બોરી બંદરથી વિક્ટોરિયા ટર્મિનસ .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
- સ્ટેશન એટલે ઘડીભરનું વિશ્વામ સ્થળ
બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન કે એરપોર્ટ - બધાં જ એક પ્રકારનાં ''સ્ટેશન'' જ છે; તો, આજે આપણે સૌ સંગાથે ભારતના એક એવા પ્રથમ ટર્મિનસ સ્ટેશનની મુલાકાત લઈએ - જે યુનેસ્કોની ''વર્લ્ડ હેરિટેજ સાઈટ'' માં ૨૦૦૪માં નોંધાયું છે. ઈતિહાસ, બાંધકામ, દેશ, પ્રજા, વિસ્તાર આદિની સીમાઓ અનુસાર યુનેસ્કોની કમિટી તેનાં મૂલ્ય આંકે અને ખરે જ ! એ સ્થળનું મૂલ્ય વધી જાય. દક્ષિણ મુંબઈના બોરીબંદર વિસ્તારના નાના સ્ટેશનને પુન : નિર્માણની જરૂર પડી. એ સ્ટેશનનું નામ પણ બોરીબંદર. ત્યાં એક મુખ્ય અગત્યનું બંદર હતું. તે આયાત-નિકાસના સ્થળે ''બોરી'' એટલે કે કોથળા કે ગુણિયાની જરૂર પડતી. તે સાચવવાનું અહીં ગોડાઉન પણ હતું. આમ, વેપાર વણજ વધતાં નવા સ્ટેશનની માંગ ઊભી થઈ અને એ અંગ્રેજ સમય હતો માટે રાણી વિક્ટોરિયાના માનમાં અંગ્રેજ સરકારે ૧૮૭૮ માં નવું ટર્મિનસ બાંધવાનો આરંભ કર્યો. દસ વર્ષે ૧૮૮૮માં એનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. તે જ વખતે રાણી વિક્ટોરિયાના શાસનની સુવર્ણ જયંતિ (૫૦ વર્ષ) હતી. ૧૮૮૭માં ૫ૂર્ણતાને આરે પહોંચતા આ સ્થાપત્ય ઉપર ઉપરોક્ત નોંધ કંડારવામાં આવી. ત્યારથી એ સ્ટેશનનું નામ ''વિક્ટોરિયા ટર્મિનસ'' પડયું. પ્રથમ નજરે જે જે સંરચનાના પ્રેમમાં પડી જવાય એવી આ ઈમારત બ્રિટીશરોએ બાંધી. એ તો હકીકત છે કે કળાને કોઈ સીમા-કોઈ બંધન નથી. પ્રસ્તુત સ્ટેશનના બાંધકામની ઉત્કૃષ્ટ શૈલી છે. ''વિક્ટોરિયન ગૉથિક રિવાઈવલ આર્કિટેક્ચર.'' એમાં ભળી ઉત્તર મધ્યયુગીન ઈટાલિયન શૈલી. વળી, ભારતીય પારંપરિક સ્થાપત્યનો એને પાશ લાગ્યો.
વિશ્વ વિખ્યાત વી.ટી. સ્ટેશનને દરરોજ ત્રીસ લાખ પ્રવાસીઓ વાપરે છે.
