ચંબામાં અચંબિત કરતા લોક લઘુચિત્રો

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ચંબામાં અચંબિત કરતા લોક લઘુચિત્રો 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

કુદરતની મહેર - કળાની લહેર

આપણા અતિ વિશાળ દેશ ભારતની ભૂમિ મહીં એવાં કોઈક તો તત્વો મળેલા છે જેના થકી આ દેશ રળિયાત છે. ઉત્તરે હિમાલયની ગોદ હોય કે દક્ષિણે રામેશ્વરમનો દરિયો. પૂર્વોત્તરની સીમાઓ હોય કે પશ્ચિમે ઉદધિ ઘૂઘવતો હોય- કળાદેવીને સંબોધી કવિ કલાપીના શબ્દોમાં કહેવાનું મન થાય... ''જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની...'' જો મન હોય તો માળવે જવાય એવી રીતે જો કળાનો ખોળો ખૂંદવો હોય તો અત્ર, તત્ર, સર્વત્ર કળાનાં રખોપાં થયેલાં છે એને શરણે લઈ શકાય. હિમાલયના પર્વતો પર, એની ખીણોમાં, એનાં વન-ઉપવનમાં અને એને ગામેગામ આપણી સમૃદ્ધ વિરાસતોનાં નિવાસ છે. ત્યાં સુધી કે હિમના આલયમાં, સૂર્યકિરણોથી ચળકતાં હિમશિખરો અને હિમખંડો સુધ્ધાં રસળતી કળાનો પાવો વગાડતા અનુભવી શકાય ! વરસતા વરસાદના ફોરાંનું ઠરી જવું, લીલા પહાડોને શ્વેત વાઘાં સજાવવા, ને ફરી તાપના પ્રતાપે ટીપેટીપાં ભેગાં થઈ ઝરણાં સ્વરૂપે ખળખળ કરતાં વહેવું એ કાંઈ ઓછું અચરજ છે ? સાવ નાની-સૂની એ કુદરતની કળા છે ? નહિ ને...! તો પછી ચાલોને જઈએ પશ્ચિમી હિમાલયના રાજય હિમાલય પ્રદેશમાં અને ટકોરા મારીએ જિલ્લા ચંબામાં આવેલ ''ચૌગાન ટાઉન ચંબા''ના ચૌગાન મહોલ્લામાં ૧૪ સપ્ટેમ્બર ૧૯૦૮માં સ્થપાયેલ ''ભુરિસિંહ સંગ્રહાલય''ના પથ્થરની બનેલ મ્યુઝિયમના કાષ્ઠના કોતરણીવાળા બારણાં ઉપર ! કલા, ઈતિહાસ અને દસ્તાવેજો થકી એ સંગ્રહાલયનો દેહ ઘડયો છે રાજા ભુરિસિંહે - જેમણે ત્યાં ૧૯૦૪ થી ૧૯૧૯ દરમ્યાન ખરા અર્થમાં ''રાજ'' કરેલું.

કળાપ્રેમી પ્રજાવત્સલ રાજાનું નજરાણું

પ્રજા, રાજય અને દેશને દિલથી ચાહનાર આપણા પૂર્વ રાજવીઓએ ઉદાર દિલે અને ખુલ્લા ભંડારે કળાની પણ સેવા બજાવી જાણી છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે રાજા ભુરિસિંહ. પ્રસ્તુત સંગ્રહાલયમાં કળા, ઈતિહાસ, દસ્તાવેજો આદિનો અભૂતપૂર્વમાં સંગ્રહ છે. હા, કદ-કાઠી આ ઈમારતના બહુ મોટાં નથી પરંતુ એના અંકમાં રખાયેલી કલાકૃતિઓને કારણે દેશના મહત્વના અને સૌથી વરિષ્ઠ સંગ્રહાલયોમાં એની ગણના થાય છે. આંતરરાષ્ટ્રીય દરજ્જાની પ્રવૃત્તિઓ તેમાં થાય છે જેમાં સંશોધન, પ્રદર્શન, શૈક્ષણિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કળાશિબિરો મુખ્ય છે. અત્યંત રસપ્રદ વિભાગો અને દીર્ઘા (ગેલેરી)ઓ વડે તે સમૃદ્ધ છે જેમાં તૈલચિત્રો, 

