લાખા મંડળ મંદિરની કહાણી .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
નદી યમુના ધીરી ધારે - તીરે તીરે - જોડે જોડે સંગાથે
લાખામંડળ નામ અહીં લાખામંડલ તરીકે પ્રચલિત છે. પ્રવાસીપ્રિય આ સ્થળ અજબ-ગજબની 'ઑરા'. આભામંડળ ધરાવે છે. આ જ રસ્તો આગળ જઈને ચારધામનો રૂટ પકડે. લાખા મંડળથી યમુનોત્રી પચાસ કિ.મી. જ મનવગું-ચરણવગું છે. આધ્યાત્મિક્તા તરફ દોરવી જતી ભેદી હિમાલયન શ્રેણીમાં છુપાયેલા રત્ન કે કૌતુક સમું સ્થાન- લાખામંડળ મંદિર પ્રકૃતિના સાન્નિધ્યમાં અજબ-ગજબ કરતબ કરતું ભાસે ! ઉત્તર ભારતની ઉત્તરાખંડીય સ્થાપત્ય શૈલીમાં બંધાયેલું આ મંદિર શૈવ પંથને અતિપ્રિય છે. શિવજીને સમર્પિત પ્રસ્તુત મંદિરમાં જેઓ પધારે તેમનાં દુર્ભાગ્ય પૂર્ણતા પામે છે એવી માન્યતા છે. પ્રાચીન નાગર (નગર) શૈલીની છાંટ ધરાવતું શિવજીનું આ પર્વતીય રહેઠાણ નિસર્ગની ખીણો અને યમુના નદીના તટનો વૈભવ માણે છે. અહીં દિલ લોભાવનારી ગુફા અને શિવમંદિર પરિસરમાં વેરાયેલા પ્રાચીન અવશેષોનાં દર્શન માત્રથી પાપમુક્તિ મળે એવી વાયકા છે. ઉત્તર કાશીનાં દિવ્ય સૌંદર્યયુક્ત કૃષ્ણપ્રિયા યમુનાના ઝરણ અને વહેણનો કલનાદ દિવ્યતમ અનુભવ કરાવે છે. સમુદ્રતટથી ૪૫૦૦ ફૂટની ઊંચાઈએ આ રહસ્યમય ચમત્કારી મંદિર આવેલું છે જ્યાં શૃંગ છે, હવનકુંડ છે, ગંગા-યમુના જલનો લાભ છે અને મૃત વ્યક્તિ ઉપર એ પવિત્ર જળનો છંટકાવ તેને જીવન બક્ષે છે. એવી માન્યામાં ન આવે એવી માન્યતા છે. દેવભૂમિ ઉત્તરાખંડ-ગઢવાલ આસપાસમાં નૌર્ગાંવ (બંદરપૂંછ-વ્યૂ પોઈન્ટ), પુરોલા, ટાઈગર ફૉલ, યમુનોત્રી મંદિર, કેમ્પટી ફૉલ, મેગ્ગી પોઈન્ટ, બારકોટ, હનોલ (માહસુ દેવતા) આદિ દર્શનીય સ્થળોએ ઠેર ઠેર સૌંદર્યમંડિત નઝારા મળે. સહજ જ કુદરતને માપી લેવાનું મન થાય પરંતુ એને માપવાનું આપણું ગજું રહે છે ?
