'આઈ લવ યુ' - મીન્સ? .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- રિલ્કે જેવા જર્મનીના કવિએ હેરકેપસ જેવા યુવાન કવિને સલાહ આપતાં લખેલું - પ્રેમકાવ્ય જુવાનીમાં નહિ, પણ સિત્તેર વર્ષની વયે વધુ સારી રીતે લખી શકાય
ક બીર કથિત અઢી અક્ષરના 'પ્રેમ' શબ્દ પાસે વારંવાર અટકવું મને ગમ્યું છે. એનો અર્થ કાઢવા, એ શબ્દને સમજવા, પ્રયત્ન પણ કર્યો છે. છતાં 'પ્રેમ' સંજ્ઞાને ભાગ્યે જ કોઈ પરિભાષિત કરી શક્યું છે. હું જરા કવિના લહેકામાં કહું કે પ્રેમ એ આકાશ છે તો ભાગ્યે જ કોઈને તેમાં અતિશયોક્તિ લાગવાની. સાથે હું એમ કહું કે પ્રેમ એક બંધિયાર ખાબોચિયું છે. તો હું માનું છું કે કોઈક તો એ વાત સાથે સંમત થવાનું જ. કારણ કે પ્રેમને પામવાનો આપણો રસ્તો જ અવળો છે. પ્રેમ (ન્ર્પી) ને આપણે એટલા સંકુચિત અર્થમાં જોતા આવ્યા છીએ કે કેટલાકનું એ શબ્દ સાંભળતાં જ નાકનું ટેરવું ઊંચું ચઢી જાય છે. એવાઓને મન 'પ્રેમ' એટલે દૈહિક ખેંચાણ કે વાસનાથી વિશેષ નથી. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈક કોઈક તો તેથી જાહેરમાં એ વિશે વાત કરવી એનેય અભદ્ર લેખે છે ! આપણી ખોખલી પરંપરાઓએ, ક્યારેક તો એને નિષિધ્ધ શબ્દરૂપે જોવાનો પ્રયત્ન પણ કર્યો છે !
પ્રેમને વ્યાપક રૂપે જોવાનું ચલણ એ પ્રેમને સમજવાનો એક બીજો છેડો છે. ત્યાં પ્રેમ છે, પણ લાલસા નથી, ત્યાં ખેંચાણ જરૂર છે પણ નિર્દોષતાનું છે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિના કૌશલથી, જ્ઞાનથી, તેની કળાથી, તેની સુંદર જીવનરીતિથી કે તેની માનવીય વર્તણૂંકથી અભિભૂત થાય, એવી સુભગ વ્યક્તિને મળતાં, જોતાં હૃદયનું તેની સાથે અનુસંધાન થાય અને ત્યારે સામેની વ્યક્તિ 'આઈ લવ યુ' એવું ઉદ્ગારે ત્યારે તેમાં માત્ર ને માત્ર એવી વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. તેની સાથે સહજભાવે તેનું અંત:સૂત્ર જોડાયું છે તેનો તેમાં સંકેત છે. પણ જો એવી વ્યક્તિ પ્રેમની એ અભિવ્યક્તિનો અવળો અર્થ કાઢી પોતાને પતિ કે પત્ની છે, સંતાનો છે - એ કોઈ એવો પુરુષ કે એવી સ્ત્રી નથી - એવું કહી 'પ્રેમ' શબ્દનો કે પ્રેમભરી લાગણીનો ભળતો જ અર્થ કાઢે તો પેલો 'પ્રેમ' શબ્દ નર્યો હ્રસ્વ બની જાય છે. જે તે વ્યક્તિના મનની કુંઠિત સ્થિતિનો જ તે પરિચય આપી રહે છે. અને આમ થવું એટલા માટે સહજ છે કે આપણને પરંપરાગત રીતે એવો જ પ્રેમનો સીમિત અર્થ શીખવવામાં આવ્યો છે.
