L.D. મ્યુઝિયમ-લઘુચિત્રસ્ય ગૃહમ .

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
L.D. મ્યુઝિયમ-લઘુચિત્રસ્ય ગૃહમ                                      . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- રાજ દરબારથી લોકઘર-દ્વાર સુધીની લઘુચિત્ર યાત્રા

હિમાલયના ઉત્તુંગ શીતલ-હિમમય શિખરો, એ જ પર્વતરાજની કુદરતી રચનાના પરિણામસ્વરૂપે સર્જાતી લીલીછમ ખીણો અને ત્યાંનો અતિ કઠિન જીવન ઉપક્રમ ! વેળા-વેળાની છાંયડી અને સૂર્યકિરણોને પ્રતાપે રેલાતી ચમકીલી લકીરો- જે હિમ સ્પર્શ કરીને, વંકાઈને ધરતી પર ઘડીક રમવા આવી હોય ત્યારે એ સદ્યસ્નાતા રમણી જેવી નથી લાગતી ? પ્રકૃતિનું સૌંદર્ય આકંઠ માણવાની તક જ્યાં ઉપલબ્ધ છે ત્યાં માનવસર્જિત સૌંદર્યમઢી કળાનાં ય દર્શન રસિકોને થાય એ તો કેવી અજબ જેવી વાત છે ! પરંતુ આવી અમૂલ્ય પળો દરેકના ભાગ્યમાં ન હોય અને તે પણ વારંવાર તો નહિ જ. તો પછી, એ દૂર-સુદૂરની કળા આપણા ખોળામાં આવી પડતી અનુભવાય તો એને શું કહેવું ? ભાગ્ય જ વળી ! વિવિધ રાજ્યોનાં મુખ્ય શહેરોમાં આવેલા સંગ્રહાલયો આવું જ એક પુણ્યકર્મ કરી રહ્યા છે. કળારાણીનાં રૂમઝુમ પગલાં પ્રત્યેક ઘરને પાવન કરીને અજવાળી શકતાં નથી. વળી, કેટલાંય કળાપ્રેમીઓને સૌંદર્યમંડિત કલાકૃતિઓને નિહાળવાની, માણવાની, એના વિશે જાણવાની ઝંખના હોય છે તેનું શું ? સીધી વાત. ઉપાય એક અને અદ્વિતીય. કલાદર્શન કરી કૃતાર્થ થવા જવાય મ્યુઝિયમે. ત્યાં દર્શકને- રસિકને- કલાપ્રેમીને હરહંમેશ આવકારો જ હોય. ઉપરાંત સંગ્રહસ્થાનને નિરખવવાની સાચી રીત સમજાનાર પ્રતિનિધિઓ ત્યાં હાજર હોય. ઉપરાંત ઉપલબ્ધ હોય જરૂરી સાહિત્ય. આ બધાનું સંકલન કરનાર મુખ્ય ડાયરેકટર ટ્રસ્ટીઓ, સાથીઓ, કર્મચારીઓ અને આગંતુકો વચ્ચે સેતુ બની રહે તો એ મ્યુઝિયમ બની જાય કલામંદિર.

મિનિયેચર પેઈન્ટિંગને છો- કેમ છો ?

''ગુજરાત મ્યુઝિયમ સોસાયટી''ના નેજા હેઠળ અહીંની ''એન.સી. મહેતા કલેકશન''માં આપણને લ્હાવો મળે છે. વૈવિધ્યસભર લઘુ ચિત્રોને માણવાનો શ્રી નાનાલાલ મહેતાએ ઝીણવટભર્યા અભ્યાસ કરી જુદા જુદા સ્થળોએથી કલાકૃતિઓ ભેગી કરી. તે પણ અલગ અલગ શૈલી ધરાવતી અજોડ કૃતિઓ - જેનું યોગ્ય મૂલ્ય અગાઉ અંકાયું જ ન હતું. ધૂળધોયાની અદાથી તેઓ અહીં વસંતવિલાસ સ્ક્રોલ, ગીત ગોવિંદનાં પ્રસંગ ચિત્રો, હસ્તપ્રતો વગેરે લાવ્યા જેમાં રાતા રંગનો મહિમા હતો, હસ્તોદ્યોગમાં બનેલ કાગળ હતા, વનસ્પતિજન્ય અને ખનિજદ્રવ્યમાંથી બનેલા રંગોનો વિપુલ ઉપયોગ હતો. એના વિષયો પણ કેવા નોખા-અનોખા ! 

