મહા ખેલૈયાનો જાદુ! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- વાચનખોર (!) માણસો માટે તો આ જ વરસાદ કે વરસાદી દિવસો એક ખાસ ભેટ-સોગાદ પણ બની રહે. ચેતનાને-આત્માને એ બધું ભીતરથી ઝાકમઝોળ કરી રહે.
એ ક સહૃદય વાચક મિત્રનો સવારે કોયલના ટહુકા જેવો ફોન આવ્યો : 'આષાઢનો રણકો અને ઠણકો' ગમ્યો. હવે નવા સપ્તાહે કઇ નવી ભેટ આપો છો ? મેં એવા જ ઉમળકાથી કહ્યું, મારી ઝોળી તો ખાલી છે, તમે તેને ભરતા રહ્યા છો. અને તેમણે અસલ સૌરાષ્ટ્રી લહેકામાં કહ્યું : 'લે, લે, વરસાદ વળી, લો, રાજીપોને હવે ?' અને મેં સહજ ભાવે કહ્યું, ઝોળી છલકાશે એ બધું તમારી તરફ, તમારી ભેટ રૂપે !
- તો વાત વરસાદની છે મિત્રો ! શું લખું આ વરસાદ વિશે ? એકાધિક સમયે તે વિશે લખ્યું છે. કાળજાને પૂછી પૂછીને લખ્યું છે, તેને ભીંજવી રહેતા વરસાદને ય ટોળટપ્પા સાથે ઘણું પૂછીને જાણી લીધું છે ને તેને માણ્યા પણ કર્યો છે. લોક બદલાય, પરિવેશ બદલાય પણ એ ખેરખાં તો એવા જ અકળ છે. સમયે સમયે તે ચમત્કાર કરી રહે, ધારણા રાખનારાઓને અને જોશ જોનારાઓને પણ ખોટા પાડે, ઇલ્લો બતાવે, પોતાની રીતની એ ધાંધલ-ધમાલ મચાવી રહે. ક્યારેક શાંતિપાઠ કરીને પણ ચાલી જાય. એ અકળને કેવી રીતે પકડો ? ભારે વરણાગિયો છે. વારે વારે તેના વેશ બદલે, ઇચ્છે ત્યારે તે તેની ચાલ બદલી રહે ! માણસ જોતો જ રહે, જોતો જ રહે. એ દરેક વેશે માણસ માટે આ કે તે એવો અચંબો છોડતો જાય. વરસાદ તો સદા નૂતનરૂપા છે જ પણ દરેક માનવી માટેય તેના ચહેરાઓની ભિન્ન ભિન્ન રેખાઓ તે પ્રકટ કરી રહે. ક્યાંય કશે બંધાય તે વરસાદ નહીં. કૃષ્ણ જેવો જાદુગર ! દુર્યોધન માટે નોખો, ગોપીઓ માટે જુદો તો રાધા માટે પાછો ભિન્ન. ઉદ્ધવજી તો જોતા જ રહી જાય ! રુકિમણીજી તો આધાંપાછાં થાય પણ કૃષ્ણની કીમિયાગીરી એમની પકડની બહારની જ રહે.
- તો આ વરસાદ ! ક્યાંક તમને આંગણ બહાર દૂર દૂર ખેંચી જાય, ગાતા કરી મૂકે, નાચતા કરી મૂકે, મૂંગા પણ કરી રહે. ક્યારેક તમારી બધી ચિંતાઓને ધોઈ નાખે તો ક્યારેક તમને ચિંતિત ચિંતિત કરી મૂકે, બુંદે બુંદ એનાં હૃદયને જખ્મી કરી રહે. ક્યારેક તે તમને બધાં જ આવરણો હટાવીને અશ્લેષી પણ રહે. તમે - હું બધિર થઇ જઇએ, શૂન થઇ જઇએ, તેની નીરવતામાં જ રેલાતા જઇએ. અનેક દિવસોને તે હૂંફાળા કરી રહે, નવાં નવાં કંપનો જગાવી રહે - તમે જ વરસાદ થઇ જાવ અરે ! આ તમે જ વરસાદ થઇ જાવ એમ કહું છું. ત્યારે મને એક સાથે રાધા-મીરાંનું સ્મરણ થઇ રહે છે. ક્યારેક આ જ વરસાદ આંગણની બહાર લઇ જવાને બદલે ઘરના એક ખૂણામાં પણ કેદ કરી મૂકે. તમે ડરી પણ જાવ, તમે નાસીપાસ પણ થઇ રહો, સાવ ચૂપ થઇ જાવ, વાચા જ કોઇ હણી લેતું જણાય. બીજા દિવસના સૂર્ય કે ચંદ્રના ઊગવા વિશે પણ સાશંક બની રહો. પણ એ જ પાછો તમને-મને ક્યારેક રેઇનકોટ પાસે લઇ જાય, છત્રી પાસે ખેંચી જાય, આકાશ નીચે, તેની શાંત ધારા વચ્ચે ખડા કરી દે. તમને તે આકાશમાંથી, દૂરની ટેકરીઓ પરથી, નદીના કાંઠેથી કે કોઇ વૃક્ષની ડાળ વચ્ચેથી સાદ દે, તમારામાં ચમત્કાર ભરી દે, તમે તેની શાંત સિમ્ફનીમાં ગરક થઇ જાવ, એના ટપકી રહેલા એકેએક બુંદને શરીર પર સરકતું નિહાળી અતીતના કિલ્લાનાં બધાં દ્વાર ખોલી દોડાદોડી કરી મૂકો, તમારો ડર નીકળી જાય, તમે તેને પ્રેમ કરતા થઇ જાવ, તમે દિન-રાત પછી એનું જ ગાણું ગાતા થઇ જાવ. તમે કહેતા થઇ જાવ- અરે, વરસાદ ! તું જ તો જીવન છે ! તમને લાગે કે સાચ્ચે જ વરસાદ વિદ્રોહ નહીં, વિસ્મય છે, પંચેન્દ્રિયનું મહાપર્વ છે...
