Get The App

હજાર રંગ મળે, તું મળે પછી જ મળે... .

Updated: Sep 13th, 2022


Google NewsGoogle News
હજાર રંગ મળે, તું મળે પછી જ મળે...                  . 1 - image


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- જીવનમાં જે જૂનું છૂટી જાય છે એ તરફ પાછા વળવું શક્ય કે સરળ નથી હોતું. વીતેલી જીંદગીમાં ફરી જીવવાનું માત્ર યાદોથી જ શક્ય છે

હજાર રંગ મળે તું મળે પછી જ મળે,

નવા તરંગ મળે તું મળે પછી જ મળે.

દરેક શ્વાસ પછી હોય ફૂલની બાબત,

બુલંદ સંગ મળે તું મળે પછી જ મળે.

સફર રહે જ નહીં થાક પણ રહે ન કશો,

ક્ષણો સળંગ મળે તું મળે પછી જ મળે.

ન કોઈ વિશ્વ નડે દ્રશ્ય આરપાર વહે,

અજબ અસંગ મળે તું  મળે પછી જ મળે.

ફરીથી એક પુરાણી ગલી પુકાર કરે,

જુના પ્રસંગ મળે તું મળે પછી જ મળે.

- સુરેશચંદ્ર પંડિત

અનેકવાર અચાનક કોઈ પંક્તિઓ યાદ આવી જાય અને મનમાં થાય કે કવિ અત્યારે ક્યાં હશે ? ઘણાં વખતથી તેમની કોઈ કવિતા ક્યાંય વાંચી નથી. એ ભૂલાઈ ગયા ? લખવાનું ઓછું થઇ ગયું હશે ? અને આમ વિચારતા વિચારતા અનેક કવિઓ યાદ આવી જાય છે. એ હાંસિયામાં ધકેલાઈ ગયા હશે ? કે આડા હાથે મુકાઈ ગયા છે ? દરેક પેઢીમાં એવા અનેક તેજસ્વી સર્જકો થઇ ગયા છે. જેની પાસેથી ઘણું ઉત્તમ સર્જન મળી શક્યું હોત. મળી શકે. સુરેશચંદ્ર પંડિત એમાંનું એક નામ છે. તેમના ૩ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. તેમના 'ગુલબંકી' કાવ્યસંગ્રહમાંથી આ ગઝલ લીધી છે. ગુલબંકી છંદનું નામ છે.

કોઇની હાજરી તમારા જીવનમાં કેટલો મોટો ચમત્કાર સર્જી શકે છે એની વાત સુરેશચંદ્રએ ગઝલકારને છાજે એ મિજાજમાં કરી છે. આપણા જીવનમાં કોઈ આવે અને જીવનમાં કેટલા બધા રંગો ઉમેરાઈ જાય છે. દીકરી હોય, પત્ની હોય, પુત્ર હોય, નાનકડું બાળક હોય. ઘરની અને જીવનની રોનક બદલાઈ જાય છે. સાવ નિસ્તેજ નિરસ જીવનમાં કોઇનું આગમન હજારો રંગ ભરી દે છે. નવા નવા તરંગો ભરી દે છે. તું મળે પછી જ જાણે બધું મળતું હોય છે. અને એટલા માટે જ માણસ આ 'તું'ની શોધ કરે છે. પ્રભુથી લઇને પ્રિયતમા સુધી 'તું'ને ઓળખવાનો પ્રયત્ન કરે છે. 'તું'ની પ્રતિક્ષા કરે છે.

ફૂલ અત્યંત નાજુક છે. મરીઝનો ફૂલોના સંદર્ભમાં એક સુંદર શેર છે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,

અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

પથ્થરોના બોજ તો ઊંચકી શકાય છે. ક્યારેક માણસ નાનકડા ફૂલથી ઝૂકી જતો હોય છે. કવિએ વાત અહીં ફૂલની જ કરી છે પણ જરાક જુદા રંગમાં તારો સંગાથ એટલો બુલંદ છે કે પ્રત્યેક શ્વાસ ફૂલ જેવા થઇ જાય છે. પ્રત્યેક શ્વાસ જાણે ફૂલની કથા બની જાય છે.

ઘણીવાર તમે જોયું હશે કે સાવ થાકી ગયા હોઈએ, મોડી રાત થઇ ગઈ હોય, પથારીમાં પડતાની સાથે જ ઊંઘી જવાશે એમ લાગતું હોય, એક ક્ષણ કે એક ડગલું ચલાય કે જગાય એમ ના હોય અને એ પળે કોઈ પ્રિય પાત્ર આવે છે એટલા સમાચાર આવે અને... બધો જ થાક ક્યાંય ચાલ્યો જાય છે. અચાનક ક્યાંકથી શક્તિ અને સ્ફૂર્તિ આવી જાય છે. આ શક્તિ ક્યાંથી આવતી હોય છે ? યોગીઓ કહે છે આ શક્તિ આપણી ભીતર સુષુપ્ત રહેલી જ હોય છે તે અચાનક સક્રિય થઇ જાય છે. શાયર તો કહેવાનો કે આ શક્તિ પ્રેમમાં છે. સફર સફર જ નથી રહેતી. કોઈ થાક રહેતો નથી. ક્યાંનો ક્યાંય ચાલ્યો જાય છે. સવાર હોય કે રાત સરખી સ્ફૂર્તિમય થઇ જાય છે. સમય જાણે સળંગાઈ ગયો હોય એમ લાગે. પણ આ બધો વૈભવ 'તું' મળે પછી જ મળે છે. તારા વગર તો કશું જ શક્ય નથી.

