યૂન ફોસે, સેપ્ટોલોજી અને... .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- પ્લોટ-કથાવસ્તુ ન શોધશો એવું પોતાના સર્જન માટે કહેનાર આ સર્જકે લાગે કે આ એક જ બૃહદ્-નવલમાં અનેક કથાવસ્તુઓના સંકેતો-ઈંગિતો પ્રસારી આપ્યાં છે
યૂ ન ફોસે બહુઆયામી સર્જક છે, તો વ્યક્તિ તરીકે પણ તે બહુરંગી છે. એક અર્થમાં તો ફોસે રૂપાન્તરે પોતાને જ, પોતાનાં અનેકવિધ રૂપોને જ, પોતાની કૃતિઓમાં પ્રકટ કરતા રહ્યા છે. નાટકોમાં તે નેપથ્યમાં રહ્યા છે તો નવલકથામાં ભાવક તેમને પ્રત્યક્ષ જોઈ શકે તેવે રૂપે તે અનેક સ્થળે પરિચય કરાવી રહે છે. આમ થવું સહજ છે કારણ કે તેમનું જીવન જ અપરંપાર વૈવિધ્યોથી, ભાતીગળ અનુભવોથી સભર રહ્યું છે. ૧૯૮૩માં પ્રથમ નવલકથા 'રેડ બ્લેક' પ્રકાશિત થઈ ત્યારથી જ તેમણે એવો અણસાર આપ્યો હતો. ત્યારે જ તેમણે સમકાલીનોથી જુદા પડીને વાસ્તવ-કલ્પનામિશ્રિત અનોખી સંવેદન સૃષ્ટિ રચવાનો આરંભ કરી દીધેલો. પછી તો તેમની એ યાત્રા 'ક્લોઝ્ડ ગિટાર' એ ન્યૂનેઈમ, 'ધ અધરનેઈમ', 'આઈ ઈઝ અનધર', તાજેતરમાં પ્રગટ થયેલી 'એ શાયનિંગ' વ. અનેક નવલકથાઓ સુધી વિસ્તરતી છે. તેમણે પોતાનું કહી શકાય તેવું કથાશાસ્ત્ર પણ નિપજાવી લીધું છે. નવલકથાના વિવિધ પડાવો વખતે તેમની નવલકથાઓની ચર્ચા પણ ઠીક ઠીક થતી રહી છે. પણ એમાં તેમનો મહત્વાકાંક્ષી કહી શકાય તેવો નવો પડાવ તો નવલનાથીયે તેમની 'સેપ્ટોલોજી' છે. (સાત ખંડમાં વિભાજિત નવલકથા) એ નવલકથાએ પોતાને પણ બદલી નાખ્યો છે તેવી તેમની કબૂલાત મહદંશે સાચી પણ છે. અલબત્ત, એ કૃતિ જ એવી તત્વસંભૃત છે, અનેક સંવેદનોને પરસ્પર છેદતી, અનેક વિશ્વોને એક સાથે ટકરાવતી, અનેક છેડેથી જીવન-જગત વિશે અકલ્પ્ય પ્રશ્નો ઊભા કરી આપતી અને કશાં નિશ્ચિત તારણો આપ્યા વિના બધું ભાવક પર છોડી દેતી, ધીમી ગતિએ ચાલતી અને લાંબી મજલ કાપતી- કે ભાવક પણ દિગ્મૂઢ થઈ રહે. આ વિરાટ કાય કૃતિ વાંચનારને એવું પણ લાગે કે ફોસેને જે કંઈ કહેવું છે, જે કંઈ વિશ્વ સમક્ષ મૂકવું છે, તે સઘળું તેમણે અહીં મૂકી દીધું છે. પ્લોટ-કથાવસ્તુ ન શોધશો એવું પોતાના સર્જન માટે કહેનાર આ સર્જકે લાગે કે આ એક જ બૃહદ્-નવલમાં અનેક કથાવસ્તુઓના સંકેતો-ઈંગિતો પ્રસારી આપ્યાં છે. ફોસે અહીં સીધી લીટીએ કશું કહેવા માગતા નથી. વિચારની ભૂમિકાએથી અનેક કથાઓને તેમણે અહીં અથડાવી માર્યા છે. સીધું કશું કોઈ ગણિત નથી, બલ્કે ગણિતની નરી અવળસવળ છે. Septology અને Triology - એ બંનેને એકરૂપે જોઈએ છીએ ત્યારેય બે વિભિન્ન વિશ્વોની જે અસીમતા રહી છે એ જ કૃતિનું નાભિબિન્દુ છે.
