સ્મૃતિ ખોઈ બેઠેલા આપણે! .

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
સ્મૃતિ ખોઈ બેઠેલા આપણે!                               . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- આપણે આપણી સાચી 'સ્મૃતિ' ખોઈ બેઠા છીએ, ઇશ્વરના વરદાન રૂપ જીવનની મહત્તા પામી શક્યા નથી.

'આ મેં કર્યું,' આ મારું છે આવાં વિધાનો જુદે જુદે રૂપે આપણે આપણી આસપાસ અનેકવાર સાંભળીએ છીએ, તો આપણે પણ વાત વાતમાં આવું જ કહેતા હોઈએ છીએ. સાદી અને પ્રચલિત ભાષામાં કહીએ તો એ જ આપણો 'અહમ્' અને એ જ આપણું 'મમત્વ'. આ બે એવા શબ્દો છે જેમાંથી માણસને બહાર આવવું ગમ્યું નથી કે ગમતું નથી ! જીવનની આજ મોટી કરૂણતા છે. એ જ માણસને તેના આત્મતત્ત્વ સુધી પહોંચવા દેતા નથી. એ શબ્દો જ જિંદગીભર એની ચોમેર મોટી ભ્રમજાળ ફેલાવતા રહે છે. સત્ય તેથી તેના માટે અપ્રિય બની જાય છે. મોબાઈલ મેમરીથી ભરચક ભરાઈ જાય પછી જેમ નવી મેમરીને પ્રવેશ મળતો નથી, તેવું જ અહીં પણ થાય છે. પેલો 'હું' અને 'મમત્વ' જ મધમીઠા શબ્દો લાગે છે. એનો જ વરઘોડો નીકળતો રહે. બીજા શબ્દો પ્રેમ-કરૂણા-સચ્ચાઈ-સરળતા-સહજતા જેવાં માટે એ મેમરીમાં પછી જ ગાજ બચી નથી હોતી, પરિણામે માણસ મોહભરમ સાથે છેવટે વિદાય લે છે - હું અને મમત્ત્વની સાથે !

આપણા સમયમાં, અગાઉ ક્યારેય નહોતી તેવી, છેતરામણી ભરી શબ્દક્રીડા એના પૂરા રૂપે પ્રકટતી રહી છે. એટલે પેલો 'હું', 'અહમ્' કે 'મમત્વ' શબ્દને ઢાંકવા માટે માણસની મથામણ ઓર વધી છે. પોતાનો કર્તૃત્વભાવ તો તે તજી શકે તેવી સ્થિતિ જ રહી નથી, પણ અન્યનું કર્તૃત્વય તે હવે પોતાના નામે ચઢાવીને પોતે જ પોતાની યશ ગાથાઓ ગાતો ફરે છે અથવા એવી યશ ગાથાઓ રચે-રચાવે છે. આપણા બધા દુ:ખોનું મૂળ ત્યાં રહેલું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે વિશ્વની સઘળી વિચારધારાઓ કરતાં ભારતીય વિચારધારોએ વધુમાં વધુ આ 'અહમ્' અને 'મમત્વ'નાં ભયસ્થાનો દર્શાવ્યાં છે, તેમાંથી નીકળવાનો માર્ગ પણ બતાવ્યો છે. વેદ-ઉપનિષદ-ગીતાએ તો આ બે શબ્દો વિશે પરોક્ષપણે ઘણું સૂચવ્યું છે પણ હજી આ 'અહમ્-' 'મમત્વ'ની માયા તો એનો ખેલ બરાબરનો પાડતી જ રહી છે. સંત કબીરે પણ પોતાના સમયમાં તે વિશે પાર વિનાનું લખ્યું છે. તે કહે છે :

મોહ નદી વિકરાલ હૈ, કોઈ ન ઊતરે પાર,

સતગુરુ કેવટ સાથ લે, હંસ હોય ઉસ પાર.

વળી તે એમ પણ કહે છે :

અપના તો કોઈ નહીં, દેખા ઢોકી બજાય

અપના અપના ક્યા કરે, મોહભરમ લપટાય.

