ચાલો, કોડિયું પેટાવીએ .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
ઓ હ ! લો આ દિવાળી અને નૂતન વર્ષ તો આવી પહોંચ્યાં ! કેટલી પ્રતીક્ષા કરતા હતા આપણે એની ! નવા વર્ષે કે દિવાળી ઉપર આમ કરીશું કે તેમ કરીશું, અહીંયા જઈશું કે કશેક બીજે જઈશું, ફરીશું, આનંદ કરીશું. કહો કે દિવાળી અને નૂતન વર્ષનું સ્મરણ જ આપણને ઊર્જામય કરી રહે છે. ગામડાંમાં તો સારા કાર્યો માટે દિવાળી કે નવા વર્ષના વાયદા હજી પણ કરાય છે. દિવાળી કે નૂતનવર્ષ એમ દર વર્ષે આવે છે અને છતાં દર વર્ષની દિવાળી કે નૂતનવર્ષ જુદાં હોય છે. આ જુદાં હોય છે કારણ કે આપણે પણ જુદે જુદે રૂપે પ્રકટ થવા મથામણ કરતા હોઈએ છીએ, આપણે પણ પરિવાર કે સમાજ સમક્ષ પોતાની રીતે કંઇક નવું દર્શાવીને કે કંઇક નવું કરીને આપણા વ્યક્તિત્વને પ્રસ્તુત કરવા ઇચ્છતા હોઈએ છીએ.
એક અર્થમાં દિવાળી અને બેસતું વર્ષ કે નૂતન વર્ષ આપણા ભીતરના હિસાબનું પણ વર્ષ છે. વર્ષભર કામ કર્યું પણ તે કામમાં જમે-ઉધાર કેટલું થયું તેનુંસરવૈયું કાઢવાનું આ પર્વ છે. એ સરવૈયા પરથી કેટલું સ્વીકાર્ય છે કે કેટલું તાજ્ય છે તે પણ નક્કી કરીએ છીએ. થઇ ગયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે સતર્ક થઇ જઇએ છીએ. કશુંક ઉત્તમ કાર્ય કરી શક્યા હોઇએ તો તે હવે બેવડાય, તે જ આપણી હવે પછીની દિશા બની રહે તેવો પણ નિર્ધાર કરીએ છીએ. કોઇકની સાથેના સંબંધમાં તિરાડ પડી હોય તો તેને કેમ કરીને પૂરી શકાય તે વિશે પણ વિચારીએ છીએ. અબોલાં હોય તો તેવા સ્નેહી-સંબંધી-મિત્રો સાથે ફરી પ્રેમનો તાર કેવી રીતે બાંધી શકીએ તે વિશે પણ વિચારીએ છીએ. એક રીતે તો પેલો સૂફી કવિ રૂમી કહે છે તેમ, દિવાળી-નવું વર્ષ એ આપણા માટે નવો આરંભ છે. નવી સવાર, નવું આગમન, નવો આનંદ, નવી આશા, નવો ઉત્સાહ, નવી કાર્યતત્પરતા, અરે, કોઇકે દુર્વ્યવહાર કર્યો હોય કે કશુંક ન ગમતું બન્યું હોય એ સર્વનો પણ સ્વીકાર કરવા આ આવી રહેલી નવી સવાર અંદરથી આપણને ટહુકો કરી રહે છે. દિવાળી-નવું વર્ષ આનંદને, તરવરાટને, સકારાત્મક ચેતનાને આલિંગવાનું પર્વ છે.
એમ પણ કહી શકાય કે આ પર્વના દિવસો એક બીજા જ પ્રકારના ડિઝનીલેન્ડ તરફ આપણને દોરી જાય છે. તે આપણાં મૂળને તો તાકે છે, તેની સાથે તો જોડવા માટે તકાજો કરે છે પણ ભાવિ માટે ય એક સુખદ ક્ષણોનું વિશ્વ રચી રહે છે. હા, ત્યારની એવી આનંદની, નિર્વ્યાજ પ્રેમની ક્ષણોમાં, આપણને આપણા પૂર્વજોનું સ્મરણ થઇ આવે છે. તે આજે ભલે આપણી વચ્ચે નથી છતાં તેમની સાથે ભૂતકાળમાં ગાળેલા દિવસોની એક ઝગમગતી દુનિયા વચ્ચે આપણે પહોંચી જઇએ છીએ. તેઓની પ્રકૃતિને, તેમની સાથેની રમણીય ક્ષણો માણી હોય તેનું ઉત્કટ રીતે સ્મરણ કરી રહીએ છીએ. કહો કે અતીત સાથેનો અનુબંધ પ્રબળ બની રહે છે. આવા પર્વમાં જ સંતાનોને હયાત માતા-પિતા-ભાઈ-ભાંડુઓથી દૂર રહેતા હોય તો મળવાનું ખાસ મન થઇ આવે છે. તેમની સાથે ગાળેલા બાળપણમાં માતા-પિતા-ભાઈ-બહેન વગેરેની જે સહૃદયતાભરી સહભાગિતા હતી તેનું ય ઉત્કટ રૂપે સ્મરણ થાય છે. આપણું ગામ-ઘર-ફળિયું કે ઘરનો અસબાબ સુદ્ધાં તેની સાથે જોડાઈ રહેલા દર પર્વે નિમંત્રી રહે છે. કહો કે આવુંપર્વ એક રીતે પરિવાર-સમાજ અને સમગ્ર માનવના મને અજબ રીતે સાંકળે છે. જિંદગી એક મોહક ગીત છે તેની ઊંડેથી પ્રતીતિ કરી રહીએ છીએ તો પરસ્પરનું પ્રેમસૂત્ર એક પ્રબળ સંગીત છે તેનો ય અનુભવ કરી રહીએ છીએ. આપણી ધરબાઈ ગયેલી કે સૂતેલી સંવેદનાઓ અકળ રીતે જાગી જાય છે. જેની ન જાગતી હોય તેવાઓને પોતાના વિશે ચિંતા થવી જોઇએ.
