લખનૌ ચારબાગ નવાબી સ્ટેશન .
- રસવલ્લરી-સુધા ભટ્ટ
ઊભા શ્વાસે હાંફળા ફાંફળા થતા યાત્રીઓને સાંખી લે આ સ્ટેશન
આપણે લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યાં છીએ ત્યારે આશ્રર્યમાં ગરકાવ થઇ જવાય એવો એક અનુભવ વહેંચવા જેવો છે. દૂરથી રાજપૂત સ્થાપત્ય શૈલીના બાંધકામવાળા મહેલ જેવી ઇમારતને જોઇને માની ન શકાય કે આની અંદર પંદર પ્લેટફોર્મવાળુ એક સ્ટેશન છે ! સ્થાપત્યની કમાલ એવી છે કે આ બાંધકામમાં 'એકોસ્ટિક સિસ્ટમ' એટલે કે પડઘાનું વ્યવસ્થાપન એવી રીતે કરાયું છે કે પ્રસ્તુત પરિસરમાં અંદર ચહલ-પહલ મચી રહે અને બહાર પરમ શાંતિનો અનુભવ ! એટલે કે સ્ટેશનની બહાર ઊભેલાં કે અવર-જવર કરતા મુલાકાતીઓને જતી આવતી ટ્રેનોના રવ સંભળાતી નથી. સ્થાપત્ય વિશ્વમાં જેની આણ વર્તાય છે એવી મુઘલ સ્થાપત્ય શૈલી નવાબોના આ વટ્ટદાર શહેરનું ઘરેણું છે. ચાર બાગ સ્ટેશન અતિસુંદર આશ્ચર્યજનક સ્થળોમાંનું એક છે. અજબ ગજબ હૃદયસ્પર્શી જીવન જેવું આ સ્ટેશન વિશાળ ચારબાગને અડીને અડીખમ ઊભું છે જે સ્થળ ક્યારેક રાજધાની અવધની આન બાન શાન સાચવીને બેઠેલું. મુઘલ, રાજપૂત, અવધી જેવી સ્થાનીય શૈલી સાથે ઇન્ડો બ્રિટીશ ડિઝાઈન, ઇન્ડો સાર્સેનિક શૈલીનો સુભગ સમન્વય અહીં જોવા મળે. આ સ્થાપત્ય ભારતની સર્વોત્તમ સર્વાંગ સુંદર શૈલીઓમાંથી 'નીરક્ષીર વિવેક' આધારિત આકાર પામ્યું છે. લાલ અને સફેદ રંગની થીમ ઇમારતને વધુ આકર્ષક બનાવે છે. સ્ટેશનની ચોમેર સ્થળની ગરિમા અને કરિશ્મા વધારે એવું ભવ્ય, વિશાળ આગળ પડતું કલાકર્મ જશદાયી અને અચંબિત કરે એવું છે. એની ઝીણવટભરી કારીગરી મુલાકાતીઓને 'આદાબ' ફરમાવે. બ્રિટીશ ઇજનરોએ આ નવાબી શહેરને રસ્તા, પુલ, કારખાનાં પોસ્ટ ઑફિસ, જાહેર બાગ અને આ માટે સ્ટેશનનો પ્રકલ્પ ધર્યો.