પોર્ટેઈટ્સ, શિલ્પો, ધાતુની પ્લેટસ, સિક્કા-મુદ્રા, રોજબરોજની વસ્તુઓ, હસ્તપ્રતો, તસવીરો, આભૂષણો, વાદ્યો, વસ્ત્રો, કાષ્ઠકલા, અદ્વિતીય સ્થાનિક કળાના નમૂનાઓ, અસ્ત્ર-શસ્ત્ર, સજાવટ, શિલાલેખો, પથ્થરની પ્રતિમાઓ, ભેટ-સોગાદો, રંગમહેલ જેવી પ્રાચીન ઈમારતની ચેતરેલી દીવાલો અને દરવાજા, બીજી સદીથી તે વીસમી સદી સુધીની કળા, પનઘટ રૉકસ તથા ભગ્ન ફુવારાના કોતરણીવાળા પથ્થર-આરસના ટુકડા ઈત્યાદિની યાદી લાંબી થઈ શકે. પરંતુ, ચિત્ર ક્ષેત્રે જોવા જેવો એક વિભાગ અતિ મહત્વનો અહીં બની રહે છે અનેતે છે હિમાલયના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થયેલ લઘુચિત્રો. ચંબાને પોતીકી આગવી ચિત્રકળા છે. ઉપરાંત પહરી (પહાડી), કાંગડા, બશોલી, ગુલેર, હસ્તપ્રત સહિતનાં ચિત્રો, શિલાલેખોમાં સમાયેલી આકર્ષક રેખાઓ અહીં શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ભુરિસિંહ રાજાએ પોતાના વ્યક્તિગત સંગ્રહમાંથી ગુલેર અને કાંગડા લઘુચિત્રો અહીં મૂક્યાં છે. ગુલેર પ્રદેશની આ કળામાં કલાકારની ચોકસાઈ દેખાય. એકસરખી પહોળાઈવાળી, કુદરતી સ્વાંગ ધરેલી કલાત્મક રેખાઓ એનાં સ્ત્રી-પાત્રોમાં દેખાય.

પહરી લઘુચિત્રોમાં તાજગી અને સરળતાની સુગંધ

પહાડી ચિત્રશૈલીમાં વિશાળ રંગ સંયોજન, લય, ગતિ અને વિચારશીલતા મુખ્ય છે. બશૌલીમાં રામાયણ, ભાગવત પુરાણ, ઉપનિષદનાં પ્રસંગો લઘુચિત્રમાં મ્હાલે. કાંગડા વેલીનાં ચિત્રોમાં પણ લયબદ્ધ રેખાઓ અને નૈસર્ગિક સૌંદર્યને પોતાની વાચા છે. તે સંવેદનશીલ છે. સ્ત્રીપાત્રો ઝળહળતાં લાગે. ચંબા શૈલીના એક ચિત્રમાં બે રાજવીઓ ઘોડા પર સવાર થઈ જંગલમાંથી પસાર થાય છે તેમાં સિપાઈઓ, સેવકો અને ઘોડાનું પણ પાત્રાલેખન એમના આકાર અને રંગને કારણે બોલકું બને છે. અસામાન્ય રંગનો- વાદળી ઘોડો હણહણાટી કરતો ભાસે. સંધ્યા ટાણે આકાશ રંગ બદલે એવી પણ લાગણી થાય. પહરી કે પહાડી શૈલીનાં ચિત્રો અહીં જીવંત લાગે છે. એક ચિત્રમાં નિરાશ નાયિકાને સખીઓ દિલાસો દેતી દેખાય. બેગ્રાઉન્ડમાં ઘેરો રંગ અને પાત્રોમાં લાલ, લીલો, ભૂરો, શ્યામ ગુલાબી રંગ આંટા દેતો લાગે. મકાન, દરવાજા, છાપરા બધું જ ઘેરા રંગોમાં અને હા, લાંબા, પાતળા, અણિયાળાં ફિગર્સ રસિકોને મિજબાની આપે. હસ્તપ્રત સાથેનાં ચિત્રો સાહિત્ય સાથે સાયુજ્ય દર્શાવે છે. ચતુર્ભુજ શ્રી કૃષ્ણ આચાર્યજી સાથે સંવાદ કરતા હોય ત્યારે બન્ને ગંભીરતાનો અચંબો ઓઢયો હોય એવો ભાવ આવે. લીલા રંગની ત્રણ ઝાંય (શેઈડ) અહીં પ્રભાવક બની રહે છે. આચાર્ય કહે છે કે ''શ્રી ભગવાનજી દર્શન દિયો... નૈસુ પગે પડિયો એવી અરજ.'' અન્ય આવા જ ચિત્રમાં શ્રી ભગવાનને સેવક રાજ વિનવે છે. આ ચિત્રોમાં શારદા, ટંકારી, ભોટી, પર્શિયન અને ગુરૂમુખી જેવી લિપિઓ છે. સ્પષ્ટ રેખાંકનો અને ઘેરા રંગોએ એની ખાસિયત છે. ચાલો, ગુજરાતમાં.

