Get The App

મૈયાનો લાલ ક્રન્દી રહ્યો છે... .

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
મૈયાનો લાલ ક્રન્દી રહ્યો છે...                                     . 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- કોના પાપે, કોના વાંકે આવું બાળક આજીવન સજા ભોગવવા માટેનું પાત્ર બની રહે છે?

ઘ ણા વખત પછી હમણાં મોહમ્મદ રઝાની એક શોર્ટ ફિલ્મ જોવાનું બન્યું. લેખક-દિગ્દર્શક બંને રઝા છે. આ ઇરાનીયન, એક મિનિટની ફિલ્મનું સંગીત ઓનીડનું છે. ફિલ્મ આઠ-દસ વાર નિહાળી, બધીવાર મને ફિલ્મની સમાન્તરે આજનો વિશ્વ સમાજ નજર સમક્ષ તરી રહ્યો. અહીં દ્રશ્યો કહી શકીએ તેવાં દ્રશ્યો નથી, એક પણ પાત્ર નથી, પાત્ર નથી તો સંવાદ પણ નથી. ફિલ્મમાં નજરે પડે છે એ તો એક નાના બાળકના નાજુક નાજુક પગના બે ગુલાબી રંગના બૂટ છે. બૂટ પર એક જામ્બુડિયા રંગનું પ્લાસ્ટિકનું નાનું ફૂલ ચોંટાડેલું છે. બૂટની બાજુમાં વળી લાલ રંગનાં બે એવાં જ પ્લાસ્ટિકના ફૂલ ચોંડાયેલા છે. બંને બૂટ એક સાથે આપણી સમક્ષ આરંભે આવે છે ત્યારે બૂટને નિહાળ્યા કરવાનું મન થાય છે. આપણે એ બૂટ પરથી પછી કલ્પી રહીએ છીએ તેના નાજુક નાજુક  પગ, નાના નાના રતુંબડા પંજા, તેની ધીમી નિર્દોષ ચાલ. નિર્દોષતાનું કહો કે એક જગત રચાઈ રહે છે. ટાગોર કહે છે તેવી ઇશ્વરની આપણામાં રહેલી એની શ્રદ્ધા રૂપ આ બાળકનું અવતરણ છે. આવા ગુલાબી બૂટ સાથે બાજુમાં જ ઊંચી એડીના કાળા સેન્ડલ છે. સેન્ડલ પણ ગમી જાય તેવા છે. એ પણ આજની માતાનું રૂપકડું ચિત્ર-ચરિત્ર આપણા મનમાં જન્માવી રહે છે. જરા આગળ વિચારીએ તો તેમાં નોકરી કરતી ફેશનેબલ આધુનિકાનાં દર્શન પણ થઇ રહે. બરાબર એની સામે કથ્થાઈ રંગના, મોંઘાદાટ બૂટ છે. એ બૂટ  પણ અત્યારના આધુનિક પિતાનું ચિત્ર ઉપસાવી રહે છે. સંભવ છે એ પણ પેલી સ્ત્રીની જેમ જ ફેશનપરસ્ત હોય. નોકરી કરી રહ્યો હોય.