લાખામંડળ પરિસરે ઈતિહાસ અને પુરાણોનું મિલન
પર્વતોમાં છુપાયેલું લાખામંડળ મંદિર હકીકતો અને પૌરાણિક કથાઓથી ભરેલું તો છે જ; ઉપરાંત કુદરતી તત્વો સભર મહાન આ સ્થળ સ્થાપત્ય કળા, મેળા, શિલ્પકળા, ભક્તિ અને શ્રદ્ધાથી ઓળઘોળ થયેલું છે. ગામ જોનસરના જૌંસરી લોકો આ આતિથ્ય ભાવનાવાળા - હેતાળ અને હંમેશ સસ્મિત દેખાય છે. ઘરો અને બજારો સુંદર કલા કારીગરી વાળી કાષ્ઠ અને અન્ય સામગ્રીની શોભાયુક્ત મોહક વસ્તુઓથી ભર્યાં ભર્યાં હોય છે. ઉત્તરાખંડની અન્ય ભાષાઓથી અલગ છે તેમની મીઠી ભાષા અને બોલી દર પંદરમી એપ્રિલે ભરાતો અહીંનો મેળો દેશનો એ પ્રથમ મેળો છે એવો દાવો અહીંનો છે. લાખામંડળ મંદિર અલભ્ય અને અદ્વિતીય પરિસરયુક્ત સંકુલ છે. ભારતીય પુરાતત્વ ખાતાની નિશ્રામાં તે સુરક્ષિત છે. લાખ એટલે ઘણાં અને મંડળ એટલે મંદિર અથવા લિંગમ્ ! ઉત્ખનન દરમ્યાન ખોબલે ને ખોબલે કલાકર્મ અહીંથી જડયાં. બારથી તેરમી સદીમાં સર્જાયેલ આ મંદિર પ્રાગણમાં હવે મોટા પાયે વિપુલ માત્રામાં ભગ્નાવશેષો પડયાં છે એ જણાવે છે કે એ સમયે અહીં લાખ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા થઈ હોવી જોઈએ. મંદિરો પણ મોટી સંખ્યામાં હશે - પણ આજે તો આ એકમાત્ર મંદિર બચ્યું છે - જે જીવંત લાગે છે ! અન્ય અવશેષોનાં નિરીક્ષણનું તારણ એ છે કે અહીં બાંધકામ પ્રવૃત્તિ છે...ક પાંચમી સદીથી શરૂ થઈ આઠમી સદી સુધી રહી હશે : અહીં પથ્થરનાં પિરામિડલ સ્ટ્રકચર હતાં જેની ઉપર ઈંટો જડયાના નમૂના મળી આવ્યા છે. છઠ્ઠી સદીના પ્રસ્તર અભિલેખ (શિલાલેખ) મુજબ આ મંદિર રાજવી વંશ સિંહપુરનાં અંશ એવા કુંવરી ઈશ્વરાએ ઘડાવેલ.
ગ્રેફાઈટ નું શિવલિંગ દર્પણ જેવું પારદર્શક !
આ મંદિરનું શિવલિંગ વિશ્વનું પ્રથમ શિવલિંગ છે એવી લોકોક્તિ છે. કૌરવો-પાંડવોના ઐતિહાસિક પ્રસંગ લાક્ષાગૃહની ઘટના અહીં જ ઘટી હોવાનું પણ વિદ્વાનો ટાંકે છે. મંદિરમાં અનેક ગર્ભગૃહો છે એમાં મુખ્ય ગર્ભની બારસાખ નીચે ડાબે-જમણે માનવ અને દાનવનાં શિલ્પો છે તે દ્વારપાળ છે. એ શિલ્પો ભીમ અને અર્જુનનાં કે જય-વિજયનાં પણ હોઈ શકે. મુખ્ય શિવલિંગ અભિષેક થતાં જ અરીસાની જેમ ચળકે છે. તેમાં લાલ અને લીલી ઝાંય છે. વેરાયેલાં શિવલિંગોનાં થાળાં આમલક આકાર પ્રકારના છે જેમાં લિંગ ઊભાં છે. દરેકનાં કદ, આકાર, રંગ ભિન્ન ભિન્ન છે. મંદિરમાં શિવ પરિવાર સહિત અનેક દેવી
દેવતાઓનાં શિલ્પો છે. દિવ્ય ઁ કારનું ગૂંજન અહીં થાય છે. વાસ્તુ કલાના અપ્રતીમ નમૂના રૂપ આ મંદિરની સંરચનાત્મક ગતિવિધિ ઉત્તરાખંડીય શૈલી જતાવે છે. ભોંયેથી ઊભા મંદિરને જગતી નથી. મંદિર સ્વયમ્ એક શિખર ! ઈંટોની રોચક ગોઠવણીમાં ઝરૂખા, સ્તંભ, નાનાં મદલની રચના ઉપસેલી દેખાય. વળી બારીમાં મહિષાસુર મર્દિનીની મૂર્તિ પણ ભાવપૂર્ણ ! મંદિર શિખરે છાપરું અને વચ્ચે રજોટિયું જેથી બરફનો માર મંદિરને ન પડે અને ઉપરથી છાપરાને ઝાલરનો શણગાર ! હા, ટોચે કળશકુંભ ખરા જ હોં ! આડા ખાના સમ કોતરણી ઈંટના પડ પર પડને સુંદરતા બક્ષે. લાકડાના દ્વાર વડે શોભતા આ મંદિર દ્વારા પર ગણેશ અને ઉપર મંડપ વચ્ચે વચ્ચે વળી આમલકનો શણગાર. બહાર નંદી અને આ શ્રી સ્થળે ઠેર ઠેર નકશી. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગની કળાની શ્રેષ્ઠતમ ઝાંખી સૌને મોહિત કરે.
