વીરાંગના લક્ષ્મીબાઈ રે.સ્ટે. પુન:સર્જન .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
દેશની પ્રથમ શતાબ્દી એકસપ્રેસ દિલ્હી-ઝાંસી વચ્ચે દોડેલી.
કંઈક કરી જવાના સ્વાર્થી ભાવમાં અને સસ્તી મજૂરીએ મોટી મોટી યોજનાઓ પૂર્ણ કરી બતાવવાના તોરમાં ને તોરમાં બ્રિટીશ રાજ દરમ્યાન આખાય ભારત દેશમાં સૌથી મોટો એક પ્રકલ્પ પાર પાડયો - અને તે હતો રેલ્વેનો. વળી તેમાં તેમના મહાન રાણીમાની યશોગાથા ગાવાનો જશ પણ મેળવવાનો હતો જે તેઓ ખાટી ગયા. આપણે તો ભાઈ ''જે થાય છે તે સારા માટે જ'' એવું માનનારા-એટલે જ પ્રથમ ટ્રેઈન ટ્રાયલના એન્જિનને રાક્ષસ સમજી તેની પૂજા કરનારા ભારતીયોએ ખૂબ ઝડપથી પ્રવાસ માટેનો એ વિકલ્પ સ્વીકારી લીધો અને આજે ભારતીય રેલે ઘણાં માનાંકો સર કર્યા છે એમાં બે મત નથી.
આપણે કેટલાં બધાં સ્ટેશનો જોયાં... નહિ ? ઉત્તર પ્રદેશમાં જ ગયા અઠવાડિયે હતા તો ચાલો ''મેરી ઝાંસી નહિ દૂંગી''નો લલકાર કરનાર રાણી લક્ષ્મીબાઈના ગામની સીમાના કોટની રાંગે ટકોરા દઈએ. ઉત્તર પ્રદેશ-જિલ્લો ઝાંસી, વિસ્તાર બુદેલખંડ. ૧૮૮૦ના અંતમાં બ્રિટીશ સરકારે એક અગત્યનું-ખાસ્સુ મોટું સ્ટેશન બંધાવ્યું. લાલ બહાદૂર શાસ્ત્રી માર્ગ પર આવેલા આ છ ગ્રેડ સ્ટેશનને મળ્યાં છે આઠ પ્લેટફોર્મ્સ અને તેર પાટાજોડ. અહીં ૧૯૮૬-૮૭ દરમ્યાન વીજળીકરણ થયું. મોટા અને કામઢા ભારતીય રેલ્વે સ્ટેશનોમાં આ સ્ટેશન સામેલ છે. આપણે અનેક સ્ટેશનો મરૂન અને સફેદ થીમનાં જોયાં જેમાં આ સ્હેજ નોખું પડે છે. મોટે ભાગે મરૂન ઈમારત પર સફેદ કિનાર હોય પણ આ સ્ટેશન સફેદ રંગનું છે. જેને મરૂન કિનાર છે. સફેદ સ્હેજ ઝાંખી-ઓફ વ્હાઈટ. મસ્ત મોટા કિલ્લા જેવું એનું બાંધકામ છે. આ હટકે સ્ટેશનની ઈમારતમાં ભોંયતળિયે અને પ્રથમ મજલે ગોથિક શૈલીના દરવાજાઓની હરોળ-શ્રેણી સાદા યુરોપિયન બાંધકામથી શોભે છે.
માનુનીના કિનારપાલવવાળા સાળુ જેવું દીસે ઝાંસી રે. સ્ટે.