- તો વરસાદને શું કહેશો ? ખેલૈયો ? હા, એક ખેલૈયો તો છે જ. કિસમ કિસમના ખેલ એ જાણે છે. બાલ્કનીમાં તમે ઊભા હો, તેનાં રૂપ-પ્રરૂપોમાં ડૂબેલા હો, તમારી સાવ નજીક આવી તે કરસ્પર્શ કરી રહ્યો હોય તેના બુંદ વડે તે તમારા હોઠ પર, ગાલ પર, આંખ પર, કાન પર, ગળા પર આવી તમને તેની આગવી વિનીત ચાલથી ચૂમી રહ્યો હોય, તમારા મસ્તકે પ્રેમાભિષેક જેવો વર્ષાભિષેક કરી રહ્યો હોય, તમારા માટે જ ખાસ કોઇ ગીતને તે ગણગણી રહ્યો હોય ત્યારે તમે મનોમન ઇચ્છી રહેવાના કે અરે, તું આખેઆખો મને ભીંજવી રહે. તમારો એ ત્યારે પ્રબળ રીતે ખેંચી રહેતો પ્રિયજન બની રહે છે. ક્યારેક તે તદ્દન જુદી રીતે વાત્સલ્યભાવે પણ ભીંજવી રહેતો હોય છે. તેના બુંદેબુંદ તમને ભીતરથી અનાકુલ કરી રહે. તમારા વાળમાં, તમારા વાંસે તેની કોમળ અંગુલિ જેવી જલકણિકા કે જલધારા સ્પર્શી રહેતી હોય, તમારા માટે જ એ ક્ષણે એટલા જ વહાલથી હાલરડા જેવું ગીતગુંજન એ કરી રહેતો હોય, તમે તંદ્રિત-નિદ્રિત થઇ રહો. તમારામાં ક્યાંક એવું વ્હાલભર્યું વિશ્વ અજાણતાં જ તમારા માટે તે સર્જી શકે છે.
- તો ક્યારેક તેનું વિબોધી-ડહાપણભર્યુ રૂપ પણ તમને ચકિત કરી મૂકતું હોય છે. તે ક્યારેક એવી લયબદ્ધતા સાથે સલુકાઈથી એ તમને તેનામાં એકરાગ કરી રહે. તમને લાગે કે જગતભરની શાંતિનો ખોળો આ જ એક માત્ર છે, આ જ તો જીવન છે, અરે, આ જ તો વિશ્વાસ છે, આ જ તો દુનિયાને વિશુદ્ધ કરી રહેતું તે અનુપમ તત્ત્વવિશેષ છે. તમને લાગે કે સૂર્ય અહીં છે, ચંદ્ર અહીં છે. આ જ તો હૂંફનું સાચું રહેઠાણ છે. તમે જ નહીં, સૌ કોઈ, એવી પળે તેના જ આશીર્વાદની યાચના કરી રહે છે. આકાશ સમેત સઘળું દિવ્યાનીભૂતિ કરાવી રહેતું લાગે.
- તો તમે આ વરસાદને શું કહેશો ? તમે જે કંઇ કલ્પશો, એ રૂપે તે તમારી સામે હાજર થઇ રહેશે અને થતો રહેશે. તેના વિદ્રોહી, આતંકભર્યા રૂપથી માનવ કે વિશ્વ લગીરે અજાણ્યું નથી. કેટલાં જીવન ક્ષત-વિક્ષત ત્યારે થઇ જતાં હોય છે ? કેટલી કેટલી આપદાઓ માનવની સામે એક સાથે જ ડોળા કાઢી આવીને ઊભી રહી તેના અસ્તિત્વને પડકારી રહે છે એ ચંડ-પ્રચંડ રૂપ પણ એ જ વરસાદનું છે જે કાનમાં આવીને નવી સ્ફૂર્તિના વાદ્યતંતુઓને રણઝણાવતો રહે છે, તે જ કોઇક પળે મૃત્યુની કારમી ભીંસનું પણ નિમિત બની રહે છે.
- તો આ છે વરસાદ. ખેલૈયા, કીમિયાગર, કરામતિયો અને કામણગારો પણ. તે ક્યારેક બહાર વિવિધ નૃત્ય લીલાઓ કરતો હોય અને ઘરની અંદર તમને ગરમ ગરમ ચા-નાસ્તા માટે ઉશ્કેરી રહે ! ક્યારેક સ્મૃતિઓના વન વચ્ચે ચાલાકીથી તે તમને-મને ભૂલા પાડી દે. ક્યારેક બહારની એ જ ધારા તમને બોદલેર કે રિલ્કેની કોઇ કવિતા કે દોસ્તો-એ-વસ્કી અથવા સોલ્ઝેનિત્સિનની નવલકથા અબઘડી વાંચવા માટે તકાજો પણ કરી રહે. કોઇક કોઇક વાચનખોર (!) માણસો માટે તો આ જ વરસાદ કે વરસાદી દિવસો એક ખાસ ભેટ-સોગાદ પણ બની રહે. ચેતનાને-આત્માને એ બધું ભીતરથી ઝાકમઝોળ કરી રહે. આકાશથી ધરા સુધી અને તેની ફરતે ચોમેરનો વાર્તાલાપ સાંભળવા પણ આપણા કાનને, મનને એ વરસાદ જ નિમંત્રણ પાઠવી રહે...વરસાદ જાદુ છે, જાદુ-એક મહાખેલૈયાનો જાદુ !