લસરકો :
કુંડ, ગુફા, સુરંગ, મંદિર, કળા અને કુદરતને માહ્યલાનાં ઉતારીને એમાં ઓગાળી જવાનું સ્થળ તે આ લાખામંડળ.
ઉત્તરાખંડનો વણખેડાયેલો પ્રદેશ સુંદર વિશેષ
એ તો સર્વવિદિત છે કે જે ધરતીને ખોળે આપણે લીલાલહેર કરીએ છીએ. સુપેરે ઉછરીએ છીએ એના ઋણી રહેવામાં જ આપણી નમ્રતા છે. ભારત દેશની માટીના કણેકણમાંથી- ચોમેરથી સંસ્કાર અને સંસ્કૃતિની સોડમ દશે દિશાએ પ્રસરે છે. પરંપરાગત વારસાની જાળવણી કરી આ ભૂમિમાંથી પ્રસરેલી પ્રત્યેક કળાનું જતન કરવાની આપણી પવિત્ર ફરજ છે. વિશાળ એવી આ ધરા પર કેટકેટલાં અતિપ્રાચીન, પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક અને અતિ આધુનિક કલાત્મક સ્થાપત્યો આપણાં મનને શાતા આપે છે. પછી એ સ્થાપત્ય ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, રાજનીતિક કે અંગત કેમ ન હોય ?! વીતેલા યુગની અસર લઈને ઊભાં થયેલાં સ્મારકો, સ્થાપત્યો, ઈમારતો જે - તે યુગને અને અનુરૂપ વિષયને ઉજાગર કરે છે. અલબત્ત, સામાન્ય રીતે આવરદા અનુસાર, જાળવણી કે પર્યાવરણ સંદર્ભે આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ પણ કળાપ્રેમીઓને તો એના ભગ્નાવશેષોમાં પણ પૂર્ણ ઈમારતોનાં દર્શન થાય છે. સામાન્ય જન, સ્થાનિક નિવાસીઓ, સ્થાપત્યોના રખેવાળો સાથે સાથે ભારતીય પુરાતત્વ ખાતાએ પણ દેશભરના ખૂણેખૂણામાં સર્વેક્ષણ કરી તેને સાચવવાનું બીડું ઝડપ્યું છે. મન, સ્વપ્ન અને વિચારોની પાંખે ઉડીને ચાલો, આપણે ઉત્તરાખંડ રાજ્યની રાજધાની દહેરાદૂનને પાદર પહોંચી જઈએ અને ત્યાંથી સો કિલોમીટર દૂર જૌનસર-બાવર પ્રદેશના ગામ લાખામંડળ જવા નીકળી પડીએ. દેશનો આ પ્રખ્યાત અને પ્રથમ ગિરિમથકે મસુરી અને ચક્રતા વિસ્તાર થઈને જવાય.