એપ્રિલી રવિ-વાર એટલે... .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- સૂર્ય પણ આતતાયી હોય, વાદળનું નામ ન હોય અને દુર્વાસાનો ક્રોધ બની સૂર્ય અગનગોળા છોડતો જાય એવા દિવસોના રવિ-વારની વાત કરવી છે
અ મે અમારા પરમ મિત્ર શ્રીશ્રી ૧૦૮ બુધાંલાલના નિત્યના સંપર્કે હમણાં હમણાં કંઇક વ્યુત્ક્રમે ચાલતા થઇ ગયા છીએ. વ્યુત્ક્રમે એટલે ભલાદમી, જરા અવળા ક્રમે ચાલવું. અમને ક્રમ તોડવાનું હવે ગમવા માંડયું છે કારણ કે નવા ગણિતનાં મંડાણ એમ કહે છે કે ક્રમ તોડો, ક્રમમાં દમ નથી કે દમ રાખનારા હવે રહ્યા નથી. આઝાદી પછી જન્મેલા ઉત્તમ પુરુષોનું આવું તારણ છે અને અમે તેથી એ છુક છુક ગાડીમાં છુક છુક જોડાઈ જવાનું બુધાલાલની જેમ જ પસંદ કરી લીધું છે. બોલો, જય રામજી કી !
વાત તો એમ છે કે બુધાલાલની જેમ રવિવાર અમને પણ ગમે છે. ગમે જ, શું કામ ન ગમે ? ખાવ, પીઓ, મજા મજા કરો, દેવું કરો, ઘી પીતા રહો, સુખ જ સુખ છે. દુ:ખની વાત કરનારાઓ નકારાત્મકતાની જમાતના છે. તેમનાથી દૂર રહો. બસ, બધું સારું છે, ઉત્તમ છે, સર્વોત્તમ થનાર છે, છુક છુક ગાડી સૌને તારશે. ડૂબવાની વાત કોઈ કરે તો તેને અફવા ગણજો. પણ ઓ દોસ્ત ! અમે તો અફવાની નહીં, સાચા ફતવાની વાત કરવા આજે બેઠા છીએ. આડે દહાડે રવિવારની વાત કરી હોત તો જરા સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવાનો આનંદ રહેત. નવી ભાષા, નવું તીર, નવું કામઠું પણ ના અમે તો ગ્રીષ્મ એપ્રિલ ટોચે આવી ગયો છે ત્યારે રવિવારની બિનજરૂરી ચરિત્રલીલાને અડપલાં કરી રહ્યા છીએ. રવિ-વાર કહેવાય એને રવિવાર નહીં ! સૂર્ય પણ આતતાયી હોય, વાદળનું નામ ન હોય અને દુર્વાસાનો ક્રોધ બની સૂર્ય અગનગોળા છોડતો જાય એવા દિવસોના રવિ-વારની વાત કરવી છે. ભઈ, એમ માનોને કે ખરેખરો રવિ દેવનો વાર, ઇતબાર વિનાનો ઇતવાર, બધું ખેરવી-ખોરવી નાખે તેવો રવિ-વાર. ટાગોરે તો મજાકમાં કહેલું કે હું પોતે જ 'રવિ' છું પછી મને તો રવિ ગમે જ ને ! પણ અમે રવિ-કવિ નથી અમે તો માથા પર ગરમ ગરમ હથોડા ઝીંકી રહેલા રવિની આતંકલીલાથી તંગ છીએ, સાચા અનુભવધારી છીએ. કહો અમે પછી ક્યાંથી કહીએ કે રવિ-વાર, એપ્રિલનો રવિવાર, અમે ગમે છે ? ક્યાંથી અમે તેના પ્રત્યે કૃતજ્ઞા થઇ રહીએ ? ક્યાંથી અમે રવિવારને નમસ્તે કહી તેનું ઉષ્માભર્યું સ્વગત કરીએ ? ક્યાંથી અમે રાજીના રેડ થઇ, કલાકે કલાકે અટપટા રંગનાં વસ્ત્રો પરિધાન કરીએ ? ક્યાંથી અમે રાજકીય પક્ષોની જેમ અદ્ય એની સાથે ગઠબંધન કરવા રાજી થઇએ ? અરે, આ રવિ-વારે તો અમારી કથાઓ જ ઝૂંટવી લીધી છે, અમારી જીવંતતા જ એ હરી લેવા બેઠો છે, અમે, ગાઈએ તો પણ કયું સંગીત ગાઈએ ? અરે, મલ્હાર ગાવા જેવું ગળું જ ક્યાં એણે અમારું રાખ્યું છે ? અમે, બુધાલાલ કે તમે ઇચ્છો તો પણ શું પ્રિયજનોને આવા એપ્રિલી રવિ-વારે