Get The App

પર્ણસ્તોત્ર .

Updated: Sep 27th, 2022


Google NewsGoogle News
પર્ણસ્તોત્ર                                                    . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- મલ્લિનાથ જેવા સમીક્ષકનું જો આ પર્ણ તરફ ધ્યાન ગયું હોત તો એક આખું પર્ણશાસ્ત્ર સાવ જુદા રૂપે અવતર્યું હોત !

મ ન એની ખુશીનો માર્ગ કેવું ખોળી લેતું હોય છે ! ન કોઈ જાહેરાત કે ન કોઈ આગોતરું આયોજન. બધું સહજ રીતે. એમ તો પ્રભાવિત કરે તેવી વર્ષાધારાનાં મોહક રૂપોને માણું છું. તિલસ્મી લાગે તેવા મેઘરૂપોને પણ નિહાળી રહ્યો છું. પલ્લવિત ધરાની શબ્દમાં ન બાંધી- વર્ણવી શકાય તેવી મહેકથી સભર થઈ રહ્યો છું, પણ મન એ સર્વને યથાસ્થાને રાખીને પર્ણના ઝૂલે ઝૂલી રહ્યું છે. હા, પર્ણોત્સવ વચ્ચે હું ઝૂમી રહ્યો છું. મારા માટે અત્યારે પર્ણપર્વ ચાલી રહ્યું છે. બહારની આંખ નીરખે છે ને અંદરની આંખ નાચી રહી છે. જાપાની ભાષાનો શબ્દપ્રયોગ કરીને કહું તો મારું વાબિ-સાબિ ચાલી રહ્યું છે. કદાચ મારી રીતે કહું તો મારા માટે એ સૌંદર્ય બોધટાણું છે.

'પર્ણ'ના વર્ણોચ્ચાર સાથે જ એક મોહક વિશ્વ ઊઘડી રહે છે. સમયનો પણ વ્યુક્રમ થઈ રહે છે. એવા પર્ણોને નામ ભલે હું આ કે તે એવું આવું - પણ સઘળાંનું કુળ તો વર્ણકુળ. ન કોઈનો ક્રમ અગ્રે રહ્યો છે કે ન કશે છેલ્લો. 'પર્ણ' સર્વનો વૈભવ એકસરીખો, મનભાવન, મનલુભાવન.