'પ્રેમ' શબ્દને તેથી જ સમજવા વૈચારિક પકવતાની જરૂર પડે છે, સાથે નિખાલસ-નિર્દોષ વ્યક્તિત્વની પણ. સાચું તો એ છે કે પ્રેમ વિના માનવનું અસ્તિત્વ જ શક્ય નથી. પ્રેમ એટલે પરસ્પર માટેની ચાહના, પરસ્પર માટેની મમતા, પરસ્પર માટે હૂંફાળું વાતાવરણ સર્જી રહેવું. પ્રેમ માણસને વિસ્તારે છે, અન્યનો સ્વીકાર કરે છે, અન્યના ગુણોનો સ્વીકાર કરે છે, અરે, અન્યના દોષોનો પણ. પ્રેમની પ્રકૃતિ દ્વૈતને ઓળંગી જાય છે. પ્રેમ અહ્મનું નિગરણ કરી નાખે છે. 'પ્રેમ' સંજ્ઞાને કદાચ તેથી જ નિબંધકાર એર્મ્સન ઊંચામાં ઊંચો, ઇશ્વર સાથે આસન જમાવતો, શબ્દ લેખે છે. એવો પ્રેમ ઇન્દ્રિયોને, શારીરિક ભાવ ન રહ્યો હોય તો પણ પરિતૃપ્ત કરે છે. હૃદયની સંપદાને પ્રેમ દ્રઢાવી રહે છે. પ્રેમની શક્તિનો ખરો ઉત્તર પામવા રાધા પાસે જવું પડે તેવું ઘણા જણ સ્વીકારે છે તેનું કારણ પણ પ્રેમ શબ્દમાં રહેલી ન્યોછારીની કે સમર્પણની વૃત્તિ જ હશે. એક વ્યક્તિ બીજી વ્યક્તિની પડખે ઊભી રહી 'હું છું ને ! તમે ચિંતા ન કરો' બસ, આટલું જ ઉદ્ગારે તો પણ સાંભળનાર વ્યક્તિ એક જુદા જ પ્રકારની સ્ફૂર્તિ અનુભવી રહે છે. આવો પ્રેમ, મનુષ્યની બીજા મનુષ્યની ચાહનાભર્યો પ્રેમ કોઈપણ અવસ્થાએ, ભવભૂતિ કહે છે તેમ, વૃદ્ધાવસ્થામાં પણ એટલી જ પ્રગાઢતાથી જોવા મળે છે, પ્રેમ એ અવસ્થાએ પણ એટલો જ અનિવાર્ય હોય છે.
રિલ્કે જેવા જર્મનીના કવિએ હેરકેપસ જેવા યુવાન કવિને સલાહ આપતાં લખેલું - પ્રેમકાવ્ય જુવાનીમાં નહિ, પણ સિત્તેર વર્ષની વયે વધુ સારી રીતે લખી શકાય - આ વાત પણ અહીં જુદા સંદર્ભે પ્રેમાનુભાવની પકવતા, પ્રેમના સાચા સ્વરૂપની અવસ્થાને જ ચીંધી રહે છે. ખરું પ્રેમસ્વરૂપ સમજવા માણસને એમ કદાચ વર્ષો નીકળી જતાં હોય છે. સ્ત્રી અને પુરૂષના ભેદોને, જાતિના ભેદોને, વર્ણતા ભેદેનો અથવા તો આર્થિક કે બીજી રીતે ઊંચનીચના ભેદોને પ્રેમ ગાંઠતો નથી. પ્રેમ આપવો અને પ્રેમ પામવો એ જેટલો સુખકર છે એટલો જ ઉન્નતિકર છે. જ્યાં ધૃણા છે, જ્યાં તિરસ્કાર - નફરત છે ત્યાં સમજવું કે પ્રેમની ઊણપ છે. લેયાર્ડ કે મિલ જેવા વિચારકોએ તો વારંવાર કહ્યું છે કે પ્રેમની ટોચે પહોંચેલી વ્યક્તિ ભેદાભેદથી દૂર, મારા-તારાથી દૂર હોય છે. તેવો વ્યક્તિ ઇશ્વરથી ઘણો નજીક