Get The App

ધર્મ-આકાશથી ખાબોચિયું? .

Updated: Jun 27th, 2023


Google NewsGoogle News
ધર્મ-આકાશથી ખાબોચિયું?                             . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- કાર્લ માર્ક્સ, નિત્સે, કે સાર્ત્ર જેવા નાસ્તિક નહોતા. સાચા ધાર્મિકો હતા. તેઓની સૂગ અધર્મથી વીંટળાયેલા ધર્મ માટે હતી.

હું વેદ-ઉપનિષદ-ગીતા કે રામાયણ-મહાભારત વાંચતો હોઉં છું ને 'ધર્મ'નો વિચાર કરું છું ત્યારે ધર્મ મને આકાશ જેવો લાગે છે. હું તેના વૈવિધ્ય પર વારી જાઉં છું. તેના ખુલ્લાપણાનો હું મોહતાજ છું. પણ તેનાથીય આગળ મને તેમાં જે આકાશતત્વ પ્રતીત થાય છે તે તો એક વિરલ બાબત બની રહે છે. જે આકાશતત્વ આપણા અસ્તિત્વનો એક અંશ છે, તેનાં ગીત-સંગીત, તેનું વિશાળપણું અને તેની ગહનતા-સઘળાં મને પેલા 'ધર્મ'નો મર્મ સમજાવી રહે છે. આપણું માનવ્ય, આપણો સંસ્કૃતિતાર, આપણી સભ્યતાનું કવચ, આપણી સ્થિરતા અને આપણી ગતિશીલતા, આપણું શિષ્ટ-પ્રશિષ્ટ રૂપ સાથે આપણી રાગસૃષ્ટિ-પ્રેમસૃષ્ટિ બધાંનાં ત્યાં આશ્ચર્ય પામીએ તેટલા સંકેતો પ્રાપ્ત થઈ રહે છે. થાય છે કે અરે, આ ધર્મ તો બધાંને ધારણ કરી રહ્યો છે. જીવનની જે શાશ્વત લીલા છે તેનો તો આ 'ધર્મ' વાચક છે. તેની ઉત્કૃષ્ટ કક્ષાએ એ જ તો પેલા ઋત પ્રત્યે દોરી જાય છે, આપણા આત્માને ઈશ્વર સાથે વાતો કરતો કરી મૂકે છે.

પણ આજના મારા વાસ્તવ પર આવીને 'ધર્મ'ને મારી ચોમેર જે રીતે વકરતો જોઈ રહ્યો છું તે તો કંઈક જુદી જ બાબત છે. અધર્મનાં અનેક આવરણોથી તે વીંટાળાતો જાય છે. તેનું અખંડ અને શાશ્વત રૂપ ટુકડે ટુકડા થઈ રહ્યું છે. તેના વિશે સૌ કોઈ ભળતી વાતો કરી રહ્યાં છે. તેને 'આકાશ'માંથી સૌ એક 'ખાબોચિયું' બનાવી રહ્યાં છે તેય દુર્ગંધ મારતું, નર્યું ડહોળાયેલા જળવાળું ખાબોચિયું ! લોકો હવે તેની સરહદો નક્કી કરવામાં પડયા છે. કોઈક તેને જાતિ સાથે જોડી રહ્યા છે, કોઈક કોઈક તેને મંદિરમાં પૂરી રહ્યા છે. કોઈક કોઈક તેને નામે અંધકોનાં ટોળાં ઊભાં કરી રહ્યાં છે. કોઈક કોઈક તે નિમિત્તે યાત્રાઓ કાઢે છે, નારાઓ લગાવી રહ્યા છે, કથાઓ કરી રહ્યા છે. આવરણ ઉપર આવરણ ચઢાવીને ધર્મને આત્માને બદલે, દિલને બદલે, દિમાગમાં સ્થાપીને કટ્ટરતા ઊભી કરી રહ્યા છે. અહિંસાનો સામેનો છેડો પકડી હિંસા સુધી પહોંચે છે ને હિંસાને ન્યાયી પણ ઠેરવે છે. ખુનામર કી, ધૃણા-નફરત સુધી એવા અધર્મથી ભરેલા ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે. જે ધર્મ કાલાતીત છે તેને કાળમાં પૂરવા તેવાઓ મથી રહ્યા છે. જે રામ, કૃષ્ણ, બુદ્ધ-મહાવીર તેને કાલાતીત રૂપે દર્શાવતા હતા તેને જ હવે પોતાના સ્વાર્થ માટે એક 'સમય'માં બાંધીને તેને ટૂંપાવી રહ્યા છે. વિશ્વભરમાં ધર્મની ગતિ આરંભથી જ આવા એક વર્ગ માટે અવળી રહી છે. એવા લોકોનું પ્રભુત્વ વધતાં, એવાઓનું ટોળું મોટું ને મોટું થતું જતાં છેવટે 'ધર્મ' તેના મૂળ તત્વથી ફંટાઈને, તેના અસીમિત રૂપને છોડીને, માનવતાસભર ચાલથી ઊફરા જઈને, હિંસા પાસે અટકે છે, વર્ગભેદ, જાતિભેદનું કારણ બને છે. આત્માના શણગારને બદલે વિધિવિધાનોનો તે પ્રપંચ બની રહે છે. જૂઠાણાંનું તે ગોદામ બની રહે છે. હવે તે માત્ર બહિર્મુખી બની રહ્યો છે.