દિવાળી-નવા વર્ષની વાત છેવટે તો બહારના આનંદ સાથે અંદરના આનંદ તરફ પણ વાળવાન બની રહેવી જોઇએ. સ્ટીફન કિંગનું અહીં કોઈક જુદે રૂપે સ્મરણ કરીને જરૂર કહેશે - અરે, આ જિંદગીમાં આપણી આસપાસ કેટલું જોવાનું ઇશ્વરે આપ્યું છે ! અરે, અહીં કેટકેટલાં માનવીઓનું નૃત્ય વિશ્વરાસ રચી રહ્યું છે ! અરે, અહીં કેટકેટલા ચિંતક-કવિ-વિચારકોના શબ્દોનો મેળો જામ્યો છે ! એ બધાંમાંથી થોડુંએક વાંચવાનું બને તોય કેટલો આનંદ આનંદ થઇ રહે ! આ પર્વ તરત તેમાં હોંકારો પૂરીને કહેશે ઃ અરે, માનવ ! તું આ ઉજવી રહે અને સ્વયં ઊજવાઈ પણ રહે ! જિંદગી તો ઘણી ટૂંકી, ટૂંકી છે. તારા અહમ્ને બાજુએ મૂકીને ભીતરમાં જરા ડોકિયું કર, તારા સ્વજનો, પૂર્વજો, સમાજ અને વિશ્વ તરફ જો કારણ કે તું જે નિહાળીરહ્યો છે, તેને જે દેખાય છે, જે તું નજરોનજર જોઇને અનુભવી રહ્યો છું એ તારું જ મૂળ સ્વપ્ન છે. તારી ભીતરમાં જ પાંગરી ચૂકેલું એ વિશ્વ છે. માત્ર તારે એ વિશ્વને 'ફીલ' કરવાનું છે. વોલ્તર કે એડગર એલન પૉ જેવાને કદાચ તેથી જ આવાં કોઈ પર્વોે કે પર્વોની અપૂર્વ-અનન્ય ક્ષણોે જિંદગી પ્રત્યે શ્રદ્ધા જાગી હશે, નવા આશાવાદનો સંચાર થયો હશે.
આપણે પણ આવા પર્વમાં આપણા ઘરના ગોખમાં એક નાનું કોડિયું પેટાવીને મૂકીએ છીએ. તે પ્રકાશ આપે છે, પ્રકાશ સાથે આત્માને ઝિલમિલતો કરી દે છે. એ પ્રકાશ તેની શબ્દ વિનાની ભાષામાં કહે છે : હું છું ત્યાં અંધકાર નથી. પણ તું અંધકારને ઓળખી લે. હું કોડિયાનો પ્રકાશ રહીને પણ તારા અંતરના ઉજાશની કામના કરું છું. યોગ્ય સમયે, પ્રકાશનું અવતરણ થવું કે પ્રકાશને પામવો એ બાબત પણ અસામાન્ય છે. હું છું તો કોડિયાનો પ્રકાશ, પણ તું જાણે છે કે પ્રકાશની ગતિ અવાજથી ય આગળ નીકળી જનારી છે. પ્રકાશ જ તારું ખરું કુળ અને ખરું મૂળ પણ છે. સિસા બાર્કર તો એથીય આગળ વધીને કહેવાનાં કે એકવાર તું પ્રકાશનો અર્થ સાચી રીતે પામી જઈશ તો પછી તને અંધકારમાં પણ પ્રકાશનાં દર્શન થઇ રહેશે, ત્યાં પણ તને તારો માર્ગ મળી રહેવાનો.
દિવાળી અને નવા વર્ષના દિવસો ઘાટ્ટા અંધકાર વચ્ચે પણ આવા પ્રકાશના ઉપનિષદનું સ્મરણ કરાવે છે. આ પ્રકાશ જો બહાર નથી તો અંધારું છે; તેમ પ્રકાશ અંદર નથી તો ઘોર અંધારું છે. તે તારા અસ્તિત્વની ઓળખ છે, તારા હોવાપણા વિશેનો સાચો પુરાવો છે.પ્રકાશને કોઈ સત્ય કહેશે, કોઈ જાગૃતિ કહેશે, કોઈ ગતિ કહેશે, કોઈ શ્રધ્ધા કહેશે, કોઈ આશા કહેશે, કોઈ તેને સૌંદર્ય પણ કહેશે, બહારનું અને અંદરનું પણ. પર્વના આ દિવસો એ રીતે આપણા 'બિઇંગ' માટે જાગૃતિના દિવસો બની રહેવા જોઇએ.. જે જાગે છે, તે જ જીવે છે. જાગવું એટલે જ પ્રકાશમય થઇ રહેવું - ભીતર અને બહાર પણ...