આષાઢ-રણકો અને ઠણકો! .

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
આષાઢ-રણકો અને ઠણકો!                                    . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- આષાઢ તો પોતાની આગવી ભૂમિકા કે એનો પાઠ ભજવી રહ્યો હોય છે. પણ આપણી મનફળદ્રૂપતા એનું આપણી રીતે ચિતરામણ કરી રહે છે!

જુ લમગાર જેઠ ચાલ્યો ગયો. એકાકી, અતડો, પગ પછાડતો, રાડો પાડતો, ધૂંઆપૂંઆ થયેલો. ખુશામત ખોરોમાંથી કોઈ કહેતાં કોઈ તેની આસપાસ ફરક્યું નહીં. મૂંગા મૂંગા સહન કરનારાઓનાં મોં પણ ખૂલ્યાં, હાશકારો અનુભવ્યો. જુઓ, સરમુખત્યારશાહીનો આ અંજામ છે. જ્યેષ્ઠપણું ટકે તો પણ ક્યાં સુધી ? અને આશ્વસ્ત કરતો આષાઢ આવી પહોંચ્યો. જેઠ પછી જ આષાઢ ! ઇશ્વરે રચેલો ક્રમ જુઓ. જેઠનાં પદચિહનો અલબત્ત, હજી છે, પણ આષાઢની પ્રેમસૃષ્ટિ આગળ તે નામશેષ જ થઈને રહેવાનો. આષાઢનું એની નિજી રીતનું સામ્રાજ્ય છે. તેના નિયમો જુદા તેની ગતિ નોખી તેની રીતભાત અને રંગરોગાન પણ ન્યારાં એ લોકહૃદયી છે.

પણ રખે કોઈ માનતા કે હું આજે આપણી વચ્ચે કવિકાલિદાસ કે એમનું મેધદૂત લાવીને મૂકીશ. રખે માનતા કે હું શાપિત યક્ષની અને યક્ષાંગનાની કથા કહેવા બેસીશ. રખે માનતા કે હું વિરહગાન કરવા બેસી જઈશ અથવા તે મેઘને દૂત રૂપે પ્રસ્તુત કરીને તમારી લાગણીઓને ઝણઝણાટી ચઢે તેવું કંઈક કરીશ. મારો રોમાંચ તો એ છે કે આ આજે લખું છું ત્યારે આષાઢનો પ્રથમ દિવસ છે ! હા, પ્રથમ દિવસ, કોરોમોરો, નવોનવેલો, અલગારી ચાલવાળો, પરિવર્તનની અહાલેક લઈને આવેલો આષાઢ. સૃષ્ટિનો એજ છે, ધરા પણ એજ છે, છતાં પરિવેશ પલટાયો છે. વરસાદનાં છાંટા-છાંટી તો આવ્યા હશે પણ ચોમાસું રીતસરનું એનું ઓળખપત્ર લઈને તો આ આષાઢના પ્રથમ દિવસે જ આવતું હોય છે. ઇશ્વર સુધી આપણા ઉત્સવધેલા શિક્ષકોની વાત હજી પહોંચી જણાતી નથી, નહિતર શાળાપ્રવેશની જેમ આષાઢપ્રવેશનો ઉત્સવ પણ ઇશ્વર યોજી દેત ! ઇશ્વરના અધિકારીઓની દોડાદોડી વધી જાત. આષાઢ બાપડો બાજુ પર રહી જાત અને આષાઢ પ્રવેશોત્સવનાં ભાષણો જ ભાષણો ઝીંકાતા રહેત ! પણ ઇશ્વર દયાળુ છે. રાજસત્તાની ગતાગમ હજી તેનામાં પ્રવેશી નથી. ઇચ્છીએ ઇશ્વર ભોળો જ રહે. ભોળપણની પ્રજાતિ નામશેષ થતી જાય છે. ત્યારે તો વળી ખાસ. આષાઢ સ્વયંજ ઉત્સવ છે, સ્વયં જ એક હસ્તી છે. તે આવી રહ્યો છે કે આવશે અને આવશે ત્યારે તે આમ કરશે અથવા તેમ કરશે તેવી જાહેરાતની હજી તેને અનિવાર્યતા જ ઉભી થઇ નથી. ન હોર્ડિંગ્સ, ન મીડિયા, ન ભાષણબાજીના આટાપાટા.

આષાઢની ઓળખ ખુદ આષાઢ છે. પ્રથમ દિવસથી જ તે તેનું તંત્ર સંભાળી લે છે અને સાથે તેનો પ્રેમમંત્ર પણ સંભળાવી રહે છે. આચ્છાદન તેની જીવનલીલાનો બળુકો ભાગ છે. એટલે પેલું તપ્ત દાહક આકાશ, તડકાને જ રેલાવી રહેલો સૂરજ, એની ત્રાહિમામ્ કરી મૂકે તેવી વ્યાકુળ ચાલના કે એવું કશું બીજું- એ સામે કશી ફરિયાદ કર્યા વિના ને આકાશમાં મેઘનું લાવલશ્કર છૂટું મૂકી દે છે. એનો સરંજામ પણ કેવો ? ભિન્ન ભિન્ન આકારો, ભિન્ન ભિન્ન રંગોળી, ભિન્ન ભિન્ન તેમની ગતિના માર્ગો. દરેકની આંખ જે ઇચ્છતી હોય તે બધું એવાઓને ત્યાં પ્રાપ્ત થઈ રહે. મેઘની એવી ઉમડધુમડમાં જે ચિત્રો રચાતાં આવે છે. તેમાં ઇશ્વરી રમણા તો હશે જ, પણ આપણા ચિત્તની ય રમણાઓ ત્યાં કઈ ઓછી નથી. આષાઢનો પ્રથમ દિવસ એટલે જ આવી ભીતરની સંવેદનાઓની ઉશ્કેરણીનો દિવસ લાગે.

