Get The App

મદ્રાસ-ચેન્નાઈ-રામચન્દ્રન સેન્ટ્રલ સ્ટેશન

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
મદ્રાસ-ચેન્નાઈ-રામચન્દ્રન સેન્ટ્રલ સ્ટેશન 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- પુરાચિ થલાઈવાર ડૉ.એમ.જી. રામચન્દ્રન સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન

પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા વિશ્વના આંગળીના વેઢે ગણી શકાય એવા દેશોમાં ભારત અગ્રેસર છે એ વાત નિ:શંક પણે સાચી ઠરી શકે એમ છે. આ દેશની કાયાને અનેક દેશી-વિદેશી હકૂમતોએ કચડી પણ અંતે તો ખરા સોનાની જેમ ધગધગતી ભઠ્ઠીમાંથી બહાર નીકળી અને એનું એક આગવું સ્વરૂપ જગતે જોયું. જ્યારે જ્યારે દુનિયામાં ક્રાંતિ થઇ છે ત્યારે ત્યારે ઘણું નુકસાન પણ થયું છે અને અલબત, નવનિર્માણ પણ થયંર છે. સમ્યક દ્રષ્ટિ અને મધ્યમ માર્ગ અપનાવી દેશે જૂનું તે સોનું ગણીને એને સાચવ્યું - વધુ ઉજળું કર્યું અને નવયુગનાં પવન ઝીલી જ્ઞાાન-વિજ્ઞાાનના નિયમો સમજી ટેકનોલોજીમાં પણ સિધ્ધિનાં શિખરો સર કર્યા હા, સંસ્કૃત, સંસ્કૃતિ, સંસ્કાર, કલાનાં અનેક ક્ષેત્રો, સાહિત્ય આદિની લાજ રાખી એમાંય નામ કાઢ્યું. ઉદાહરણો અનેકાનેક છે પણ રેલ્વે સ્ટેશનોની વાત નીકળી જ છે અને વૈવિધ્યપૂર્ણ ખાસિયતો ધરાવતા સ્ટેશનો સાથે હસ્તધૂનન કરવું જ છે તો ચાલોને તામિલનાડુની રાજધાની મદ્રાસના મદ્રાસ સેન્ટ્રલ સ્ટેશને જઈએ ! દોઢસો વર્ષ પહેલાં ૧૮૭૩માં આ સ્ટેશનનું મૂળ સ્વરૂપ જોવા મળ્યું - જ્યારે બ્રિટીશ રાજનો અમલ સર્વત્ર હતો. પરિવર્તન હી સંસારકા નિયમ હૈ એ ન્યાયે ૧૯૯૮માં આ શહેરનું પુન:નામાભિકરણ સંસ્કૃતિ અને પ્રાચીન સમયના ઈતિહાસને કારણે થયું. મદ્રાસનું નવું નામ ચેન્નાઈ જાહેર કરવામાં આવ્યું માટે સ્ટેશનનું નામ પણ ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન થયું. ફરીથી પાંચ એપ્રિલ-૨૦૧૯માં એનું નામ રાજદ્વારી અને ફિલ્મી હસ્તી એમ.જી.રામચન્દ્રનના પ્રતાપે બદલાયું. કેન્દ્ર સરકારે આ સ્થાપત્યની ટપાલ ટિકિટ બહાર પાડી છે.

સાઈબર મેપ અને ફ્રી વાઈ-ફાઈ ધરાવતું દેશનું આ પ્રથમ સ્ટેશન છે.