આ ક્ષણે હું મારી સમક્ષનાં પર્ણોમાં ઓગળતો જાઉં છું તો વર્ષો પહેલાં, શૈશવમાં નિહાળેલાં પર્ણોની પણ સ્મૃતિ તાજી થઈ રહી તેમાં ઘૂંટાતો, ગૂંથાતો જાઉં છું. કોઈ સાવ નાનું, આંગળી પર રમી રહે તેવું, કોઈ હથેળીની શોભા વધારી રહે તેવું, કોઈ આખા હાથને શણગારી રહે તેવું તો કોઈકવાળી બાળચરણની રતાશની સ્મૃતિ તાજી કરાવી રહે તેવું. શૈશવ અને કિશોર અવસ્થા તો મબલખ પર્ણમેળા વચ્ચે જ પસાર કરી છે. ત્યારે પ્રાતઃ કાળે આનંદ લૂંટવા માટે અમારી પાસે આ પર્ણ વિશ્વ જ હતું. ચમરીનાં સાવ નાનાં, લાંબા પર્ણો, લજામણીના તો એકદમ આંગળીના ટેરવાં જ જોઈ લો એવાં પર્ણો, મીઠા લીમડાનાં કંઈક ઘાટી લીલાશવાળાં, એ પણ અમરીચમરીથી થોડાંક નાનાં પર્ણો. ખરી પર્ણ લીલા તો લીલા ધાણાની ! નાજુક, નાજુક, જોવાં ગમે તેવાં એ નાનેરાં પર્ણો. કરેણ-કર્ણકારનાં થોડાં લાંબા, પાતળાં, કંઈક ધારદાર પર્ણો, પણ જાસૂદનાં પર્ણ પાસે આવીએ એટલે એ હથેળી દે તેવાં, તેમને કંઈક લીલાશની પ્રચુરતાવાળાં પણ થોડાં કકરાં, મકાઈના ઠીક ઠીક લાંબા, પણ તેય કર્કર તો ખરાં જ. લીમડાંનાં પાન એક નાનીશી ડાળ હાથમાં લઈને જોઈએ તેમાં અગ્ર ભાગનાં બે ચાર પાન તો આછાં રતુંબડ, નયાં કૂંણાં કૂંણાં, કડવા સ્વાદ સાથે પણ મોંઢામાં મુકવા લલચાવે તેવી તેની નમણી સૌંદર્ય લકીરો, પછીનાં પાન થોડાં મોટાં, વધુ લીલાશવાળા. ચણોઠી અને આમલીનાં પર્ણ તો ભ્રમમાં નાખી દે તેવાં, પણ એકમાં ખટાશ, બીજામાં તુરાપણું - સાવ નાનાં, નાનાં ટેણિયાં એ પર્ણો. દાડમનાં પાન પણ વળી વળીને જોવાં ગમે તેવાં. લીમડાથી કંઈક નાનાં, પણ બાજુમાં ફૂલ સાથે તે ઝૂલતાં હોય ત્યારે તો તેનો જુદો જ મિજાજ લાગે. શતાવરીનાં પર્ણનો જાદુ પણ મનને ભરી દે તેવો. લાડકવાયાં લાગે, નાનાં પણ રોનકવાળો, સીતાફળ-જામફળનાં પર્ણો મધ્યમ કદનાં, ક્યારેક તેને સૂંઘી લઈએ, તેના વિશિષ્ટ સ્વાદનેય માણી રહીએ. અને એ સિવાય તો વાડે વાડે વેલા, વેલાને પાછાં પર્ણો, એ પણ ભરચક ટોળા વચ્ચે મ્હાલતાં હોય તેવું લાગે. ઓહ ! અંદરની આંખે તો આવી ચિત્રાવલિ ખાસ્સી સંઘરી રાખી છે. કેટલી લાંબીલચ એ ચિત્રાવલિ ! પણ મધુર છે, માધુરી ભરપૂર છે એ. મોગરો, મલ્લિકા, મધુમાલતી, બુગનવેલ આ કે આવું - અરે, યાર જલસો હતો, જલસો. પીપળા અને વડનાં પર્ણને પણ કેવે કેવો રૂપે નિહાળ્યાં છે, કેવા કેવા ભાવથી હથેળીમાં એને રમાડી તેનું અર્ચન કર્યું છે. પણ હું ક્યાં કશી યાદી આપવા અહીં બેઠો છું હું તો આ સૌ પર્ણોનું સૌંદર્ય એ મિર્ષે ફરી પાછો માણી રહ્યો છું. ઓહ ! મારા એ આઠ દાયકા તો ક્યાંય ઓગળી ગયા. શૈશવ અને કિશોરાવસ્થા બંનેએ પર્ણયાત્રા કરાવી. મને મારા જ એક ગીતની પંક્તિનું સ્મરણ એ સૌ કરાવી રહ્યા છે: પર્ણે પર્ણની પાંપણ ખૂલી, જોવા અવનિનું નૂર ! ઓહ ! પર્ણને પાંપણ પણ છે, પર્ણને મરમ પણ છે, પર્ણને કરમ પણ છે. અરે પર્ણને કર્ણ પણ છે ! પર્ણને તેથી તો માત્ર જોયા કરવાનું જ નથી, એને સાંભળવાનું પણ છે, તેની નસેનસમાં સૌંદર્યનું પ્રવહણ હોય છે. એનું પણ ગીત છે. તેનો એક જ રંગ અને છતાં અનંત છાયાઓ - રંગ છાયાઓમાં એક અદીઠ ચિત્રકાર પણ બેઠો છે, અરે, એક ગીતકાર પણ ત્યાં- સંગીતી પણ - વિવિધ રાગ છેડતો બેઠો છે, શબ્દોને નૃત્ય કરાવતો ત્યાં આસનસ્થ છે. એ સર્વે પર્ણને મૃદુલરૂપ આપી રહે છે. પર્ણના કુળને તેથી હું મવાલ કુળનું કરું છું. એ પ્રેમથી સાંભળે છે, તો અલગ મન પણ કરે છે ! આજે અહીં નગરના આવાસે પણ પર્ણો તો સન્મુખ રહ્યા છે જ. પણ તે એક જુદું વિશ્વ છે. હા, પર્ણ વિસ્મય તો ઘટયું નથી, પણ પેલો ગ્રામસંદર્ભ ચાલ્યો ગયો છેે. અહીં એક સીમિત નગરસંદર્ભ છે. હા, હજી લીલીના પર્ણને, મોગરા કે કુંવરપાઠાના પર્ણને લક્ષ્મીવેલ કે કદમ્બરી એક જુદી જ જાતના છોડનાં પર્ણોને મૂંગો મૂંગો રમાડી લઉં છું.

 હજી આંગળીઓએ સ્પર્શના જાદુને ગુમાવ્યો નથી. એક નવા સંચાર સાથે તેને જોઉં છું, માણું છું. લાંબી મુસાફરી પર જવાનું બને છે ત્યારે એ પર્ણની સૃષ્ટિમાં લીન થવાની તક ચુકતો નથી. અધીર મનુષ્યકૃતિ અને ધીર પ્રકૃતિકૃતિ વચ્ચે પસંદ કરવાનું બને છે ત્યારે મન આપોઆપ પેલાં વૃક્ષોમાં લેલીન થઈ જાય છે, ફરી પેલી પર્ણસૃષ્ટિમાં ડૂબોડૂબ બની જાય છે. આ પર્ણ, એનું વૃન્ત, એની શાખા-ઉપશાખાઓ, એનું થડ-મૂળ અને એમ એક નાનું સૌંદર્યજગત નિર્માણ પામી રહે છે. પર્ણ વિનાના છોડની, પર્ણ વિનાના વૃક્ષની કલ્પના કરી શકાતી નથી. પર્ણ વૃક્ષનો અસબાબ જ નથી, તેની જ અંતર્ગત ચેતના લે. તે વૃક્ષ સાથે અભિન્ન છે. મલ્લિનાથ જેવા સમીક્ષકનું જો આ પર્ણ તરફ ધ્યાન ગયું હોત તો એક આખું પર્ણશાસ્ત્ર સાવ જુદા રૂપે અવતર્યું હોત ! વડર્ઝવર્થ જેવા કવિને આવા પર્ણોએ જ આકૃષ્ટ કર્યો હશે કદાચ... પર્ણસ્તોત્ર બનીને !


Google NewsGoogle News