Get The App

યાચના નહીં, પ્રાર્થના! .

Updated: Aug 23rd, 2022


Google NewsGoogle News
યાચના નહીં, પ્રાર્થના!                               . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- કેટલાકને આવી મોહક જિંદગી ગૂંચો ભરેલી લાગે છે. અટપટી પણ ભાસે છે પણ તેમાં જિંદગીનો કોઈ વાંક નથી કારણ કે આપણે તેને ખટપટોથી ભરવા મથતા હોઈએ છીએ. 

ચા લો, વાત જરા બદલીએ, જરા જુદો દ્રષ્ટિકોણ રાખવો શરૂ કરીએ. જિંદગી જીવવાની વાત તો આપણે બધા કરીએ છીએ પણ જિંદગીને ચાહીએ છીએ ખરા ? આપણે સૌએ જાતને પુછવા જેવો પ્રશ્ન આ છે. ચાહનાનું ખરું પાત્ર તો આ જિંદગી છે. એને ચાહવું શરૂ કરીે એટલે જગતને જોવાની દ્રષ્ટિમાં પરિવર્તન આવશે. એને ચાહવું શરૂ કરીશું તો આપણો માનવી વિશેનો ખ્યાલ પણ બદલાશે. જ્યાં 'ચાહવું' ક્રિયાપદ આવે છે ત્યાં સીમાઓ ભૂંસાઈ જાય છે. મારું-તારું લોપ પામે છે. કર્તા-કર્મના ભાવમાં પણ ખાસ્સો બદલાવ આવી જાય છે. અને ભલા, આ જિંદગી આખરે છે શું ? એ કંઈ ગડમથલ માટે નથી, પ્રપંચની દીવાલો રચવા માટે પણ નથી. વર્તુળ- પરિઘ રચવા માટે પણ નથી. જિંદગી એટલે ભરપુર અવકાશ, સ્પેસ, સ્પેસ. ડગલે ડગલે તેનો નવો મિજાજ, નવું જોમ, નવો જોશ. ત્યાં કંઈ તમારા અરમાન- ઈચ્છાઓનું ચાલતું નથી. ચાલતું કદાચ લાગે તો તે માત્ર એક અકસ્માત હશે. બાકી જિંદગી નથી મારી-તમારી આંગળી પકડીને ચાલતી કે નથી તે આપણને તેની આંગળી પણ પકડવા દેતી. જિંદગી તો લહેરાતી મુક્તિ છે, ઊછળતા તરંગો છે, સતત નવા નવા આલાપ છે, ગુંજન છે, સાવ કોરી વહી છે. હું કે તમે જેમ એને ચાહતા જઈશું તેમ એ એનું હૃદય ખોલતી જશે, તેમ એ મારી-તમારી સાથે પ્રીતભરી વાતો કરતી જશે. હા, તે આપણી વાતોમાં હાજી હા કરનાર નથી. આપણે તેને આપણા ખીલે બાંધવા જઈશું તો તેમાં જરૂર નિષ્ફળ જઈશું. એની પ્રકૃતિ જ કંઈક અલગારી છે. ગણિતના દાવપેચ રમનારને તે રમી-રમાડી છેવટે ચીત કરી રહે છે. તેની પાસે તેથી જ કશી ગણતરીઓ સાથે જનારને તે બરાબરનો પાઠ ભણાવતી હોય છે.

