ભીંતચિત્રોના પ્રદેશમાં શ્રી કૃષ્ણ ચિત્ર યાત્રા
- રસવલ્લરી-સુધા ભટ્ટ
'ભીંતચિત્રોમાં કૃષ્ણચરિત્ર' પુસ્તકનો સાક્ષાત્કાર
''આ અતિ આધુનિક ડિજિટલ યુગમાંથી નક્કર પુસ્તકોએ પારોઠનાં પગલાં ભર્યા છે'' એ વિધાનને રદિયો આપી ઉપરોક્ત દળદાર પુસ્તકમાંથી કેટલાંક ભીંતચિત્રોનું રસદર્શન કરવું એ એક અમૂલ્ય લ્હાવો છે. પાંચસો એક જેટલાં રંગબેરંગી ઉઠાવદાર ચિત્રો અને સાથે થયેલી રસચર્ચામાંથી અમી છાંટણાં પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય સૌ કોઈને હાથવગું થોડું હોય છે ? પુસ્તક યજ્ઞાની વેદી ઉપરથી આ પ્રસાદ ઉપલબ્ધ કરાવી આપ્યો છે. ''કલાતીર્થ ટ્રસ્ટ-સુરત''ના કર્મઠ કલાયોગીઓના પ્રતિનિધિ શ્રી.રમણીક ઝાપડિયા એ. કળાવિશ્વમાં સતત રસ તરબોળ રહેતા વડોદરા નિવાસી લેખક શ્રી. પ્રદીપ ઝવેરીના અંગ્રેજી પુસ્તક ‘‘Life of krishna Depicted on wall paintings''નો આ સુઘડ ભાવાનુવાદ કરી આપ્યો છે. કચ્છ-ભુજનાં ડૉ. પૂર્વી ગોસ્વામીએ. અનેક ચિત્રશૈલીઓએ ભીંતો શણગારી છે અને સ્થળો તો એટલાં કે ભારત ભ્રમણ થઈ જાય. સંશોધન કરીને કળા માણવાનીય કળા છે અને હા, તેનું તસવીરીય દસ્તાવેજીકરણ પણ રસિકોને સ્પર્શે. જૂનાં ચિત્રો મહદંશે મ્યુરલ્સ (મિશ્ર ચિત્રો) હતાં. ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડીશા, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, આખીય હિમાલયન શ્રેણી અને દક્ષિણનાં ચારેય રાજ્યોમાં આ કળા અભરે ભરી છે. પ્રાચીન ભારતીય વેદિક કાળનાં વિશાળ ભીંત ચિત્રો શોભાયાત્રા જેવા પ્રસંગો પર આધારિત કે મહાકાવ્યોમાં નિરૂપિત કથા અનુસાર સર્જાયાં છે. રાધા-કૃષ્ણ, વિષ્ણુના દશાવતાર કે વિવિધ સામાજિક-ધાર્મિક- ઘટનાક્રમ, તહેવાર, ઉત્સવ, વેદ-પુરાણો-આદિ આ ચિત્રોમાં વિષયનો પરિવેશ ધારણ કરી, જીવંત બનીને આવે છે.
જ્ઞાન, ધર્મ, અને મનોરંજનની મિશ્ર પ્રસ્તુતિ
રાજા કે નવાબના દરબારમાં ભીંતચિત્ર કે છતચિત્રથી ભર્યા ભર્યા ખંડો આપણી વિરાસત છે. મહેલો, મંદિરો, કિલ્લાઓ, અંગત આવાસો, શૈક્ષણિક સંકુલો કે જાહેર સ્થળોએ થતા ચિત્રો આપણી સાથે વારા ફરતી સંવાદ કરે ત્યારે આંખોને મિજ બાની મળે. આ ભીંતચિત્રોમાં ભારતીય સંસ્કૃતિનાં બે અંગો-સૌંદર્ય અને આદર્શથી અવગત થવાય. શ્રીકૃષ્ણ જીવન ચરિત્રોની આ અલૌકિક યાત્રા પરિચિતતાને પુષ્ટ કરે છે અને નવીન તત્ત્વો આપણને ધન્યતા અનુભવવા પ્રેરે. નગરમાં રહેતા કૃષ્ણ દેવ હોવા છતાં ''નાગર'' કહેવાયા અને તેથી જ બરસાનાવાળી રાધાએ તેમને ખોવાયેલી નથણી શોધી આપવાનું કામ સોંપ્યું. માખણચોર, ગોવાળિયો, નટખટ, નંદકુંવર ઈત્યાદિ અનેક નામવેશમાં તે નિખરે છે. દિવ્ય જગતની સુંદર અનુભૂતિ કરાવતા અનેક પ્રસંગો રસદર્શનનો વિષય બને છે. પ્રસંગની પ્રસ્તુતિમાં મુખ્ય મુદ્દો તો ઉજાગર