કોઈ એકાકી નવરોધૂપ હોય, પણ અંદરનું ચંક્રમણ જો બરાબરનું હશે તો પછી તે પેલી મેઘાવલિઓ કે મેઘશ્રેણીઓને જ નિહાળ્યા કરશે. ગુજરાતી કવિઓ કે એવી બીજી ભાષાના કેટલાક કવિઓ તો લીમ્બુ ઉછાળ કવિતા સર્જી છેક મંદિરો સુધી, મંચ અને જૂથો સુધી કાવ્યહેલી કે કાવ્યોત્સવ સુધી પહોંચીને વર્ષા પહેલાં જ વરસી રહેશે. ગુજરાતી કવિતાનો જય હો ! આષાઢનો જય હો ! આષાઢ તો પોતાની આગવી ભૂમિકા કે એનો પાઠ ભજવી રહ્યો હોય છે. પણ આપણી મનફળદ્રૂપતા એનું આપણી રીતે ચિતરામણ કરી રહે છે ! આષાઢનો પ્રથમ દિવસ એ રીતે રહસ્યમય છે, કહોને પછી તો આખો આષાઢ જ રહસ્યનો દરિયો બની જાય છે. ઉછળ્યા જ કરે છે, ઉછળતો જ રહે છે. જેવું જેનું મન-હૃદય તેવો તેનો પછી છાક-ઉછાળ ! એવા ઉછાળ-છાકમાં પ્રેમીજનો તો ખરાજ!

અમે પણ એવા છાક-ઉછાળથી કેવી રીતે બાકાત રહ્યો હોઇશું કહો જોઈએ ? અમે તો આષાઢનો પ્રથમ દિવસ એ પણ શબ્દોથી જ હંમેશ ભીંજાતા રહ્યા છીએ. પળનાં મોતી પળે પાકે. આષાઢના પ્રથમ દિવસે ઘેર બેસી રહે એ બીજા. તેથી અમે સાગમટે નીકળેલા. અરે, દોઢસો કિલોમીટરથી પણ વધુ ત્યારે અમે લોંગ ડ્રાઈવ કરીને તેના રૂપ-પરિરૂપને જોવા અંદર-બહારની તરસી આંખને લઇને લટાર મારી આવ્યા હતા. ઓહ ! આ પ્રકૃતિ, આ વનશ્રી, આ ટેકરીઓ, રળિયામણા નાના નાના ડુંગરો કે ડુંગરીઓ, ક્યાંક ટેકરી નીચે તો ક્યાંક ટેકરીની ટોચે, પ્રકૃતિના ઉછંગમાં દીપતી ઝૂંપડીઓ, કોઈક કોઈક નર-નાર-બાળકની અવરજવર- એક મૂંગું પણ શાંતિભર્યું વિશ્વ એ આષાઢનો પ્રથમ દિવસ ઝીલી રહ્યો હતો. સાગવૃક્ષોની એક આખી કતાર નવપલ્લવિત થઈને ક્યાંક ક્યાંક તેની મંજરીનાં છોગાંથી આષાઢના પ્રથમ દિવસનું ઝૂકી ઝૂકીને સ્વાગત કરી રહી હતી. 

ગુલમહોર પણ ક્યાંક ક્યાંક પુષ્પે પુષ્પે લાલપીળી સ્યાહીથી આષાઢનું પ્રથમદિવસ મહિમાગાન લખી રહ્યો હતો. બીજાં વૃક્ષોનાં તન-બદન પણ નવોઢાને નિહાળી રહ્યા હોઈએ તેવો કંપ જગવી રહ્યાં હતાં. અમે આ પ્રથમ દિવસનો આષાઢ જુદો હોઈ શકે તો કેવી રીતે ? એવું વિચારીને ઘેરથી પ્રસ્થાન કરેલું. નજરોનજર આષાઢના આ પ્રથમ દિવસને નીરખ્યો ત્યારે ખ્યાલ આવ્યો. અરે, આ તો આકાશે, મેઘની પાંખે, ટેકરીઓની ટોચે, ખીણની નડીગર્તમાં અને વૃક્ષોના પર્ણેપર્ણમાં, ફૂલોમાં-બધે એની મૃદુ પગલીઓ પાડતો પાડતો ગુફતેગો કરી રહ્યો છે ! અરે, એની ગૂંજતો છેક અમારા હૃદયે સુધી પહોંચી ગઈ છે ! આવા આષાઢના કૌતુકભર્યા પ્રથમ દિવસને મોબાઈલના કેમેરામાં ઝીલવા ગયો ત્યાં જ અષાઢના પ્રથમ દિવસ મસ્તકે, મુખે, હાથે પગે ઉભો છું એ ધરાને પણ તેની ઝરમર વર્ષાથી ઝરમરી ભીજવી રહ્યો ! આષાઢનો પ્રથમ દિવસ પમરાટનો દિવસ છે, ઝકઝોળ થઈ રહેવાનો સુદિન છે. આવું ઝરમરનું કાવ્ય કવિ કાલિદાસજી ! અવતરો અને લખો... આષાઢ હવે એના રણકા અન ઠણકા સાથે નૃત્ય કરશે !


Google NewsGoogle News