મસરૂર જરૂર મગરૂર .

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
મસરૂર જરૂર મગરૂર                                      . 1 - image


- રસવલ્લરી-સુધા ભટ્ટ

- રકાર અને સ્થપતિઓને કરી. મંદિર સ્થાપત્યકળાના ગુરૂ જેવું સ્થાન મસરૂર મંદિરનું છે જ્યાં આશરે છઠ્ઠી-સાતમી સદીમાં શરૂ થયેલું તેનું નિર્માણ કાર્ય આઠમી સદીમાં પૂર્ણ કળાએ ખીલ્યું. 

સ્થપતિઓ અને કલાકારોનો મહત્વાકાંક્ષી પકલ્પ

હિમાલયને ખોળે કિલ્લોલ કરતાં હોઈએ ત્યારે સઘળી ઈન્દ્રિયો સંપીને એને જ સમર્પિત થઈ જાય. પર્વતને પેલે પારથી આવતા પવનો કેટકેટલું ફાંટમાં ભરીને આવતા હોય છે ! રંગ, સુગંધ, શીતળ સ્પર્શ, લીલોતરીના વાઘા પહેરેલી ખીણોમાંથી ધૂમ્રસેર સમ ઉપર ઉઠતું ધુમ્મસ વાદળ સાથે વાતું કરતાં કહે કે ''આવ ભાઈ હરખા, આપણ બેઉ સરખા''ને છતાં બેય ભિન્ન ! ધુમ્મસ ઊંચે જઈ વિખેરાય અને વાદળ ભીની ભીની સોડમ સહ વારિ વરસાવે ત્યારે ધરા કહે ''વારી જાઉં વીર...!'' એવી ફુલ્લ કુસુમિત ભૂમિ ઉપર આપણા પગ ઠર્યા હોય તે ઘડીએ મનડું આપણા વશમાં રહે ખરું ? સૌંદર્ય અને સંતૃપ્તિની શોધમાં માનવીને જો કોઈ ટેકો કરતું હોય તો તે છે પ્રકૃતિ. તે પોતાની લીલામાં તો આપણને ઓળઘોળ કરે જ છે પરંતુ માનવીય-માનવસર્જિત કલા તરફ પણ અંગૂલિ નિર્દેશ કરે છે. ''ઓહો...'' ઉચરી આપણે પણ નિસર્ગના અંકમાં ગેલ કરતી કલાને જોઈ અચંબિત થઈ તેને માણવા-જાણવા ચાલી નીકળીએ છીએ. લો, આ આવી પહોંચ્યા કાંગડા ખીણના ખોળે સ્થાપત્યની વાછંટમાં ખંખોળિયું ખાવા. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના મસરૂર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતા પૂર્વ આઠમી સદીમાં સર્જાયેલા રૉક કટ મંદિરનાં ભગ્નાવશેષો જોઈને લાગે કે મસરૂર જરૂર કોઈ એક વિલક્ષણ સ્થળ હશે જ્યાં સળંગ ખડક (પથ્થર)માંથી પંદરેક જેટલાં ભવ્ય મંદિરોનું નિર્માણ થયું હશે. બિયાસ નદીને કાંઠે આ હિંદુ આસ્થા સ્થળો ધૌલાધાર પર્વત શ્રેણી તરફ - પૂર્વોત્તરે નજર નાખતાં ઊભાં છે. આ સ્થાપત્ય રત્ન એની અદ્વિતીયતાને કારણે ''વિરલ'' કહેવાય છે.

હિમાલયના શિખરચરણોમાં મંદિરોનાં શિખરો

દરિયાઈ સ્તરથી ૨૫૦૦ ફિટ ઊંચે કુતરતી ખડક પર સુંદર, સજળ, ઉપજાઉ માટીથી રગદોળાયેલાં આ મંદિરો ભલે દૂર રહ્યા પણ રસિકોને ખુશ કરવા તે કટિબદ્ધ છે. ધર્મશાલા ગામથી દક્ષિણ-પશ્ચિમે ૪૫ કિ.મી. અને કાંગડા ગામથી ૩૫ કિ.મી. છેટે આવેલું આ અચરજ અનેક કલાકર્મોની યાદ દેવડાવે. મુંબઈ નજીક આવેલ એલિફન્ટા ગુફાની ઝાંખી અહીં થાય, મદ્રાસના દરિયાકિનારાના મહાબલિપુરમ્ સાથે એનું કોઈ સગપણ નીકળી આવે, ગુપ્તા વંશીય અસર ઝીલેલા અજંતા-ઈલોરાની અહીં યાદ સતાવે; તો, મુંબઈના ઉપેક્ષિત પરા જોગેશ્વરીની ગુફાઓની સ્મૃતિ સતેજ થઈ આવે. ત્યાં પણ પ્રસ્તુત મસરૂર પ્રકારની શૈલી નજરે પડે અને હા, વળી તે તો મસરૂરની પણ પૂર્વજ છે હોં !