ભારતના સ્ટેશનોના નામોની યાદી બનાવીએ તો સૌથી લાંબુ આ જ નામ છે જ્યારે વિશ્વના સૌથી લાંબા નામ વાળું સ્ટેશન બ્રિટનમાં વેલ્સ ખાતે છે અને એમાં આપણે વિશ્વમાં બીજા ક્રમે છીએ. મૂળ સ્ટેશન ૧૮૭૩માં બન્યા પછી ૧૯૩૧ (ઈલેક્ટ્રિફાઈડ), ૧૯૫૯ અને ૧૯૯૮માં એમાં નાના મોટા ફેરફારો થયા. સત્તર પ્લેટફોર્મ અને રોજની બસ્સોથી વધુ ટ્રેઈનો લાખો પ્રવાસીઓને સાચવી લે છે. ચેન્નાઈના પાર્કટાઉન વિસ્તારમાં હોગ પાસે મુખ્ય સ્ટેશન બન્યું હતું. આસપાસમાં તેર માળનું વ્યાવસાયિક કેન્દ્ર, મેટ્રો ટ્રેઈન અને પરાની  ટ્રેઈન એકમેક સંગ પુલથી સંકળાયેલા છે. એરપોર્ટથી આશરે વીસ કિ.મી. દૂર બકિંગહામ નહેરને નાકે આવેલ આ દોઢસો વર્ષ જુના સ્ટેશનની ઈમારત વીતી ગયેલા ભવ્ય જમાનાની સાક્ષી પૂરે છે. મદ્રાસ રેલ્વે કંપની સરકારના નેજા હેઠળ અહીં ક્રાંતિ કરે છે - વહીવટ કરે છે. ઈંટ જેવા લાલ-મરૂન ટાઈપનો રંગ અને રેખાઓમાં સફેદ રંગ ધરાવતા આ વિશાળ મહેલ જેવા સ્થાપત્યનો રંગ ૨૦૦૫માં બદલાયો ત્યારે લોક લાગણીને માન આપીને પાછો મૂળ રંગ કરવો પડયો હતો. ચેન્નાઈની જણસ છે. અત્યંત વ્યસ્ત, સ્વસ્થ અને સ્વચ્છ આ સ્ટેશનમાં સબવે છે જે યાત્રીઓને ઘોંઘાટ અને ટ્રાફિકથી બચાવે છે. સ્થપતિ જ્યોર્જ હાર્ડિંગે બનાવેલું આ બાંધકામ ગૉથિક રિવાઈવલ શૈલીમાં બનેલું - જેને રોમનસ્ક રિવાઈવલ શૈલી પણ કહે છે. ઓગણીસમી સદીના આરંભેથી લઈ મધ્ય સુધી આ શૈલીએ અગિયારમી-બારમી સદીની રોમનસ્ક સ્થાપત્ય રીતિમાંથી પ્રેરણા લીધી અને તેને વધુ આકર્ષક બનાવી. એમાં વધુ સરળતા ઉમેરી. થોડાં લક્ષણ બદલાયાં. બારીઓનાં ઉપરી વળાંકો અણિયાળાને બદલે ગોળ બનાવ્યાં તેથી તેનું નામ ''રાઉન્ડ આર્ક સ્ટાઈલ'' પડયું.

મિત્ર શૈલી સૌદર્યને કારણે સ્ટેશનની ઈમારતને ''હેરિટેજ''નો દરજ્જો

સ્ટેશનની મુખ્ય ઈમારત ચૌમુખ છે અને તે ૧૩૬ ફુટની ઊંચાઈને આંબે છે. ભવ્યાતિભવ્ય આ બાંધણી કુલ ત્રણ માળ સહ આડે પટ્ટે ફેલાયેલી છે. દરેક ખૂણે નાનાનાના આઠ થી દસ ટાવર છે અને મુખ્ય પ્રવેશ દ્વારના શિરે મધ્યમાં સૌથી મોટો ટાવર છે જેની ઉપર ઘડિયાળ છે. ઊંચાઈને કારણે ચારે કોરથી એ દેખાય છે. ટાવર ઉપર 'કેનોપી' એટલે કે ત્રિકોણ છજા ત્રાવણકોર શૈલીથી બનાવાઈ છે. ઘડિયાળમાં દર ૫ કલાકે ઘંટારવ (ડંકા) બાજે છે. બ્રિટીશ-યુરોપિયન લુક ધરાવતા નાના ટાવર્સ ક્યાંક જોડીમાંય જોવા મળે. મુખ્ય મકાનની ગોથિક બારીઓ ઉપરથી ગોળાકાર અને જાણે કે એની ગરદન લાંબી હોય એવી ઊભી છે જેની ઉપર શ્વેત લકીરો મઝાની ડિઝાઈન પાડતી લાગે. ઈંટ રંગ દેહ અને સફેદ કિનાર અને ઊભી રેખા દરેક માળે-છેક ટાવરની ટોચ અને ઘડિયાળ સહિત અલગ આભા ઊભી કરે છે. ટાવર પર અંતર જાળવીને કઠેડાય શોભામાં વૃધ્ધિ કરે છે, તો, આસપાસની લીલોતરી નાળિયેરી સહિત સમગ્ર પરિસરને ઝૂકીને સલામ ભરતી લાગે. કમાન, કઠેડાની ઉપર ઝીણી ભાત સુંદર રચનાની હામી ભરે છે. ટાવર ઉપર લાઈટનીંગ ટ્રેપ લગાડેલા છે જે વીજળીને ત્રાટકતી રોકે. ટાવરની બહારની ભીંત ઉપર-અગાશી-કઠેડાના આધારે ઈતિહાસના પ્રાચીન ચિત્રો અને તસવીરો સ્ટેશનની ઓળખને ચાર ચાંદ લગાવે છે. અંદરના ભાગે પ્લેટફોર્મની છતમાં જાળીદાર ગોળાકાર રચના પેલી રોમનસ્ક શૈલીની સાથે બંધ બેસે છે. આ ભવ્યાતિભવ્ય સ્થાપત્થ સૌંદર્યને અને તેના સમયને સલામ !

