Get The App

'થાક'નો થાક લાગ્યો છે! .

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
'થાક'નો થાક લાગ્યો છે!                                        . 1 - image


- ક્ષણ-ક્ષણાધ-પ્રવીણ દરજી

- તમને નથી લાગતું કે આ થાકી જવું એ પણ એક રીતે પોતાની જ જાત સાથેનું યુધ્ધ છે?

'હા, હવે થાકી ગયો છું, કદાચ થાકી જવાનું થાકી જાય એ હદે થાકી ગયો છું' અથવા 'બસ, હવે નંખાઈ ગયો છું, કંટાળી ગયો છું, જીવતરનો થાક લાગ્યો છે.'- આ કે આવું તમે કદી અનુભવ્યું છે ? આવા ઉદ્ગારો ક્યારેય તમારા મુખમાંથી એકાએક સરી પડયા છે ? જો આમ બન્યું હોય તો જરૂર તમે હજ જીવંત છો, તમે હજી મનુષ્ય છો, તમે હજી ફરી ઊભા થવાના છો. તમાર સાથે કદાચ હું પણ આવું-તેવું જ અનુભવું છું. થાકી જવાના સંવેદનને હું જીવનનો એક મહત્વનો અધ્યાય કહું છું. સાચું તો એ છે કે જે 'નથી થાક્યો.' તેમ કહે છે તે કાં તો દંભી છે અથવા સત્યને સંતાડે છે. અરે, આપણો આખો આ સમય જ શું થાકનો પર્યાય નથી ?

થાકને તો વેંઢારી રહ્યા છીએ, તાકતવર છું એમ કહીને થાકને તો છાવરી રહ્યા છીએ. તમે - હું આવા થાકને કારણે તો પરિસ્થિતિમાંથી ભાગવાનું શીખી લીધું છે, તેથી તો આપણે ઘણીવાર ઘરના એક ખૂણામાં લપાઈને બેસી રહીએ છીએ, તેથી તો ઘરની બહાર જવાનું ક્યારેક ક્યારેક ટાળીએ છીએ, તેથી તો ક્યારેક કોઇકનો ફોન એટેન્ડ કર્યા વિના કાપી નાખીએ છીએ, તેથી તો ક્યારેક પુસ્તક વાંચવાનો ડોળ કરીને માથું એ પુસ્તકમાં છુપાવી દઈએ છીએ, તેથી તો ક્યારેક વિના કારણે ઘરમાં આંટા માર્યા કરીએ છીએ, બબડયા કરીએ છીએ, થાકી ગયો છું, તેનો સ્વીકાર કરવાને બદલે પ્રવૃત્તિઓની મોટી મોટી વાતો કરીએ છીએ, તેથી તો ક્યારેક છાપામાં આવતી કેટલીક તસ્વીરોને જોવાનું ટાળીએ છીએ, કેટલાક સમાચારો વાંચ્યા-ન વાંચ્યા કરી દઇએ છીએ, ક્યારેક કોઇકની સાથે વાત કરતા હોઈએ ત્યારે વાતનો તાર જ સંધાતો ન હોય એવી રીતે મોં-માથા વિનાની વાતો કરીએ છીએ !

આમ જ થાય. આપણી નિયતિનો એક આ ભાગ છે. તમે - હું એ રીતે ભીતરથી થાકેલા જ છીએ. ઉત્સવોથી, લગ્નોથી, ટોળાઓમાં પ્રવેશીને, બૂમ-બરાડા પાડીને, 'હું' તગડો કરતા રહીને, આક્ષેપબાજી કરીને, પોતાને શુધ્ધતમ લેખીને કે એવા તેવા બીજે રસ્તેથી થાકેલા નથી તેવું બતાવવા પ્રયત્ન કરીએ છીએ. ખરું ને ? કદી કોઇક 'હા' કહેશે, કોઇક 'ના' કહેશે પણ થાકી ગયો છું' એ સંવેદના તો બધે ઊભી જ છે. મિત્રો, થાકી જવું એ સહજ છે, આપણા સમયમાં તો નર્યા વાસ્તવનું એ સત્ય છે. તમે તમારા માથા પર હાથ મૂકો, એમ ન કરો તો તમારા હૃદયસ્થાને હાથ મૂકો, એમ ન કરો તો તમારા 'ધરમ'ના સોગંદ ખાવ - તમે ખરેખર થાકી નથી જતા ? આ તમારી ચારે પાસનાં જૂઠ્ઠાણાં થકવી નથી લાગતાં ? આ હોર્ડિંગ્સ, આ છાપાંની મસ મોટી જાહેરાતો, આ ધર્મના ફતવાઓ, આ રાજકારણી લોકની ફાલતુ પણ મનધડંત વાર્તાઓ તમને જચે છે ? તમે કંટાળી જતા નથી ? પેલા જ્ઞાનની વાતો કરનારા, અજ્ઞાની લોકોને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે છે ત્યારે તમે થાકી નથી જતા ? અરે, જુઓને બધે જ પૈસા, પૈસા, રૂપિયા, રૂપિયા, ડોલર, ડોલર સાંભળીને તમે હચમચી જઇ કાન પર હેથેળી નથી મૂકી દેતા ? અરે, તમારા ચિત્તને જ જરા ટપારો, પૂછો, કેટલી કેટલી જગાએથી તેની પર હુમલા થતા આવ્યા છે ! કેટકેટલી રીતે તે આક્રાંત થતું આવ્યું છે ! તમારી ચારેતરફ ભાષાને લોકો કેટલી ત્રસ્ત-નષ્ટ કરી રહ્યા છે તે જુઓ તો ખરા. મતિશૂન્ય કરી મૂકે તેવા લોલુપ-ઉન્માદી લોકો તમારા થાકનું કારણ નથી બની રહેતા ? તમને નથી લાગતું કે આ થાકી જવું એ પણ એક રીતે પોતાની જ જાત સાથેનું યુધ્ધ છે ? તમને ત્યારે ત્યાં હારી જવાની અનુભૂતિ થતી નથી ? શારીરિક રીતે, માનસિક રીતે, ભાવાત્મક રીતે એમ અનેક રીતે તમે - હું થાકી જઇએ, થાકવું જ પડે - એવું એક ઘટ્ટ વાતાવરણ આપણી ચોમેર રચાતું જાય છે. તમે એક ક્ષણ તમારી જાતનો વિચાર કરશો તો નર્યા ખાલીખમ લાગશો. બધું જાણે અંદરથી વિદાય લઇ રહ્યું છે. બચ્યું છે કેવળ નરદમ ડોળનું વિશ્વ.