એક તરફ નાટયલેખનમાંથી વિરામ લીધો, બીજી તરફ ૨૦૧૩માં કેથેલિક ધર્મમાં સ્થિર થયા એ પછી તેમણે (૨૦૧૯-૨૧)માં 'સેપ્ટોલોજી' આરંભી અને પૂરી કરી. અહીં અંગત જીવનમાં એક નવું, ધાર્મિક પરિમાણ ઊભું થઈ ગયેલું. સાથે પેલું બાર-તેર વર્ષનું શૈશવ હતું. ઊર્મિ કાવ્યો લખતું - નાની નાની વાર્તાઓ શૈશવ સાથે પેલું અખાતનું હિલ્લોળાતું જળ હતું, ખડકો હતા, પંખીઓ હતા. સંગીત હતું અને પાછળથી મદ્યપાન કરવાનો જે પારાવાર શોખ હતો તે પણ દૂર થયો ત્યાં સુધીનું - એક જગત હતું. પત્ની સાથેના છૂટાછેડા, બીજું લગ્ન, ત્રણ સંતાનો- એનું નવતર વિશ્વ હતું. એક એવો સમય હતો કે બધે જ તે નિમંત્રણોની 'ના' પાડી દેતા, મુલાકાત માટે પણ નામરજી બતાવતા કહો કે ફોસેનું વ્યક્તિત્વ એક તબક્કે નર્યું અજંપાભર્યું હતું, અસ્વસ્થ હતું. ત્યારેય પણ ટ્રાવેલિંગ તો ચાલુ હતું, વાંચન તો નિત્ય રહેતું જ. પણ પછી તે જાગી જાય છે, અંદરનું ઝરણું વહેતું થાય છે. કહો કે આ અને એવું અપાર એમના અતલાન્તમાં ધરબાયેલું હતું. અને તેનું પરિણામ તે આ 'સેપ્ટોલોજી' - સાત ખંડમાં વિભાજિત કથા -
હા, અહીં ઉપર ટપકે જોઈએ તો બે વૃદ્ધ માણસો છે. ચિત્રકાર છે. એક શહેરની નજીક, બીજો દરિયાની નજીક. અહીં પણ એકને દારૂનું વ્યસન છે, અહીં પણ બબ્બે વખતના છૂટાછેડાની ઘટના છે. એસ્લે છે, એલેસ-ખેડૂત માછીમાર છે. ચિત્રોની વાત છે. એસ્લેની ભગિની ગુરોનો નિર્દેશ છે. ભાઈ-બહેનોની વાત છે. માણસની દ્વિમુખિતાની કથા છે. અહીં શૂન્યતાની વાત છે. શૂન્યતાને જોવાની સાથે પોતે જ શૂન્ય છે તેવી ભાવસ્થિતિ છે. એસ્લેએ ભગવાનને શોધી કાઢ્યો છે એવો સંકેત છે. ત્યાં પેલો ખ્રિસ્તી ધર્મનો પણ ઓછાયો વરતાય, તો રંગ પ્રત્યે વધતી જાગરૂક્તા છે, કલાકારો છે. અહીં ચિત્ર જોવાય છે કે દોરાય છે તે અપ્રસ્તુત બાબત છે. બારીમાંથી ઉઘડતું વિશ્વ તેનું રૂપ બદલતું રહે છે, નવી આકૃતિઓ રચતું જાય છે. એસ્લે ક્યારેક એમ પણ કહે કે ઈશ્વર ઘણો દૂર છે, તો સાથે તેની ઉપસ્થિતિ સાવ નજીક છે. અહીં પાત્રની એકોક્તિઓ સાથે, ચિંતનસભર નિબંધાત્મક ગદ્ય આવે એકાધિક જગાએ લાગે કે અરે, પાત્રના સ્વાંગમાં અહીં ફોસે જ છે. કેટલાકને તેથી 'સેપ્ટોલોજી' આત્મકથાત્મક કૃતિ પણ લાગી છે. ફોસે આંશિક રીતે સ્વીકારે છે કે મારા જેવો નાયકનો દેખાવ લાવવા પ્રયત્ન કર્યો છે, પણ સારી રીતે. નિબંધાત્મક લખાણો જરૂર મારા વિચારને મળતાં છે - એવું ય તે કબૂલે છે. જિંદગીને અહીં ફોસે ઈશ્વરની ભેટ લેખે છે. જિંદગીને તજી દેવાની વાત કરનાર વ્યક્તિઓથી પણ નાયક વાકેફ છે, ઈશ્વરની કૃપાથી પણ તે એટલો જ પ્લાવિત છે. સાથે નાયકની વિચારણામાં મૃત્યુ પણ છે. છતાં જિંદગી એક પ્રભાવી વસ્તુ છે, ગંભીર ઘટના છે તેવી ય નાયકની છે.