આ ત્રણ જણના બૂટ સ્ક્રીન પર દેખાય છે. જરા ધ્યાનથી જોશો તો એ બૂટ સફેદ ટાઇલ્સવાળી એક ઠીક ઠીક મોટી કહી શકાય તેવી જગા પર પડયા છે. એની પાછળ દૂર, દૂર ઝાંખાં વૃક્ષો જેવું જોવાય છે. વધારે ધ્યાનથી જોતાં ત્યાં વીજળી માટેના થોડા થોડા અંતરે થાંભલા પણ ઊભા કરેલા છે. સ્તંભ અને વૃક્ષો જેવું જે કંઇ છે તેના પર આકાશ, શુભ્ર પણ નહીં, વાદળ ઘેર્યું પણ નહીં, તો સ્વચ્છ પણ નહીં એવું આકાશ...ઘડીભર થાય કે કશું અહીં જોડાતું નથી, લિંકિંગ થતું નથી. આ ત્રણ બૂટ તેમજ આ બધું શું છે ? પણ એવા પ્રશ્ન સાથે જ ફિલ્મનું નામ સ્મરણમાં આવી જાય તો નક્શાની કેટલીક રેખાઓ ઝડપથી ઊઘડવા માંડે. હા, એક મિનિટની એ ફિલ્મનું નામ છે - સેપરેશન - અને સેપરેશન એટલે પતિ-પત્નીનું જુદા પડવું-રહેવું, વિયોગ થવો અથવા એવા અન્ય અર્થ પ્રકટી આવે. ચાલો, આટલું વિચારીને પેલા સ્ક્રીન પર એકાગ્ર થઇએ. આરંભમાં તો પેલા ગુલાબી બૂટ, શોભાસંભૃત બૂટ, ઊછળતા બતાવાયા છે. બાળકનો આનંદઉછાળ કેવો હોય ! અને એમાંય પિતા કે માતા પાસે તે ડગ ભરતો હોય ત્યારે તો તેના મનમાં કેવી નચિંતતા હોય, કેવો વિશ્વાસ હોય, વ્હાલનો સમુદ્ર તેના માટે માતા-પિતા જ હોય છે. અહીં તો બૂટ ઉપરથી કલ્પીએ તો બ્યૂટીફૂલ મધર અને હેન્ડસમ ફાધરનું ચિત્ર ઊપસે છે. પણ આપણી એવી કલ્પના અહીં ઠગારી  નીવડે છે. આ બૂટ પ્રથમ માં પાસે-માના બૂટ પાસે ખસતા ખસતા જાય છે, પણ ત્યાં બૂટનું ઊંચા-નીચા થવું, એમાંથી કર્કશ અવાજ એ પ્રકારના સંગીતમાંથી સાંભળવા મળે એ ઉપરથી લાગે કે બાળકને માટે માતા પાસે જગા નથી અને છે તો પિતાને માન્ય નથી. પેલા ગુલાબી, શોભા ભર્યા બૂટની કહો કેવી સ્થિતિ - મન:સ્થિતિ થઇ હશે ! એ ગુલાબી બૂટ ખસતા ખસતા પિતા તરફ જાય છે અર્થાત બૂટ તરફ આ બૂટની ખસવાની ગતિ, તેની સાથેનું સંગીત બધું બાળકની હાલકડોલક સ્થિતિને ધ્વનિત કરી રહે છે. વખાનું માર્યું બાળક પિતા પાસે, અર્થાત્ ગુલાબી બૂટ પેલા કથ્થાઈ બૂટ પાસે આવે છે. પણ કથ્થાઈ બૂટ તો દેખાવે જ સુન્દર હતા બાકી  તે જે રીતે ઝડપભેર ઊંચા-નીચા થતા બતાવાયા છે, જે રીતે સંગીત બેસૂર રૂપે અવતર્યું છે તેથી તો એમ જણાય કે પેલા કાળા રંગના ઊંચી એડીના બૂટ સામે તેનો ભારોભાર આક્રોશ છે. બૂટની એ ક્રિયા એવી સરસ રીતે દર્શાવાઈ છે કે પુરુષના મનનો ક્રોધ ત્યાં બરોબર જોવા મળે. બાપડું બાળક કરે તો શું કરે ? આશાનો તાંતણો તો એ બંને જ છે. પરિણામે ગુલાબી બૂટ વળી કાળા, ઊંચી એડીવાળા બૂટ પાસે અર્થાત્ માતા પાસે પહોંચે છે. બાળકની નિર્દોષતાની કસોટી થઇ રહે છે. તેના માટે અહીં અને તહીં - ક્યાંય દ્વાર જ ખુલ્લાં નથી જણાતાં. ફરી પેલા કાળા બૂટ એવી જ તીવ્ર પ્રતિક્રિયા સાથે ઊંચા-નીચા થાય છે. તેને પણ પેલા કથ્થાઈ બૂટ સામે ઘણો બધો રોષ છે, ઘણું બધુ તેની સામે તહોમતનામું મૂકવાનું છે. પેલું બાળક અર્થાત્ ગુલાબી બૂટ માટે-અહીં વાઘ અને ત્યાં ડૂબાડી તે એવો તટ-એવી દુર્દશા થઇ રહે છે. છતાં ફરી ગુલાબી બૂટની ગતિ જુદી છે. કથ્થાઈ બૂટ અર્થાત્ પિતાનું વલણ તો પેલા કાળા ઊંચી એડીવાળા બૂટ અર્થાત્ માતાના જેવું જ છે. બાળક જાય તો ક્યાં જાય ? કથ્થાઈ બૂટ વધુ પાછળ જાય છે, કાળા, ઊંચી એડીવાળા બૂટ પણ વધુ પાછળ જાય છે. બંને બૂટ વચ્ચેના અંતરની ખાઈ ખાસ્સી વધી ગઈ છે. પેલા ગુલાબી બૂટ, શોભામય ગુલાબી બૂટ, એ બંનેથી ખસીને બે અલગ ટાપુ બની ચૂકેલા બંને બૂટથી દૂર પણ બંનેની મધ્યમાં પોતાની જગા શોધી લે છે. 'પોતાની જગા' એવું પણ કેવી રીતે કહી શકાય ? જે રીતે તે બંનેની વચ્ચે આવી રહે છે તે તો એકલતાનો ટાપુ છે. તે વખતનું ઓનીડનું સંગીત વિના વાંકવાળા ગુલાબી બૂટ અર્થાત્ બાળક-સંતાનની શારી નાંખે તેવી વેદના આપણા મનમાં પણ જગવી રહે છે.