મધ્યસ્થ પ્રવેશદ્વારની શ્વેત દીવાલોમાં ત્રણ દરલાજા છે જેની ઉપર સાદા કઠેડા ઉપર છાપરા અને છજા પર ત્રિકોણીયો અગાશીનો ભાગ દેખાય છે. તેની અંદર દેવનાગરી અને અંગ્રેજી લિપિમાં 'ઝાંસી' લખ્યું છે. બન્ને માળ વચ્ચે આડા પટ્ટે કઠેડા-સાથે નાની ઈંટો જેવા મદલની શૃંખલા-હાર બન્ને માળે જોવા મળે. સૌથી ઉપર અગાશીની કિનાર અને ત્રિકોણ ઉપર પણ સફેદ પર મરૂન બોર્ડર દેખાય. ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતું - પ્રમાણમાં નાનું સ્ટેશન નાનો પણ રાઈનો દાણો એવી છાપ ધરાવે છે. રૂટ વૈવિધ્યને કારણે આડા બાંધકામની ભવ્યતા ઘણી હોં ! રંગ સજ્જાને કારણે જાજરમાન પણ ભાસે સાદાઈમાં સૌંદર્યની ઝાંખી તો ઝાંસીમાં જ છે. વિશાળ દ્વારની સન્મુખ પ્રાંગણપટમાં લાઈટોની સુવ્યવસ્થા અને છો પર 'બ્રાઉનીશ ગ્રે એન્ડ વ્હાઈટ' ટાઈટલ્સની સુઘડ ગોઠવણી જોવા મળે. સ્હેજ આગળ રાણી લક્ષ્મીબાઈનું શિલ્પ ઘોડા ઉપર દેખાય. એક હાથ ઊંચો અને તલવાર ઉઠેલી-પાછળ વળેલી દેખાય. રાણીની પીઠે ઉત્સુક બાળક દેખાય. ઘોડાના આગલા બે પગ પ્રવૃત્ત થઈ ''આતમ વીંઝે પાંખ'' કહેતા ઊભા થતા લાગે. પાછળ પૂંછડું ઊંચુ થઈ ઉડે અને આ આખુંય શિલ્પ મરૂન-શ્વેત ઊંચા ઓટલા ઉપર શોભે. પરિસરમાં ધ્વજસ્તંભ અને ઈમારતને છાપરે આધુનિક સોલાર પેનલ ધ્યાનાકર્ષક લાગે. ૮૮૫ ફુટ ઊંચાઈ ધરાવતા આ સ્ટેશનેથી શરૂઆતથી જ પંજાબ મેલ અને ગતિમાન એક્સપ્રેસ જેવી સૌથી ઝડપી ટ્રેનો દોડે છે. તેના આરંભના ત્રણ પ્લેટફોર્મમાંનું એક ૨,૫૨૫ ફૂટનું છે જે ભારતનું પાંચમું લાંબુ સ્ટેશન છે. એક સાથે બે ટ્રેનો અહીં આરામથી વિરામ કરી શકે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ખજુરાણે અને ઓરછા જવા માટેનું આ અગત્યનું સ્ટેશન છે.
ગૉથિક આકાર પર મધ્યે મરૂન ચોરસ ભાત-ભાલે તિલક ભાસે
બ્રિટીશર્સને હંફાવનાર ભૂતપૂર્વ પ્રિય રાણીની સ્મૃતિમાં ''ઝાંસી'' સ્ટેશનને નવલું નામ અપાયું છે ''વીરાંગના લક્ષ્મી બાઈ રેલ્વે સ્ટેશન.'' આદર્શ સ્ટેશનમાં મળે એવી તમામ સુવિધાઓ પ્રવાસીને અહીં મળી રહે છે. રાજા-મહારાજાઓના વર્ચસ્વ ધરાવનાર આ ઐતિહાસિક નગરમાં રાજપૂત અને ચંદેલા વંશે રાજ કર્યું. એ સમયે ઝાંસી ''બલવંતનગર'' નામે ઓળખાતું. ઘણી લીલી સૂકી જોયા પછી સત્તરમી સદીમાં આ નગર બેઠું થયું અને ઓરછા રાજ્યના રાજા બિરસિંહ દેવે ૧૬૧૩માં ઝાંસીના કિલ્લાનું બાંધકામ કરાવ્યું. શહેરની ખૂબસૂરતી વર્ષો લગી ટકી અને વર્તમાનમાં પણ એનો વટ કાયમ રહ્યો છે. ઉથ્તર પ્રદેશના તીર્થ ધામોને કારણે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનો સંગન આ સ્થળે કાયમ રહ્યો છે. અતિ આધુનિક યુગમાં પૂર્વકાલીન સ્થાપત્યો યથાવત્ પોતાનું સ્થાન જાળવી રહ્યાં છે પણ સમય સાથે કદમ મેળવવા, સમયની માંગને પહોંચી વળવા અહીં પણ પુન: સર્જનનાં એંધાણ વરતાઈ રહ્યા છે. ૧૨૫ વર્ષ પૂર્વેના ઝાંસી સ્ટેશનની કાયાપલટ કરવા માટેનાં ચક્રો ગતિમાન થઈ રહ્યાં છે જેમાં ''વર્લ્ડ કલાસ એરપોર્ટ'' સાદ્રશ્ય સુવિધાઓ-સેવા સાંપડશે. હા, વારસાગત સ્થાપત્ય સમકક્ષ દ્વિરંગી સ્તંભદાર ભાત, કલાત્મક ચિત્રો, ગોથિક દ્વારો, વળાંકદાર કમોના ઝાંસીના ઈતિહાસનું માન સાચવશે. રાણીનું પૂતળું નવાં વાધાં અને દિશા પ્રાપ્ત કરશે જેવા અનુમાનો સાર્થક થાય એવી આશા સેવાય છે.