ભારતીય કર્મશીલ કારીગરોએ ઉપરોક્ત બન્ને શૈલીનાં માન-પાન-શાન જાળવી તેમાં પોતાની કળાને ભેળવી અને ભારતીય મહેલ સ્થાપત્યનાં અગત્યનાં લક્ષણોને આમાં ઓળઘોળ કરી દીધાં. આખાય એ ''ગ્રાઉન્ડ પ્લાન'' ને કારણે વી.ટી. સ્ટેશનની રોનક વધી ગઈ. વિભિન્ન સંસ્કૃતિઓનો એ સુભગ સુમેળ હતો. ભારતની અભિવ્યક્તિને વાચા મળી અને મુંબઈને અદ્વિતીય નૂતન સ્થાપત્ય શૈલી મળી તેને નવો ઘાટ મળ્યો. કેટલાક વિદ્વાનો તેને ''ઈન્ડો સાર્સેનિક'' તરાહ કહે છે કારણ કે આ બાંધકામ ઉપર ઈસ્લામિક સ્પર્શ પણ જણાય છે. મધ્ય યુગના અસ્ત ટાણે યુરોપ, ભારત અને અન્ય સ્થળોએથી આ પ્રકલ્પને બહોળો પ્રતિસાદ સાંપડયો. લંડનના સ્થપતિ જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટસે બાંધેલ (૧૮૭૩માં) સેન્ટ પેનક્રાસ રેલ્વે સ્ટેશન (લંડન) સાથે આ સ્ટેશનની સંરચનાની સરખામણી થાય છે. વી.ટી. સ્ટેશનના બાંધકામ સમયે એક્સેલ હેગે નામના ડ્રાફ્ટસમેને આ ઈમારતનો વૉટર કલર સ્કેચ બનાવેલો. પાયાના એ આધારે બ્રિટીશ આર્કિટેક્ટ સ્ટીવન્સ/એફ.ડબલ્યું. સ્ટીવર્સ મેદાનમાં આવ્યા અને બાંધકામને વેગ મળ્યો. એમણે સમૃધ્ધ ઈટાલિયન ગૉગિક શૈલીમાં પ્રાણ પૂર્યો. એન્જિનિયર વિલ્સન બેલના જ્ઞાાનસભર સહકારથી ૧૮૫૩ના બોરી બંદર નામક મૂળભૂત સ્ટેશનનું વિક્ટોરિયા ટર્મિનસમાં અવતરણ થયું. અણમોલ એવી આ ઈમારત અરબી સમુદ્રને કાંઠે પશ્ચિમ ભારતના મુંબઈમાં શોભે છે જે ૨.૮૫ હેક્ટર એરિયામાં ફેલાયેલી છે. આ કાર્યરત સ્ટેશન સ્થાનિક ટ્રેઈન્સ માટેની અને બહારગામની ટ્રેઈન્સ માટેની સગવડ પૂરી પાડે છે.
સ્થાનિક પીળા મલાડ પાષાણ પર ઝીણી કોતરણી
તો, શું છે ખાસિયત આ બોરીબંદર...અરે! વી.ટી.સ્ટેશનની ? એની સંરચનામાં જ રચનાત્મક અભિગમ છે. આ પેલી કોતરણી છે ને - એમાંય ઈટાલિયન માર્બલનું સંમિશ્રણ છે.
સાથે સાથે પૉલિશ્ડ ગ્રેનાઈટ વચ્ચે વચ્ચે ડોકિયાં કરે છે. સ્થાપત્યને ઓપ આપે એવા લાઈમ સ્ટોન - સફેદ ચૂનાના પથ્થરોને કારણે એ ઝળકી ઉઠે છે. ઉપસી આવે છે. એમાં થ્રી-ડી સ્ટોન નકશી-કોતરણી છે જે ધ્યાનાકર્ષક છે. બારી-બારણાં બર્મા ટીક (સાગ)નાં છે. સાથે સાથે લોખંડ (સ્ટીલ) ની બારીઓ - જાળીઓ છે જે અષ્ટકોણીય છે. પટ્ટીઓ અને કડિયાકામને લીધે તેનો ઉઠાવ ખૂબ સરસ આવે છે. સ્થાનીય પ્રજાતિઓ - પશુ-પંખીઓનાં અંકન, વનરાજી, ફુલ-વેલ, પત્તી આદિનાં પ્રતીકો કમાનદાર અને દમામદાર છે. બારણાંની કમાનો અને ઓતરંગ (લિન્ટલ) વચ્ચેની જગ્યામાં નાજુક કોતરણી નકશી શોભાયમાન છે. નાનાં ચક્ર, માનવીય ચહેરાનાં રૂપચિત્રો અને પથ્થરની જાળીઓનું ઝીણું અને તીણું કામ મનને પ્રફુલ્લિત કરી દે. આ બધું ગોળ રોઝ વિન્ડોઝ (ગુલાબ ઝરૂખા) પર નરી આંખે દેખાય. વિગતવાર કોતરણી આ હેરિટેજ ઈમારતને મૂળભૂત સાબિત કરે છે. એ સાથે અણિયાળી કમાનો, ભવ્ય પથ્થરકમ અને અનેક નાનાં મોટાં ત્રિકોણિયા ધારદાર શિખરોય નજરે ચડે. ક્રિશ્ચિયન સ્થાપત્યનાં પવિત્ર ગણાતાં લક્ષણો અશુભથી બચાવે એવી માન્યતા છે. હજી ઘણાં સ્ટેશનો વટાવવાનાં છે. ટિકિટો સાબદી રાખશો.
