ચુંબકીય ચંબાનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સંકુલ .

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
ચુંબકીય ચંબાનું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સંકુલ                          . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- મનગમતી કળા જીવનભર ગમતાંનો ગુલાલ કરાવે

પ્રવાસ સાથે આસ્થા જોડાયેલી હોય છે ત્યારે એક અલગ અનુભવ અને વાતાવરણમાંથી પસાર થવાનું બને છે; એ બે આનંદના અને સંતોષના ઓડકાર સાથે એક ત્રીજો ભાવ અનુભવાય તે છે ''કલાનંદ''. કલા કોઈ પણ હોય - તેનો સીધો સંબંધ હૃદય સાથે હોય છે. તેથી જ્યારે મનભાવન-મનગમતી કળાના વૈવિધ્યસભર આયામોનો સ્પર્શ થાય છે ત્યારે તે હૃદય સોંસરવી ઉતરી જઈ સ્વર્ગીય આનંદનો અહેસાસ કરાવે છે. આમ જોવા જોઈએ તો આપણી આસપાસ પણ અપાર કલા અને તેના પેટાસ્વરૂપો નિરખવા મળે જ છે તો શા માટે લાંબો પંથ કાપવો એ પ્રશ્નના ઉત્તરમાં ફરીથી એ જ વાત આવીને ઊભી રહે છે. 

એક પંથ-એક, દો, તીન કે એથી વધુ કાજ મનમોરલાને ગહેકાવી જતા હોય તો એ વિકલ્પ શું ખોટો ? આખરે તો એક બ્રહ્મવાકય વારંવાર ઉચ્ચારાતું હોય છે ''આપણે અંતે જતી વખતે શું સાથે લઈને જવાના છીએ...?'' તો, ભાવકો જરૂર જવાબ દેશે કે ભાવવાચક સંજ્ઞાા ''આનંદ''નો સાથ નક્કી ચિરંજીવ હોવાનો. એ દેખાય નહિ - અનુભવાય અને તેથી જ કલાપ્રેમમાં રમમાણ વ્યક્તિની જીવનયાત્રા અચૂક વિશિષ્ટ જ રહેવાની. સ્થાપત્ય કલા એ અચલ કલા છે તેથી એ જે સ્થાને હોય ત્યાં પહોંચવું જ રહ્યું. 

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ચંબા ગામે ચંબા અને પહરી લઘુચિત્ર કળા મળે. પરંપરાગત ભક્તિ ગીતો, લગ્નગીતો, પ્રણય ગીતો, ઉત્સવો, નૃત્ય, સંગીત, વાદ્ય, ખાદ્ય, વ્યંજનો અને પહેરવેશ સુદ્ધાં હસ્તકલા સહિત મ્હાલતા દેખાય. હા, કુદરતની ઈલમકી લકડી, જાદુકા ખેલ તો હોય જ !

રાજા સાહિલ વર્મનની પુત્રી ચંપાવતીને સમર્પિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સંકુલ

