પ્રબુદ્ધ બૌદ્ધ શુદ્ધ થાંગકા ચિત્રકળા .

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
પ્રબુદ્ધ બૌદ્ધ શુદ્ધ થાંગકા ચિત્રકળા                            . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- કળારૂપી સુત્ર (દોરો) અસ્વસ્થ મનને ખીલે બાંધે

વિશ્વમાં કેટલીક વિભૂતિઓ એવી થઇ ગઇ કે એમની પ્રતિભા - આચાર - વિચાર, કર્મ, વાણી, આચરણ - વિચરણની ધર્મભાવનાની નીતિની જગત આખા ઉપર ખુબ ઉડી અસર પડી. સદ્ભાગ્યે એવી પ્રતિભા વિશ્વસ્તરે નોંધાઇ, પૂજાઇ અને અનુસરાઇ. રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઇસુ, નાનક, મહમ્મદ આદિનો જબરજસ્ત પ્રભાવ માનવ જાતિ પર જોવા મળ્યો. દરેક ધર્મની વિવિધ તરાહોનો સાર તો માનવધર્મ જ હતો તેથી તેમની સેવાનાં પોંખણાં થયાં, પરંતુ આ દરેકના સિદ્ધાંતોએ પડખું બદલ્યું તેનો તો એક માત્ર સાક્ષી હતો - સમય ! ખેર ! સતત હાલક - ડોલક થતા માનવમનને ઠરવા માટે પણ થાનક જોઇએ અને ભવસાગર તરવા માટેય તરણાંનો તરાપો તો ખપે ને ! અને એટલે જ 'મરતા ક્યા નહિ કરતાં' ન્યાયે માણસો પોતાને અનુકૂળ ધર્મ, પ્રવાહ, સંપ્રદાય, સમુદાય વગેરે શીર્ષકો હેઠળ સમાવા માંડયા. આ પ્રત્યેક મુદ્દાની સમાંતર એક બીજું તત્વ માનવમનના અતળ ઊંડાણમાં સ્પર્શ કરતું - અને તે હતું 'કલાતત્વ'. માનવરાશિના આ ઉત્તમે ગુરુઓને માત્ર જ્ઞાન વહેંચવાથી સંતોષ ન થયો. તેમણે તો જીવનને રસપ્રદ બનાવવા માટે કળાના અનેક - લગભગ બધા જ પ્રકારોને રસિકોના ચરણે ધરી દીધા. શિલ્પ - સ્થાપત્યે ધર્મસ્થાનોની શોભા વધારી. ચિત્રોથી તેની દીવાલો શણગારાઇ. સંગીતે વાદ્યો સહિત ભક્તિનાદ ગૂંજવ્યો. મંડપોમાં નાટયુનું સંવાદી સ્વરૂપ ખીલ્યું અને આ બધાં સાહિત્ય વિના સંભવી શકે ? 