લસરકો :

ચંબા રાજયનાં વેરાયેલાં ભવ્ય સાંસ્કૃતિક તત્વોનું-કળાનું અભૂતપૂર્વ સંમેલન

રાજાની અંગત અને રાજયની વિવિધ જણસોનું લોકાર્પણ

ગુલેર ચિત્રોમાં નાયિકા પાતળાં લાંબાં અંગો ધરાવે. લાંબી નાજુક ગરદન (ડોક) નમણાં ઘરેણાંથી શોભે. સુંદર, સ્વરૂપગત દોરાયેલા નાના ચહેરા અતિ આકર્ષક લાગે. પાત્રની આસપાસના લેન્ડસ્કેપમાં વૃક્ષાદિને કારણે કુદરતીપણું ખીલી ઉઠે. ૧૭૫૦ અઢારમી સદીના ''રાણીની ઘોડેસવારી'' ચિત્ર લંબચોરસ છે જેમાં શ્વેત અશ્વ પર ગોરી રાણીની સવારી નીકળી છે. વિચારશીલ રાણીનાં અંગો પાતળાં-લાંબા છે. પાતળી આંગળીઓ માથા પર આભૂષણથી સજ્જ દેખાય છે. તેનો લહેરાતો છેડો છાયલનો... ખણકાર પાયલનો અને નિસાઓ ઘાયલનો સંવેદનશીલ ભાવકના મનમાં આરપાર ઉતરી જાય. સફેદ-લાલ વસ્ત્રો તીક્ષ્ણ નજર પાછળ, કાળા ભમ્મર કેશ અને ઘોડો દોડે કે ઉડે એવા ભાવ જાગે. ઘોડો ધવલ અને પગ અડધા લાલ, પીઠ પર જાજમ ફૂમતાંભેર, રસ્તાનો રંગ લીલા, આકાશ વાદળી, જળસંચય ભૂરો, ટેકરી કથ્થઈ-લીલી. વૃક્ષો વડે આ પશ્ચાદભૂવાળા ચિત્રમાં ડાબે અડીખમ કિલ્લો જામલી ઝાંયવાળો, સફેદ પગદંડીવાળો... અરે, શું આ રાણી પ્રયાણ કરી જાય છે ? પાત્રો તેજીલા, નાજુક નમણાં, નિર્દોષ, ભાવપૂર્ણ. ચંબા શૈલીના એક ચિત્રમાં ભારે ઘેરા રંગોવાળાં વસ્ત્રો અને વદન ધરાવતી સ્ત્રીઓ યજ્ઞાયાગ, વિધિવિધાન કરતી નજરે પડે છે. સ્ત્રીઓ બહુ હસ્ત ધરાવે છે. જે શસ્ત્ર સજ્જ છે. આસપાસ પ્રાણી, પક્ષી, વૃક્ષ, આકાશ નજરે ચડે. ચિત્રનું શીર્ષક છે ''મહાસરસ્વતી''અને કલાકાર છે સુરથ વૈસ. આજ થીમવાળું પુરુષોનું ચિત્ર છે જેમાં તેઓ વિવિધ રંગોનાં વસ્ત્રો ધારણ કરી યજ્ઞાયાગ કરે છે. પાછળ મહેલ દેખાય. જે કિલ્લે બંધીવાળો છે અને પાત્રોનાં નામ ઝીણેરાં હોવાથી ઉકલે નહિ. હિમાલયના રાજયોમાં પહાડી ઈલાકાઓમાં ૧૭ થી ૧૯ મી સદી દરમ્યાન આવી સ્થાનિક શૈલીઓ વિકસી. બશોલીમાં અસામાન્ય બુદ્ધિમત્તા દેખાય- રંગમાં અને સજીવના નિરૂપણમાં. ચંબાની બશૌલી શૈલી વિશિષ્ટ છે.


Google NewsGoogle News