સમૃદ્ધ સ્ટેશન પર ગતિની મહેમાનગતિ થાય
૧૮૫૭-૫૮ના બળવા પછી અંગ્રેજોએ મિલિટરી વ્યવસ્થાપન પર ખાસ્સું ધ્યાન કેન્દ્રિત કરેલું પરંતુ એ પછી શિક્ષણ, યાતાયાત અને કલાત્મક સ્થાપત્ય તરફનો એમનો ઝોક નોંધપાત્ર રહ્યો. ૧૯૧૪ની એકવીસમી માર્ચે ચારબાગ વિસ્તારમાં સ્ટેશનની કામગીરી હાથ ધરવા બિશપ જ્યોર્જ હર્બર્ટના હસ્તે જમીનમાં ઊંડે સિક્કો મૂકાવીને ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું. જે.એચ.હોર્નિમેન નામના સ્થપતિએ એની ડિઝાઈન તૈયા કરી જેમાં ચૌબે મુક્તાપ્રસાદ સલાહકર્તા એન્જિનિયરની ભૂમિકા નિભાવી સ્થાપત્યની ડિઝાઈન અને પ્લાનિંગમાં મુખ્ય રોલ અદા કર્યો હતો. સ્ટેશનની છજાઓમાં વળાંકદાર હિસ્સાઓમાં છૂપાયેલ જળસ્ત્રોત અને જળભંડાર છે. ગુંબજ, સ્તંભો, મિનારાઓ અને કમાનો ઇન્ડોબ્રિટીશ ડિઝાઈન સૂચવે છે. ૧૯૨૩ અને ૧૯૨૫માં કામને વધુ વેગ આપી મિનારાની અંદર એક મંજૂષામાં એ જમાનાનો સિક્કો મૂકી ફરી કામને વેગવંતુ બનાવ્યું. આ મહેલ સમકક્ષ સ્થાપત્યમાં જમીનની નીચે ટનલ્સ છે જે રેલવે સ્ટેશનની અંદર જ છે. આ ક્ષણે પણ આ ટનલ્સનો ઉપયોગ માલસામાનની ફેરબદલી અને પાર્સલ માટે થાય છે. પ્રવાસીઓ પણ બહારની ભીડથી બચવા અહીં ભીડ કરી શકે છે. સિત્તેર લાખની કિંમત એ સમયે હતી જે સાલ ૨૦૨૧ના હિસાબ મુજબ ચૌદ કરોડની આંકવામાં આવેલી. અહીં ગ્રીન ગાર્ડન ટેરેસ અને પ્રવાસીઓએ ચાલવા માટેનો સેન્ટ્રલ ગ્રીન કાર્ટસ વાતાવરણમાં લીલાશ પ્રસરાવે છે જે બાગની લીલોતરી સાથે હાથ મિલાવે છે. આધુનિક સગવડો સાથેનું પ્રસ્તુત સ્ટેશન હેલ્થ એ.ટી.એમ. પણ ધરાવે છે. સ્વચ્છતાનો આગ્રહ અહીં સચવાય છે.
વિવિધ સ્થાપત્ય શૈલીઓનો સંગમ કેવો હૃદયંગમ !
ઇન્ડો આર્સેનિક, યુરોપિયન, ગૉથિક રિવાઇવલ જેવી સ્થાપત્ય શૈલીઓનું મિશ્રણ એક સાથે રસિકોની કલાભૂખ અને કલાપ્યાસને સંતોષે છે. મુખ્ય ગુંબજોની સાથે બલ્બ કે કાંદા આકારના રેખાઓયુક્ત ગુંબજોની શોભા અનેરી છે. આગળ ઝૂલતાં નેવાં, બે વક્ર રેખાઓ સામ સામે મળે તેવી અણિયાળી કમાનો, છત્રીઓ, માંડવા જેવી ભાતવાળા ગુંબજો, અનેક નાનાં સાદા ગુંબજો, બેશુમાર નાનકડા નાજુક કેડે પાતળિયા મિનારાઓ અને જનાનખાનાના ઝરુખા જેવી બારીઓ ઝીણી જાળીની ગૂંથણીવાળી શોભા ધરાવે છે. વળી 'ક્યુપોલા' નામનો ઘુમ્મટ-જેને ગોળ ફરતો તોપવાળો મિનારો તેના સ્થાપત્યની શૈલીને લીધે રંગ રાખે છે. ઇમારતના ભોંયતળિયાથી ઉપર જતી ભાત પણ અનોખી છે. ગૉથિક દરવાજાની ભવ્યતા આગળ ખીલેલી ખુલેલી નાળિયેરીને અનેરો ઓપ આપે છે. એની ઉપરની બારીઓ પહોળી ગૉથિક આકાર ધરાવે છે જેની ઊંચાઈ સ્હેજ ઓછી છે. મુખ્ય દરવાજા વિશાળ ગૉથિક લિબાસ ધરાવે છે જેને નાના નાના મિનારાઓ છે. સુઘડ સ્વચ્છ શ્વેત સ્તંભો ઉપર લાલ ઊભી રેખાઓ ભૂમિતિની યાદ અપાવે. સ્ટેશનના અંદરના ભાગમાં વિશાળ મધ્યસ્થ ખંડમાં ઠાઠમાઠવાળા પ્રતિષ્ઠિત, સૌંદર્યયુક્ત દાદરા છે. ગુંબજનો અંદરનો ભાગ અને છત અલબત્ત સાદા છે પણ એ સાદાઈ પણ ગૌરવયુક્ત અંદાજમાં છે. સ્થાપત્ય સફેદ-લાલ રંગના સાયુજ્યથી શોભે છે - અને હા; ચારબાગ સ્ટેશન 'પેસેન્જર ફ્રેન્ડલી' છે. લખનૌ જેવા શાહી શહેરમાં આવી જ અપેક્ષા હોય ને ?!