ઉત્સવો, તહેવારો, ધાર્મિક કાર્યક્રમો, રાજવીઓનાં રૂપચિત્રો (પોર્ટેઈટ્સ), રાજ દરબારને લગતાં ચિત્રો - જે એક સમે મહેલમાં, તેની ગેલેરીમાં, તેના દરબારમાં, તેના શયનખંડોની શોભા હતા. અગિયારમી સદીથી તે ઓગણીસમી સદી સુધીનાં લઘુચિત્રોમાં અનેરી આભા અને અનેક વિભાગો હતા અને જુદા જુદા જૂથમાં તારવી અહીં ગોઠવ્યાં છે. જૈન ચિત્રો, મુઘલ અને પર્શિયન ચિત્રો ઉપરાંત રાજસ્થાની, પાલી, મ.પ્ર. ઓચ્છા, પહાડી, કાંગડા, બશોલી, ગઢવાલ, ગુલેર, મંડી, કુલુ, માનકોટ, ચંબા, હસ્તપ્રતો, સિખ, નાયિકા, નુરપુર, હિંદુર, પંજાબ, બિલાસપુર, અન્ય પહાડી, ચિત્રવિથિ, એબ્સ્ટ્રેક, કેલિગ્રાફી- આદિ ચિત્રોમાંથી અનેકને અહીં માન-પાન-સ્થાન મળ્યાં છે. હા, યુ.કે., યુરોપ અને બૌદ્ધ ચિત્રોનો અલગ અહેવાલ આવે ખરો. હવે, પ્રસ્તુત એલ.ડી. મ્યુઝિયમ મુકામે પહાડી શૈલી (કલમ)નાં લઘુચિત્રો હિમાલયન રાજવીઓની પહાડી ઓળખસહ આવ્યાં છે જે અતિસ્પષ્ટ રેખાંકનો અને ઘેરા રંગો ધરાવે છે. ''ગીતગોવિંદ''ની કાવ્યધારા અહીં વહે છે જે મધુર અને મૃદુ છે.

પહાડી શૈલીમાં પ્રાકૃતિક તત્ત્વો અને માનવપાત્રો એકમેકના પૂરક

કૃષ્ણલીલાનું ઉદાહરણ યાદવિશ્વમાં સમાઈ જાય તેવું છે. યમુનાનાં નીરને ગ્રે રંગ આપ્યો છે. પાત્રો જ્યાં ઊભાં છે તે ભૂમિ ઉપરની લીલોતરીમાં લીલા રંગની કેટકેટલી ઝાંય ! અને થડ, ડાળી, પાનમાં આકાર વૈવિધ્ય. શુદ્ધ ભારતીય પ્રાકૃતિક શૈલી- જે આંખને આરામ આપે. એની રંગછટા થકી ઠંડા પવનની લહેરખી આપણને ઘેરી વળે. પહાડનું ખાસ વાતાવરણ (એમ્બિયન્સ) ઊભું થાય. તેની કલરસ્કીમ મન હરી લે. પશુપંખીનું ઝીણું અંકન ચિત્તાકર્ષક બની જાય. મનમાં ગણગણીએ ''કૈસે જાઉં જ મુનાકે તીર... રે...'' બશોલી શૈલી અને ગુલેર કલમની થીમ એક હોય તોય જુદા તરી આવે ચિત્રો. બન્નેનાં ફિગર (આકૃતિ) અલગ અલગ હોય. ઘેરા રંગો, ખનિજ રંગો અને તેમની અસર અલગ અલગ હોઈ શકે. રિસાયેલી રાધા અને સખી શાંતમુદ્રામાં; વળી આ કલમમાં કમળનું પ્રતીક મહત્વનું છે. માનવાકૃતિની વિશાળ આંખો અને પહોળાં કપાળ એ એની ઓળખ છે. ગુલેરમાં ગોળ ચહેરા, શુદ્ધ-સ્પષ્ટ રેખા, કુદરતનું લાગણીસભર નિરૂપણ જરૂરી. અહીં કાંગડા કલમમાં શિવપરિવારનું અંકન અદ્વિતીય છે. શિવજીને ભગવાન તરીકે નહી; માનવી તરીકે મૂકે. કુલુમંડીના ચિત્રમાં પહાડોમાં કલાકારે શિવજીને સ્થાનિક વ્યક્તિ તરીકે ચિતર્યા છે. શિવજી પહાડી-લાંબા કાળા ઝભ્ભામાં નજરે ચડે છે. આદમકદ ત્રિશૂલ, રુદ્રાક્ષ તથા સફેદ મોતીની માળા, પાર્વતી પહાડી સ્ત્રીની જેમ શાંત માનવીય ભાવે પતિના હાથમાં હાથ પરોવી ચાલે. પ્રેમભાવના અખંડ રહે છે અહીં... જે અન્ય ચિત્રો તરફ દોરી જાય.