એક મિનિટની આ ફિલ્મ, પાત્રો-સંવાદ વિનાની ફિલ્મ, આપણા સમયના દામ્પત્ય જીવનની કરૂણતાને હૃદયભેદક રીતે રજૂ કરે છે. અહીં બધું પ્રતીકની કક્ષાએ આવ્યું છે.

 શું પેલી સફેદ લાદી જડાયેલો ચોક આ બાળકને શાંતિ આપી શકશે ? પેલા કાળા ઊંચી એડીવાળા બૂટ કે કથ્થાઈ બૂટ તેને પ્રેમમાં ક્યારેય તરબોળ કરી મૂકશે ? કે માત્ર માતા-પિતાનું જુદા પડવું એ તેમના કરતાં પેલા ગુલાબી બૂટ અર્થાત્ સંતાન માટે જીવનભરનો અભિશાપ બની રહેશે ? કોના પાપે, કોના વાંકે આવું બાળક આજીવન સજા ભોગવવા માટેનું પાત્ર બની રહે છે ?તૂટતાં દામ્પત્યો આવા 'ગુલાબી બૂટ'નો વિચાર શું ક્યારેય નહીં કરે ? શું તે સદા પેલા વીજસ્તંભ બની રહેશે ? શું પેલું કોરુંકટ આકાશ જ એવા સંતાનની નિયતિ છે કે પછી માત્ર શૂન્યતાભર્યું વાતાવરણ જ નિયતિ ? શું જામ્બુડિયાને લાલ રંગનાં ફૂલ આમ જ કાળા અને કથ્થાઈ રંગથી નામશેષ થતાં જશે ? શું 'ગુલાબી બૂટ'ને આનંદ ઉછાળનો અધિકાર જ નથી ? કોણ એ અધિકાર ઝૂંટવી લે છે ? પેલા ત્રણે બૂટની ગતિ ક્યારેય ઉમંગભરી થશે ખરી ? સમાજ શાસ્ત્રીઓ, વિચારકો-ચિંતકો માટે આપણા સમયનું  આવું જનજીવન મોટા અભ્યાસનો વિષય બની રહ્યું છે. કોઇક જાગશે ત્યાં સુધી આ 'ગુલાબી બૂટ'નું શું નું શુંય થઇ ગયું હશે ! જશોદાનો લાલ ક્રન્દી રહ્યો છે...'


Google NewsGoogle News