શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય સંગમ કાપાલીશ્વર મંદિર

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય સંગમ કાપાલીશ્વર મંદિર 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

'ન ભૂતો ન ભવિષ્યતિ' એવી અદ્ભુત કળાના કસબીઓને ઘણી ખમ્મા !

માનવજીવનમાં કળાનું મહત્ત્વ નોંધપાત્ર છે. કળા કોઈપણ હોય - ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, નાટય અને એ સૌને એક સૂત્રે સાંકળનાર છે સાહિત્ય તેના વિવિધ અને વિશિષ્ટ પ્રકારો. જ્યારે આપણે નક્કર કલાકૃતિ નિરખીએ છીએ ત્યારે શબ્દો; તેના પ્રવાહ અસ્ખલિત ઝરણાં સ્વરૂપે ચક્ષુ, શ્રવણ તેમજ મગજ માર્ગે થઇને ઋજુ હૃદય લગી પહોંચી જાય છે અને પછી થાય છે એ સર્વે વચ્ચે વિરલ અને રસપ્રદ સંવાદ. ટૂંકમાં, કલા દરેકે દરેક ઇન્દ્રિયને સ્પર્શીને તેની સાથે ગોઠડી માંડે છે, હા, કલાને પામવા માટે અનુરૂપ તાલીમ હોઈ શકે કે પછી મહાવરા વિના કલા જીવી ન શકે પરંતુ કલા કદી તર્ક કે દલીલોને સહારે સંસાર સાગર તરી ગઈ એવું જાણ્યામાં કે માન્યામાં આવ્યું નથી. કલાને સાચવનારો કલાકાર જીવ પોતાના 'જિન્સ' (વંશસૂત્ર)ને કારણે વંશપરંપરાગત વારસાને પોષાતો હોય છે ત્યારે એ વાતનું આશ્ચર્ય અચૂક થાય છે કે જ્યારે કલાવિદ્યાલયો, સ્પર્ધાઓ, તાલીમ ઇત્યાદિનું પ્રાવધાન નહોતું ત્યારે એ કલાકારો પોતાની કલાને કઇ રીતે જીવિત રાખી શક્તા હતા ? ઉત્તર છે - 'લાંબા ગાળાના પ્રકલ્પોમાં વ્યસ્ત રહેવું ! જી. પ્રાચીનકાળે જે કોઈ સ્થાપત્યોની રચના થઇ તેનો હિસ્સો બની રહેલા તે કલાકારોએ મહેનત, લગન અને નિષ્ઠામાં પાછું વાળીને જોયું નથી. ટાંચા સાધનો, મર્યાદિત સગવડો પરંતુ અમર્યાદિત સમય ! ત્યારે વળી ક્યારે 'ડેડ લાઈન'નો 'લાઈવ' રાક્ષસ હતો ? પૂર્વ સૂરિઓના માર્ગદર્શન, ઝીણું નિરીક્ષણ અને અનુભવ એ જ ભાથું.'