'સાલ' નદી સાથે સંગમ છે જેનો તે રાવિ નદીને કાંઠે ગામ ચંબા વસ્યું છે. હિમાલયના અંગેઅંગને પખાળતી, સિંધુ નદીમાં ભળી જવાની તમન્ના સેવતી અનેક ઉછળતી કૂદતી નદીઓની એક સહભાગી નદી તે રાવિ. આવા પ્રદેશમાં 'કોલિયન' નામના આદિવાસીઓ વસતા હતા. તે સદીઓ પહેલાં ત્યાં ''મારુ'' રાજવંશની આણ વર્તાતી. ત્યારબાદ વર્મન પરિવારે આ વિસ્તારને સંભાળ્યો અને દસમી સદીમાં રાજા સાહિલે પોતાની લાકડી દીકરીના નામે છ મંદિરોનું એક સંકુલ તૈયાર કરાવ્યું. ચંપાવતીનું 'ચંબા' થઈ ગયું જે આજે હિમાચલ પ્રદેશનું ઘરેણું કહેવાય છે. અનેકવિધ ખાસિયતો ધરાવતા આ ચંબા નામના જિલ્લામાં પ્રકૃતિ મહેરબાન છે અને ઉત્કૃષ્ટ કલાના નમૂના સ્વરૂપ અનેક મંદિરો, મહેલો, કિલ્લા, સંગ્રહાલયો તેમના કદરદાનોની રાહ જોતાં રહે છે. આ ક્ષેત્રની રાજધાની પણ ચંબા અને કલા પ્રેમી રાજાઓની કૃપા તેની ઉપર વરસે તેમાં ઉપરોક્ત મંદિર- સંકુલ ''શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સંકુલ'' તરીકે ગામ વચ્ચોવચ્ચ બિલકુલ નોખી ભાત પાડતું ઊભું છે. ભારતીય પ્રણાલી મુજબ ઉદાર હૃદયી, પ્રેમાળ અને કલારક્ષક, કલાપોષક રાજાઓ નવાં નવાં સ્થાપત્યો માટે પોતાનું દિલ અને પોતાનો ખજાનો કુરબાન કરી દેતા. પ્રસ્તર કળા અને કાષ્ટકળાના ઉત્તમ, અલભ્ય નમૂનાઓ યુક્ત આ મંદિર સ્થાપત્ય ઉપર સજ્જડ કાશ્મીરી અસર દેખા દે છે.

આપણા દેશમાં આઠમી-નવમી સદીથી શરૂ થયેલી કળાઓનો પ્રચાર-પ્રસાર-પ્રસ્તાર ઠે...ઠ ઓગણીસમી સદી સુધી ચાલ્યો અને તેથી જે-તે સમયની અસર ઝીલી, વિધ્વંસ થયા તો જિર્ણોદ્ધાર સુધીની એમની યાત્રા ચાલી અને પછી પુરાતત્વ ખાતાને આશરે આ કળાઓ આવી પડી.

શ્રેણીબદ્ધ એકસરખા નાનાં નાનાં ખાનાંવાળું નજરાણું

અતિ શૃંગારિત સ્થાપત્યમાં પુષ્પચક્ર, ફૂલદાની, જાળી ભાત, ફ્રી હેન્ડ, કડા અને કાપડ ઉપર ભાત રચવાની પ્રેરણા થાય એવી ડિઝાઈન મન ભરી દે. વિષ્ણુના દશાવતાર, હનુમાન, હાથી ઉપર આરૂઢ ભગવાન, નરથર, હયથર, ગજથર, સંગીત વૃંદ, વાદ્યો, વાદ્યકારો, હંસ, ફૂલબુટ્ટા, કિનારીઓ, કમલાસન, શંખ, ચક્ર, હરણ, કુંભ, રંગોળી, સમુદ્રમંથન, રવૈયા - શું શું આકર્ષે નહિ આપણને ?? બહારની ભીંતે ગૌમુખી, શ્રી કૃષ્ણલીલા, કદંબવૃક્ષ, ગોપ-ગોપી ઈત્યાદિની નાજુક કલાત્મક લાવણ્યમયી નકશી મન હરી લે. મુખ્ય મંદિરની પરસાળમાં ભોંય તળિયેથી સ્હેજ ઊંચા ઝરૂખા, સ્તંભો અને આસપાસની દીવાલો પર મંદિરના અંશોનાં અંકન સમાધિમાં સરી પડવા માટે પૂરતાં છે. અન્ય મંદિરોમાં મુખ્ય મંદિરની કળાની છાયા અચૂક જોવા મળે પણ દરેકની ખાસિયત અલગ અલગ. ક્યાંક વળી નાનાં નાનાં બિંદુ અને વર્તુળની કમાલ ખુશ કરી દે રસિકોને - તો, મહાદેવજીના ચન્દ્રગુત મંદિરમાં દૈવી પ્રસંગો, નદી, કૂર્મ, હવનકુંડ અને ભીંતે મંદિરમાં મંદિર તથા શિખર પર શિખર પર શિખરનાં દર્શનથી કૃતાર્થ થઈ જવાય. શિવ પરિવારનાં શિલ્પો, પથ્થરનાં શિવલિંગ, પિત્તળનાં નંદી અને ત્ર્યંબકેશ્વર મહાદેવમાં તો સન્મુખ વિરાટકાય નદી હાજરી પૂરાવે. પર્ણ, કળશ, કુંભ, હાથમાં ધરી ઊભેલાં લક્ષ્મીજી પ્રસન્નવદન લાગે. આરસના શિવલિંગ અને થાળાની આગવી છાપ પડે. મહિષાસુરમર્દિની, દુર્ગાના પૂજનીય સ્વરૂપ જોયા પછી એક સુત્ર વાંચવા મળે. ''નામ, નમન, નિશાન'' - ચૂકી ન જવાય કાંઈ !