કાશ્મીર ખીણમાં નોંધાયેલા એકમો એક હિંદુ મંદિરોમાંનું મસરૂર પણ એક વડીલ મંદિર છે. અંગ્રેજ અમલદાર હેન્રી શટલવર્થે ૧૯૧૩માં ''વૈષ્ણવમંદિર'' તરીકે આ સ્થળને ઓળખાવ્યું અને તેની જાણ સરકાર અને સ્થપતિઓને કરી. મંદિર સ્થાપત્યકળાના ગુરૂ જેવું સ્થાન મસરૂર મંદિરનું છે જ્યાં આશરે છઠ્ઠી-સાતમી સદીમાં શરૂ થયેલું તેનું નિર્માણ કાર્ય આઠમી સદીમાં પૂર્ણ કળાએ ખીલ્યું. ૧૯૦૫ના ભૂકંપ થકી વેરાયેલા વિનાશ પછી પણ તેનો જીવન-મૃત્યુ સંગ્રામ ચાહ્યો. સહૃદયી માનવવસ્તીએ પણ એને જીવાડવાનો પ્રયત્ન કર્યે રાખ્યો. ૧૯૧૩ પહેલાં મધ્યસ્થ મુખ્ય મંદિર સ્થાનીય રીતે ''ઠાકુર દ્વાર'' તરીકે પંકાયેલું. આ મંદિર પાછળ પણ પાંડવોના અક્ષાતવાસની દંતકથા મુજબ અહીં શિવમંદિર જ હતું. વીસમી સદીમાં રામ, લક્ષ્મણ, સીતાની પૂર્વાભિમુખ પ્રતિમાઓ મૂકાઈ અને અન્ય દેવી-દેવતાઓનો પણ દબદબો રહ્યો. યુનેસ્કોની અને આપણા પુરાતત્વ ખાતાની સાથે આ સ્થળને મળી છે.

પથ્થરમાંથી પ્રગટ થઈ પથ્થરમાં પ્રવેશતાં મંદિરો

ત્રણ દ્વાર સ્પષ્ટ અને ચોથું દ્વાર અધૂરું જોવા મળે. વચ્ચે મોટો મંડપ અને પ્રાંગણ જાણે કે પથ્થર ઊપરની અપ્રતીમ કોતરણીને સાચવે છે. ક્યાંક કઠણ, મધ્યમ અને નરમ પથ્થરો બેસાડેલા છે. પૂર્વ ગેટ સમક્ષ પવિત્ર તળાવ મંદિરનાં પ્રતિબિંબ ઝીલે છે. મંદિરની ઊંચાઈ બહારની બાજુએ ૨૭ ટ ૨૦ ફિટ છે; જ્યારે લંબોચરસ ભાગ ૮૨ ટ  ૧૬૪ ફિટનો છે. જેને છાપરા સહિત ગીચ કોતરણીવાળા સ્તંભોનું અવલંબન છોે. મુખ્ય મંચને અડીને જળનિર્ગમની વ્યવસ્થા છે. મંડપોની શ્રેણી નકશી-કોતરણી ધરાવે. જ્યાંથી શિલ્પો અને કુદરતી દ્રશ્યો બન્ને દેખાય. મુખ્ય ગર્ભગૃહમાં ચતુર્મુખી શિવજી બિરાજે છે.