પ્રત્યેક ચિત્ર પારંપરિક પ્રક્રિયાથી બને

વૈશ્વિક બૌધ્ધ ચિત્રકળાએ દુનિયા આખીના રસિકો, ભાવકો, શ્રધ્ધાળુઓ અને દર્શકોના દિલોદિમાગમાં માનભર્યું સ્થાન મેળવ્યું છે. નેપાળ, તિબેટ, ચીન, જાપાન, ભૂતાન, મોગોલિયા તો ખરા જ - સાથે સાથે આપણા ભારત દેશમાં પણ વિવિધ સ્થળોએ બૌધ્ધ ચિત્રકળાનાં અનુપમ નમૂના જોવા મળે. ભારતમાં હિમાલયન સર્કિટમાં સ્થિતી વેલી, લડાખ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, લાહૌલવેલી, આસામ, શિલોગ, ધર્મશાળા ઇત્યાદિ વિસ્તારો બૌધ્ધ ચિત્રકળાથી ભર્યા ભર્યા છે. તદુપરાત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંગ્રહાલયો અને વ્યક્તિગત સંગ્રહોમાં પણ તેની બોલબાલા છે. મતમતાંતરોમાં પડયા વગર, સ્પર્ધાને કોરાણે મૂકી દઇને, પ્રસ્તુત કળા કયાં જન્મી તે દાવા- વિવાદને ભૂલી જઇએ અને આ કળામાં ઓતપ્રોત થઇ જઇએ તો ? 'તિબેટિયન કળા' તરીકે વધુ જાણીતી થયેલી આ ચિત્રકળા અન્ય એશિયાઇ દેશોને પણ માન અપાવે છે. આ કલાસ્વરૂપ નેપાળમાં 'નેવારી આર્ટ ઓફ ફાઉબા' તરીકે ઓળખાવાય છે. 'તિબેટિયન બુદ્ધિસ્ટ પેઇન્ટિંગ' 'થાંગકા', 'થાંકા' કે 'ઠાંકા' તરીકે પ્રસિદ્ધ છે. મૂળે તો બૌધ્ધ મઠોમાં આંતરિક દીવાલો પર, મુખ્ય પ્રવેશ દ્વારો પર અને રવેશમાં પણ થાંગકા ચિત્રો શ્રધ્ધાળુઓને આકર્ષતા. મંદિર કમ્પાઉન્ડની દીવાલો પર પણ બુદ્ધની જીવનીનાં - સંઘર્ષના, તેમના ઉપદેશનાં ચિત્રો જોવા મળે, જેમાં માનવી માટે ધર્મ, કર્મ, શિક્ષણ, સુચારૂ વ્યવહાર આદિ માટેનાં સૂચનો હોય. બહારની દીવાલો નજીક પ્રાર્થના ચક્રો અને ભીતર પૂજા પાઠનો માહૌલ તો ખરો જ. બૌધ્ધ ધર્મમાં ધ્વજનું મહત્વ ઝાઝેરું હોવાથી મોનેસ્ટ્રી (મઠ)ની અંદર, બહાર અને ગામમાં સર્વત્ર રંગબેરંગી ધજા-પતાકા લહેરાતી હોય.

કળામાં શ્રધ્ધા અને શ્રધ્ધામાં કળાની છાંટ

હિમાચલ પ્રદેશના ધર્મશાળા નગરે પ્રકૃતિદર્શન, સાહસ અને કળાદિદારનો ત્રેવડો લાભ મળતો હોય, આજનો યુવા વર્ગ એમાં રસ લેતો થયો હોય તો એનાથી રૂડું બીજું શું હોઇ શકે ? એમાંય કળામાં દર્શન ઉપરાંત બૌધ્ધ ચિત્ર સર્જનની તાલીમની જોગવાઇ થતી હોય ત્યારે અમદાવાદના યુવા કલાકાર બહેન શ્રીની શેઠ ઝાલ્યાં રહે શાનાં ? યોગ- ધ્યાન જેવી સમાધિ લાગી જાય અને 

એક મહિનો ચિત્રમાં ગળાડૂબ થઇ બુદ્ધ ભગવાનનું - મેડિસીન બુદ્ધ અવતારનું એક સંપૂર્ણ ચિત્ર તૈયાર થઇ જાય તો મનમોરલો નાચી ન ઉઠે ? એ સર્જન પ્રક્રિયા કેવી સ-રસ છે ! ચોક્કસ માપના કાપડના ટુકડા પર બુદ્ધાવતારના ચહેરા અને શરીરના માપકોષ્ટક મુજબ ભૌમિતિક માળખું તૈયાર થયા બાદ રેખાઓ અનેક સ્કેચ મઠાર્યાં ! વનસ્પતિજન્ય અને ખનિજ જન્ય રંગો પાવડરરૂપે મળે છે. તેને પાણીમાં કાલવી રંગ બનાવવાનું એક સ્થાનિક સંસ્થાએ શીખવ્યું. સૌથી પાતળી - ઝીરો નંબરની પીંછી વડે કાપડ પર ઝીણાં લસરકા મારતા જવાની, પાછી ઉપાડી ઝીણાં ટપકાં રૂપે જ રંગ પ્રસાર કરવાની અદ્વિતીય શૈલી વડે સળંગ લીલું આકાશ તૈયાર થાય. હા, આ પ્રક્રિયામાં રંગ - મેળવણી નહિ, રંગ પસંદગી છે. તો ઝાંય મુજબ રંગો પસંદ કર્યા. આકૃતિ, પહેરવેશ, સજાવટ અને બહુ જ અગત્યની પવિત્ર આભા ઊભી કરવાની કેવી મઝા ! આકૃતિ પાછળ ફૂલ, પાન, ડાળખીને આમંત્રણ અને પાત્રનું સિંહાસન ગજબનું હોં ! નીચે પાયાસન (પાટલો) કમલાસન સમ અને અન્ય શૃંગાર શંખ, વાદળ, બુદ્ધના હાથમાં ઔષધ વાટકો, ચહેરાનો ભાવ અતિ શાંત. પ્રસન્ન મુદ્દાવાળા આ બૌધ્ધ ચિત્ર ઘેરાભૂરા, કેસરી, ગુલાબી, શ્વેત રંગોથી શોભે છે. ઝીંણી રેખાઓ, સોનેરી રંગનો સ્પર્શ કલાકારની જાગૃતતાનો પુરાવો છે. મૂળ બૌધ્ધચિત્રોના સૌંદર્ય રસ સાગર તટે લટાર મારવા જવું છે?!