હા, કેટલાકને આવી મોહક જિંદગી ગૂંચો ભરેલી લાગે છે. અટપટી પણ ભાસે છે પણ તેમાં જિંદગીનો કોઈ વાંક નથી કારણ કે આપણે તેને ખટપટોથી ભરવા મથતા હોઈએ છીએ. આપણે આપણાં ગૃહિતોથી તેને છાઈ દેવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણે તેને તેની ચાલનાને બદલે આપણી ચાલનાએ ચલાવવા મથતા હોઈએ છીએ. બસ, જિંદગીને આપણાથી ત્યાં જ વાંકું પડતું હોય છે. આપણે તેને 'અર્થ'માં બાંધવા જઈએ છીએ અને તે 'અર્થ'થી દુર રહીને વિસ્તરતી જોવા મળે છે. આપણે રૂપાળાં સુત્રોથી તેને મઢવા પ્રયત્ન કરીએ છીએ અને એ સુત્રોને નાપસંદ કરે છે. સરવાળે આપણે જિંદગી માટે નહીં, ભળતી જિંદગી માટે દોડયા કરીએ છીએ. સાચું તો એ છે કે જિંદગીને ચાહતાં ચાહતાં એ તમારી-મારી સખી બની જવી જોઈએ. સખી ભાવે તે અવસર સંપડાવી આપે. આપણે એ અવસરને પામીને પછી તેના કોઈ અર્થનું નિર્માણ કરવાનું હોય છે. જિંદગીનો પ્રેમ જ, તેનું સખી કૃત્ય જ ત્યાં મદદ કરતું હોય છે. પણ પરોક્ષ રીતે. આવું સખી કૃત્ય પામવું બધાના નસીબમાં હોતું નથી. જિંદગીને અનર્ગળ પ્રેમ કરનારને જ એવો અધિકાર મળે છે. આપણે નિ:શેષનો આગ્રહ રાખીએ છીએ, આમ જ થવું જોઈએ અને આમ તો ન જ થવું જોઈએ તેવાં ભારસૂચક વચનો વચ્ચે તેને જોવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ જિંદગીને પોતાના એવા કોઈ પૂર્ણરૂપને પ્રકટ કરવાનો અભરખો જ હોતો નથી. એ તો બિન્દુ, બિન્દુ થઈને વિસ્તરી રહેવાની પ્રકૃતિ દાખવે છે. તમે- હું ઈચ્છીએ તો એ મધમીઠાં બિન્દુઓને આસ્વાદ લઈ શકીએ, તેનાથી આપણી પ્રસન્નતા વધે છે, સુખકર ક્ષણો બેવડાય છે. પણ બિન્દુ બિન્દુને બદલે તે આખી સીધી લીટી જ બની રહે એવું આપણે ઈચ્છીએ તો ત્યાં આપણો અનુમાનિત નકશો ઊંધો થઈ જાય. જિંદગી એમ કશે મચક આપતી નથી. તે માનવને અનુમાન માટે નહીં, અનુભવ માટે પ્રેરે છે. પછી તમે તેમાંથી તમારે રચવા હોય તે સમીકરણો રચી શકો. પણ જિંદગીનો તે માટેનો કશો તકાજો હોતો નથી. ટીમોટી ક્રિસ્ટોફરે તેથી જ કદાચ જિંદગી પાસે સંપુર્ણતાની આશા જ રાખી નહોતી. બસ, સુખની થોડીક પળો, સુખભર્યું જીવન, જેટલી પળો એવી અંકે કરી એજ ઉપલબ્ધિ, એ જ પ્રાપ્તવ્ય.

જિંદગીને બેસુમાર પ્રેમ કરનાર કદી નિરાશ થતો નથી. કદી હતાશ થતો નથી. કારણ કે પ્રેમ એ ઊર્જાનું બીજું નામ છે, પ્રેમ એ શક્તિનું અમર રૂપ છે, પ્રેમ એ પ્રસન્નતાનો જ પર્યાય છે, પ્રેમ જ પરિતૃપ્તિ બની રહેતો હોય છે અને જ્યાં પ્રેમ છે ત્યાં તર્ક-તત્વ બુઠ્ઠાં બની જતાં હોય છે. જ્ઞાાનને પણ એક અવધિ આવી જાય છે. પ્રેમ નિરવધિ છે. તેમાં જટિલ કશું પણ ચાલે નહીં. તેમાં તો સઘળું સહજ હોય, સરળ હોય, એકાર્થી હોય, ભાવાર્થી હોય, વૃક્ષાર્થી હોય, જલાર્થી હોય, પવનાર્થી હોય,

 વસંતાર્થી હોય. કાફક જેવો સર્જક પણ છેવટે એવા નિર્ણય પર જ અટક્યો હતો. 'હું તો જિંદગીના વૃક્ષને ચાહું છું' તેણે જિંદગીને વૃક્ષ કહીને જિંદગીના સઘળા નિર્ભાર રૂપને છતું કરી આપ્યું છે. જિંદગી સાચ્ચે જ પ્રેમ કરનાર માટે સદા આકર્ષણ કર્યા કરતું વૃક્ષ બની રહે છે. ત્યાં ભીનાશ છે, લીલાશ છે, આશરો છે, ગુંજન છે, સધિયારો છે, મૃદુતા છે, મોહક્તા છે, રસ છે, સમર્પણ છે, કિલકિલાટ છે - કલરવ છે. જિંદગીને અઢળક ચાહનાર માટે તે આવું હરિયાળું ઘેઘૂર વૃક્ષ છે.

જિંદગીનો રસ ચાખવા તેને આમ પળેપળ ચાહવી પડે છે. તેમાં ઊંડા ઊતરવું પડે છે. તેનાં દલેદલમાં પ્રવેશ કરવો પડે છે, તેની સાથે અતંદ્રપણે જોડાઈ રહેવાનું છે. તે આપણી પાસે યાચના નથી ઈચ્છતી, પ્રેમ છલોછલ પ્રાર્થના વાંછે છે. ઓશો જેવા કે બુદ્ધ જેવા પણ વારંવાર જિંદગીને પ્રેમ કરવાનું કદાચ આવા જ કોઈ સંદર્ભે કહેતા હશે.


Google NewsGoogle News