Get The App

દિપાવલિ કે જીવનાવલિ? .

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
દિપાવલિ કે જીવનાવલિ?                                    . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- દીપાવલિ એ દીપની તો આવલિ છે જ, સાથે તેમાં બીજી પાર વિનાની આવલિઓ પણ છે. ત્યાં આપણો સમાજ છે, આપણો પરિવાર છે, આપણી એકતા અને એક સૂત્રતા છે

હા, ફરી એકવાર દિવાળી આવી. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ તેનું આગમન થયું. પ્રશ્ન એ છે કે આવા દિવસો આપણને કશું અંકે કરાવી જાય છે ખરા ? માત્ર હિન્દુઓ જ નહીં, આપણે સૌ ભારતીયો માટે આ એક મહોત્સવ છે. જેમાં અનેક કથાઓ છે, કિંવદન્તીઓ છે. અનેક વિચારધારાઓ તેમાં ભળેલી છે. આપણાં સમૃધ્ધ પૂર્વજોની આ એક અનોખી ભેટ છે. આવા મહોત્સવો માત્ર ઊજવી નાખવા માટે નથી, પણ ઘણુંક પામી લેવા માટે છે. જે લોકો ભારતીયતાની છાશવારે અહીં તહીં સમજ-નાસમજ સાથે વાતો કરે છે તેવાઓએ આ મહોત્સવની ભીતર ઊંડા ઊતરવા જેવું છે. કારણ કે દીપાવલિ એ દીપની તો આવલિ છે જ, સાથે તેમાં બીજી પાર વિનાની આવલિઓ પણ છે. ત્યાં આપણો સમાજ છે, આપણો પરિવાર છે, આપણી એકતા અને એક સૂત્રતા છે, ત્યાં ઉત્સવ-આનંદ છે, ત્યાં અન્નોત્સવ છે, તો વસ્ત્રોત્સવ છે, ત્યાં પ્રેમોત્સવ છે તો કરૂણાને ઉત્સવ પણ છે, ત્યાં નવા આરંભો માટેની ઊર્જા છે તો ત્યાં વિજયનું આરાધન પણ છે, ત્યાં આત્મનિષ્ઠાની સાથે પરનિષ્ઠાનું પણ એક વર્તુળ રચાય છે. ત્યાં સદ્નો મહિમા છે, અસદને જાકારો છે, ત્યાં પ્રકાશની ઝંખના છે તો અંધકારને ઉલેચી નાખવાની વાત છે, ત્યાં પુરાતનતાનું અનુસંધાન છે તો ત્યાં પુરાકલ્પનોનું જગત છે, ત્યાં ધર્મ છે તો આધ્યાત્મિકતા પણ છે, ત્યાં વિવિધ દેવીદેવીઓનું અર્ચન-પૂજન છે, ત્યાં તેમના અવતરણ માટેની કામના છે, સાથે ઇશ્વરમય જગતની આબોહવા પણ છે. ત્યાં એક અર્થમાં આપણી ધરોહરના અનેક સંકેતો છે, ત્યાં સંબંધોનાં નાજુક સૂત્રો છે, ત્યાં સમજણના નવાં કમાડ ઊઘડતાં જાય છે તો ગેરસમજનાં બારણાં બંધ કરી દેવા માટેની ભૂમિકા પણ છે. ત્યાં મળવાની વાત છે, ભળવાની વાત છે, સાથે રહેવાની વાત છે, સમ્યક્રૃપે સર્વના ઉત્કર્ષની ત્યાં ભાવના રહી છે. વાક્બારશથી લાભ પંચમી સુધીના દરેક દિવસનું આગવું માહાત્મ્ય રહ્યું છે. આપણા પૂર્વજોએ આ મહોત્સવનું અદ્ભુત વ્યાકરણ રચી આપ્યું છે. ત્યાં અર્થતંત્ર છે, સમાજશાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર છે, નીતિ શાસ્ત્ર છે, પ્રેમશાસ્ત્ર છે, પ્રકાશશાસ્ત્ર છે, અરે કહો કે આખું ઊર્જાશાસ્ત્ર છે. આજની ભાષામાં Re-charging  અને Re-starting  બંને છે. અહીં જાતિ-પાતિ-વય-પદ-પદવી, ગરીબ-તવંગર બધું ઓગળી જતું હોય છે, ઉપર તરી રહેતો હોય છે માનવ, ભારતનો માનવ, તેને મળેલાં અને જીવતરમાં એક કરી દેવા જેવો વારસો. અહીં મનોત્સવ છે, તો હૃદયોત્સવ પણ છે. માણસ-ભારતનો માણસ, માત્ર આ મહોત્સવને સાચી રીતે સમજે, ઊજવે, પામે તો પણ જીવનના એકાધિક ઉત્તમ માર્ગો એની નજર સામે આવી રહે તેમ છે. દિપાવલિમાં એકએક બાબત ક્યાંક કશેક જોડાતી હોય છે, નવા સંદર્ભો પાસે મૂકી આપતી હોય છે. માત્ર ત્યાં આપણી સમજણને કામે લગાડવાની હોય છે. કોઠાસૂઝવાળાઓએ આપણી સામે તેમના અનુભવો પ્રસ્તુત કરી આપ્યા છે જ પણ સમય-સંજોગ-સમાજ-સમજ બદલાતાં, અન્ય ઉત્સવોમાં બની રહ્યું છે તેમ, આ મહોત્સવમાં પણ હવે મૂળનો આનંદ અળપાતો જાય છે, ઉપર છલ્લાં વિધિવિધાનોએ ઉત્સવનું સ્થાન લઇ લીધું છે. નિર્દોષ-નિરામય મહોત્સવની પાછળનો અસ્સલ ધબકાર ઉત્તરોત્તર ભૂલાતો જાય છે.

