નવ્વાણુંનો ધક્કો! .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- સમૃદ્ધિ અને સુખ બંને જુદાં છે. એ બંને ભાગ્યે જ સાથે હોય. કદાચ હોય તો ત્યાં કંઈક 'સુખ'ને નામે બીજું ભળતું હશે. બાહ્ય સમૃદ્ધિ અને અંદરની સમૃદ્ધિ બંને સાવ જુદાં છે.'
કિ શોર વયમાં અમારા ગામમાં મારા વણિક મિત્રો પાસેથી ક્યારેક આ કહેવત હું સાંભળતો. સાંભળતો એટલું જ નહીં, પણ તેની ચર્ચા પણ થતી એ ચર્ચામાં પણ જરા ભિન્ન રીતે પેલું વણિકત્વ જ ભળતું. કહેવત હતી : નવ્વાણુનો ધક્કો વાગે એટલ બેડો પાર. ત્યાં ત્યારે ધક્કો વાગવાની વાત હતી કશુંક કારણ આવી મળે એટલે ધન કમાવાની ચળ ઉપડે, અથવા જીવનમાં આગળ વધવાની ધગશ જાગે. ત્યાં 'ધક્કો' સકારાત્મક છે. ક્યારેક એવો 'ધક્કો' આઘાતના અર્થમાં પણ વપરાતો. અંદર કંઈક થાય, તો આઘાત કંઈક નવું કરવા પ્રેરે. મિત્રોની વાતમાં નવ્વાણુનો ધક્કો સો માટે હોય. નવ્વાણુ તો થયા છે હવે એક રૂપિયો ઉમેરીશ તો સો પૂરા થશે ને સો પૂરા થાય એટલે વણિકની ગતિ બસો તરફની હોય અટકવાનું નામ નહી. આ કહેવતમાં મૂળ તો વધુ ધન કમાવવા માટે, ધન એકઠું કરવા માટેની વાત છે.
પણ હમણાં એક નાનકડી દ્રષ્ટાંતકથા વાંચી તો ત્યાં ધક્કો તો છે પણ આવો 'ધક્કો' ક્યારેક માણસને જ આખેઆખો ધકેલી મૂકે, ઉપર તળે કરી મૂકે, તેને, તેના પરિવારને વેરવિખેર કરી નાખે તેવા ધક્કાની તેમાં વાત હતી. હા, ત્યાં નવ્વાણુનો અંક છે, જુદી રીતે ત્યાં 'ધક્કા'ની નકારાત્મક બાજુને ઉપસાવવામાં આવી છે. કદાચ એ દ્રષ્ટાંતમાં પણ સંભવ છે કે વણિક અથવા વણિકવૃત્તિવાળા કોઈ પણ માણસની વાત હળવી રીતે રજૂ કરાઈ છે. 'ધક્કો' તો અહીં આવ્યો, પણ ઘરના મુખ્ય માણસને નવ્વાણુના અંકને પાર સો પર પહોંચાડવાની તીવ્ર ઇચ્છા હતી એ ઇચ્છાએ આખા ઘરને કંઈક સ્વૈર બનાવી દીધું પછી પરિણામ શું આવે તે આપણે સૌ જાણીએ છીએ. કોઈપણ પ્રકારની આતુરતાવાળા માણસને શાંતિ ક્યાંથી ? એવું મહાવીરે સાચું કહ્યું છે કે- ન જોયાનું જોયું. સૌ કોઈ પોતપોતાની ખરીદીમાં પડી ગયા પરિણામે નવ્વાણુમાંથી ઘટતાક્રમ આંકડો ઉતરવા લાગ્યો ! ઘરનો મોભી સો તરફની ગતિ કરવા ધારતો હતો પણ પરિવારજનોએ એ બાજીને અજાણતાં જ ઉંધી પાડી. કલ્પો, પછી કુટુંબના કેવા હાલ થયા હશે ? શાંતિ રહે ખરી ? પરસ્પર માટે માન- સન્માન રહે ખરાં ? કહો કે ઘરનું સંવાદી વાતાવરણ પેલા નવ્વાણુના અંકે તોડી નાખ્યું, ડહોળી નાખ્યું.