લસરકો : મંદિરનો મુખ્ય દેહ છે ''વિમાન''. તેમાં શિખર અને ગર્ભગૃહ સાથે નાના અંતરાલ અને મંડપની માંડણી દેખાય.

પ્રાચીન કલાવારસાનો શ્રેય આશ્રયદાતા રાજાઓને ફાળે

અસાધારણ ગુણવત્તાવાળા પથ્થરોનાં કોતરેલા શિલ્પથી ભર્યાં ભર્યાં આ આકર્ષક મંદિરો ઘડીભર દર્શકોને સ્તબ્ધ કરી દે. મુખ્ય દરવાજે ધાતુનો એક સ્તંભ છે જેની ઉપર ગરૂડનું અંકન અસરકારક છે. મંદિરના દેવતાય જાણે કે આ સ્તંભ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે ! આક્રમણકારીઓના હુમલાને ખાળીને નુકસાન ભૂલી જઈને આ સંરચનાઓ આજેય સસ્મિત ટટ્ટાર ઊભી છે. શિખર સ્થાપત્ય શૈલીને કારણે ભોંયથી જ મંદિર શિખરાકારે દેખાય છે. ઉપર ચક્ર (પૈડા) આકારનું છાપરું દેખાય. મંડપ જેવા મંદિરો ઉપર કાષ્ઠ છત્રીઓ સ્થાપત્યને બરફ વર્ષાથી બચાવે છે. ગૌરીશંકર, રાધા-કૃષ્ણ, શિવમંદિર ઉપરાંત ભગવાન વિષ્ણુનું મંદિર ભાગ્યે જ જોવા મળે એવા આરસપહાણમાંથી બનાવાયું છે. વિંધ્યાચલ પર્વતની પ્રસાદી જેવા પાષાણો મધ્યે ભગવાન વિષ્ણુ મુખ્ય દેવતા તરીકે બિરાજ્યા છે. કુંભીસ્થાનેથી જ ઝીણી નકશીનો શુભારંભ થઈ જાય છે એવા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં સ્તંભોની ભરમાર એને આકર્ષક બનાવે. પ્રસ્તર પર નીચેથી જ ખાંચેદાર ઊભી લકીરો જેવી કોતરણી તેને પડદાર બનાવે. ફરતે વળિયા, ખૂણિયા અને ભૌમિતિક ભાતની હારોની હાર ચાલે. ચોખંડામાં ફૂલપત્તી અને લાવણ્યસભર ભાત સહ સાધુ, સંત, પૌરાણિક પાત્રોની ઉપસ્થિતિ ધ્યાનાકર્ષક બને છે. ઝરૂખા તો સ્વયમ્ મંદિર સમકક્ષ જ લાગે. મહીં ગોખલા અને સ્તંભ પર દેવી-દેવતાને ચામર ઢોળાતા હોય. નાનાં નાનાં આમલક, કુંભ, કળશ ભીંતે ચડીને શિખર તરફ નજર માંડે ત્યારે શિખરમાં પણ શિખરકૃતિ દેખાય. અત્યંત અલંકૃત-દક્ષિણની શૈલીની યાદ અપાવે અને મુખ્ય મંદિરના શિખરમાં ઉત્તરાખંડીય ઝલક મળે.


Google NewsGoogle News