Get The App

એલાવ, એલાવ, ઉમાશંકરજી છે? .

Updated: Aug 29th, 2023


Google NewsGoogle News
એલાવ, એલાવ, ઉમાશંકરજી છે?                       . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- અમે તો હવે સાહિત્યાનંદની નહિ સાહિત્ય- મનોરંજનની અભિનવ કેડી પકડી છે

'એ લાવ', 'એલાવ', 'એલાવ' - અરે કેમ કોઈ બોલતું નથી ? રમણલાલ જોશી તો ઉમાશંકરને ફોન કરતા ત્યારે 'એલાવ, એલાવ' એમ બે વખત બોલવામાં જ ઉમાશંકર હરખથી ફોન ઊપાડી લેતા હતા ! સંભવ છે કે ઉમાશંકરભાઈ ત્યાં સ્વર્ગમાં દેવો સાથે મિટિંગમાં એન્ગેજ હશે. અમે થોડીવાર પછી ઉમાશંકરભાઈને જરા જુદા ટૉનમાં 'હેલો ! હેલો !' શબ્દો સાથે ફોન કર્યો. અને અમારા આશ્ચર્ય વચ્ચે ઉમાશંકરજીએ ધીમે અવાજે, અમારા નામ સાથે, અમારાં ખબર-અંતર પૂછ્યાં. અમે તો ખુશ થઈ ગયા કે સ્વર્ગમાંય આપણા આ મહાપુરુષ હજી પૃથ્વી પરની નાની નાની વિગતો ધ્યાનમાં રાખીને આનંદથી જીવી રહ્યા છે. અમે પોરો ખાઈને થોડાક અપરાધભાવે અમારા સન્માનનીય સર્જકશ્રીને કહ્યું - સર, અહીં ઉપાધિ અને સમાધિયોગ વચ્ચે થોડોક ફસાયો છું તેથી સમયસર તમને વર્ષગાંઠના અભિનંદન પાઠવી શક્યો નથી પણ આ બીલેટેડ હેપ્પી બર્થડે ભાવપૂર્વક સ્વીકારશો કારણ કે હું ય ભાવપૂર્વક જ અભિનંદન પાઠવી રહ્યો છું. સરજી ! થોડોક સમય આપો તો અગાઉ થોડીક વાતો કરતા હતા તેમ વાતો કરી શકું ? તેમણે આદતપૂર્વક સ્મિત કર્યું હશે, એમ તેમના ઘડીક મૌન પરથી ફોન પર મને લાગ્યું. અને મૌન આપણે ત્યાં સંમતિનો પર્યાય છે.

