અમરેલીમાં રાગમાળાની ચિત્રાત્મક સૂરાવલિ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
અમરેલીમાં રાગમાળાની ચિત્રાત્મક સૂરાવલિ 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી

ઈતિહાસ અને પુરાતત્વની દ્રષ્ટિએ ગુજરાતના અગત્યના શહેર અમરેલીનો ઈતિહાસ રોચક છે. ૧૮૮૬માં ગાયકવાડ સરકારે ફરજિયાત અને નિ:શુલ્ક શિક્ષણ પ્રણાલી અમલમાં મૂકેલી. ૧૯૩૪માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ- ત્રીજા, અમરેલીના મહાજનો-રાજરત્ન, પદ્મશ્રી પ્રતાપરાય ગિરધરભાઈ મહેતા અને શ્રી હીરાનંદ શાસ્ત્રીના સંયુક્ત પ્રયાસોથી વડોદરા રાજ્ય પુરાતત્વખાતાએ અમરેલી ફરતે ઉત્ખનન કરાવ્યું. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાના મનમાં અમરેલીમાં સંગ્રહાલય હોય એવી પરિકલ્પના આવી. એ વિચારબીજને અંકુર ફૂટયા. તેમાં શ્રી ગંગાદાસજી મહેતા અને શ્રી ચંપકલાલ મહેતા જોડાયા. ૧૯૫૪-૫૫ માં એક નાના પ્રયોગના પરિપાક રૂપે ''શ્રી ગિરિધરભાઈ સંગ્રહાલય''નો ઉદ્ભવ થયો. એ ટાણે ઉત્ખનન સમયે મળી આવેલ સામગ્રી, સ્થાનિક અને લૌકિક કળાના નમૂના, બાળકો માટે પ્રવૃત્તિ કેન્દ્ર આદિનો સુમેળ કરી સંગ્રહાલયનો શુભારંભ કરી દેવાયો. બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી પ્રતાપરાય રાજસ્તાન લલિતકલા અકાદમી-જયપુરના ચેરમેન પદે ફરજ નિભાવતા હતા. એમની ઝીણી કલાદ્રષ્ટિ યુક્ત નિરીક્ષણના પરિપાક રૂપે રાજસ્થાનના મહેલમાં-ભીંતને શોભાવતા પ્રાચીન લઘુચિત્રો એમના મનમાં વસી ગયાં. ''રાગમાળા''ના કુલ છત્રીસ લઘુચિત્રોના સંગ્રહની એમણે પ્રતિકૃતિઓ કરાવી. જયપુરના વિખ્યાત ચિત્રકાર ગોવિંદ સહાય અને સાથીઓએ ૧૯૫૪-૫૫ દરમ્યાન એ આખો સેટ અમરેલીના પનોતા પુત્ર શ્રી પ્રતાપરાયજીને સોંપ્યો - જે તે દિનથી આજ દિન સુધી પ્રસ્તુત મ્યુઝિયમની શોભાને ચાર ચાંદ લગાવી રહ્યો છે.

