ભારતભરની રસમય રંગોળી યાત્રા .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
કોરી રંગોળીનાં પ્રણેતા હતાં વિદૂષી લોપામુદ્રા
''અનેક્તામાં એક્તા''ની ભાવપૂર્તિ આત્મસાત્ કરતા ભારત દેશની પ્રાચીન-અતિપ્રાચીન સંસ્કૃતિમાંથી વણખૂટયા જ્ઞાાનની સરવાણી ફૂટતી જ રહે છે. આપણો પ્રાચીન વારસો એટલો તો સક્ષમ અને સમૃદ્ધ છે કે વર્તમાનની નૂતનતમ શોધનાં મૂળિયાં એમાંથી જડી આવે. સાહિત્ય, વૈદકીય જ્ઞાાન, વિજ્ઞાાન, વિવિધ કળાઓ, સંગીત, ભૌગોલિક-ખગોળીયા અને બ્રહ્માંડને લગતું જ્ઞાાન - ત્યાં સુધી કે આધુનિક ટેકનોલોજીનાં પગેરાંનાં બીજ છે...ક આદિકાળમાં ધરબાયેલાં મળે. વિમાનની શોધ અને મહાભારતમાં ''સંજય ઉવાચ...''માં ''લાઈવ ટેલિકાસ્ટ'' શું સૂચવે છે ? અલબત્ત; આવા મુદ્દાને હળવાશથી લઈ, વાદ વિવાદથી પર રહી કેટલાંક તથ્યો- ખાસ કરીને કળાક્ષેત્રે આપણને કઈ રીતે પુલકિત કરી શકે છે તે જોઈએ- મા'ણીએ. રંગોળી કળાના દરિયાને ધમરોળતાં દિલને બાગબાગ કરી દે એવા સંદેશા સ્વયમ્ આપણા કાનમાં 'હાઉક' કરી જાય તો કેવી મઝા પડી જાય ! અગસ્ત્ય મુનિનાં વિદૂષી પત્ની લોપામુદ્રાએ ઋગ્વેદના બે ભાગનું લેખન કર્યું હતું. એ સમયે ગામથી દૂર આશ્રમમાં ઋષિ તપ કરતા અને લોપા યજ્ઞાની વેદીને શણગારતાં. યજ્ઞાકુંડ ફરતે રંગોળી સજાવતાં. લોપામુદ્રાએ પંચમહાભૂત તત્વો પાસે રંગોની માંગણી કરી વાતાવરણને રંગભીનું બનાવી દીધું. આકાશમાંથી વાદળી (ઠંડક માટે), પાણીમાંથી લીલો (સ્થિરતા માટે), પૃથ્વીની માટીમાંથી શ્યામ (સઘનતા માટે), અગ્નિમાંથી લાલ (સાવચેતી માટે) અને પવનમાંથી શ્વેત (શાંતિ-હકારાત્મક્તા માટે) રંગો મેળવી એમણે રંગકચોળાં ભર્યાં. પછી તો ખાંડેલા ચોખા, અનાજ, ફૂલ, મસાલા આદિનાં ભિન્ન ભિન્ન સંયોજન કરી અદ્ભુત રંગોળીઓ સર્જી ઈતિહાસ સર્જ્યો.
દક્ષિણ ભારતને પગલે અન્ય રાજ્યોની નયનરમ્ય રંગોળીઓ
સંસ્કૃતિ અને સંસ્કૃત સાહિત્યના પ્રભાવે દેશની પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કળાઓ સમસ્ત દેશની ધરા ખૂંદી વળી. રાજ્યોના, ભાષાના કે જીવનની રીતિ-નીતિના સીમાડાઓને વટાવીને કળાના પ્રત્યેક પ્રકારની ઝાંખીએ ભારતવાસીઓનું મનડું મોહી લીધું. રંગોળી ચૌદિશ પ્રસરી. એ સંસ્કૃતિની સંજ્ઞાા બની ગઈ. એ દેખીતી હોય કે છૂપાયેલી - સૌને એવું લાગ્યું કે ''રંગોળી એ જ છે જે સુંદર છે.'' વાહ ! એનો વ્યાપ એટલો વધ્યો કે વિવિધતામાં એકત્વનો અહેસાસ સૌને થતો રહ્યો. સાથે સાથે અન્ય પ્રાંતની રંગોળી કળામાં રસિકોને નાવીન્ય દેખાયું અને એને અપનાવવાની પણ પહેલ ભાવકોએ કરી. સંસ્કૃતમાં રંગ-રંગાવલિ પરથી 'રંગોળી' શબ્દ આવ્યો જેનાં વિધવિધ નામ રાજ્ય પ્રમાણે, તેની સંસ્કૃતિ પ્રમાણે તથા તેની ખાસિયતો મુજબ પડયા. ગુજરાતમાં રંગોળી, સાથિયા, સ્વસ્તિક તથા ઘઉંલી તરીકે ઓળખાઈ. શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકામાં સ્થિર થયા ત્યારે રાણી રૂકમિણીએ રંગોળીને સાથિયા કહીને અપનાવી- કારણ શ્રી કૃષ્ણ એમના સાથી હતા... માટે સાથિયા એ સાથે જ સ્વસ્તિક ભાત લોકપ્રિય થઈ. મહારાષ્ટ્રમાં રંગોળી માટે રાંગોળી, સંસ્કારભારતી, ભારતી આદિ નામ પ્રચલિત છે. અહીં ભૌમિતિક સમપ્રમાણ રંગોળી કાઢે છે અને મહારાષ્ટ્રમાં ઘણાં સ્થળે દક્ષિણની જેમ રોજ રંગોળી કરવાનો રિવાજ છે. અહીં કર્ણાટકની જેમ દરવાજા ઉપર પણ રંગોળી થાય જેથી દુષ્ટ તત્વોનો પેસતાં જ નાશ થાય. રાજસ્થાનમાં ''માંડના'' રંગોળી ભીંત ઉપર થાય. તેને 'માંડા' પણ કહેવાય. ઉત્સવો આધારિત રંગોળીનાં કદ મુજબ વિવિધ આકારો અને કૃતિઓનું મહત્વ છે. તેઓ પલાળેલા ચૂનામાં રૂનાં પૂમડાં, ખજૂરીની દાંડી કે વાળના બ્રશનો ઉપયોગ કરે છે.
લસરકો :
અસીમ કલા બાહુ ફેલાવીને રાજ્યોની સીમાને ભેટે તો એકમેકમાં એકરૂપ થઈ રસસભાઓ ગજવે.
શુભ-લાભનું પ્રતીક રંગોળી ઘરની જણસો અને રહીશોનું રક્ષણ કરે છે
બિહારમાં આરિપના (હારિપન કે આરિપન) તરીકે પ્રસિદ્ધ રંગોળીનો પ્રયોગ-ઉપયોગ ખેતીની જમીનને ફળદ્રુપ બનાવવા, વધુ પાક પામવા માટે થાય છે. આંગળીએથી ચોખાની લુગદી (પીઠા) વડે બહેનો રંગીન પશ્ચાદ્ભૂ પર સફેદ ભાત નિપજાવે. તેમાં બોર્ડરવાળી ફૂલ, પત્તી, પશુ-પંખીવાળી ડિઝાઈન સૌને ગમે. ઓડીશા રાજ્યમાં અનેક લલિત કળાઓ મન બહેલાયે છે. તેમાં રંગોળીનાં માનપાન ઝાઝાં છે. તેને 'મુર્ઝા', 'ગુરૂજા', 'ઝોતી' અથવા 'ચિતા' કહેવાય. દરેક ઘરણાંગણે તુલસીક્યારા સન્મુખ રંગોળી બહેનો કરે છે તેને ''તુલસી ચૌરા'' પણ કહે છે. એ પેટર્ન શ્રી કૃષ્ણ અને શ્રી જગન્નાથજીને તેઓ અર્પણ કરે છે. કારતક મહિનામાં તો તેઓ મુર્ઝા ઉત્સવ ઉજવે છે. ઉત્તરાખંડ (કુમાઉ)માં 'અર્પણ' કે 'ઔપણ' નામે રંગોળીમાં પ્રતીકોનું અતિમહત્વ છે. સ્થાન મુજબ થાપા (કલાત્મક ડિઝાઈન)માં ભિન્ન ભિન્ન આર્ટ મિડીયામાં પ્રસિદ્ધ પ્રસંગો અને જનનાયકોને એ પ્રજા મહત્વ આપે છે. આ ઉપરાંત પારસી પરિવારો રોજેરોજ બીબાંવાળી રંગોળીમાં ફૂલપત્તી ભાત વડે આંગણું શોભાવે છે. નવયુગમાં નવાં પ્રતીકોની શાખ ચોમેર પ્રસરી તેથી હવે તો આટલી વિવિધતા છતાં દરેક સ્થળે એવી રંગોળીઓ જોવા મળે છે કે જેમાં રંગ, પ્રતીકો, ડિઝાઈન, કદ, માધ્યમમાં સામ્ય હોય. સમકાલીન વિષયો, સ્પેસ સાયન્સ, સામુદ્રિક ડિઝાઈન, દેશભક્તિના વિષયો, કેટલીક સિદ્ધિઓ ઈત્યાદિ હવે રંગોળીના માધ્યમથી પ્રચાર પામે છે એ પણ ગૌરવની વાત છે ને !