લસરકો :

પહાડી ચિત્રોમાં સમૃદ પ્રતીકો, લાગણીશીલ રેખાંકનો, અલૌકિક કુદરતી સોંદર્ય અને મનભાવન ઉચ્ચ ગુણવત્તા હોય.

કળા ઓળખનો જો ઈરાદો નેક તો મોકા છે અનેક

અહો... હો... પાવન ભારત ભૂમિમાં જન્મેલ લઘુચિત્રોએ કંઈ યાત્રા કરી છે... ન પૂછોને વાત. દેશના પ્રમુખ સંગ્રહાલયોની એ શોભા છે. તો, ગુજરાતના માનીતા શહેર અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારની શાન છે ''લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ''. શેર બજારના ''રૂખ'' અને આર્થિક પાસાંના પ્રેમી એવા અમદાવાદીઓએ ''કલાનગરી'' નામની મંઝિલે પહોંચાડનારી રેલગાડી તો પકડી છે પરંતુ એ પેસેન્જર-ધીમી-બાપુની ગાડીની ગતિએ ગમન કરી રહી છે. એવામાં આ સંગ્રહાલયની ધૂરાને સંભાળી. નિર્દેશક શ્રીમતી સુજાતાબહેન પરસાઈ વિધવિધ પ્રકલ્પો થકી કલાના વિવિધ આયામોનો ઉઘાડ કરી ભાવકોને ભીના ભાવે આ સ્થળે આમંત્રી એમની કલાજિજ્ઞાાસાને સંતોષી રહ્યાં છે. પોતાની ટીમને સાથે રાખી ટ્રસ્ટીગણના સહકારથી રસિકોને એલ.ડી. ઈન્ડોલોજીવાળા લીલાંછમ પરિસરમાં આમંત્રીને વાતાવરણને વધુ સુગંધિત બનાવવાના પ્રયત્નોમાં છે તેમાં તેમને ટ્રસ્ટીશ્રી રાધિકાબહેન લાલભાઈ અને જયશ્રીબહેન લાલભાઈનો પૂરેપૂરો સહકાર સાંપડે છે એ આપણા વારસા અને કલા માટે બહેતર ભવિષ્યનો માર્ગ ખોલી આપે છે. અહીં નિવાસ કરતા લઘુચિત્રોનાં રખોપાં રૂડી રીતે થઈ રહ્યાં છે એટલે એ ચિત્રોને અહીં ગરમ પ્રદેશમાં પણ હિમાલયની શીતળતા પ્રાપ્ત થઈ શકી છે. જો... જો... માનતા... આ એ.સી.ની વાત નથી. એ સિવાય પણ ચિત્રોની ગુણવત્તાને સાચવવા માટેના અહીંના પ્રયત્નો કાબિલેદાદ છે. જે દિર્ઘામાં એ ચિત્રો છે ત્યાં કુદરતી અજવાળાં, લાઈટ ઈત્યાદિનું ધ્યાન રખાય છે. થોડા થોડા સમયના અંતરાલે કૃતિઓને ભૂગર્ભમાં આરામ કરાવાય, અન્ય કૃતિઓ બહાર આવે. હા, ટોર્ચ, ફ્લેશ વગેરેથી પણ એને અજંતા-ઈલોરાના ચિત્રોની અદાથી બચાવીને રખાય છે.


Google NewsGoogle News