મ્યુઝિયમનો દ્રષ્ટિકોણ

અમરેલીના 'લેન્ડમાર્ક' સમા આ મ્યુઝિયમની પ્રવૃત્તિઓ દિન-બ-દિન વધીને અમરેલી જિલ્લાના અને સૌરાષ્ટ્રના અનેક ગામોમાં રસિકોને અને ઉત્સુક બાળગોપાળોને મોજ કરાવી રહી છે. સંગ્રહાલયની સમિતિના મુખ્ય શ્રી જવાહરભાઈ જી. મહેતા અને તેમના સાથીઓએ આ સેવાયજ્ઞાની ધુરા સુપેરે સાચવી લીધી છે. સંસ્થામાં મુકુંદભાઈ, નીલેશભાઈ, દિનેશભાઈ અને સૌમિત્રભાઈની ફરજો રંગ લાવે છે ત્યારે સરવાળે આખું અમરેલી સંતોષનો-અમીનો ઓડકાર હોંશે હોંશે લે છે. ટૂંકમાં, ગિરધરભાઈ સંગ્રહાલયમાં વૈવિધ્યપૂર્ણ કળાનાં રખોપાં થઈ રહ્યા છે ત્યારે ''રાગમાળા'' લઘુચિત્રોનાં પોંખણાં કરીએ. પ્રસ્તુત કળામાં શાસ્ત્રીય સંગીત, સાહિત્ય અને ચિત્રોનો આંતરસંબંધ ડોકિયાં કરે છે. તેની કલાત્મક અભિવ્યક્તિ રસાત્મક્તાની છોળો ઉડાડે છે. અભિવ્યક્તિનાં વિવિધ સ્વરૂપો અઘરાં છતાં મધુરાં છે. ગીચ ચિત્રો, ઝીણી ઝીણી વિગતો, સમજણ, રંગ સંયોજન અને ઘટના (પ્રસંગ) અભ્યાસુઓ માટે અને શુદ્ધ કલાના ચાહકને-રસિકોને પણ એક સાથે ત્રણ-ત્રણ પકવાનોના થાળ પીરસે છે. ત્રણે કળાની ઓળખ અલગ-અલગ પણ એકમેકના નાતા અંગે ઝાઝું વિચાર્યા વિના એના કળાકર્મને વરીએ અને એ સ્વયમ્ સંપૂર્ણ કૃતિઓને બિરદાવીએ. અલબત્ત, એનાં અન્ય પાસાં ઘણાં સંકુલ હોઈ શકે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં લઘુચિત્રોનો સમય છઠ્ઠી-સાતમી સદીમાં સંભવે છે. સદીઓ સુધી વિસ્તરતાં ગયાં - તેનો આવિર્ભાવ થતો ગયો. એની ઉપર અન્ય સંસ્કૃતિઓની ઘણી અસર હતી - પકડ હતી. ભારતીય કલાકારો તેમના બહુઆયામી ખ્યાલ, વિચારો અને પરિકલ્પનાનું તેમાં નિરૂપણ કરતા. જોકે, ચિત્રો પર યુરોપિયન અને મુઘલ મિનિયેચર પેઈન્ટિંગ્સની બહોળી અસર વર્તાતી. હા, ભક્તિ ચળવળે પણ આ કળાને ઢંઢોળ્યાનાં ઉદાહરણો છે.

સાહિત્ય તો સંગીત અને ચિત્રોનું વાહન છે

પ્રસ્તુત ચિત્રોમાં નારી પ્રતિભાની તાજગીને ગ્રામ્ય મોહક સૌંદર્ય સહ નિરૂપાઈ છે. આમાંનાં કુલ છત્રીસ ચિત્રો રાગમાળા ઉપર આધારિત છે જેમાં છ રાગો મુખ્ય છે અને ત્રીસ રાગિણીઓ છે. શાસ્ત્રીય સંગીતમાં મુખ્ય રાગ પતિ સ્વરૂપે અને રાગિણીઓને પત્ની સ્વરૂપે માનવામાં આવે છે. સાહિત્ય, સંગીત, ચિત્રકળાનો અહીં સફળ વિનિયોગ અદ્વિતીય છે. 

બહુ ઓછા ચિત્રોમાં સમય કે હસ્તાક્ષર મળે છે. ભૈરવ, નટ, વસંત, હિંડોળ જેવા રાગો આંતરસંબંધયુક્ત છે. પરિવાર પ્રમાણે રાગ વિભાજિત થાય છે જોકે સંગીત અને કાવ્ય આ ચિત્રો કરતાં સદીઓ પુરાણાં છે. કેટલાંક ચિત્રોનું રસદર્શન કરીએ તો - ચિત્ર નં. તેર - રાગ હિંડોળમાં ચંપઈ રંગોનાં વસ્ત્રો ધારણ કરી સખીઓ ઝૂલે ઝૂલે છે. સાથે શ્રી કૃષ્ણ દિવ્ય સ્મિત રેલાવે છે અને હિંચકે બેઠા છે. સંગીતકારોએ વાતાવરણ જમાવ્યું છે. વસંત ઋતુમાં પ્રથમ પ્રહરમાં વાતા આ રાગની રાગિણી છે. રામકલી, લલિત, વિસાવલ, પટમંજરી ઈત્યાદિ. ચિત્ર નં.ઓગણીસ સુપ્રસિદ્ધ રાગ દીપ. સર્યાક્ષમાંથી જન્મેલ તે દાડમની છાલ જેવો રીતો છે. તે હાથી ઉપર સવાર છે. ગળામાં હાથીદાંતની છાલ જેવો રીતો છે. તે હાથી ઉપર સવાર છે. ગળામાં હાથીદાંતની માળા ધારણ કરેલ તે અનેક રમણીઓ સંગે મ્હાલે છે. તેની રાગિણીઓ છે - દેસી, કામીદ, કેદારો, નટ, કાનડો. આ પાંચે દીપની પત્નીઓ છે. ત્રેવીસના ચિત્રમાં રાગિણી કેદારો નરસિંહ મહેતાને યાદ કરાવે છે. તે યોગ, યજ્ઞાાદિમાં વ્યસ્ત છે. તેના જુલ્ફાને ગંગા સુંર બનાવે છે. ગ્રીષ્મ રાત્રિઓના દ્વિતીય પ્રહરની આ રાગિણીને માણવી ગમે. પ્રત્યેક ચિત્રમાં દોહા મુકવામાં આવ્યા છે. બહુરંગી બહુપરિમાણીય આ ચિત્રો રસિકોની પ્રતીક્ષામાં છે અમરેલી નગરે.