છે. એમિલિ ડિકિન્સન જેવી કવયિત્રીએ તેથી ભારપૂર્વક કહેલું કે પ્રેમ જ જીવનના હોવાપણાનો અનુભવ કરાવે છે, પ્રેમ જ આપણે જીવંત છીએ તેની સાહેદી પૂરી રહે છે. આજનું વિશ્વ પ્રેમવિહોણું બનતું જાય છે. તેના પ્રેમસંબંધોના ગજ પણ ભૌતિક રહ્યા છે. જેટલું આપો, એનાથી અધિકું મેળવી લો તેવી તેની સંબંધોની ગણતરી રહી છે. આપણા સમયમાં તેથી 'પ્રેમ' શબ્દ વધુને વધુ સંકીર્ણ બનતો ગયો છે. તેમાં કશું ઉત્ક્રમણ રહ્યું નથી. બાકી કબીરનો અઢી અક્ષરનો આ શબ્દ ઘણો મોટો ચમત્કાર દાખવી શક્યો છે. તેણે યુદ્ધો અટકાવ્યાં છે, તેણે પશુ જેવા માણસને સંસ્કૃત બનાવ્યો છે. તેણે પારકાંને પોતાનાં કર્યાં છે. તેણે વિમાર્ગી બનેલાઓને સીધે રસ્તે ચઢાવ્યા છે. તેણે, વ્યક્તિમાં રહેલી શક્તિઓ અને શક્યતાઓને બહાર કાઢવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. તેની સરહદો વ્યક્તિથી સમષ્ટિ અને તેનીય પારની રહી છે. તે આધ્યાત્મિકતાની ટોચે લઈ જાય છે, દિવ્યપ્રકાશની મુખોમુખ લાવીને મૂકે છે. આ પ્રેમે જ સરહદો ભૂંસવાનું કામ કર્યું છે, આ પ્રેમે જ અદ્વૈતનો
મહિમા સમજાવ્યો છે, આ પ્રેમે જ બિલ્વમંગલ જેવાને સૂક્ષ્મ તત્ત્વ તરફ વાળ્યો હતો, આ પ્રેમે જ અકબર જેવાને સર્વધર્મ સમન્વય તરફ દોર્યો હતો, આ પ્રેમે જ કૃષ્ણ જેવાને નિ:સીમ જીવનલીલા ભણી દોર્યો છે, આ પ્રેમે જ મૃત્યુને પણ પરાજિત કર્યું હતું. 'સાવિત્રી'માં મહર્ષિ અરવિંદે પ્રેમને અનુભવવાની વાત કરી છે, તે વડે અદ્વૈત રચાઈ રહે છે, તેમ જણાવ્યું છે આપણા સમયમાં બહુ પ્રસિદ્ધિ પામેલું કવિ ઓડેનનું પેલું કથન પણ ઉગ્ર રીતે યાદ કરવા જેવું છે - પરસ્પરને ચાહો, પ્રેમ કરો અથવા પછી મરો.
કબીરે તેમના એક દુહામાં પ્રેમ વિશે કરેલી વાત-આજના વિકલ વિશ્વ માટે ખાસ મહત્ત્વની છે. પ્રેમ તે કહે છે તેમ, બજારમાં મળતી વસ્તુ નથી, એની કંઈ બોલી પણ નથી થતી. રાજા કે પ્રજા જે કોઈને પ્રેમ જોઈતો હોય તો તે મસ્તક આપીને લઈ જાય. હા, પ્રેમ, ચાહના, કપરી છે. 'હું તને પ્રેમ કરું છું' એ કોઈ સપાટ વિધાન ન બનવું જોઈએ. પ્રેમ એટલે બીજાના અસ્તિત્ત્વનો સમગ્રરૂપે સ્વીકાર છે, બીજાની ચેતના સાથે પોતાની ચેતનાને તંતોતંત જોડીને એકત્વનું મંદિર રચી રહેવાની પ્રક્રિયા છે, સંવેદનાનું તે શિખર છે.