થાય જ છે - સાથે સાથે જે-તે સ્થળનાં અહીં ચિત્રણ જોવા મળે છે. એનાં નૈસર્ગિક વર્ણનો, નાયક-નાયિકા સાથે સાથી પાત્રો, પશુ, પંખી, અને રંગ સજ્જા ધ્યાનાકર્ષક છે. વિવિધ નિવાસ સ્થાનોની લાક્ષણિકતા મુજબ તેની અંદર-બહારની સજાવટમાં ઝીણવટ ભર્યું નિરૂપણ આપણને ઝીણી આંખે નિરીક્ષણ કરવા પ્રેરે. આ સંગ્રહમાં સમાયેલાં ભીંતચિત્રોમાં ધર્મનાં અભિન્ન અંગો તો સમાયાં જ છે - તદુપરાંત શ્રીકૃષ્ણ સ્વયમ્ તેમના ભારતીય જીવન-ફિલસૂફી, ધર્મ, કલાના વિવિધ સ્વરૂપોમાં નિખરે છે. લુપ્ત: પ્રાય થતી જતી આ કળા દિવ્ય જગતની સુંદર અનુભૂતિ કરાવે છે. રસદર્શનનો એ તાતી જરૂરિયાત યુક્ત વિષય છે. વાર્તા, પ્રતીકો અને ઉદાહરણો રસિકોનું ઔત્સુક્ય વધારે છે. આમજનતાને અંધશ્રધ્ધા-તાંત્રિક, જાદુગરોથી બચાવવા કળાના વિવિધ પ્રકારોનો આશરો એમાં લેવાયો છે. રાજસ્થાની, મેવાડ, કિશનગઢ, કાંગરા, પહાડી, નાથદ્ધારા, સલાટી કલમ આદિ શૈલીમાં સમાયેલાં આ લઘુચિત્રો વિવિધ સ્થળોની યાત્રા રસિકોને કરાવે.
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને હાલી રે...
આ વિવિધ શૈલીનાં ચિત્રણ દેશનાં અનેક સ્થળોએ છૂટાં છવાયાં કૃષ્ણ મહિમાગાન કરે છે. રસિક ગોવાળિયો રાજા અને ગંભીર રાજનીતિજ્ઞા બને છે તો, ભગવન્ ગીતામાં તટસ્થ ગોષ્ઠિ કરતા કૃષ્ણ અર્જુનના વિષાદયોગમાં માર્ગદર્શક બને છે. અનેક ઘટનાઓ અને સમૃધ્ધ ચિત્રભંડાર કૃષ્ણની લોકપ્રિયતામાં ધરખમ વધારો કરે છે. કલાકારો ઉપરાંત આ કરિશ્માની પાત્ર સાહિત્યકારોના પણ માનીતા પાત્ર રહ્યા છે. નરસિંહ મહેતા, રઘુનાથ બ્રહ્મભટ્ટ, મીરાંબાઈ, પ્રેમાનંદ, દયારામ, રસખાન સહિતના અનેક સર્જકોએ શ્રીકૃષ્ણને સાહિત્ય સરિતામાં વહેવડાવ્યા છે. આચાર્ય ગુરુ વલ્લભાચાર્યજીએ તો 'મધુરાષ્ટકમની રચના કરી કૃષ્ણજીને ગુરુશિખરે સ્થાપ્યા. કૃષ્ણના અનેક સ્વરૂપોમાંના એક શ્રીનાથજીને અનુસરતી અનેક કળાઓમાંની એક પિછવાઈએ લોકપ્રિયતાની સીમા વટાવી. મઝાની વાત એ છે કે ભીંત ચિત્રોની શ્રેણીઓમાં ક્યાંક એની પણ ઝલક જોવા મળે છે. જેમની પ્રતિભાનો ઝગમગાટ ઊંચા આકાશને આંબે છે એવા આ નાયકના એક ચિત્રણ પાછળની કથા સુણીએ. ''દાણ લીલા'' ચિત્રમાં ગામની સીમે કૃષ્ણ ગોપીઓને આંતરી તેમને માથે મૂકેલ દહીં, દૂધ, માખણનાં માટ ને કાંકરીચાળો કરવાની ચેષ્ટા કરે છે. ગોપીઓ ગામ બહાર એ વેપલો કરવા જાય છે એનો દાણ-વેરો (ટેક્સ) માંગે છે. એ પ્રાચીન સમયે નારી સશક્તિકરણનો મુદ્દો છે કે દૂઝણાં બહાર લઈ જતી ''બિઝનેસવુમન'' માટે ટેક્સની પ્રણાલી છે. ગોપીઓ મનમાં મલકે અને કાન્હાના ચહેરા પર સખ્તી વરતાય. આ વિષય પર એકથી વધુ ચિત્રો છે જેમાં સફેદ, વાદળી, પીળા, મરૂન, લીલા, કથ્થઈ રંગોની સૌમ્ય ઝાંય વિલસે છે. વસ્ત્રાલંકાર હવામાં ઉડતા-ફરફરતા દેખાય. ક્યાં છે એ ચિત્ર ?
