ચિત્રોમાં સંસ્કૃતિ, પરંપરા, આધુનિકતાની ઝાંખી

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
ચિત્રોમાં સંસ્કૃતિ, પરંપરા, આધુનિકતાની ઝાંખી 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- ઘર, વૃક્ષ, રસ્તા, જળ અને અતિ શૃંગારિત ચળકતા લાલ રંગવાળી અલંકૃત જીપ આ ચિત્રનો પ્રાણ છે. જીપની ઉપર લોકકલાનાં અંકન જોઈ, રંગ સંયોજન જોઈ ભાવક રાજી થાય 

કલાનાં વધામણાં કલાના ઓવારણાં

મહાત્મા ગાંધીજી કહેતા કે બાળકોને અક્ષરો સાથે મેળાપ કરાવતાં પહેલાં આકારો સાથે રમતાં શીખવીએ તો એમના અક્ષરો સુવાચ્ય બને. સ્વાનુભવના આધારે તેમણે આવું આગોતરું વિચાર્યું હોવું જોઈએ. મેડમ મોન્ટેસરીએ પણ પ્રારંભિક શિક્ષણમાં ચિત્રકામને મહત્ત્વ આપ્યું હતું. બાળક પૂર્વ પ્રાથમિકમાં આવે ત્યારે આડી-ઊભી રેખા, વર્તુળ, ત્રિકોણ, ચોરસ, બિંદુ આદિથી શરૂ કરી તેને અનેક આકારોથી અવગત કરાવવામાં આવે. આમ, ચિત્રકામ આપણા જીવનનું અભિન્ન અંગ બની જાય. હા, એ ખરું કે ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે છતાં ગળથૂથીમાં જે મળ્યું હોય તે જ આગળ જતાં કામમાં આવે. વૈશ્વિક દ્રષ્ટિએ વિચારીએ તો જે ચિત્રકલાકાર તેના કામને સંપૂર્ણ રીતે વરે તે ભવસાગર તરે. પણ, શું કલાક્ષેત્રે માત્ર કલાકારની જ બોલબાલા છે ? ના. કલારસિક, કલાસંગ્રાહક, કલાના વાહક (કૃતિની લે-વેચ)ન હોય તો કલાવિશ્વમાં સોપો પડી જાય. કલામાં ખપતી સામગ્રી અને સંગ્રહાલયનું પણ આગવું મહત્વ છે. ચિત્રકામ (પેઈન્ટિંગ) ઊપર જ જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો દાર, ઓફિસ, વિમાન મથક, બસ મથક, રેલ્વે સ્ટેશન, ઈમારતોની બહારની ભીતો, જહાજ, બજાર, ધર્મસ્થાનો, નદી-સાગર-તળાવના પરિસર, બાગ-બગીચા, શિક્ષણ સંકુલો, ગામના ચોક, ચાર રસ્તા આદિ એના વગર સૂનાં પડી જાય મોક્ષધામ, સ્વાસ્થ્ય કેન્દ્રો અને થિયેટર્સ તથા વિવિધ હોલમાં કલાની ગરિમા સચવાય. કલાના પ્રસાર-પ્રચારમાં ખૂપેલા અમદાવાદના ચૈત્ય ધન્વી શાહની માર્વેલ આર્ટ ગેલેરી - ''ડી.આર.એસ.'' સંસ્થામાં વિલસતા પસંદગીનાં વિધવિધ ચિત્રોમાંથી રસનાં ચટકાં ભરીએ.