કબીરજીએ અહીં સ્પષ્ટ કહ્યું છે કે આ 'મારું મારું'નો મોહ, આ અહમ્ વિકરાલ છે. તે કોઈને આગળ વધવા દેતો નથી, બાકી જો તે સમજી લે તો પેલી નદીને સામે કિનારે 'હંસ' જ છે. 'હંસ'ના પ્રતીકમાં કબીરે જીવનમાં બધાં જ ઉત્તમ સત્યો, ઉત્તમ રંગો, સૂચવી દીધાં છે. અહીં 'મારું મારું' જે લોકો કહે છે તે માત્ર ભ્રમ છે, મોહ છે. પણ ખરું તો આ બે શબ્દોનું વળગણ તજવું એજ મોટી સમસ્યા છે. ક્યારેક તો તે અહમ્-મમત્વ ભક્ત કે ભક્તિમાં પણ જણાય, ગુરૂ કે ગુરૂના શિષ્યમાંય મળે, જ્ઞાાન કે જ્ઞાાની કહેવાતા માણસોમાંય મળે, સેવાનો ઠેકો લેનારમાં પણ જોવા મળે, રાજકારણમાં તો આ બે શબ્દોનું જ સઘળે વર્ચસ્ છે, એ બે શબ્દો જ સતત સાંભળનારને મોહપાશમાં બાંધતા રહે. કથા કે કથાકારોની ચાતુરીમાં પણ એ શબ્દો ઓગળતા રહે છે. પરિણામે 'અહમ્'- 'મમત્વ' આપણા સમયમાં વધુ ઉગ્રરૂપે જોવા મળે. સરખામણી વધી છે, સ્પર્ધાઓ વધી જ, ધનની લાલચ વધુ વણસી છે, જાતિ-પાતિ કુલ વગેરેના ખોટા ખ્યાલો પણ વિસ્તરતા રહ્યા છે પરિણામે અહમ્ અને મમત્વ વધારે તગડાં થતાં જાય છે. એક રીતે આ અહમ્-મમત્વ ઊધઈનું કામ કરે છે. માણસને તે અંદરથી કોરી ખાય છે, બહાર ઠીક દેખાય પણ અંદર ટકોરો મારતાં બધું કડડભૂસ થઈ રહે. પરિણામે આજે માણસ માણસ મટીને આ કે તે એવી કોઈ આવી ભરેલું રમકડું બની ગયો છે. અહંકાર વધતો ગયો તેમ મમત્વ પણ એના પગલે પગલે વધી ગયું છે. 'આ મારું જ છે' 'આ મેં જ કર્યું છે' એવા મિથ્યા ખ્યાલો નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ, 'શકટનો ભાર જેમ શ્વાન તાણે' જેવા છેવટે બની રહે છે. મૂળ વાત તો માણસમાત્ર ઇશ્વરી અંશ લઈને જન્મ્યો છે, એ અંશને ખીલવવાનો છે તે સદંતર ભુલાઈ જાય છે. ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણએ વિસ્તારે કહ્યું છે કે જે કંઈ સૃષ્ટિમાં છે અથવા થઈ રહ્યું છે તે એના કારણે થઈ રહ્યું છે. એ નિયંતા છે, નિમંત્રક છે. માણસ તો એક 'નિમિત્ત' છે. જો આટલી વાત સમજાય તો અહંકાર અને મમત્વ નિર્મૂલ થઈ શકે. મૂળ વાત તેથી તજીને પામવાની છે પણ તજતાં પહેલાં તેની પાકી સમજ જન્મે તો જ તે ત્યાગી શકે. એવી સમજ જન્મે એ જ ક્ષણે માણસ કંઈક મહત્ને પામ્યો છે એવો અંદરથી આનંદ આનંદ થઈ રહે. પોતાનું 'હોવું' એને એક પરમ અર્થ પ્રાપ્ત થઈ રહે. બાકી તો આ મેળવવું છે, તે મેળવવું છે તેની સતત વ્યાકુળતા અને જે કંઈ મેળવ્યું છે તે ન જતું રહે તે માટેની ભીતિ માણસને સતત સતાવે છે. એ બે વચ્ચે જ એનું જીવન પછી ભીંસાતું રહે છે. કર્તૃત્વ અને આત્મત્વની એવી સમજ સાથે માનવીએ ગાંડો-ગૂંચોમાંથી પણ બહાર આવવું પડે છે. નહીંતર પેલો અહમ્-મમત્વ વળી જુદા રૂપે એનો 

