Get The App

રોગાન ચિત્રકળા પ્રાચીન ઠસ્સો અર્વાચીન

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
રોગાન ચિત્રકળા પ્રાચીન ઠસ્સો અર્વાચીન 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

મહાયાન, વજ્રયાન ઉપરાંત કલાચાહક બુદ્ધનો અલૌકિક પ્રભાવ

આપણા દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિની ઊંચાઈ આપણી પરંપરા અને આપણા સંસ્કાર પર અવલંબે છે તેના અત્યંત ચોકસાઈભર્યા પુરાવા આપણને વારંવાર મળતા રહ્યા છે જેની નોંધ ઈતિહાસે અને સમગ્ર માનવજાતે લીધી છે. ભારત દેશ પાસે એની પ્રાચીન વિરાસત છે તેથી જ તો અનેકવિધ કળાઓ, સાહિત્ય અને ધર્મવૈવિધ્ય પણ વિશ્વસ્તરે પોંખાયાં છે. માત્ર દેશમાં જ નહિ પરંતુ દેશની સીમાઓને સ્પર્શીને દેશોમાં પણ હા, આખાય એશિયા ખંડમાં કળા, સાહિત્ય અને ગુરૂઓ-બુદ્ધ, મહાવીર, કૃષ્ણ, રામ અને અન્ય અનેક ''ભગવાન'' તરીકે ઓળખાયેલા મહાપુરૂષોએ ધર્મને માનવધર્મ સાથે સાંકળી અણમોલ ઉપદેશોની લ્હાણી કરી છે તેમાં કળાના બહુઆયામી પ્રકારોનો પણ સમાવેશ થાય છે. ભગવાન બુદ્ધ માટે કહેવાય છે કે જ્યારે તેઓ ફક્ત એક માનવ જ હતા ત્યારે પણ તેઓ ખૂબ સમજુ, ઊંડા વિચારો કરનારા અને કલાપોષક તેમજ કલાપ્રચારક દ્રષ્ટિકોણ ધરાવતા હતા. એમના એ વલણનો પડઘો ''બુદ્ધિઝમ''માં પડતો. વિયેટનામી વિચારધારા મુજબ ''બુદ્ધ આરંભથી જ ભગવાન ન્હોતા. એ આપણા જેવા મનુષ્ય જ હતા અને એમણે ઘણું સહન કર્યું હતું.'' ન્યૂયોર્કના પહાડો-નદીઓના સાધુઓ કહે છે કે બુદ્ધ એમની માનવતાની આધાર શિલા પર પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. તેઓ પણ નીંદર ખુલ્યા લગી સામાન્ય મનુષ્ય હતા. 