લસરકો
જ્યારે સ્ટેશન વિચરતા પ્રવાસીઓને
નિખરે છે ત્યારે એમનાં હૃદયરૂપી દર્પણમાં પોતાને પામે છે.
જીવન અને ગતિ - એકમેકના પર્યાય
જીવન સ્વયમ્ એક એવી યાત્રા છે કે જેમાં અનેક પડાવો આવે. સ્હેજ રોકાઈએ અને વળી પાછા આગળ ને આગળ ધપીએ. અંતિમ પડાવ તે મંઝિલ અને યાત્રારંભથી લઈ મંઝિલ સુધીમાં યાત્રીઓ પોતપોતાના ગંતવ્ય સ્થાને અચૂક અટકે-એટલે કે યાત્રીઓનાં પોતપોતાનાં બન્ને છેડા અલગ-અલગ-મૌલિક હોય; છતાં એકમેકમાં ભળવું - મનેમેળાપ કરવા એ આપણો - મનુષ્યોનો આગવો અંદાજ છે - સ્વભાવ છે. ''જીવન ચલનેકા નામ - ચલતે રહો સુબહ શામ'' પંક્તિમાં કવિએ ગતિનું મહિમાગાન કર્યું છે. ''બસ, કામ ચાલવું જોઈએ''માં માનનારા આપણે ભૌતિક વિશ્વમાં રમમાણ રહીએ છીએ. સાથે સાથે જીંદગી, પ્રવાસ, વિસામો, પડાવ ઈત્યાદિ શબ્દોનાં રૂપક પ્રયોજી ફિલસૂફીભરી વાતોય ફરીએ છીએ. આશ્ચર્ય એ વાતનું છે કે વાસ્તવ પ્રવાસ અને જીવનપ્રવાસમાં ખૂબ સામ્ય અનુભવાય છે. જેમ પંખીના માળામાં બચ્ચાંને પાંખો ફૂટે પછી તે ઉડી જાય છે તેવું ખરેખર પ્રવાસવેળાએ અનુભવાય છે. ઘડીભરની મૈત્રી કવચિત્ કાયમી સંભારણું બની જાય તો ક્યારેક ક્ષણભરમાં તે વરાળ બની અદ્રશ્ય થઈ જાય. હા, પ્રવાસનાં સાધન-વાહન ઉપર પણ તે અવલંબે અને સ્ટેશનનું શું ? શું સ્ટેશન પણ કદી યાદગાર હોઈ શકે ? જરૂર, સ્ટેશનની પોતાની એક ઓળખ હોય છે. જો એ એક અદ્વિતીય - અસાધારણ ઈમારત હોય તો તેને કદી ન વિસરાય. યાત્રાનું પ્રથમ પગલું તે યાત્રારંભે કરેલું ટૂંકું રોકાણ : સાધન કોઈ પણ હોય! એ ''સ્ટેશનરિ'' એટલે કે સ્થિર - સ્થાવર - અચળ જ હોવાનું.