આમ તો દ્રષ્ટાંત અકબર- બીરબલની કથાનું સ્મરણ કરાવે રાજા- કારભારી બંને નગરચર્યા માટે નીકળ્યા છે. ફરતા ફરતા નગરથી થોડે દૂર લહેરાતા ખેતરોનું સૌંદર્ય નિહાળવા બંને આગળ વધે છે. રાજાને પોતાના રાજ્યની સમૃદ્ધિથી સંતોષ થાય છે. એ ખેતરના છેડે તેમણે કિલ્લોલ કરતા પતિ- પત્ની અને બાળકો સમેતનો પરિવાર નિહાળ્યો. રાજાની ખુશી બેવડાઈ. તે મનોમન વિચારી રહ્યો. અરે, આ પરિવાર કેટલો ખુશ છે ? હાજરાહજૂર ઇશ્વરની સાથે રહેતો હોય તેવો પરિવાર તો બહુ ઓછી જગ્યાએ જોવા મળે. રાજા પણ એમ વિચારવા લાગ્યો કે મારી પાસે તો મહેલો છે, ધનના ભંડાર છે, એક કહેતા એકવીસ દાસ- દાસીઓ સેવામાં હાજર રહે છે. પાણી માગતા દૂધ મળી જાય છે પણ બધી સમૃદ્ધિ વચ્ચે ય આ ખેતરની પાસે રહેતા પરિવારની મોજ- મસ્તી આનંદ મારે ત્યાં તો અનુભવાતા જ નથી. રાજાએ પડખે ચાલતા બીરબલ જેવા ચતુર કારભારીને પ્રશ્ન કર્યો : 'કારભારીજી, આવું સુખ મને કેમ ઇશ્વરે આપ્યું નથી ?' અને કારભારીએ હસીને રાજાને કહ્યું : 'તેઓ નવ્વાણુના અંક સાથે જોડાયેલા નથી. જે અંક સાથે જીવે છે તે અંદરથી રંક હોય છે. તમે પેલા નવ્વાણુ અંક સાથે, ચિંતાઓના પોટલા સાથે, જીવો છો, તેથી સુખ તમારી પાસે ફરકતું નથી. સમૃદ્ધિ અને સુખ બંને જુદાં છે. એ બંને ભાગ્યે જ સાથે હોય. કદાચ હોય તો ત્યાં કંઈક 'સુખ'ને નામે બીજું ભળતું હશે. બાહ્ય સમૃદ્ધિ અને અંદરની સમૃદ્ધિ બંને સાવ જુદાં છે.'
રાજાને થયુ આ 'નવ્વાણુ અંક શું છે વળી ?' કારભારીએ કહ્યું : 'એનો ઉત્તર હું પછી આપીશ મને નવ્વાણુ મહોર આપો, અસલ સુવર્ણની' રાજાને પોતાના પ્રશ્નના ઉત્તર માટે પ્રતીક્ષા કરવી ગમી નહીં, પણ તેનો વિકલ્પ નહોતો સાચો જવાબ તો મેળવવો જ હતો અને રાજાએ કારભારીને નવ્વાણુ સુવર્ણ મહોરનો એક વાટવો આપ્યો. ચતુર કારભારી આખા ને આખા વાટવાને પેલા સુખી પરિવારના ઘરે, ઓસરીમાં કોઈ જુએ નહી, એ રીતે રાત્રિના અંધકારમાં મૂકી આવ્યો.
બસ, પછી જુઓ જે કંઈ નાટક ભજવાયું તે. સવારે ઊઠતાવેંત ઘરના પુરુષ મોભીએ વાટવો જોયો. ઘરમાં જઈ તેને ખોલ્યો તો અંદર ઝળહળતી નવ્વાણુ સોનામહોર ! વાટવામાંથી મહોર બહાર કાઢે, ગણે, અંદર મૂકે બધીવાર આંકડો નવ્વાણુ થાય. શંકા જતા પત્નીને ગણવા માટે મહોર આપી તો ત્યાં પણ નવ્વાણુ અંક જ આવે !