વાત તો દીપાવલિમાં પ્રકાશભણી જવાની છે, વાત તો અંધકારને દૂર કરવાની છે, વાત તો સહજીવનના અનોખા આનંદની છે, વાત તો પ્રેમના દીવાઓ સદા  ઝગમગતા રાખવાની છે. વાત તો અંદરના ઉમળકાને અભિવ્યક્ત કરવાની છે. પરસ્પર સાથે અંતરથી જોડાઈ રહેવાની છે. પ્રકાશની વિજયની વધામણીની છે, ખુલ્લાપણાની છે. લેવા કરતાં આપવાની વધુ છે. 'હું' કરતાં 'અમે'થી જીવવાની છે. પરિવાર અને સમાજની ઉન્નતિની છે. સર્વ પ્રકારના અંધકાર પર વિજય મેળવી રહેવાનું આથી બીજું કોઇ મોટું પર્વ નથી. અહીં એક અર્થમાં તો બે જાતના ઉત્સવની ઉજવણી એક સાથે થઇ રહે છે. એક બાહ્ય જીવનના રસ-રંગનો ઉત્સવ-ઉજાણી છે. એકબીજાને મળો, ગળે લગાડો, શુભેચ્છાઓ પાઠવો. એકબીજાને ઘેર જાઓ. મિષ્ટાન આરોગો કે પ્રેમથી જે ભોજન પીરસાય તેનો આસ્વાદ માણો. અબોલાં હોય તો તોડો, મૂંગા રહ્યા હો તો ભીનાશભર્યા શબ્દોની આપ-લે કરો. વેરને દેશવટો આપો, પ્રેમનું સામ્રાજ્ય વિસ્તારો, સારાં વસ્ત્રો પરિધાન કરો. મનને ખુશીઓથી ભરી લો. બસ, સકારાત્મકતાનું એક આખું વિશ્વ રચાઈ રહેશે. ધર્મને આપણે ત્યાં આવા પ્રકાશપર્વ સાથે જોડાવવું ગમ્યું છે. રાવણનો પરાજય, અસદનો નાશ અને રામનો નગર પ્રવેશ-સીતા-લક્ષ્મણ સાથેનો. અનેક વિપદાઓ ભરી એ અરણ્યકથા હતી. વાલ્મીકિએ એ સૌના સત્કારની તક રામાયણમાં ઝડપી લીધી. નગરવાસીઓએ ઘેર ઘેર દીવા પ્રકટાવ્યા. વધામણી માટે શક્ય તે બધું બધાંએ કર્યું. અંદર અને બહારની શુદ્ધતા સુધીનું કહો, આ કથા શું ચીંધે છે ?

