ગરીબ કે ધનવાન ? .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- આપણે માણસની ચારિત્ર્યથી નહીં, તેની ભૌતિક સમૃદ્ધિથી કિંમત આંકતા થઇ ગયા છીએ
આ પણા સમયમાં જીવનના વિભાવો ઝડપથી બદલાતા રહ્યા છે. આમ થવાનાં અલબત્ત, કારણો ઘણા હશે. પણ તેનો અર્થ એવો ન થવો જોઇએ કે જીવનનો આપણે જીવનથી ઘણે દૂર જઇને વિચાર કરીએ. જીવનનું માહાત્મ્ય જ ભુલી જઇએ અને જીવનથી ય આગળ ભૌતિક ચીજોને અગ્રક્રમ આપી દઇએ. મૂલ્યનિષ્ઠાની વાત ભલે આપણે કરતા હોઇએ, સકારાત્મકતાની ધજા ભલે સતત ફરકાવતા રહેતા હોઈએ પણ જ્યાં 'સુખ'ની વાત આવે છે ત્યાં આપણે ભૌતિકતાના વર્તુળથી આગળ જઇને કશું વિચારી શકતા નથી. માનવ કે માનવસંવેદના, તેની સર્જકતા, ઉત્સાહ કે ધગશનો મહિમા ઘટતો જાય છે અને તેને સ્થાને માનવની ચાતુરીની વાહ વાહ થવા-કરવાની વૃત્તિ વધતી જાય છે. 'ચાતુરી' શબ્દ વાપરું છું ત્યારે આજના સમયનાં અનેક અનિષ્ટો મારી સામે છે. ટૂંકા માર્ગો, અનૈતિક વલણો, નીચા નિશાન એવું ઘણું બધું તેમાં આમે જ કરી શકાય. સાચું કહીએ તો આપણી માનસિકતામાં જ મોટું પરિવર્તન આવી ગયું છે. આપણે માણસની ચારિત્ર્યથી નહીં, તેની ભૌતિક સમૃદ્ધિથી કિંમત આંકતા થઇ ગયા છીએ. આપણી આસપાસનું વાતાવરણ જ કંઇક એ હદે પ્રદૂષિત થઇ ગયું છે કે આપણા બધા માપદંડો ત્યાં જઇને અટકે છે. સાદી ભાષામાં કહું તોર્નિર્ધન' તે 'ગરીબ' અને 'સમૃદ્ધિવાન' તે 'તવંગર'- તેવું એક સમીકરણ વ્યાપકરૂપે રચાતું આવે છે અને એટલી જ વ્યાપક તેને સ્વીકૃતિ પણ મળતી જાય છે. જરા જુદી રીતે કહું તો 'જીતે તે સિકંદર, હારે તે પોરસ' - એવા શબ્દાર્થ પર આપણે મુદ્રા મારી રહ્યા છીએ. સિકંદર-પોરસનાં વ્યક્તિત્વો, તેમના માર્ગો કે તેમની વૃત્તિઓ વિશે જાણવામાં કોઇને રસ રહ્યો નથી.
નવું વર્ષ આવ્યું અને ગયું. પરસ્પરને આપણે અઢળક શુભેચ્છાઓ પાઠવી. તેમાં નવા વર્ષે સંપત્તિવાન બનો તેવી કામનાઓ પણ આપણે પ્રકટ કરી. પણ આ 'સંપત્તિ' - સમૃદ્ધિ આખરે છે શું ? તે વડે આપણે શું કહેવા ઇચ્છીએ છીએ ? મને અહીં આ પ્રશ્નની સાથે અમેરિકાના એલન મસ્કનું સ્મરણ થાય છે. એલન ધનાઢ્ય વ્યક્તિ છે. સારા-સમજદાર વ્યક્તિ-વક્તા પણ છે. તેમને એક કોન્ફરન્સમાં પ્રશ્ન કરવામાં આવ્યો - તેઓ તેમની દીકરીને કોની સાથે પરણાવશે - ધનાઢ્ય કે ગરીબ સાથે ? એલન મસ્કે વક્તા તરીકે એ પ્રશ્નનીઊંડેથી ચર્ચા કરતાં કહ્યું - 'હું તો 'ધનાઢ્ય' કે 'ગરીબ' શબ્દને જરા જુદી રીતે જોતો આવ્યો છું. સંપત્તિનો અર્થ તગડું બેંક બેલેન્સ એવો થતો નથી. સંપત્તિ એટલે સંપત્તિ કમાવવાની ક્ષમતા.' તેમણે દ્રષ્ટાંતથી એ વાત સ્પષ્ટ કરતાં જણાવ્યું ઃ કોઇ વ્યક્તિને લોટરી લાગે, અથવા તો જુગારમાં જીતી જાય. કરોડો રૂપિયા ત્યાં કમાય પણ તેથી તે ધનવાન બની જતો નથી. અઢળક ધન સાથે તે ગરીબ જ રહે છે. કારણ કે લોટરી જીતનારાઓમાં મોટાભાગના પાંચ-દસ વર્ષે ગરીબ બની જતાં હોય છે. તો સામે તમે એવા ધનવાન પણ જોયા હશે જે ધનાઢ્ય હોવા છતાં એની પાસે તે ભાગ્યે જ કશું રોકડમાં રાખતો હોય છે. તેઓ આર્થિક ક્ષમતાને વિકસાવવામાં જ પ્રવૃત્ત રહેતા હોય છે. એ જ તેમની સાચી સંપત્તિ છે. ધનવાન માણસ ધનવાન બનતાં બનતાં પૃથ્વી પરથી વિદાય લે છે ને ગરીબ ધનવાન બનવા જીવનને હણી નાખશે કે ખર્ચી નાખશે.