લસરકો :
અઠંગ પ્રવાસી માટે વિશ્વ એક ગ્રંથ છે : જે પ્રવાસ ન કરે તેને તો એક જ પૃષ્ઠ વાંચવા મળે.
- સુધા ભટ્ટ
સૂપડે સોઈને પરદેશી રાજની ધૂળ ખંખેરવાના નુસખા
આપણા આવડા મોટા દેશ પર રાજ કરવું તે અંગ્રેજો માટે ય સહેલું તો ન્હોતું જ. પરંતુ પોતાનો પારા દેશ પર કાયમ રાખવાના મનસૂબા ધરાવનાર બ્રિટન પાસે ભારતનો દેખીતો વિકાસ કરવા સિવાય કોઈ છૂટકો ન્હોતો. ક્ષેત્રફળ મોટું અને વસ્તી પણ સદાન. વળી બ્રિટીશ રાજનો સૂર્ય ન આથમે એવા એના પ્રયત્નોના અગ્નિને પણ પવનની અપેક્ષા રહેતી. તેથી જ સમય સાથે ચાલવા સિવાય બ્રિટીશરોની પાસે અન્ય કોઈ વિકલ્પ ન્હોતો. જાણે અજાણ્યે મજબૂરીથી તો મજબૂરીથી તેમણે એમના તાબામાં રહેલા દેશોમાં અનેક પ્રકલ્પો પાર પાડવાના ભરપૂર પ્રયત્નો કર્યા તેથી ભારત જેવી સોનાની ચીડિયા પર પોતાનો પંજો કસાયેલો રહે. મૂળે ભારતની પ્રજા ભોળી અને દયાળુ-તેથી તેમની સાથે તો ગમે તે રીતે વર્તી શકાય એવો ભાવ. આ દેશના લોકોને 'બનાવી' શકાય એવો ભ્રમ અને ખ્યાલ તેથી આ બધું ''્ચંીહ ર્કિ યચિહાીગ'' ચલાવ્યે રાખ્યું. તેમાં બ્રિટીશ રાજને વિશ્વમાં ડંકો વગાડવા સારુ અને ''જોયું.... અમે કેટલું કામ કરીએ છીએ ગરીબ દેશોમાં લોકોના ભલા માટે'' એવી છાપ પાડવાની મનીષા ! તો, આ બધાં કારણો હતાં ભારતમાં વિવિધ શોધ-સગવડો-શિક્ષણ-સ્થાપત્ય-શિલ્પ ક્ષેત્રે ખેડાણ કરવા માટેનાં, આ તો ભલું થજો આપણાં એ સમયના ચેતુડા વડવાઓનું - જેમણે નીરક્ષીરવિવેક વાપરી અપનાવવા જેવું અપનાવ્યું અને બાકીનું ત્યજી દીધું - એમાં બ્રિટીશ રાજનો ખુદનો વારો આવી ગયો. ક્યાંક વળી ''મેરી બિલ્લી મુઝકો મ્યાઉ.''નો ત્રાગડો રચાયો. આપણે એવા તો ચેતી ગયા કે આજે દરેક ક્ષેત્રમાં ભારતની વાહ વાહ થઈ રહી છે.