શેરી પર આધિપત્ય ભોગવતું ગોપુરમ

સાતમી સદીમાં દક્ષિણ ભારતીય દ્રાવિડિયન શૈલીમાં પલ્લવ રાજવંશે આ મંદિરનું નિર્માણ કરાવેલું. અહીં બારમી સદીના શિલાલેખો આજે પણ દ્રષ્ટિગોચર થાય છે. મંદિરે જવા માટે ગોપુરમ્વાળા પ્રવેશદ્વારમાંથી પસાર થતાં મન જરૂર ચકડોળે ચડે. પ્રવેશદ્વાર ઉપરની શિખર રચનાને જોવા, માણવા, સમજવા ધીરજ ધરવી પડે. અહીં બે ગોપુરમ્ હતા એમાં એક વધુ ગોપુરમ્નો વધારો થયો ૧૯૦૬માં જે ૧૨૦ ફિટની ઉંચાઈ ધરાવે છે. 'સ્ટકો'એટલે કે જડતર કર્યું હોય એવી અનેક અલંકારિક આકૃતિઓ તે ધરાવે છે - જેમાં પૌરાણિક પાત્રો, પ્રસંગો, કુદરતી દ્રશ્યો મુખ્ય છે. પ્રથમ પૂર્વીય ગોપુરમ્ ૪૦ મીટર ઊંચું છે અને અંદર પશ્ચિમ દિશે, પવિત્ર તળાવ સમક્ષ નજર માંડીને ઊભું ગોપુરમ્ નાનકડું છે. આ સ્થાપત્યના કલાકસબીઓ 'વિશ્વકર્મા' સ્થપતિઓને તેમના પ્રાવીણ્યનું જાણે કે અહીં પ્રમાણપત્ર ન અપાયું હોય એવી આ રચનાઓ છે ! મુખ્ય ગોપુરમ્ પર શિવલિંગ સન્મુખ મોર જણાય છે. સમુદ્ર મંથન, શ્રીકૃષ્ણ લીલા, મહાકાવ્યોના પ્રસંગો, સરસ્વતી, લક્ષ્મી-વિષ્ણુ, ગદાધારી હનુમાન, શિવજી, નટરાજ, ગણેશ, સંજીવની પર્વત ધારણ કરેલા હનુમાન, પંચમુખધારી બ્રહ્મા, અંગદનો પગ, સંતકવિઓ (નયનાર), બળદવાહન ઉપર બિરાજેલા શિવ-પાર્વતી ઉપરાંત જડભરત નામના પાત્રનો પણ સાક્ષાત્કાર થાય. આ જ શિખરાકૃતિ-પેગોડા શૈલી પોતાના દેહ ઉપર મંદિરાકૃતિ, કળશ, કુંભ, ઝરૂખા, ચૈત્ય, નાના મોટા સ્તંભો અને તેની ઉપર મુગટ જેવી કળાનાં દર્શન વાદળી, લાલ, ગુલાબી, પીળા, લીલા અને સોનેરી રંગમાં રિલિફ વર્ક એટલે કે બહારની ભીંત પર ઉપસેલાં શિલ્પો સ્વરૂપે કરાવે છે. આ તો માત્ર એક એવા અન્ય ગોપુરમ્ પણ કળાઝાંખી કરાવે જેના સ્તંભો પર પણ પથ્થર ઉપર પ્રાચીન શિલ્પો રાજ કરે છે.

મંદિરમાં પવિત્ર જળકુંડ 'થેપ્પાકુલમ્' છે

ભીતર મંદિર પરિસરમાં અનેક મંદિરો છે જેમાં શિવ પાર્વતીનું મુખ્ય મંદિર અતિ સમૃદ્ધ છે. કાપાલીશ્વર શિવનું સ્વયંભૂ 

શિવલિંગ અને કાર્પાબંગલ (પાર્વતી)નાં વિવિધ સ્વરૂપો અહીં મળે. પાર્વતી અહીં કલ્પવૃક્ષ તરીકે પૂજાય છે. તેઓ ઢેલ સ્વરૂપે વિલસે છે. આ મંદિરમાં અનેક ગર્ભગૃહો છે. અતિ અગત્યનાં મંદિરમાં અનેક મંડપમ્ (ખંડ) છે. 

પ્રમાણભૂત તામિલસાહિત્યની રચના સંતકવિઓએ કરી એ મુજબ અહીં આ સ્થળને વેદપુરિ કે સુક્રપુરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવદરબારમાં પત્ની અને બે પુત્રો-કાર્તિકેય (મુરુગન) અને ગણેશ ઉપરાંતવિરાટ મહાકાય નંદીની પણ નોંધ લેવાયેલી છે. મંદિર સન્મુખ ધ્વજ સ્તંભ મંદિરમાં પવિત્ર સ્થાન ધરાવે છે. મંદિર સંરચનામાં ગ્રેનાઇટના સોળ સ્તંભો પર છાપરાવાળું બાંધકામ ધરાવતો મંડપમ્ અતિ પવિત્ર ગણાય છે. તેની વિશેષતા એ છે કે મંદિરના પવિત્ર જળકુંડની વચ્ચોવચ્ચ એની આ અલભ્ય રચના રાજ કરે છે. આ કુંડ પ્રાચીનતમ છે જે ૧૯૦ મીટર લાંબો અને ૧૪૩ મીટર પહોળો છે. વર્ષ આખુંય એ જળસંગ્રહ રહે જ છે. તેની ક્ષમતા ૧૧૯,૦૦૦ ક્યુબિક મીટરની છે. બાકી, પ્રસ્તુત સંકુલના નાનાં મોટાં મંદિરો અતિ કલાત્મક મંડપ, અગાશી, છત, રવેશ ધરાવે છે જે જ્યોતિર્લિંગ રામેશ્વરમ્ની યાદ અપાવે. વિશાળ પરસાળ અને તેની છત પર કુદરતી તત્ત્વો, પશુ-પક્ષીનાં ચિત્રણ અને મદલ, છજા, બારી-બારણાં પર ઝીણી નકશીકોતરણી સોહાય. ઉત્સવો અને રથયાત્રાનાં ચિરંજીવ સંભારણાં તો ખરાં જ !