હે મનુષ્ય શ્રેષ્ઠ ! આમ તો અમારામાં તમારા જેવી સ્મરણ શક્તિ નથી, ખબરદારી પણ નથી, ગાંધીજીમાં થોડી જુદા પ્રકારની મુત્સદ્દી હતી તેને તમે જાળવી રાખી છે તેવી મુત્સદ્દી પણ નથી પણ તમને મળ્યો છું, તમને સાંભળતો આવ્યો છું, તમારી સાથે ઠીક ઠીક ગોષ્ઠી, પત્રોનું આદાન-પ્રદાન કર્યું છે તેથી થોડીક હિંમત હજી જારી રાખી છે. તમે જ ઓ શ્રેષ્ઠ ! કહો, અમે જો ગાંધીને ભૂંસવા મથતા હોઈએ તો તમે શી વિસાતના ? એટલે ભલે વાર-તહેવારે, જરૂર પૂરતા તમને યાદ કરી લઈએ, બાકી કંઈ તમને અમે નથી ફોલો કરતા કે નથી તમારી એકેય લિખિત વાતનો અમે તમારી અપેક્ષા પ્રમાણે આદર પણ કરતા. અમારું એવું ગજું જ ક્યાં છે ? છતાં આપે જોયું જ હશે કે ગુજરાત આખું તમારા સ્મરણમાં, તમારી વર્ષગાંઠ વેળા, હમણાં ચોરે ને ચૌટે તમારાં ગુણસંકીર્તનમાં ડૂબી ગયું હતું. અરે, ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓએ તો તમારી છબીઓને હારતોરાથી લાદી દીધી હતી. તમારી કેટલીક પંક્તિઓ, તમારું કોઈક કોઈક લખાણ, બામણાગામ, તમારું ત્યાંનું ઘર, તમારી સાથેનાં અડુકિયા દડુકિયાઓનાં કે મહાન- પુરુષો સાથેના સંપર્કો - એવું તેવું કંઈક ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં કે જાહેર સંસ્થાઓમાં જોરશોરથી - દેકારાઓથી - રજૂ થયું. અમે તો અનુભવી રહ્યા કે અરે, ઉમાશંકરજી તો હજી ચારે તરફ જીવંત છે ! ઉજવણી તો છેક બીજાં રાજ્યો સુધી પહોંચી હતી ! તમે સાચ્ચે જ ગુજરાતની પ્રશસ્તિનું જે કાવ્ય લખ્યું હતું તે બધું આજેય હજી પ્રસ્તુત રહ્યું છે. વાહ ગુજરાત ! વાહ ગુજરાતી ! બાકી, તમે તો જાણો છો કે લાલો લાભ વિના લોટે નહીં ! ઘડીભર અમને થયું કે ઉમાશંકરભાઈ આ ૨૦૨૩, જુલાઈ ૨૧મીએ અહીં હોત તો ? સાચ્ચું કહો વડીલ ? તમે અને આ બધાં માટે સાચે જ અભિનંદન આપ્યાં હોત કે પછી તમારા લાલઘૂમ ચહેરા સાથે અમને ધમકાવી નાખ્યા હોત ? મને તો ઉત્તર જડતો નથી, પણ તમે ત્યાં થોડા નવરા પડો ત્યારે આની ખણખોદ તો કરશો જ એટલી આ તબક્કે વિનંતી. બાકી, ઢગલાબંધ વક્તાઓ, ઢગલાબંધ કાર્યક્રમો, ઢગલાબંધ ભાષણો, ન ભૂતો ન ભવિષ્યતિ - અને એમાંય માત્ર કહેવાતા અધ્યાપકો, કહેવાતા સંસ્થાવીરો, કહેવાતા લેખકો કે કહેવાતા કટારલેખકો જ નહોતા, સરકારી અધિકારીઓ પણ અપટુડેટ થઈ તમારી પંક્તિઓની પંક્તિઓ ઉદ્ગારતા હતા. અમને થયું કંઠોપકંઠ લોકસાહિત્યને હજી કશો ભય નથી ! કારણ કે તમારા સર્વ ચાહકોની સ્મૃતિલીલા હજી તરો-તાજ છે.

અમને થોડોક ડર હતો કે આ લોકો તમારી કૃતિઓના ઊંડા મર્મ સુધી પહોંચી વાચકોને કંટાળો ન આપે તો સારું. અમને એવો પણ ડર હતો કે કોઈ વક્તા ભૂખ્યાજનોના જઠરાગ્નિની વાત કરી બેસશે તો ? અમને તો એવી ભીતિ પણ હતી કે તમે ઈન્દિરાજીના શાસનમાં કટોકટીનો વિરોધ કર્યો હતો તે વાતને કોઈ ચગાવીને અત્યારની સ્થિતિ સાથે મારી મચડીને જોડી રહે અને તમને ગુનેગારના પિંજરમાં ન પૂરી દે. અમને એમ પણ દહેશત હતી કે તમે સંસ્કૃતિના તમારા સામયિકમાં એ ગાળામાં એક આખું પાન-તંત્રીલેખ ન લખીને કોરું મૂક્યું હતું, એના રવાડે આજનો કોઈ મંત્રી ન ચઢી જાય બાકી તે પાછળ પણ ઉશ્કેરણીમાં તમે જ જવાબદાર ઠરો, ઉપરાંત શાંતિનિકેતનમાં આપે કુલપતિપદે રહીને કે ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિપદે રહીને જે સીમાચિહનો ઊભા કર્યા હતાં તેની વાત કરીને આજની યુનિવર્સિટીઓના કુલપતિઓની કાર્યશૈલી સાથે તેને કોઈ ભૂલભૂલમાં સાંકળી ન બેસે. અમને તો 'વિશ્વશાંતિ' કાવ્યની પણ ચિંતા હતી. રખેને કોઈ પશુ-પંખી-વન- વનસ્પતિની વાત કરી બેસે અને આજે વૃક્ષોનું નિકંદન કાઢી રહેલા- કરી રહેલા (બધી જમાતના) લોકો સાથે કોઈ વક્તા એ વાતને જોડી ન દે. અમને તો એવું ય હતું કે તમે જે અહિંસા-શાંતિની વાતો કરી ગયા તેને કોઈ નવો-સવો વક્તા આજના સંદર્ભ સાથે અનુસંધિત કરી વર્તમાનને દોષ દઈ બેસશે તો ? અલબત્ત, આવું કંઈ બન્યું નહીં... એક બીજી પણ ઉપયોગી વાત સાહેબજી! અમે તો હૃદયની, સાહિત્યની, કહો કે બધા જ પ્રકારની છબીઓ અપ્રસ્તુત લાગતાં ભૂલી ગયા છીએ. ગીતાગાયકે 'ઉશના' કવિની વાત કરીએ તો બધું તમે હતા ત્યારે ઠીક મારા ભાઈસાહેબ બાકી આજે તો સાહિત્યનાં અમારાં બધાં ખેતરો ભેલાઈને પણ લીલાછમ્મ રહ્યાં છે અમારી કારીગીરીથી ! અમે તો તંત્ર વિનાનું તંત્ર રચી દીધું છે. શબ્દધર્મ, રાજધર્મ, ધર્મધર્મ, પ્રેમધર્મ, આવી બધી વાતો સાહેબજી! 