આપણી આંખોને ઘણું બધું નડતું હોય છે. દેહને ઘણું બધું નડતું હોય છે. દરેક માણસને આ દુનિયાની સામે ક્યાંકને ક્યાંક વાંધો છે. પણ અચાનક એક ચમત્કાર થાય છે આખું જગત સુંદર લાગવા મંડે છે. આ જગતમાં કશું નડતું નથી, બધું જ સહાયક છે એમ લાગવા મંડે છે પછી એકલતા એકાંતમાં ફેરવાઈ જાય છે. તારો સંગ મળે પછી ખરા અર્થમાં અસંગની ખબર પડે છે. અસંગમાં સંગનો આનંદ એ બહુ ઉચ્ચ અવસ્થાની વાત છે. અધ્યાત્મની દુનિયામાં ઘણાં સાધુના નામ અસંગાનંદ સાંભળેલા છે.

જીવનમાં જે જૂનું છૂટી જાય છે એ તરફ પાછા વળવું શક્ય કે સરળ નથી હોતું. વીતેલી જીંદગીમાં ફરી જીવવાનું માત્ર યાદોથી જ શક્ય છે. પણ કોઇના સાનિધ્યથી આ શક્ય છે.

વીતેલા દિવસોના ખોળિયામાં દિલ ગયું પાછું,

જીવાતી જીંદગી, રોકાઈ જાય, આ શું થયું પાછું ?

- ગની દહીંવાલા

તું મળે પછી તને ખબર છે કે કેવા-કેવા ચમત્કારો સર્જાય છે ? જે એક જૂની ગલી છૂટી ગઈ હતી, એ બાળપણથી હોય કે યુવાનીની હોય, સપનાની હોય કે વતનની હોય એ ગલી જાણે ફરી-ફરી પોકારતી હોય એવું લાગે છે. વીતેલા પ્રસંગો ફરી પાછા સામે મળે છે પણ આ બધું તું મળે પછી મળે છે. સુરેશચંદ્ર પંડિત કવિ વિવેચક અને ગઝલના શાસ્ત્રના જાણકાર છે. કવિ દર્શક આચાર્ય જણાવે છે કે તેમ તેઓ અત્યારે રાજકોટ પાસેના એક ગામમાં રહે છે. ગુજરાતી ગઝલ આવા અનેક નામોથી ઉજળી છે. તેમની એક બીજી ગઝલ જોઇએ. એની રદીફ છે 'સડક મુકામ પર જતી.' આપણે ઘેરથી નીકળીએ અને જ્યાં પ્હોંચવાનું હોય એ મુકામ પછી સડક છોડી દઇએ છીએ. ગુલઝારની એક પંક્તિ યાદ આવી જાય... ઇસ ઉમ્ર સે લંબી સડકોં કો મંઝિલ પે પહોંચતે દેખા નહીં... બસ ચલતી ફીરતી રહેતી હૈ હમને તો ઠહરતે દેખા નહીં. આ ગઝલ આપણને કેવી કેવી યાત્રા કરાવે છે. તેની વાત સડક રૂપે કરી છે. ક્યાંક શહેરમાંથી રેશમી રૂમાલ પણ લઇને આવે છે. નાના નાના ગામોમાં ફરીને સડક ફરી આગળ વધે છે.

બેઉ બાજુએ છે ગુલમહોરથી ભરી સડક મુકામ પર જતી,

ધુમ્મસી સવારે ફૂલની નદી તરી સડક મુકામ પર જતી

ભેટતી પહાડને ઘડીક ટોચ પર જતી ઘડીક ખીણમાં,

ઢાળ ઢાળ પ્હાડના વળાંક આંતરી સડક મુકામ પર જતી

સૂર્યનો ઉજાશ ઝીલવાવાને વૃક્ષ ખીણ ખીણથી ઉભા થતા,

સૂર્યની નજીકના શિખરને સર કરી સડક મુકામ પર જતી

ક્યાંક ક્યાંક ઊભતી ખરીદતી રૂમાલ રેશમી અવાજનો,

પ્હાડના હરેક ગામમાં હરીફરી સડક મુકામ પર જતી.

માર્ગમાં જ આથમી જતી એ ઓઢતી નકાબ અંધકારનો,

દૂર દૂરના વળાંકથી ફરી ફરી સડક મુકામ પર જતી.


Google NewsGoogle News