મહાભારતના વ્યાસે પણ દ્રોપદી સમેતના પાંડવો પરત ફરે છે ત્યારે સ્વાગતમાં આ જ પ્રકાશ દીવડાઓ વચ્ચે આપણને સૌને મૂકી આપ્યા. સ્વાગતમ્ ખરું, પણ પ્રકાશ ભરેલું. આ પણ શું એવી જ કથા નથી ? મહાવીર-ચોવીસમાં તીર્થકરનું પણ આધ્યાત્મિક જાગૃતિનું પર્વ દીપકો સાથે જ ઝળહળતું દર્શાવાયું છે ને ? શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સાહેબનો મુક્તિદિન પણ પ્રજાએ એવા પ્રકાશ પર્વ રૂપે જ ઊજવેલો ને ? કહો ધનતેરશનું ઈંગિત શું છે ? લક્ષ્મીપૂજન શું છે ? ધન કે લક્ષ્મીનો ભેદ ધ્યાનમાં લઇશું ? 

કાળી ચૌદશ લો. ત્યાં હનુમાનજીનું અર્ચન છે. હનુમાનજી ખુદ અનેક પ્રતીકોનું પ્રતીક છે. પરાક્રમ છે, ભક્તિ છે, સમર્પણ છે, તો અનર્ગળ પ્રેમ પણ છે. નરકાસુરના વધનો પ્રસંગ ગોવર્ધન પૂજાનો પ્રસંગ એ નિમિત્તે કૃષ્ણસ્તવન-ગાય-ગોવાળ-સમાજ આ બધું શું સમાજની એકતા અને માનવના ઉત્તરદાયિત્વને નથી સૂચવતાં ? કૃષિ જગતનો ત્યાં મહિમા શું નથી થતો ? અને ભાઈબીજ પણ ભાઈ-બહેનના નિર્વ્યાજ પ્રેમની સનાતન કથા સંપડાવી આપે છે. સુભદ્રા-કૃષ્ણની નરકાસુર વધ પછીની ઘટના અને યમ-યમુનાની કથા ભાઈ-બહેનના પ્રેમની બળવાન કથાઓ છે. લાભ પંચમીનું વણજોયું મુહૂર્ત આવા ઉત્સવદિનોમાંથી પસાર થયા પછી સદા લાભદાયક જ હોયને ?

વાત દીપાવલિની સાથે, બાહ્ય ઊજવણી સાથે અંદરની ઊજવણીની છે. આપણે આ દિવસોમાં અંદરથી પરિમાર્જિત થવાનું ચૂચવી રહે છે. માણસાઈના પાઠો આ મહોત્સવમાં વધુમાં વધુ, ઇચ્છીએ તો, શીખી શકાય તેમ છે. આ મહોત્સવ ભરપૂર આનંદનો છે તો અંદરની ભરપૂર શોધનો પણ છે. આપણા માટે આ મહોત્સવ ઝંખનાનો મહોત્સવ બની રહેવો જોઇએ. આવો મહોત્સવ જ જીવનના ખોવાઈ-ખોટકાઈ ગયેલા લય સાથે પુન: જોડી આપે છે. ચાલો, આપણએ આપણા મનનાં દ્વાર બંધ રાખ્યાં હોય કે અધખૂલાં રાખ્યાં હોય તો આખેઆખાં ઊઘાડી નાખીએ...


Google NewsGoogle News