ્ય થયું. દેશ વિદેશના કલાકારો ખાસ કરીને જગવિખ્યાત પાબ્લો પિકાસોની અસર હેઠળ એમણે થોડું ઘણું મનોમંથન કર્યું, પરંતુ આ જીવ કાંઈક જુદો જ હોવાને કારણે તેઓ કોઈ નવલી સ્વપ્નિલ દુનિયામાં પહોંચી જતા જ્યાં તેમનો પોતાનો કંડારેલો પથ હતો. કોઈ સ્થાપિત શૈલીના દાયરામાં રહીને નહિ પણ પોતાની કલ્પનાના ઘોડે સવાર થઈને પોતાની આગવી શૈલીમાં રાચતાં તેમણે ''રિધમ'' શૈલીનો આવિષ્કાર કર્યો. કુદરતી સૌંદર્ય અને ભારતીય શિલ્પ સ્થાપત્યમાં રસ ધરાવતા જયંતભાઈએ ૧૯૭૦ થી ચિત્રોમાં ચોથી દિશા  (4D) નું ઉમેરણ કર્યું. કારણ કે એમાં ગતિ છે, લય છે. માનવધર્મમાં માનનારા આ આધુનિક- વરિષ્ઠ- વડીલ ચિત્રકારનો સાહિત્ય, સંગીત, નૃત્ય-નાટય અને ઉત્સવોમાં સક્રિય રસ રહ્યો છે. મહેફિલનો આ જીવ કાગળ કેનવાસની પૃષ્ઠભૂમિ ઉપર પણ જીવી જાણે છે. વૃક્ષોની ડોલન પ્રક્રિયા, વર્ષાવાછંટ ઝીલતા પાન, ડાળી, કળી, ફૂલ, ફળ, વલ્લરી અને થડ સુદ્ધાં કવિ ન્હાનાલાલની ડોલન શૈલીમાં એમના હસ્તે જીવંત અને પ્રવૃત્ત થઈ જાય.


Google NewsGoogle News