આ થાકની મનસ્થિતિએ ક્યારેક ખાલીપો ભરવા પોતાની જ આસપાસ એક પિંજર ઊભું કરવા માંડયું છે. આપણે ક્યારેક જાણતાં-ક્યારેક અજાણતાં જ એ પિંજરમાં પુરાઈ જઇએ છીએ. આપણને, મને-તમને તેવી ક્ષણે વિરાટ પિંજરના એક કેદી જેવો ય અનુભવ થઇ રહે...

આવી કોઇક ક્ષણે સોલબેલોની 'ડેન્ગલિંગમેન' નવલકથાનો નાયક જોસેફ કે. મારી સામે આવીને ઊભો રહે છે. જાણે કે 'થાકી જવાયું છે' એવું કહેનાર સૌનો એ પ્રતિનિધિ ન હોય ! પણ તેનો થાક જુદો છે. ક્રિયા જ ન કરી શકે તેવી તેની સ્થિતિ છે. પણ ક્યારેક તેનાથી વિપરીત 'ક્રિયા' પછી પણ ભારે થાક લાગે. આપણા આજનાં 'સમય'માં લાગે છે એવા 'થાક' કરતાં તદ્દન જુદો, બીજા છેડાનો થાક ? વેદવ્યાસને 'મહાભારત' પૂરું કર્યા પછી એવો થાક લાગ્યો હતો. નરી ગ્લાનિ, નર્યો સંતાપ, નરી થકાન...પણ શ્રીમદ્ ભાગવતમાં પછી એનું શમન થાય છે. અનેક કલાઓનો પિપાસુ ગટે પણ થાકના આવા એક મુકામ પર આવીને અટક્યા હતા. 'ફાઉસ્ટ' લખ્યા પછી તેથી તેમણે 'રાત્રિગાન' લખવું પડયું - જે તેમના માટે મુક્તિગાન બની રહે છે. કૃષ્ણકથા અંશનું પણ અહીં સ્મરણ થાય. એક એવી તાકી જવાની ક્ષણે તે રાધાના ખોળામાં મસ્તક ઢાળીને પોતાને સાહી લેવા વિનંતી કરે છે. તેમની મૃત્યુ પૂર્વેની પળ આવો જ થાકી જવાનો દુઃસહ સમય હતો. યાદવો-યાદવ કુળ બંનેથી ત્રસ્ત, જરાના બાણથી મુક્તિ પામે છે ! મુખાગ્નિ અર્જુન આપે છે ! કદાચ એ પળે અર્જુન પણ કૃષ્ણની જેમ જ જીવતરનો થાક અનુભવી રહ્યો હશે ! આ એક બીજો 'થાક' છે, જેમાં માણસની ભીતરી સંપદા વધુ બલવતી બને છે, ફલવતી પણ.

આપણા 'સમય'નો થાક કંઇક અભિશાપ બનતો જાય છે. ખુશ થવું હોય તો ય ન થઇ શકો, ચીસ પાડવી હોય તો ય ન પાડી શકો, સૂર્ય-ચંદ્ર-ઋતુઓ પણ કદાચ સાથ ન આપે, લોક પણ વિમુખ થતા જણાય. આવો થાક ખતરનાક છે, અને એનાં કારણે એથીય વધુ ખતરનાક...થાકનું નિમિત્ત બનનારા એવાં કારણો પર અત્યારનું જગત તોળાયેલું છે!...થાકનું પેલું બીજુ કારણ જુદું છે - પણ તેની કથા તો કૃષ્ણ-વ્યાસ-અર્જુન-ગટે જેવા જ માંડી શકે.


Google NewsGoogle News