 વિવિધ મંડપોમાં છત પર શતદલ ખીલેલું કમળ ધ્યાનાકર્ષક છે. અહીં, શિખરોની શૈલીને કૈલાસ શૈલી પણ કહેવાય છે. મધ્યસ્થ શિખર સાથે ચાર-ચાર એક શા નાના શિખરો એકમેક સાથે હસ્તધૂનન કરે. બધાની મૂળભૂત દિશા એક. આ ખાસિયત મશહૂર મસરૂરની છે. મૂર્તિરચના અને ભીંતચિત્રો બુદ્ધના ''મેરુપુરાણ'' મુજબ છે જ્યાં લીલોતરીવાળી પર્વતશ્રેણી છે. આ વાતને મસરૂર પ્રતીકાત્મક રૂપે રજુ કરે છે. મંદિર ભીતર શિવ ઉપરાંત વિષ્ણુના દશાવતાર, ઈન્દ્ર, ગણેશ, કાર્તિકેય અને દુર્ગા તથા સરસ્વતી છે. પ્રણય, મિથુન, અર્ધનારીશ્વર, હરિહર આદિ નામસંયોજન છે; તો નૃત્ય, સંગીત, અપ્સરા આદિનાં લય અને ગતિશીલતાનાં અનુભવ થાય. આજે મંદિરો સ્વયમ્ પોતાના દેહના ટૂકડે ટૂકડા તળાવમાં જોઈ વસવસો કરે છે પમ રસિકોને સ્તંભો, ઝરૂખા, દ્વારપાળ, પગથિયાં, કુંભી, રસકુંભ, ઘટપલ્લવ, બારસાખ, પેનલ આકર્ષે છે. મનોમન ભાવકો પ્રસ્તર ખંડોને જોડીને ઉપર જાળિયાંય બેસાડે છે. સાચાં સિંહાસન તો અહીં જ છે. મસરૂર પોતાનો વૈભવ છાતીસરસો ચાંપીને ખુશ છે !

લસરકો

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સૂર્યકિરણો આ મંદિરોને સોનેરી, કેસરી અને પીળા રંગે લીંપે છે. લીલી ઝાંય વડે પર્વતો એની કિનાર ગૂંથે છે.

અતિ શક્તિશાળી, પ્રેરક, અનોખાં અને ભગ્ન છતાં જીવંત મંદિરો

વીતી ગયેલા યુગની યાદ તાજી કરાવતા મંદિરો ઊંચા દરજ્જાનું ભવ્ય સ્તાપત્ય ગીત છે. સાવ મૂક-બધિર હોવા છતાં એ એક દ્રશ્ય-શ્રાવ્ય કાવ્ય છે. ભૂકંપ આવ્યા પહેલાની પણ મુશ્કેલીઓ સામે એણે ઝીંક ઝીલી છે. હમાલયન પિરામિડ જેવી એની ભવ્ય પ્રતિભા અને પ્રતિમા છે. આ મંદિર સંકુલ એક સમચોરસ પરિસર છે જેમાં મુખ્ય-મધ્ય મંદિર ''મંડલ'' પદ્ધતિનું છે જે નાના મંદિરોથી ઘેરાયેલું છે. મુખ્ય ગર્ભગૃહ, નાની નાની ગાદીઓ અને મંડપ પણ અહીં ચોરસ મળે. મંદિરોની બહારની દીવાલો પર વેદ, પુરાણો, દેવી-દેવતાઓની જીવનીનાં અંકન રિલીફ સ્વરૂપે દેખાય. ઈજાઓની કિનારીઓ ઉપર દંત કથાઓ અને હિંદુ ગ્રંથોના વર્ણન છે. શિલાલેખોની અહીં ભરમાર છે જેની લિપિ ઉકેલવાનું અઘરૃં કામ વિદ્વાનો જ કરી શકે. હજી ઉન્નત મસ્તકે ઊભેલાં આ મંદિરો હિંદુ પર્વત (શિખર) શૈલી સ્થાપત્યનાં ઉત્તમ ઉદાહરણ છે. આસપાસ ગોઠવાયેલા પર્વતો જાણે કે એ સ્થાપત્યની કિનાર ન હોય - એવા લાગે ! મધ્યભારત અને રાજસ્થાન-ગુજરાતની નાગર સ્થાપત્ય શૈલીનો અણસાર આપણને હિમાચલમાં હૂંફમાં આંચલ ઓઢાડે. કાશ્મીર અને ઉત્તર ભારતમાં પણ મંદિરો ચોરસ પિરામિડલ શિખર શૈલી ધરાવતાં. એ શૈલી હિમાલય સોંસરવી નીકળી ઘેરા જંગલોમાં ભરમૌર રાજવંશ-મગરૂરમાં આવી- જ્યાં રાજાકલામાં રસ લેતા. આ પંદરે પંદર મંદિરોમાં ભૌમિતિક ઉપરાંત ફૂલ, પાન, વલ્લરી અને પશુ પંખીની ભાત જોવા મળે. રેતિયા પથ્થરનાં આ સર્જનો એકમેકને અંકોડા ભરીને ઊભેલાં સ્મારકો જ છે. હાલ જે આઠ સર્જનો દ્રશ્યમાન છે તે એકસરખાં છે. અષ્ટકોણ અથવા બે ફરતા ચતુષ્કોણ સાથે એ પર્વત જેવાં જ લાગે છે. મુખ્ય ગર્ભગૃહ પર સપાટ છાપરું અને બીજા સ્તર ઉપર આઠે એની ઉપર અવલંબે.


Google NewsGoogle News