ધ્વજ, પદ્માસન, ભિક્ષાપાત્ર જેવા બુદ્ધના પ્રતીકો 

ઓમ મણિપદ્મ ઓમ નો મંત્ર, પદ્માસનમાં બિરાજેલા બુદ્ધ, ઊંચી આંગળી ચીંધતા બાળક બુદ્ધ અને એમની અન્ય અસંખ્ય મુદ્રાઓમાંથી નરી કળા નીતરે છે. એમનો તો પિંડ જ એવો ઘડાયેલો અને દ્રષ્ટિ એવી દોરવાયેલી કે એમને સૃષ્ટિના કણેકણમાં કળાનાં દર્શન થતાં... આથી જ એમના શિષ્યો, અનુયાયીઓ કળાના પંથે વળ્યા. બૌદ્ધ ચિત્રકળાના, શિલ્પ તેમજ સ્થાપત્ય કળાના સંખ્યાબંધ નમૂનાઓના પ્રદેશોમાં ઘૂમી વળ્યા પછી આપણને રસિકોને વધુ એક પ્રસાદસ્વરૂપ ચિત્રકળા પ્રાપ્ત થાય છે; અને તેનું નામ છે રોગાન. અથવા રોગન ચિત્રકળા. આ બન્ને નામ પ્રચલિત છે. બૌદ્ધ શિષ્યોએ આ ખાસ કળાનું અંગ્રેજી નામ શોધ્યું : Drying Oil technique.  વિશ્વની સૌથી જૂની આ ચિત્રશૈલીનું પગેરું પાંચમી સદીમાં નજરે ચડેલું. બાકી, અગિયારમી સદીમાં તો તૈલરંગ પરંપરા શરૂ થઈ ગઈ હતી. 'રોગાન' તરીકે ઓળખાયેલાં આ ચિત્રો ૧૫૫૦ વર્ષો પહેલા ઉત્સુકોએ નોંધાવેલાં. ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનના મધ્યમાં આવેલ બામિયન ખીણનું બામિયન ગામ હિંદુ કુશ પર્વતોની વચ્ચે આવેલું છે જે રાજધાની કાબુલથી એંશી માઈલના અંતરે છે. અહીં બુદ્ધે છઠ્ઠી-સાતમી સદીમાં ખડકોની કરાડોમાં ગુફાઓ કોતરાવી કાઢેલી. જ્યાં કિલ્લા, મઠ અને કલાત્મક સામગ્રીઓની સ્વર્ગીય શોભા વિખરાયેલી પડી હતી. ગૌતમ બુદ્ધનાં બે વિશાળ પથ્થરનાં શિલ્પો છઠ્ઠી સદીની સાક્ષી પૂરતા. તેનો વિનાશ અન્ય પ્રજાતિએ મિસાઈલથી કર્યો અને તેનું કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું. યુનેસ્કો, ભારતનું પુરાતત્વ ખાતું અને જાપાનના સંશોધકોએ તપાસ આરંભી.

'રોગાની કામ','રંગ રોગાન' શબ્દોમાં છે સૂચન રોગાન કળાનું

અસલના સમયમાં થતા ઘાઘરા અને ઓઢણીના મર્યાદિત નમૂનાઓમાં હવે નવયુગમાં લોકપ્રિય એવી અનેક કલા-કૃતિઓનો ઉમેરો થઈ રહ્યો છે. ચાદર, થેલી-થેલાં, ઓશિકા-તકિયાના કવર, ટેબલ ક્લોથ, વોલ હેંગિંગ, પડદા, દુપટ્ટા, કુર્તા ઈત્યાદિ. ભૂતકાળમાં માત્ર પુરુષોની કહેવાતી આ કળા હવે સ્ત્રઓએ પણ હસ્તગત કરી છે. રોગાન ચિત્રકળાની કલાકૃતિઓ હવે પરદેશગમન પણ કરવા માંડી છે. એ એક મોંઘેરી ભેટ સાબિત થાય છે. પ્રચલિત અને લોકપ્રિય. હવે એનું કલા ગૌરવ વધતું જણાય છે પરંતુ સાથે સાથે એ સૌને લભ્ય ન હોવાથી 

લોકો મશીનવર્ક અને સિન્થેટિક માધ્યમોને સ્વીકારતા થયા છે. આ કળાનું પુનરુત્થાન થયું છે કળાને જાળવી રાખનારા કળાકારો દ્વારા જાગૃતિ હળવે હળવે પગલાં પાડી રહી છે. આ છે ''બે હાથની કલા'' - બે હસ્ત વચ્ચેનો સંવાદ - જે હવામાં તીવ્ર ઝડપથી પણ સ્વસ્થ ચિત્તે જાતજાતની ભાત રચે. આખરે શું છે આ રોગાન ? અને તેલવાળું ચિત્ર કઈ રીતે ? આપણને તો એટલી ખબર છે કે કલાકાર કેનવાસ પર ''ઓઈલ પેઈન્ટિંગ''થી વિશ્વસર્જન કરે ! તો, એટલું જાણી લઈએ કે આમાં કયા કયા પ્રકારના તેલ ખપે- રંગો તો પાંચ - પણ પ્રશ્નો અપાર ! હા, તે જાડા સુતરાઉ કાપડ - ખાદી - ખદ્દર પર થાય પણ તેની પ્રક્રિયા કેવી હશે ? દિવેલ-એરંડિયું, અળસી, ખસખસ અને અખરોટના જુદી જુદી ગુણવત્તાવાળા તેલનો રોલ શું છે આમાં ? ઓર્ડર આપી દીધો છે હોં !