લસરકો :
નવાબી ઠાઠનો નઝારો જોવો છે ? મહેલ સ્થાપત્યવાળા સ્થાપત્યની અગાશીએ ગુંબજ અને મિનારાઓની રચના શતરંજના પ્યાદા જેવી છે જેને આકાશમાંથી નીચે જોતાં તે ચેસબૉર્ડ જેવી લાગે છે.
બોલો ચાય...ચાય...બોલો પાણી બૉટલ...પાણી બૉટલ
''દરેક માનવીના જીવનમાં ચડ ઉતર આવે જ'' એવી એક સામાન્ય સમજ સામાન્ય સંજોગોને આધીન સર્વસ્વીકૃત છે પરંતુ પ્રવાસ સંબંધી પણ આ ઉક્તિ ઉચિત નથી લાગતી ? યાતાયાતના સર્વે સાધનોને માટે એ લાગુ પડે છે એટલે કે પ્રત્યેક વાહન પર સવાર થવું અને યોગ્ય સ્થાને ઉતરવું એ એક સામાન્ય અને સ્વાભાવિક પ્રક્રિયા છે. તો, ચડ-ઉતરનું સ્થળ 'સ્ટેશન' કહેવાય કે નહિ ? પછી તે સાધન જળ, સ્થળ, ભૂતળ કે ઊંચે ગગન વિશાળ-ચાહો ત્યાં લઇ જાય; અરે ! અવકાશે અવકાશને પણ આંબી જાય ! અને હા, ત્યાંયે ''સ્પેસ સ્ટેશન હોય હોં !'' સ્વાભાવિક છે કે સ્ટેશન અને ટ્રેઇનનો સીધો સંબંધ ઇતિહાસ રચે. કારણ કે રેલવે સ્ટેશનના સમાંતર પાટાની જોડ અને તેના પ્લેટફોર્મ વચ્ચે પણ અવિનાભાવિ સંબંધ હોય છે. પ્લેટફોર્મ ઉપર આખી દુનિયાનું પ્રતિબિંબ મળે. આરામગૃહ, ખાણી-પીણી-ટિકિટબારી, સમય સારણીનું બૉર્ડ, દવા અને પુસ્તકો-છાપાં-સામાયિક વગેરેની દુકાનો એ વિવિધતાથી ભરપૂર લારીઓની અવર જવર સાથે અનેક ફેરિયાઓ પોતાનું ભવિષ્ય નિર્માણ અહીં જ કરી લેતાં હોય. સ્ટેશનનો સાથ સહવાસ ટૂંકો પરંતુ તેની સ્મૃતિ લાંબા સમય સુધી ટકે. કવચિત કોઈ ઓળખીતા મળી જાય તો પ્રવાસ વાર્તાલાપ થાય અને કદીક અજાણ્યા ચહેરાય ચિરપરિચિત લાગે. વળી તેઓ સહપ્રવાસી બની જાય તો એ મિલન સ્થળ અને ક્ષણ બન્ને અવિસ્મરણીય બની જઈ એ સંબંધ અતૂટ ચિરાયુ લાગણીઓનાં બંધનમાં બંધાઈ જાય. કેટલાંકને માટે એ આશ્રયસ્થાન હોય તો સ્ટેશનોની ભીંતો ઉપર જે તે પ્રદેશની કલાકૃતિઓ, જોવા જેવા સ્થળોનાં સૌંદર્ય પ્રચૂર અંકનો પણ હોય. પર્યટન વાસ્તે પ્રોત્સાહન માર્ગદર્શન આપે સ્ટેશન.