લસરકો 

બૌધ્ધ ઠાંકા ચિત્રો અતિ પ્રતીકાત્મક હોય છે. દરેક લસરકે અર્થ બદલાય. આ ચિત્રો દેવવાણી અને શિલ્પોથી પ્રેરાયેલાં હોય છે.

કળા તટસ્થ રહી શકે - તો, માનવી?

અસલ તો થાંગકા ચિત્રકળા રેશમી કે સુતરાઉ કપડા પર થતી હવે તો કેનવાસ અને કાગળ પર પણ તે ઉતરી છે. ચિત્ર સંગ પેચવર્ક (એપ્લિક)ની પણ પરંપરા હતી. ભગવાન બુદ્ધને કેન્દ્રમાં રાખી, એમના મસ્તક પાછળ આભા (ઓરા) અને આસપાસ કુદરતી તત્વોનાં નિરૂપણ થાય. એ સમયે ચિત્રોને ફેઇમ ન્હોતા કરાતા પરંતુ તેનો વીંટો વાળીને (સ્કોલ) મૂકતા. કાપડમાં વીંટીને સાચવતા. અનેક કદ અને આકારમાં તૈયાર કરાતા આ ચિત્રો પ્રસંગોપાત મઠમાં કે ઘરોમાં દીવાલની શોભા બનતા. અન્ય દેવી - દેવતા, લામા અને બોધિસત્ત્વનાં ચિત્રો બને. જીવન (ભવ) ચક્ર, ભાવચક્ર અને આંતર પ્રકાશને સમજાવવા અભિધર્મ શિક્ષણની પણ મદદ લેવાતી. ચિત્ર ઉપરાંત ધાતુ પર ભીંત પર સિમેન્ટ, ચૂના જેવી સામગ્રીમાં રિલીફ વર્ક (ઉપસેલાં) વાળી કળા પણ લોકપ્રિય હતી. તેમાં શિલ્પની થીમ મુજબ કામ થતું. વૃડ બ્લોક પ્રિન્ટમાં આ કળા ઝળકતી. હા, અજંતાની ગુફાની જેમ અનેક ગુફાઓમાં થાંગકા ચિત્રો જોવા મળે. બૌધ્ધ વિચારધારા મુજબ બોધિસત્વની શૈલી મધ્યભારતની કળા શૈલીમાંથી નીપજી. સાથે સાથે લઘુચિત્રો તરીકે પણ એનાં અવતરણ થયા. સદીઓ દરમ્યાન થાંગકામાં પોતાની નોંધપાત્ર શૈલી સર્જાઇ. ઇન્ડો-નેપાળ, ઇન્ડો-ચાયના, ઇન્ડો - તિબેટ, ઇન્ડો - ભૂતાન ઢબ અઢારમી સદી સુધીમાં આવી પહોંચી. બૌધ્ધ ચિત્રો હંમેશા વિચારધારા ઉપર અવલંબિત રહ્યા છે. આઠમી સદીથી આરંભાયેલી આ ચિત્રયાત્રા દરમ્યાન ચિત્રોમાં ખાસ સંયોજનો જોવા મળ્યાં. મુખ્ય પાત્ર આસપાસની પૂરક માહિતીમાં નાની આકૃતિઓ દેખાઇ. લેન્ડ સ્કેપ પણ સુંદર બનતાં ભગવાનના પ્રભામંડળના વલયોમાં સૂર્ય, ચન્દ્ર, તારા જેવા બ્રહ્માંડીય તત્વો ખરે જ ચિત્રની શોભા બની રહે છે - આજ પણ બાકી, આ ચિત્રોમાં ઘાટા - ઘેરા રંગો, આછા રંગો અને શ્વેત રંગનું પણ બાહુલ્ય છે - તે પણ વનસ્પતિ, ખનિજ અને માટીમાંથી બનતા રંગો !


Google NewsGoogle News