રાજકારણે ધર્મનું શરણું લીધું હોય ત્યારે ધર્મનું પરિરૂપ કેવું હોય તે રામે દર્શાવ્યું છે, જનકે દર્શાવ્યું છે, આપણા સમયમાં ગાંધીએ દર્શાવ્યું છે. કંઈક અંશે સિદ્ધરાજે પણ એવો દ્રષ્ટિકોણ રાખ્યો છે. કોઈએ 'ધર્મ'નો પ્રયોગ સત્તાકારણ માટે, સત્તા ટકાવી રાખવાના એક સાધન થઈ ને કર્યો નથી. સમયે સમયે ત્યાં 'ધર્મ' સદ્નો પક્ષ લેતો રહ્યો છે. હવે પરિસ્થિતિ શીર્ષાસન કરી રહી છે. સત્તાકારણ માટે ધર્મનું વિકૃતિકરણ થઈ રહ્યું છે. જે 'ધર્મ' નરી અંગત બાબત છે તે ધર્મને હેઈસો હેઈસોનું રૂપ આપીને ટોળાનું- જાહેર બાબતનું, રૂપ આપણે આપી રહ્યા છીએ. કોઈપણ શાસન હોય, વિશ્વના કોઈપણ ખૂણાનું એ શાસન હોય, જો ધર્મને તે શાંતિને બદલે સ્વાર્થનું કારણ બનાવી રહે, અશાંતિ સર્જવાનું કે પ્રજાને ગુમરાહ કરવામાં તેનો ઉપયોગ કરવો શરૂ થાય તો એવા દેશે-પ્રજાએ કલ્પ્યાં હોય તેવાં માઠાં પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડે. ધર્મનો કોઈ શાસને જ્યારે જ્યારે દુરુપયોગ કર્યો છે ત્યારે પ્રજાને જ સહન કરવાનું આવ્યું છે.

યાદ રાખીએ કે ધર્મ આસ્થા છે, શ્રદ્ધા છે, તે આત્માના કલ્યાણ માટે છે, સુખ શાંતિ અને સદ્કાર્ય માટેનો તે રસ્તો છે. એના બદલે ધર્મને કોઈ કોમ સાથે સાંકળી, મંદિર-મસ્જિદ-ચર્ચ કે દેવાલયને રવાડે ચઢાવી, ઈશ્વરનાં જુદાં જુદાં નામોને ખોટી રીતે ઉછાળી પ્રજાને ધર્મને નામે વિમાર્ગે દોરવાનું જ્યારે જ્યારે બન્યું છે ત્યારે તેનું અકલ્પ્ય એવું ઘાતક પરિણામ આવ્યું છે. વિશ્વનાં ધર્મયુદ્ધોનો ઈતિહાસ આપણી સમક્ષ છે જ. ધર્મનાં તડાં, પ્રજાનાં તડાં, પ્રજાની વિચારણાનાં તડાં, પ્રજાની સંવેદનશીલતા પર કૃતક પ્રહારો આ બધું સમાજને ધર્મને નામે છિન્નભિન્ન કરી મૂકે છે.

રાજકારણમાં ધર્મ ઉમેરો તો રામરાજય જન્મે, પણ ધર્મમાં જો બદઈરાદાથી રાજકારણનો પ્રવેશ કરાવો તો રામ કે રાજય કશું ન રહે. યાદ રહે રામે કે કૃષ્ણ- બંનેએ સદ્ને સાથ આપ્યો છે, અસદ્ને નહીં. કાર્લ માર્ક્સ, નિત્સે, કે સાર્ત્ર જેવા નાસ્તિક નહોતા. સાચા ધાર્મિકો હતા. તેઓની સૂગ અધર્મથી વીંટળાયેલા ધર્મ માટે હતી. તે સૌએ, ગાંધીજી સમેત બધાએ-આપણને ચેતવ્યા જ છે કે કહેવાતો 'ધર્મ' પ્રજાને ઘેનમાં રાખનાર અફીણ છે, વિષ છે. માણસાઈને તે હણી લે છે, પ્રેમ-શાંતિને વેરણછેરણ કરી મૂકે છે. શાસકોની સત્તાનો કાળ કદાચ તેથી લંબાય, પણ પ્રજા છેવટે અંધ વિચારહીન અને નિવીર્ય થઈ જતી હોય છે. આપણો રોષ ઈશ્વર માટે ન હોય ઈશ્વરના નામને વટાવી ખાનાર જૂથો પ્રત્યે, તેવાં એકમાં પ્રત્યે હોય, રાજકારણમાં સાચો ધર્મ પ્રવેશે તો રાજકારણ શોભી રહે પણ રાજકારણ ધર્મને સત્તાનો રસ્તો બનાવવા જાય તો ધર્મને નામે ધર્મનું હાડપિંજર જ હાથમાં આવીને રહે. હજી વાત જૂની નથી થઈ - ગાંધીજી કે નેલ્સન મંડેલાની પણ. મંડેલા કહે છે કે લોકોને મૂર્ખ બનાવવાનું સૌથી સશક્ત હથિયાર ધર્મ છે. આ ધર્મને પેલાં આવરણોથી સંખ્યાબંધ સત્તાપ્રેરિત ધર્મ. ધર્મને નામે સમયે સમયે પ્રજાને મૂર્ખ બનાવનારાં સંખ્યાબંધ તત્વોને ઓળખી લેવાનું અભિયાન કોણ આદરશે ? તમે ? હું ? કે...


Google NewsGoogle News