તમારા સમયમાં હશે અમારા સમયમાં અમે તો ભાષાને ભોગવીએ છીએ નર્યા ટેસથી સરસ્વતીમા તો રાજીનામું આપીને ત્યાં તમારી સાથે સ્વર્ગમાં રહેવા આવી ગયા છે. હવે અમારા 'શિક્ષક'ને પણ વર્ગ-સ્વર્ગની તમારી વાતોમાં ઓછો રસ છે. અહીં ગૂગલ છે, માર્ગદર્શિકા છે, પાવર પોઈન્ટ છે, સંક્ષિપ્તમાં મુદ્દાઓ સમાવી લેતાં ફરફરિયાં છે. પરિણામે માસ્તરગીરી છૂટી ગઈ છે, સૌ હવે 'માસ્ટર'ના રોલમાં છે. ખરું સ્વર્ગ તો ઉપર નહીં, હવે નીચે છે. બાકી તમે રિલ્કેની વાત છેડી ત્યારે વર્ગમાં કેટલા બધા ગ્રંથો લઈને પહોંચ્યા હતા ! સાહેબજી ! અમે ઉજવણી તો કરી - જોરશોરથી. ભોમિયા વિના ભમવા તો ડુંગરાઓને ય યાદ કર્યા, તમારા પંખીલોકને ય ભૂલ્યા નથી. તમારાં વિવેચનો પણ યાદ ન આવે તેવું બને ? તમારા નિબંધો, વાર્તા - એકાંકીઓ વ. બધાંની અમારા પ્રખર વક્તાઓએ નોંધ લીધી છે. પણ અમે હવે એને સ્મરણપટારામાં ફરી યથાવત્ ગોઠવી દીધાં છે. નવા વર્ષે વળી નવી વાત. કારણ કે તમારા માર્ગે અમે ચાલવાનો અટકચાળો કરવા જઈએ તો મોટા સાથે નાનો જાય, મરે નહીં તો માંદો પડે એવો ઘાટ થાય.

ઉમાશંકરજી ! અમે તો હવે સાહિત્યાનંદની નહિ સાહિત્ય- મનોરંજનની અભિનવ કેડી પકડી છે. દ્વિઅર્થી શૃંગારિક ગીતો, મનોરંજનસભર ગઝલો, વાહવાહી, વિશેષણોનો ખડકલો, પ્રસિદ્ધિનાં તોરણો, ઈનામો - એવોર્ડો અને સત્ય સામે આંખ આડા કાન - મીઠી મીઠી ભાષા અને સલામગીરી ! 'સલામગીરી' એટલે સમજ્યાને ગુરુજી ? એટલે જ કહું છું - મોડે મોડે અભિનંદન પાઠવતાં - જોજો સાહેબ, - તમે છેતરાઈ જાવ તેવા નથી જ - પણ ક્યાંક છેતરાઈ ન જતા ! લિ. તમારો વક્દર્શી


Google NewsGoogle News