લસરકો :

વિદાય ટાણે સ્ટેશનની આસક્તિ અનાસક્તિમાં પરિણમે.

ઓ રેલગાડી સરી સર સર સર સર અરે રેલ ગાડી જરા રુક રુક રુક રુક

ભારતની પ્રથમ પ્રવાસી ટ્રેઈન મુંબઈમાં બોરીબંદરથી થાણે સુધી દોડાવાઈ હતી. સોળ એપ્રિલ-૧૮૫૩ના શુભ દિને એ ટ્રેઈને ચોંત્રીસ કિ.મીનું અંતર કાપેલું. જેને તેર ડબ્બા અને ત્રણ એન્જિનો લાગેલાં હતા. એજિનનાં નામ હતાં - સાહિબ, સુલતાન અને સિંધ. નાગરિકોએ એને મનમાં ભય સાથે નિહાળેલી. ધૂમાડા કાઢતા કાળા દૈવીતત્વ કે રાક્ષસ જેવા લાગતા એન્જિનની પૂજા કરી : તેના કોપથી દૂર રહેવા, તેને રીઝવવા લોકોએ પ્રાર્થના પણ કરેલી. તો, આ બધી ચહલ પહલ અને વિધિ કેવી રીતે અને ક્યાં થઈ ? અરે ! સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને સ્તો ! એટલે... સ્ટેશનનો એ પ્રથમ અનુભવ પણ ખૂબ ઝડપથી આપણા દેશના સહનશીલ નાગરિકો યાતાયાતના આ નવા સાધનથી ન માત્ર ટેવાઈ ગયા પરંતુ તેનો યથાયોગ્ય ઉપયોગ કરી એ ઉદ્યોગને સફળતાની ચરમ સીમાએ પહોંચાડયો. વિશ્વની પ્રથમ હરોળમાં આવે છે આપણી રેલ્વેનું નેટવર્ક અને તંત્ર. આ બધી શોધોની પાછળ રહેલી છે ઉત્તેજના અને બાળસહજ કુતુહલ વૃત્તિ. દેશની અને રહીશોની વધતી ઉંમર સાથે એ જોશ અને ઉત્સાહ બરકરાર રહે તેમાં જ સાર છે. બાકી, બાળકો તો હંમેશ રેલગાડીથી આકર્ષાયેલા રહ્યા છે. સ્ટેશન ઉપરપ કે પુલ પર છૂક છૂક ગાડી જોઈને તેઓ નાચી ઉઠીને ચિચિયારી કરે. ઠન...ઠન...ઠન...ઠન.... અને એન્જિનમાં અંદર શું છે. એની ઉત્કંઠા એને જાગે ત્યારે સ્ટેશનને એક છેડે ઊભેલા એન્જિન સુધી જવું હોય તે વખતે ભવિષ્યના એક ઈજનેર-એક સંશોધકનો માનસજન્મ થાય. આમ, સ્ટેશન માહિતીનો સ્ત્રોત બની જાય. વળી, એ જ ફલક પર સ્નેહીઓની વિદાયનાં કે સ્વાગતનાં ભાવપૂર્ણ દ્રશ્યો સર્જાય-અનુભવાય.


Google NewsGoogle News