ચહેરો પ્રકટ કરે. આસક્તિ એવી ગાંઠો-ગૂંચો જ વધારે પછી તે પદની વાત હોય, પરિવારની વાત હોય, પ્રેમની વાત હોય કે સત્તા-પ્રતિષ્ઠાની વાત હોય. જે સહજ થઈ રહે છે, સરળ થઈ રહે છે, નિર્દોષ રૂપે શ્વાસ ભરે કે છોડે છે તેને માટે તો આનંદધનની જેમ 'અબ હમ અમર ભયો'ની વાત છે પણ બાળક જેવી નિર્દોષતા કે સરળતા બધાને માટે સહજ નથી. જતું હોય તો જવા દો અને રહેતું હોય તો રહેવા દો - આવું સ્વભાવનું સહજપણું આત્મતત્ત્વને પૂરેપૂરૃં પામ્યા પછી જ આવે. વેદો-ઉપનિષદો કે પુરાણો વાંચી નાખવાથી કંઈ એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે એમ માનવાને લગીરે કારણ નથી. અક્ષર અ-ક્ષર ધામ સુધી નથી પહોંચાડતો પણ હૃદયને શિશુ જેવું નિર્મલ હોય તો જરૂર અહમ અને મમત્વને લોપીને તેની પારનું માણસ નિહાળી શકે ઇશુને ભરબજારમાં ઘેરાઈ વળેલા તેના અનેક ચાહકોમાંથી કોઈ એકે પૂછ્યું 'ઇશ્વરના દરબારમાં પ્રવેશ કરવો હોય તો કેવી રીતે થઈ શકે ?' ઇશુએ પળનાય વિલંબ વિના એ ટોળામાંથી એક બાળકને ઊંચકીને કહ્યું : 'જેનું હૃદય આ બાળક જેવું સરળ હોય તે એ દરબારમાં પ્રવેશી શકે.' આપણી કબીર-નામદેવ-મીરાં સમેતના અનેક સંતોએ એવા સરળ હૃદય વડે જ ચમત્કાર સર્જ્યો છે. કબીરે ઠોકપૂર્વક કહ્યું છે ને ? 'જબ મૈં' થા તબ હરિ નહીં ! બસ, આ મૈં ને વિદાય આપવાનો ખરો કીમિયો જ નિર્દોષ, પૂર્વગ્રહો વિનાનું, સહજ જીવન છે. તે માટે મંદિર-મસ્જિદ કે ગ્રંથનાં થોથાં સુધી જવાની જરૂર નથી.

સો વાતની એક વાત એ છે કે - આપણે આપણી સાચી 'સ્મૃતિ' ખોઈ બેઠા છીએ, ઇશ્વરના વરદાન રૂપ જીવનની મહત્તા પામી શક્યા નથી. મોહ-માયામાં લપેટા જતા માણસની સામે અનેક રેશમી પડદાનું આકર્ષણ આવતું જ જાય છે, આવતું જ જાય છે. અઢારમાં અધ્યાયમાં તેથી જ કૃષ્ણનું અર્જુનને થતું સતત કાઉન્સેલિંગ અર્જુન પાસે અર્કરૂપે કહેવડાવે છે : 'મોહનષ્ટ થયો છે, સ્મૃતિ પ્રાપ્ત થઈ છે.' આ 'સ્મૃતિ' પ્રભુતાભર્યા મનુષ્યત્વની છે. કર્તૃત્વ અને છતાં અકર્તૃત્વના સહજ સ્વીકારની છે. પછી ત્યાં 'અહમ્' કે 'મમત્વ'નું નિગરણ થઈ રહે છે - આપોઆપ !


Google NewsGoogle News