તમે જો કોઇ યુવાનને નવી વાતો શીખવા માટે ઉત્સુક જોશો તો સમજજો તે ધનવાન જ છે અને જો કોઇ યુવાન એવું વિચારતો હોય કે સમસ્યા છે તે તો બહાર છે, ધનવાનો નકામા છે, ટીકાને પાત્ર છે એવું કહેતો હોય તો તેને ગરીબ સમજજો. ધનવાન થવા ઇચ્છુક જો એવું વિચારે કે બધુ માહિતી-માર્ગદર્શન મળે તો જરૂર આગળ વધવું છે, તો તે સાચી-સારી વાત છે. પણ પેલો ગરીબ એવું વિચારશે કે બીજા લોકોએ તેને પૈસાની મદદ કરવી જોઇએ. સહાય આપવી જોઇએ. તો જ તે આગળ વધી શકશે. આ વાત કહો કેટલે અંશે વાજબી લેખાય ?
તેમણે તેથી જ પોતાની દીકરીને તેઓ કોઈ 'ગરીબ' સાથે નહીં પરણાવે તેમ કહીને ઉમેર્યું કે, પોતે ત્યાં પૈસાની વાત નથી કરતા પણ તે વ્યક્તિમાં સંપત્તિ ઊભી કરવાની ક્ષમતા છે કે કેમ તેને તે મહત્વ આપે છે.
એલન મસ્ક પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે કે તમે મારા વિશે કશું અન્યથા ન વિચારતા પણ માફી માગીને કહું છું કે મોટાભાગના 'ગરીબો' ગુનેગાર હોય છે. જ્યારે તેમની પાસે પૈસા હોય છે ત્યારે તેઓ વિવેક ચૂકી જાય છે. અનીતિના રસ્તાઓ પર તેમની ગાડીને પુરપાટ દોડાવી રહે છે. ક્યારેક તેવાઓ ચોરી-લૂંટફાટ પણ કરે છે. બીજા અધમ રસ્તાઓ પણ અપનાવે છે. આવા ધનને તેઓ ઇશ્વરની કૃપા સમજે છે, પોતાનું નસીબ ખૂલી ગયાનું માને છે પણ હકીકતમાં તો તેવા લોકો એવું જાણવા લગીરે પ્રયત્ન નથી કરતા કે સંપત્તિ કઇ રીતે બનાવી શકાય. કહો કે તૈયાર ભાણા પર બેસીને તેવાઓ મહેફિલ કરતા હોય છે. તેમના ધનમાં તન કે તનનો પરસેવો ઉમેરાયેલો હોતો નથી, તેમની સર્જકતા કે સાહસવૃત્તિ પણ નહીં.
આની સામે મસ્ક એક બીજા છેડાનું સુંદર દ્રષ્ટાંત આપતાં કહે છે કે બેંકના એક ચોકીદારને બેંકમાં કોઇકનો રહી ગયેલો પૈસા ભરેલો થેલો મળ્યો. ચોકીદારે નૈતિકતા દાખવી એ થેલો બેંક મેનેજરને પરત કર્યો. લોકોને મન ચોકીદાર મૂર્ખ લાગ્યો. ચોકીદારે થેલો પરત નહોતો કરવો જોઇએ તેવો લોકોનો સપાટ અભિપ્રાય રહ્યો હતો. વાસ્તવમાં તો આ માણસ જ પૈસા વગરનો ધનવાન માણસ હતો. અને જુઓ નૈતિકતા કેવો રંગ લાવે છે ! ચોકીદારમાંથી બેંક એને બીજે વર્ષે જ રિસેપ્ટનિસ્ટની નોકરીમાં બઢતી આપે છે. ત્રણ વર્ષ પછી એની કાર્ય તત્પરતાને લક્ષમાં રાખી તેન ેકસ્ટમર મેનેજરની જગાએ નિમણૂંક કરે છે અને આગળ દસેક વર્ષની નિષ્ઠાભરી સેવાઓને ધ્યાનમાં લઇ તેને ક્ષેત્રીય મેનેજમેન્ટના મેનેજર તરીકેનું ગૌરવભર્યું સ્થાન આપે છે. તેની વૃત્તિ-પ્રવૃત્તિ એટલી ઉમદા હતી કે બેંકના હજારો ગ્રાહકોનું તે ધ્યાન રાખતો, સાથે કર્મચારીઓ સાથે પણ સહૃદયતાભર્યો વ્યવહાર કરતો. કદાચ પેલો થેલો જો તેણે પાસે રાખ્યો હોત તો ! તો તે અંદરથી 'ગરીબ' જ રહેત. આજ તો એ થેલામાંની રકમ કરતાંય વધુ રકમ તેને વાર્ષિક બોનસરૂપે મળતી હતી!
વાત છેવટે તો આપણી, અગાઉ ઉલ્લેખ્યું છે તેમ ખોટી દિશાની વિચારણાની છે, આપણી મનઃસ્થિતિની છે. 'ગરીબ' અને 'ધનવાન' એ બંને શબ્દોને આજે કંઇક જુદી રીતે, ભિન્ન દ્રષ્ટિકોણથી જોવાની અનિવાર્યતા ઊભી થઇ છે. નૈતિકતાનો ચહેરો ઝાંખો થતો જાય છે, અનૈતિકતાની પ્રબળતા વધતી કે ઘૂંટાતી જાય છે ત્યારે આપણે સૌએ ચેતી જવા જેવું છે. આપણા માપદંડો-માનદંડો એવાં તો ન જ હોવાં જોઇએ જે અનિષ્ટ છે તેનો મહિમા ગવાય અને જે આવકાર્ય છે તેને જાકારો મળે.
કહો, તમે 'ગરીબ' કે 'ધનવાન' ?