લોકકથા, કલ્પના અને કુદરતની કળા

કલ્પનાના અસીમકાંઠે શ્વાસ થંભાવી દેતી પ્રકૃતિ લોકકલાના માધ્યમથી એકમેક સંગ ગૂંથાઈને રસિકોને ખ્યાલ કરી દે. ભારતીય સંસ્કૃતિ સમૃધ્ધ કલ્પના સહ ગૌરવ સહિત કલાશિખરે બિરાજે એવી કૃતિઓના વિશ્વમાં લટાર મારીને તો ગળે ગોવાનાં કલાકાર વિનીતા ચેંદવણકર. રહસ્યમય ટેપેસ્ટ્રીને આધુનિક ભવ્યતાના આવરણનાં ગોપવીને આનંદમય પ્રવાસ કરીને સંતુષ્ટ બિરાજેલાં દેખાય - તેમનાં ચિત્રોનાં દર્પણમાં. સંસ્થાના વરિષ્ટ, સ્થાપક ધન્વીભાઈ આ કલાકાર માટે કહે છે કે ''વિનીતા તો સ્વપ્નદ્રષ્ટા છે.'' હા, સ્વપ્નોમાં દેખાતાં દિવ્ય દ્રશ્યો અને દિવ્ય સૌંદર્યને આ કલાકાર એક્રેસિક રંગો થકી કેનવાસ ઉપર કંડારે છે. રહસ્યમય કુદરતના સૌંદર્યના ચાહક આ કલાકાર નિસર્ગમાં માતૃત્વનો ભાવ અનુભવે છે. પારંપરિક, આધુનિક અને અતિવાસ્તવવાદના મિશ્રણ સમી એમની કળામાં ઝીણી પેટર્નવાળી વારલી, મધુબની અને ગોંડ કળને સાંકળી તેમાં નવું પોત વણે છે. આ કલાત્મક વલણ હ્ય્દયના ધબકાર સમાન છે. બહુરંગીકળા વિવિધરંગી લાગણીઓને કેનવાસ પર ઉતારી તેના પોકારને ઝીલે છે. રંગ છાયા અને રંગ છટા તેમની ખાસિયત છે. સ્વપ્ન સમાધિ લાગ્યા બાદ શાંતિથી ધ્યાનમાં સરી જઈને કરેલી આ કળામાં તેઓ ધારેલી આભા અને ગમતું રહસ્ય ગૂંથે છે. એ જ  તેમનો વૈભવ છે. આડી, ઊભી વ્યાખ્યાઓ જેવાં લઘુચિત્રો જાણે કે વાર્તા કહે છે. આકાર વૈવિધ્ય પશુ, પક્ષી માનવ અને કુદરતમાં રંગવૈવિધ્ય સહિત દેખાય. 

પ્રત્યેક ચિત્રમાં મિશ્ર આકૃતિ-પશુ-પત્ની, માનવી, રાક્ષસ, વૃક્ષ આદિમાં ઝળકે. વિચિત્ર આકૃતિમાં ઝીણાં કામ, પ્રતીકો, શરીર, હાવભવ, લકીરો, બિંદુ દેખાય. 

દરેક પ્રાણીનું અવકાશમાં ઉડ્ડયન ઘેરા રંગોમાં નવીનતા ઉમેરે. કુદરતનું ભેદી સૌંદર્ય વાીબ્રન્ટ નૃત્ય અને અલગ જ શૈલી તથા ટેકનિક દ્વારા દેખાય. પ્રેમ, શાંતિ અને ચેતના રસાત્મક વિશ્વમાં ડૂબકી મારી વાર્તાકથકની પીંછીના લસરકા સમાન આ કળા અનોખી છે.

પરંપરા અને આધુનિકતાનું કળાજંકશન

દિલ્હીનાં મેઘા શર્માને પિતા અને ગુરુ એવા કલાકાર શ્રી.ડૉ.મહેશચન્દ્ર શર્માની છત્રછાયા પ્રાપ્ત થઈ છે. રૂપચિત્રો, સ્કેચિંગ, વિવિધ કલા વિભાવના સારુ એક્રેલિક રંગ, ગ્રેફાઈટ, કોલસો, પેસ્ટલ રંગો થકી રસળતા રહેતા આ કલાકર્મી સાંસ્કૃતિક ક્રાંતિના દ્રષ્ટા છે. ભૌમિતિક ભાત, કુદરતી તત્વો, બુટ્ટાઓ, ટેકનોલોજી, વિજ્ઞાાન આદિ તત્વોના મેળામાં તેઓ મ્હાલે છે. તેમનું ચિત્રકામ વણાટકામ કળા સમકક્ષ છે. નાનાનાના લસરકામાં જંગ જીતી જતાં મેઘા 'કાથા કળા ભરતકામ'નું સુંદર સંયોજન તેમના આછા ઘેરા રંગોના વિશ્વમાં કરી જાણે છે. ચૈત્ય શાહ તેમના રંગટપકાં સાથે બરતકામના બખિયાનું સાયુજ્ય અતિ આદર પૂર્વક આવકારે છે. પ્રાચીન સભ્યતાનું અંકન અને વર્તમાન ઘટનાનું નિરૂપણ વિવિધ બુટ્ટાઓ સાથે કરે છે. કેનવાસ ઉપર એક્રોલિક રંગની છટ્ટા ઉમેરી પંખી-પ્રાણી વિશ્વ, સીવવાનો સંચો, ઘરેલું સામાન, દેવનાગરી લિપિ અને માનવ પાત્રો મૂકી અમૂર્ત કળાને જીવંત કરતાં કરતાં દર્શકોને તેમાં ડૂબાડી દે છે. ઝીંણી રેખાઓ, ફુલ બુટ્ટા, બિંદુ અને જીવસૃષ્ટિ રસિકોને ભાવુક કરી દે. વતન ખેરાગઢની લાલ માટીનું ગૌરવ કરી ચિત્રોમાં મેઘા વરસે છે. દેશના સાંસ્કૃતિક પોતનું દર્શન તેમના બહુરંગી, ભૌમિતિક, કાથા ટાંકા દ્વારા સુપેરે રજુ થાય. વડીલે આપેલું કલાજ્ઞાાન મેઘાની કલામાં ઊંચાઈ અને ઉંડાણ-બન્ને લાવે છે ત્યારે ઝીણી કંતાયેલી મેઘાની કળા એક સ્ક્રોલ (વીંટા) રૂપે રસિકોને વ્હાલ કરે. નાજુક વળાંકો, અનુકુળ રંગો, આકર્ષક આકારો ભાવકોનો ભાવ વિશ્વમાં અલગ અલગ સ્વરૂપે વિહાર કરે એમાં મેઘાની સિધ્ધિ છે કારણ કે એમને સાંસ્કૃતિક ક્રાંતિનું વળગણ છે.