લસરકો:

સ્થાપત્યકલાને સાહિત્યનો આધાર સાંપડે, કવિઓ પ્રશસ્તિગાય, નોંધમાં દસ્તાવેજીકરણ કરે ત્યારે સાહિત્ય અને કલા-બન્ને અમર થઇ જાય.

સપ્તસ્થાન શિવમંદિરોમાંનું એક તે કાપાલીશ્વર કોવિલ

શિલ્પ-સ્થાપત્ય કલા ક્ષેત્રે ઘણાં ઉમેરણ, અનેક સુધારા-વધારા, નાવીન્યસભર નિરૂપમ, આગવાં આકારો અને પ્રકારો, બાંધકામની નવી ટેકનિક, કલાને મળેલાં અનેક નૂતન પરિવેશ અમલમાં આવ્યાં છે. કાચા માલ, કાચી સામગ્રી અને સાધનોનો પાર નહિ ! આ નવા અભિગમમાં ઘણું સૌંદર્ય છે પણ તેથી આપણે આપણી પ્રાચીન કળાને ભૂલી શક્તાં નથી. ખાસ કરીને શિલ્પ-સ્થાપત્યની બાબતમાં આપણને પૌરાણિક મહેલો, સ્મારકો, મંદિરો, ખાસ સંરચનાઓ માટે પક્ષપાત છે. એને જોવા માટે આપણે ઘણાં લાંબા અંતરની યાત્રા કરીએ છીએ. અલબત્ત, અનેક સ્થળોએ ભગ્ન સ્મારકો, બાંધકામ આદિને જોઈ દુઃખી અવશ્ય થઇએ છીએ પણ એ સંરચનાની ભવ્યતા કંઇક નોખી જ છે. હજારો કે સેંકડો વર્ષો પછી પણ એ ઝંખવાયેલી કે નંખાયેલી લાગે તોય આપણા કલ્પના વિશ્વમાં તો એની સુવાંગ આકૃતિ જ આંટા મારતી હોય છે. ભારતના ભવ્ય મંદિરોની ચર્ચા માટે આખું જીવન ટૂંકું પડે પણ 'જે મળ્યું તે માણવું' ન્યાયે એટલું તો કહી જ શકાય કે આપણા દેશમાં જ્યાં જઇએ ત્યાં આપણી મૂર્છિત સંસ્કૃતિ તરફ દ્રષ્ટિપાત કરીએ અને એની વિગતમાં ઊંડા ઉતરીએ તો મનોજગતના પાછલા બારણેથી જીવંત થઇને એ જ આપણને ઢંઢોળતી અનુભવાય. દક્ષિણ ભારતના ચેન્નાઈ (મદ્રાસ) શહેરના હાર્દ સમા માઈલાપોર વિસ્તારમાં કાપાલીશ્વર મંદિરે પહોંચીએ તો ભક્તો - ભાવિકો, કલારસિકો, કલાકસબીઓ અને માત્ર ફરકવા આવેલા મુલાકાતીઓને એ સ્થાપત્ય તથા એ મંદિરના ઇષ્ટદેવ-દેવી (શંકર-પાર્વતી) ભોળા ભાવે એકસરખા આતિથ્યથી આવકારે.


Google NewsGoogle News