લસરકો :
રમતિયાળ બાળલીલા સ્થિતપ્રજ્ઞા પુરુષમાં પરિવર્તિત થાય ત્યાં સુધીની વધુ ચિત્રાવલિઓને માણવા ચાલોને ભોમિયા થઈને ભમવા જઈએ !
ભીંતચિત્ર ઉપરનું પ્રથમ પ્રાચીન પુસ્તક છે : ''ચિત્રસૂત્ર''
સમસ્ત કળાવિશ્વની વાત કરતા કરતાં રસિકજનો અવશ્ય ભૂતકાળમાં સરી પડે. કળાના અનેક પ્રકારો સમય સાથે કરવટ બદલતા જાય છે ત્યારે દ્રષ્ટિ તો પાછી આદિ યુગમાં પહોંચી જાય છે. એવું કહેવાય છે કે માનવીએ લખવું, ગાવું, નૃત્ય કરવું નવું નવું શીખ્યું એ પહેલાં જ એણે રેખાઓ રશળતી કરી હતી. એના આધારે ચિત્ર અને એ ચિત્રને રંગ-રૂપ-નવા ઓપ આપવાની કળા હસ્તગત કરી હતી. હા, આ મુદ્દો વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અને ભારતમાં પણ આ કળા સંદર્ભે આપણને પ્રાગ ઐતિહાસિક યુગ સુધી દોરવી જાય, ભીંત ચિંત્રો અને ગુફા ચિત્રો ચિત્રકળાના આદિમ છડીદાર છે. પુરાતત્ત્વ ખાતું કહે છે કે ગુમનામીની ગર્તામાં છુપાયેલાં ચિત્રોમાં કોતરણી અને રિલીફ વર્ક (ઉપસેલાં) મળી આવે છે. ત્રીજીથી પાંચમી સદી દરમ્યાન થયેલાં વિશ્વવિખ્યાત અજંતાની ગુફાનાં ચિત્રોમાં મોતીની ચળકતી માળા અને શિલ્પમાં પાત્રના કાંડા પર ફરતી-સરકતી બંગડીએ સમયના માનવીને કળાપરસ્ત સાબિત કરે છે. અન્ય ગુફાઓમાં પણ છત ઉપર અને ભીંત ઉપર ચિત્રો મળી આવ્યાં છે. અદ્વિતીય અમૂર્ત કળાના એ નમૂના જે-તે કાળના માનવીની સર્જનાત્મકતા, આધ્યાત્મિકતા અને લાગણીશીલ વિચાર પ્રક્રિયા સૂચવે છે. ભારતમાં અંબાદેવી રોક શેલ્ટર્સમાં ૨૫,૦૦૦(?) વર્ષો પૂર્વે ગુફા ચિત્રો થતાં હતાં, ભીમબેટકા રોક શેલ્ટર્સ ૮,૦૦૦ મ્.ભ ના છે, તો, તામિલનાડુ, ઓડીશા, કર્ણાટક (હિરેગુડા-બાદામી)માં આજે પણ એ ચિત્રો દર્શનીય રહ્યા છે. ભારત સહિત યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આર્જેન્ટીના, અમેરિકા, એશિયા ખંડમાં ભીંત ચિત્રો અને છત ચિત્રો આજે પણ ભાવકોને આમંત્રે છે. અનેક ભારતીય વિષયોનો ઉઘાડ કરી આપતદા ભીંત ચિત્રોમાં રવૈયો ફેરવી ''કૃષ્ણચરિત્ર'' નામક નવનીતનો ''કૃષ્ણલીલા પ્રસાદ'' વહેંચીએ તો !