પ્રિય! એકાંત સાચી બારાખડી

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
પ્રિય! એકાંત સાચી બારાખડી 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- આંખો બંધ કરી, કાન સરખા રાખી, શ્વાસની સરગમમાં એકધ્યાન થતું જવાનું છે. પગદંડી આપોઆપ ખૂલતી જશે

પ્રિય !

મારા પત્રની શરૂઆત કરું તે પહેલાં જ હું આપનું અને વિશ્વના સર્વ સજીવોનું કલ્યાણ થઈ રહ્યો તેવી કામના પ્રકટ કરું છું. તમારા પત્રમાંના પ્રશ્નો જાણ્યા પણ પ્રિય, તેના ઉત્તરો હું કેવી રીતે આપીશ ? મારું અનુભવજગત ભિન્ન છે, મારું એકાન્ત અલગ છે, મારા સંદર્ભો પણ જુદા છે. વળી હું કોઈ સાધક-સાધુ નથી, મેન્ટર પણ નથી, યોગી કે સિદ્ધ પુરુષ પણ નથી. હું સાધારણ માણસ છું. મારી દુનિયા પણ એવી જ મારાં મન:મિત્રોથી ભરેલી છે. વળી મારી ટેવ, મારા પ્રશ્નો રસ-રુચિ કંઈક સાધારણ વ્યક્તિ જેવાં જ છે. હા, હું ખોજ જરૂર કરી રહ્યો છું, ભીતર સાથે, પૂરી નિસબતથી, શ્વાસ-પ્રતિશ્વાસે જોડાયેલો છું. પ્રશ્નો તો મને પણ જાગે છે. મનની પરબડીમાં પ્રશ્નોના પંખીઓ પોતાની ચણ શોધવા ઊમટી આવે છે. પણ ત્યારે હું મારી રીતે મારા એકાંતમાં સરી જાઉં છું. આવું એકાંત અલબત, સર્વ કોઈ પોતાની રીતે ઊભું કરી રહે. પણ એ કંઈક અધરી બાબત છે. કારણ કે એવા એકાંતની પ્રકૃતિ પુરાણોમાં કહેલી પેલી વનપરી અથવા જળસુંદરી જેવી છે. એકાંતને રચવું પડે છે, ઘણું ત્યાં જતું કર્યા પછી તે તેની નજીક  આવવા દે છે. તે એક-રાગ, એક-સૂર, એક-લય ઈચ્છે છે. જે સૂર, લય, રાગ કેવળ તમારો જ હોય, ત્યારે તેવી એકરાત્રના, એકલયતા કે એકસૂરની સ્થિતિનું નિર્માણ થાય. બસ, એટલું થયું તો પછી એકાંત ખુદ એની આવી તમને સુપ્રત કરી દે છે. તમે એક પછી એક દ્વાર ઉઘાડતા જાવ, ખંડોના ખંડો નિહાળતા જાવ, એનાથી ય આગળ વણકલ્યું વિશ્વ ત્યાં ઘણી અજાયબીઓ સાથે ખૂલતું જશે. બસ, તમારા સઘળા પ્રશ્નોના ઉત્તરો ત્યાં છે. ત્યાં તમારી મૂંઝવણ-મથામણ-તમે નીરખેલું જગત છે, તમે જોયેલાં દ્રશ્યો, કરતૂતો, કરતૂતો નીચે ઢંકાયેલી કથાઓ-બધું ત્યાં છે. કહો કે એકાંતનગર જ નહીં, દર્પણનગર પણ તમે માણી રહો છો તમારા ખીલેલા કે અધખીલેલા, અસમંજસ કે ઘટ- બધા ચહેરાનું ત્યાં પ્રતિબિંબ છે. તમારા મનમાં જાગેલા પ્રશ્નોના ઉત્તરો ત્યાં સાવ હાથવગા બની રહે છે.

આવા એકાંત માટે મારે તમારે કોઈ હિમશિખર કે ગુફા શોધવાં પડતાં નથી. કોઈ મંદિર-મસ્જિદ-ચર્ચ-દેવાલય સુધીનો રસ્તાઓ પણ શોધવા પડતા નથી. યાત્રાધામોના ભ્રમણની પણ ત્યાં અનિવાર્યતા નથી. તમારે જ આંખો બંધ કરી, કાન સરખા રાખી, શ્વાસની સરગમમાં એકધ્યાન થતું જવાનું છે. પગદંડી આપોઆપ ખૂલતી જશે, મહેકતી, સંગીતભરી પગદંડી. જુઓ, હું પ્રિય ! ધ્યાન-યોગની વાત નથી કરતો. તમે માત્ર તમારા બાહ્યસ્તરને વળોટી અંદર વળો, તમારા ઐશ્વર્ય સુધી પહોંચો, બહારની બધી રજોટીને પૂરેપૂરી ખંખેરી નાખી, લજામણીના છોડ કે પુષ્પના જેવી નાજુકાઈ સાથે અંદર પ્રવેશવાનું છે. તમે જોશો પ્રિય ! કે તમે પ્રવેશ કરી રહ્યા છો એ તમારું જ વણદેખેલું સામ્રાજ્ય છે. તમે ભલે સાધારણ હો, પણ એ સામ્રાજ્ય તો નર્યું અસાધારણ હોય છે. આગળ આગળ ચાલ્યા જાવ, પગદંડી પૂરી થાય ત્યાં સુધી મેં હમણાં જ કહ્યું ને કે પછી ચાવી સ્વયં તમારી હથેળીમાં આવી પડશે. પછી ખંડ પર ખંડ, કથાઓ, દ્રશ્યો, ઘટનાઓ બધું પસાર થઈ રહેશે. તમારા શબ્દો કે કર્મલીલાઓ પણ ત્યાં ભૂતકાળને છોડીને પ્રત્યક્ષ થઈ રહેશે. બધું ધીમે ધીમે આધું જતું જશે, તમે જ માત્ર રહેશો. તમારું એકાન્ત અને તમે. હવે પેલાં દ્રશ્યો, પ્રાપ્ત, કર્મક્ષેત્રો પણ છૂટી જશે. પછી તમે ખુદ ગૂંજી રહેશો, શબ્દરહિત ગીત ગાઈ રહેશો, નિહાળેલું નહીં, પણ જે કંઈ અનુભવેલું છે, જ્યાં તમે બાળક બનીને સમય કે સમય પટને અંકે કરેલો એ સમય પણ હાર્મોનિયમના સૂર બનીને તેની પાસે તમને ખેંચી રહેશે. નવા સૂરો માટે, નૂતન ગાન માટે. પ્રિય ! ફરીથી કરું છું, આ બધું તમે કોઈ પણ પળે, કોઈ પણ જગાએ, અરે, ભીડ અને ઘોંઘાટ વચ્ચે પણ, આવું એકાંત રચી રહેશો. આ આખી પ્રક્રિયા પ્રિય ! બીજથી માંડીને અંકુરાતા આવતી કુમાશ ભર્યાપર્ણવિશ્વ જેવી છે. ત્યાં આવૃત અનાવૃત થઈ રહે છે. ગૂંચો-પ્રશ્નો બધું ઓગળી જાય છે. તમે પૂછેલા પ્રશ્નો પણ પ્રિય ! પછી સ્વયં સંપડાવી રહે છે. તમારે કશે આયાસ કરવો પડતો નથી. જોસેફ રોક્ષ જેવા અહીં યાદ આવે. એકાન્તનો સમુદ્ર ઊછળતો જાય, ગહનગંભીર નહીં, સહજ આનંદછોળો ઊઠતી જાય, પ્રાણ નર્તન કરે, તમે તમારી સાથે જ અભેદ રચી રહો.

પ્રિય ! હું સમજું છું કે આપણે 'જીવીએ છીએ' અથવા તો આપણે આનંદ-મજામાં છીએ એમ કહીએ છીએ ત્યારે પણ ખરેખર જીવતા હોઈએ છીએ ખરા ? આનંદ હોય છે ખરો ? પેલા બાહ્ય-જીવનના કાથા-કબલા અટપટાં છે. અટપટાં જ રહેવાના એ વસ્તુ જ આપણને આપણા એકાંત સુધી પહોંચવા દેતી નથી. અને મોટે-ભાગે તો એ અટપટાના કળણમાં જ ગળતા જઈએ છીએ. તેને જ જીવન, તેને જ સિદ્ધિ, તેને જ સરપાવ માની રહીએ છીએ. એક રીતે એકાંત એ નિ:શેષનું સૂકત છે. એ સૂકત અનેક સભર કરી મૂકે તેવા અર્થોના ઉજાશભર્યા 

તારકમંડળો ચીંધતા શબ્દો લઈને આવ્યું હોય છે. લાઓત્સેએ એના સમયમાં નિર્ભાર થઈ રહેવાની વાત કરી હતી, ખાલીખમ થઈ રહેવાની વાત કરી હતી અને તેને જ એ સમ્રાટોનો સમ્રાટ કહેતા. હું રૂપાન્તરે શિશુ થઈ રહેવાનું વધુ પસંદ કરું છું. ખાલી તો કોણ થઈ શક્યું છે ? સંતોને પણ ઉત્કૃષ્ટોને પણ ક્યાંક તો રજોરી ખંખેરવી બાકી રહી ગઈ હતી. તેથી જ મને 'હું કોણ છું ?' એવી આપણી ઉપનિષદ પ્રશ્ન લીલા કરતાં 'અરે, હું છું કોણ !' એવી આશ્ચર્યલીલા વધુ ગમી છે. હું કોણનું આશ્ચર્ય પેલું 'એકાંત' દર્શાવી રહે છે. ઋગ્વેદના ઋષિ પ્રશ્નલીલાથી થાકી ગયા હતા. સર્જન કોણે કર્યું, કેમ કર્યું, ક્યારે કર્યું, આરંભ ક્યારે થયો છેવટે એય નથી, એય નથી અને છેવટે વાત 'તું જ છે' ઉપર આવે ! ગમે તે હો, પણ પેલા 'એકાંત' પાસે તેનો ઉત્તર છે. રુમી કે હેન્રી રોલિન્સ તેથી જ વળી વળીને એકાન્તની વાત માંડતા હશે. ભીતર સાત સમંદરને માણવા, પ્રશ્નોના ઉત્તરો શોધવા, જિંદગીના સૌંદર્યને પામવા, રાત્રિઓને સુગંધિત જોવા ઊગતા-અસ્તપામતા સૂર્યના સૌંદર્યઠાઠને જોવા અને વધુ તો ખુદના ઠાઠને જોવા-જાણવા-માણવા એકાંત જ પ્રિય ! સાદી બારાખડી છે.

- લિ.

તમારો સહ્ય્દયી.

સ.દ.પોતે....


Google NewsGoogle News