નાયક એ સાથે વિરોધોભર્યા જીવનનો ય સ્વીકાર કરે છે. કદાચ એવો વિરોધાભાસ જ એક સત્ય છે. નાયકને આત્મસ્થ થઈને કેવી રીતે
જીવવું તેની અર્થાત્ મૂંઝવણ તો રહી છે જ. આખી કૃતિનો ઘટાટોપ એમ કંઈ મેટાફિજિકલ લાગે. વાત ચિત્રકાર એસ્લેની છે છતાં આપણે વાસ્તાવમાં નથી ચિત્ર જોતા કે નથી ચિત્રાંકનની પ્રક્રિયા. ઈશ્વર, કળા, પ્રેમ, મૃત્યુ, જીવન, દિવ્યતા વ. નું અહીં ફોસે રચિત વિશ્વ છે જે આપણી વાસ્તવિક્તાના અને કલ્પનાના અનેક છેડાઓને પ્રકંવિત કરી આપે છે. પ્રબુદ્ધ ભાવકને આ કૃતિ વાંચતાં 'યુલિસિસ', 'ધ ટ્રાયલ' જેવી નવલકથાઓ કે બેકેટનું 'વેઈટિંગ ફોર ગોદો' નાટક પણ સ્મરી આવે. હાઈડેગર, દેરિદા, માર્કસ જેવા વિચારકોનું ચિંતન પણ સાંભરી આવે તો ગેરાલ્ડ મુર્નેનું 'ધ પ્લેઈન્સ' પણ સ્મૃતિમાં ઝબકી રહે.
'સેપ્ટોલોજી'નું ગદ્ય, તેનાં વિચારશકલોને ઝીલી રહેતું ગદ્ય, તેની સળંગ વાકયાવલિઓ, શૈલીનાં બદલાતાં સ્તરો વગેરે પણ ફોસેની નવલકથાકાર તરીકેની શક્તિના સંદર્ભે જોવા રહ્યા. વીસથી વધુ ભાષામાં આ કૃતિ અનુવાદિત થઈ ચુકી છે. સંખ્યાબંધ પુરસ્કારો પણ તે માટે મળ્યા છે.
વિવેચકોને-ભાવકોને પણ આ રચના અનેકરૂપે સ્પર્શી રહી છે. આ એક એવી કૃતિ છે જે વાસ્તવિક્તા તરફ લઈ જાય છે તો ઈશ્વર ભણી પણ દોરી જાય છે. અંધકારમાં રહેલો માણસ પ્રકાશ શોધે, તેમ દુ:ખમાં રહેલો માણસ પણ પ્રકાશ ઝંખે - એવું ફોર્સનું કથન અહીં કૃતિમાં સિદ્ધ થતું જણાય. 'સેપ્ટોલોજી'ને કોઈક ફોસેનું ખીના ઉર્નિગ પણ કહી શકે. એ વિશ્વ 'ભવ્ય' છે, આપણા સમયની એક થવા મથતી વિકીર્ણ ચેતના છે, તો આપણી માન્યતાઓનો ન મળી શકતો એવો જ વેરવિખેરભર્યો માનવવિશ્વનો નકશો છે.''