પ્રેમપત્રો લખી શકો ? અરે, એણે તો પ્રેમ જ ઝૂંટવી કે ખૂંચવી લીધો છે ! જરા, જાગો આ એપ્રિલનો રવિ-વાર દુર્ગમ બનતો જાય છે. નવરા ટાટ કરી ચૂક્યા છે આપણને ! કોણ જુએ રાહ આવા રવિ-વારની ? કોણ એ જો સામો મળી રહે તો 'દે તાળી !' એવો ઉમળકાભેર ઉદ્ગાર કાઢે ! અરે, જવા દો. સંવિધાન વિનાના સૂર્યને કોણ નમે-પ્રણમે ? બાકી, સૂર્યને ય નીતિ-નિયમો હોય તો ખરા જ ને ! પણ હમણાં તો તે અકુતોભય બની વિહરે છે, પીડે છે, પજવે છે, ત્રાહિમામ્ કરે છે, રવિ-વારનો દરવેશ જ તેણે બદલી નાખ્યો છે. અમારું ચાલે તો અમે કમસે કમ એપ્રિલ-મે જેવા મહિનામાં આવતા રવિવારોનું નામ જ બદલી નાખીએ. નામ બદલવાની એક હવા બંધાઈ છે ત્યારે અમને પણ સાથે ઇષ્ટ વિચાર ઝડપથી અમલમાં મૂકવાની ચળ ઉપડી છે. અમે તો આગળ વધીને સુનીતા વિલિયમ્સને અને અવકાશમાં સંશોધન કરી રહેલા વૈજ્ઞાાનિકોને વણમાગી, સદા માસ્તરો એમની એવી પ્રવૃત્તિ માટે જાણીતા છે તેવી, સલાહ પણ આપીએ કે સૂર્યને જ ખોદી નાખો, તેના અસ્તિત્વનું નામોનિશાન મિટાવી દો જેથી ભવિષ્યની કુમળી, ગ્રોક એઆઈમાં ડૂબેલી પ્રજા, સુખ શાંતિથી સૂર્યપ્રેરિત આવા રવિ-વારોથી ઊગરી જાય અને એક નવો સૂર્ય જન્માવો જે કહ્યાગરો હોય, કામણગારો હોય, દિનરાત નવાં નવાં સૂત્રો જન્માવી, આપી, આખી પ્રજાને રવિ-વાર માણવા માટે એક શાંત કોલાહલભર્યું વાતાવરણ એ ખડું કરી દે.
અમે તો એવું પણ માનીએ છીએ કે વૈજ્ઞાાનિકો જે દિવસે એવો નવો, કહ્યાગરો, સૂર્ય જન્માવી રહેશે તે દિવસથી જ વિશ્વ માટે સારા દિવસોનો આરંભ થશે. પીડા જેવો, ભૂખ જેવો, અહિંસા જેવા, વારંવાર કનડી રહેતો ગાંધી જેવો, શબ્દ જ શબ્દકોશમાં નહીં હોય ! આવા એપ્રિલ-મે કે પછી બીજા કોઈ પણ મહિનાના રવિ-વારો સાચા અર્થોમાં કવિઓ માટે પણ અચ્છે દિન જન્માવી રહેશે. આવા કવિઓ પછી નવા સૂર્ય વિશે થોકબંધ કવિતાઓ લખી, કવિતાના ખ્યાલોમાં પણ ધરમૂળથી ફેરફાર કરી રહેશે. લોકો ધર્મ ભણી, યોગ ભણી, ઉત્સવો ભણી વળીને માત્ર ઊંડા શ્વાસોશ્વાસ વડે જ નવા પ્રકારના અસ્તિત્વને પમરાવી રહેશે. 'સ્વાયત્ત' શબ્દનું સમૂહમાં અચ્યૂતમ કરી 'પરાયત્ત'ના એવા જ કોઈ રવિ-વારે સૌ કોઈ મહોત્સવોની આખીને આખી શ્રેણીઓનો પ્રારંભ કરશે. પછી રવિ-વાર જ નહીં, આ કે તે મહિનાના વાર નહીં, બદા જ વાર રવિવાર હશે. નર્યો સંવાદ, નર્યું એકત્વ, નરી સમાનતા, જાગ્રત-અજાગ્રત જેવી અવસ્થાઓ પણ લેવાઈ જશે ! બુધાલાલ હંમેશાં કહે છે - રવિવારને તમે વીક-ઍન્ડ ન કહો. રવિવાર જૂના યુગનો એન્ડ છે. જૂના કાટ અને કાટમાલને કાઢો-વેચો, નવો મંચ-તંત-ઊભો કરો. રવિવાર કહે છે નવા વાઈવ્સનો અનુભવ કરો. ઊંડા ઊંડા શ્વાસ લો, વધુ ઊંડા શ્વાસ લો. સૂર્યને કાઢો, નવો સૂર્ય હે વીરો - વિજ્ઞાાનીવીરો, જન્માવો જે દરેક દિવસને નવા સૂર્યવાળો રવિવાર બનાવી રહે. રવિવારની જેમ જીવો પછી... બાદશાહી ટેસથી...