લસરકો

રોગાન કળાને જીવતી રાખવાનું શ્રેય ગુજરાતની કલાપ્રિય જનતાને ફાળે જાય છે. બહેનોની માંગ છે કલાત્મક વસ્ત્રોની. તો, પુરવઠો કાંઈ બેઠો રહે ?

બુદ્ધના પેઈન્ટિંગથી શરૂ થયેલી રોગાન ચિત્રકળા

બામિયાનમાં બૌદ્ધ અનુયાયીઓનું નગર છે...છેક બે હજારની સાલ પછી મળી આવ્યું. જ્યાં તેમના ઘર, ઘરવખરી, લાકડાં, કપડાં- દરેક ઉપર બુદ્ધ જ બુદ્ધ મળી આવ્યા. અલબત્ત ભગ્નાવશેષો સ્વરૂપે ચારસો-પાંચસો વર્ષોથી તો રોગાન ચિત્રકળા ભારતમાં થાય છે. ગુજરાત રાજસ્થાન સરહદે ડીસા પાસે ભાભર ગામ છે જે રોગાનનું માન્ચેસ્ટર ગણાય છે. ઉપરાંત કચ્છના ચૌબારી, વાગડ, નિરોણાં (નખત્રાણા) અંજાર, ભુજ, માધાપર અને ગુજરાતના અન્ય સ્થળો - મહેસાણા, પાટણ, વિરમગામ, અમદાવાદમાં પણ પ્રસ્તુત કળાનાં એંધાણ મળે છે. વર્તમાનમાં કચ્છના નિરોણા અને ભુજ પાસેના માધાપર ગામે સન્નિષ્ઠ કલાકારો આ લુપ્ત થતી જતી અને ખાસ્સી મોંઘી કલાનું હેતથી જતન કરી રહ્યા છે. માધાપરના આશિષ કંસારા રોગાન કળાને જીવતી રાખવાના પ્રયત્નોમાં પોતે પણ કલાકૃતિઓ બનાવે છે અને તેની તાલીમ શિબિરો યોજી નવી પેઢીને એનાથી અવગત કરે છે. આ કળાનો વ્યાપ અને પ્રકાર બહુ બહોળો છે જેને દિલથી સમજવા આશિષભાઈ બાળપણથી જ સક્રિય છે. ગુરૂ અશોકભાઈ પાસેથી પ્રાપ્ત થયેલી સમજને આ નિષ્ઠાવાન શિષ્ય ચોમેર પ્રસરાવી રહ્યા છે. તેમણે કરેલ અભ્યાસના પરિપાક અને તારણ રૂપે તેઓ કહે છે કે ''રોગાન ચિત્ર કળા અનેક વિષયોને ધ્યાને લઈને કરી શકાય. જેમાં સીમિત માત્રામાં માત્ર પાંચ જ રંગોનો ઉપયોગ સામાન્ય રીતે કરવાનો હોય છે.'' તો, શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે એમાં લીલો, પીળો, ભૂરો, સફેદ અને કેસરી રંગ પ્રયોજવામાં આવે છે. જૂના સમયમાં ભરવાડ, રબારી, આહીર અને પટેલ પરિવારોમાં મહિલાઓ રોગાન કળાવાળાં વસ્ત્રો પહેરતી. ખાસ કરીને દીકરીને લગ્નટાણે દાયજામાં ચિતરાવેલો ઘેરદાર ઘાઘરો આપવાનો રિવાજ હતો. તે પણ જાડા ''ખદ્દર'' કાપડનો.


Google NewsGoogle News