લસરકો

રાગમાળાનાં ચિત્રો ભારતીય શાસ્ત્રીય સંગીતનાં અર્થઘટન છે જે કળાજગતના ચાર રસ્તે આવીને ઊભાં છે

- સુધા ભટ્ટ

ભારતીય ગાયક કવિ હોય છે અને ભારતીય કવિ ગાયક હોય છે : શ્રી એ. કે. કુમારસ્વામી

લઘુચિત્રોમાં જળરંગથી વધુ સફાઈ, બારીકી અને સ્પષ્ટતા આવે અને ભાવ પ્રદર્શન માટે કુદરતી રંગો ચાવીરૂપ ભૂમિકા નિભાવે. પ્રાકૃતિક સૌંદર્યનો પ્રતાપ, તેનું મહત્વ આ ચિત્રોને ચોક્કસ ઊંચાઈ અપાવે. નાનાં, સુરેખ રૂપચિત્રો (પોટ્રેઈટ) જેવાં લઘુચિત્રો સોળમી સદીમાં ફુલ્લકુસુમિત થયાં અને ઓગણીસમી સદી સુધી એની યાત્રા રહી. વીસમી સદી અતિ આધુનિક કલા વડે શૃંગારિત થઈ. સીધીસટ અભિવ્યક્તિ, લાઈન, રંગ, રેખા સ્વરૂપમાં પારદર્શક્તા અને કેલિગ્રાફી કળાની ઘેરી અસર હેઠળ આ કળાએ નવાં ખેડાણ કર્યાં. ખેર, આદિથી લઈ આજ સુધી એનાં માધ્યમો પણ ફરતાં રહ્યાં - બદલાતાં રહ્યાં. કાગળ, હાથીદાંતની પેનલ, કાષ્ઠના અંશો, દીવાલો સુદ્ધાંનો ઉપયોગ આ પ્રાચીન કળામાં થયો છે. કળામાં સ્વરૂપનું જીવન-અંકન બન્ને હોવાથી કથાવસ્તુ, મન અને ચિત્રનો મુખ્ય ભાવ- તત્વ તેને સંપુર્ણ કળાકર્મ બનાવે છે. માનવચેતનાની જાગ્રત-અજાગ્રત ચેતનાને તે છતી કરે છે. સંગીત- રાગ, સ્વર, સૂર, ચિહન તેની ''નોટસ''ના આધારે શુદ્ધ સંગીત પીરસે છે. સંગીત એ એવી સુમધુર કળા છે જેમાં હાર્મનિ (સુમેળ) આવશ્યક છે. સાંગીતિક પેટર્ન રસિકોને ચિત્રના બુટ્ટા (મોટિફ) સુધી લઈ જાય છે. દ્રશ્યકળા ચિત્ર ઉપજાવ્યું એ અસામાન્ય કળા છે. વિવિધ ચોક્કસ રંગોનીય વિભાવના આવા ચિત્રોમાં ઉચિત છે જે ચિત્રકારને ધ્યાન અને સુત્રો તરફ દોરવી જાય છે. અમરેલીના આ લઘુચિત્ર સંગ્રહમાં રાગ-રાગિણીને ઉજાગર કરતી નયનરમ્ય અને મનહર મિજબાનીનો સંપુટ છે. રજપુતના લઘુચિત્ર શૈલીની આ પ્રતિકૃતિઓમાં રાધા-કૃષ્ણની જોડીને પ્રણયરંગી ક્ષણોમાં ગળાડૂબ દર્શાવાઈ છે. આનંદની અનુસૂચિનું અપ્રતીમ ચિત્રણ છે.


Google NewsGoogle News