- અને ધક્કો શરૂ થયો. પતિને થયું એક વધુ મહોર મહેનત કરીને કમાઈશ તો સો મહોર પૂરી થઈ જશે. બસ, આ ધક્કાએ તેને રાતોના ઉજાગરા શરૂ કરાવવા શરૂ કર્યા. વધુ સારા પાક માટે વધુ મહેનત કરવા લાગ્યો. નજરમાં સોનો આંક જ જાગતા- ઊંઘતા દેખાવા લાગ્યો. અધીર મન પાછું થોડા દિવસ પછી પાછું વાટવા તરફ વળ્યું. મહોર ગણવા માંડી પણ નવ્વાણુનો અંક નીચે ઉતરી સત્તાણુનો થયો ! બે મહોર જ ગૂમ ! પતિએ પત્નીને વાત કરી તો પત્નીએ સહજ ભાવે કહ્યું : 'અરે, તમે ય શું ? અરે, ભગવાને આ બધી સોનામહોર મોકલી છે તો બે સોનામહોરનાં હું મારા કિંમતી વસ્ત્રો લઈ આવી. ક્યારેય એવું પહેર્યું નથી તો હવે પહેરું કે નહીં ? તે તો સાવ એવા ને એવા જ દળદળિયા રહ્યા !' પતિ થોડો હતાશ થયો. તેની દોડમાં વિઘ્ન આવ્યું તે તેને ગમ્યું નહીં. વાત અલબત્ત, ત્યાં અટકી નહીં.
વળતે દિવસે વાટવામાંથી ઓર એક મહોર ઓછી થઈ ને અંક અટક્યો છન્નુ પર ! તપાસ કરી તો દીકરો પોતાના મોજ-શોખની થોડીક વસ્તુઓ એક મહોર આપીને ખરીદી લાવ્યો હતો. લો, પત્યું ! પતિ દેવનો નકશો આખો અવળો થતો જણાયો. પત્ની ઉપર પણ ગુસ્સો ને પુત્ર પર પણ કોપાયમાન ! પરસ્પર શંકાઓ, વિરોધો, બોલાચાલી, અવિશ્વાસ એવું હવે નિરંતર થતું રહે છે. પરિવારનો સંવાદ અને એકતા તૂટી જાય છે. સંપ કુસંપમાં પરિણમે છે. સુખ રોળાઈ જાય છે. હવે ઘર ઘર રહેતું નથી મકાન થઈ જાય છે. પતિ- પત્ની- સંતાનો બધું ખરું પણ સર્વના રસ્તાઓ મનસ્વીપણે આગળ વધે છે. ત્યાંથી કોઈ પણ પસાર થનારને એ ઘર હવે કંકાસિયું લાગવા માંડયું. માળો ખરો, પણ વિખરાયેલો માળો !
કારભારીએ એ આખો ખેલ નજરે જોયો. રાજાને તે ફરી એકવાર ત્યાં લઈ જાય છે. રાજાએ જોયું તો તે વખતે સુખી જણાતો પરિવાર આજે છિન્નભિન્ન થઈ ગયો હતો. કારભારીએ કહ્યું : 'રાજા સાહેબ ! જોયું ને ! એ પણ નવ્વાણુના અંક સાથે તમારી જેમ જોડાઈ ગયા. મેં પેલી સોનામહોર રાત્રે એના આંગણામાં મૂકી દીધી. પછી સો સોનામહોર માટે હડિયાદોટ શરૂ થઈ અને પરિણામ આવ્યું તે તમે નજરે જોઈ રહ્યા છો - બધું છિન્ન ભિન્ન રફેદફે ! નર્યું અસુખ... ધક્કો માણસને અકાળે આમ પીંખી પણ નાખે. નવ્વાણુના અંકથી જે લોભાયો, તે ખુદને ય ન ભાયો ! ધક્કાને ઓળખવો તો પડે જ, નહીં તો તે પાડે !'