લસરકો :

જ્યારે કલાકારની સ્મૃતિ અને કલ્પનાનો કોલાજ સર્જાય ત્યારે ચિત્રમાં કલાકાર અને કલાકારમાં ચિત્ર પ્રતિબિંબિત થાય.

- સુધા ભટ્ટ

સર્જનાત્મકતાનાં પ્રધાન-અભિપ્સા પ્રધાન

મૂળ ઓડીશાના સમકાલીન કલાકાર અભિપ્સા (ઈચ્છા) અથિ વાસ્તવવાદનાં પ્રહરી છે. અનેક શ્રેણીઓમાંથી પસાર થઈ તેમણે ''જર્ની'' નામની જે કલાયાત્રા કરી છે તેનો આ મુકામ છે. જેમાં કલા અને કલાકારની ઉત્કાંતિ અનુભવાય. સાંસ્કૃતિક અને સામાજિક લેવડ દેવડથી આગળ વધેલાં આ કલાકારનો અનુભવ તેમની કલાત્મક દ્રષ્ટિને પોષે છે. ગ્રામ્ય જીવન અને તળપદી કળા સાથેનો તેમનો ઊંડો લગાવ અને સંધાણ છે. ગ્રામ્ય અને શહેરી પરિવેશને નાણતાં અભિપ્સાને સાંસ્કૃતિક પરિમાણોને બદલવાની ઝંખના છે. પર્યાવરણનો રકાસ અને સંસ્કૃતિનું ધોવાણ-તેમને કહ્યું છે. ઓડીશાની પારંપરિક આદિજાતિની ચિત્રકળા સાથે સમકાલીન કલાનો કરાર કરીને તેમણે અનેક માધ્યનો, ટેકનિક, લાઈન, ડૉટવર્ક, ઉપસેલી કળા, માટી અને પર્યાવરણીય વારસા સાથે કામ કરી પારંપરિક કળા અને આધુનિકતા વચ્ચે સેતુ બાંધી આપ્યો છે. એક ચિત્રમાં ડુંગરાળ પ્રદેશની વચ્ચોવચ્ચ ઊભેલી જીપકાર ઉપર સવાર હરણું કોઈ કૌતુક જોતું હોય એમ બેઠું છે. ઝીણી, પાતળી, ગીચ લકી, બિંદુ અને બ્રહ્માંડીય તત્ત્વોથી છવાયેલું અવકાશીય સૌંદર્ય પશ્વાદન્યૂમાં પેસ્ટલ રંગોથી શોભે છે. ઘર, વૃક્ષ, રસ્તા, જળ અને અતિ શૃંગારિત ચળકતા લાલ રંગવાળી અલંકૃત જીપ આ ચિત્રનો પ્રાણ છે. જીપની ઉપર લોકકલાનાં અંકન જોઈ, રંગ સંયોજન જોઈ ભાવક રાજી થાય. અન્ય એક ચિત્રમાં રાજસ્થાની ઘોડાનૃત્યનું સ્મરણ થાય. ગ્રામોફોન રેકોર્ડનું ભૂંગળું, કમળ ફુલ, જળચર, વૃક્ષો, મેદાન, જંગલ, પર્વતો ઝીણી રેખાઓ અને બિંદુ બહુરંગી પરિવેશમાં છે. એમનાં ચિત્રોમાં માટીનો સ્વાદ છે - સોડમ છે, પ્રાકૃતિક રંગો છે. જૂની નવી સંસ્કૃતિનો સંગમ છે. તેમણે મિક્સ મિડીયાનો પ્રયોગ ટશર પર કરીને મેદાન માર્યું છે.


Google NewsGoogle News