કવિતા અને રાજકારણ... .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- સાચા સર્જકને ક્યારેય સત્તા સાથે ફાવ્યું નથી, પણ આજના વિશ્વમાં લેખકને એ ફાવતું જ નહીં, ભાવતું પણ લાગે છે
આ પણે અમુક પ્રકારના બંધિયારપણાના ચોકિયાતો છીએ. તેની હદની બહાર નીકળવાનું આપણે લગભગ વિચારતા જ નથી, અથવા ટાળતા હોઈએ છીએ. બધું જ્યારે ઘણું ઝડપથી બદલાતું હોય, અપેક્ષા બહારનું બનતું હોય, મુલ્યોની ય નરી અવળસવળ થતી હોય, સત્ય હાંસિયામાં ધકેલાઈ જતું હોય કે એવું બીજું-ત્રીજું થતું હોય ત્યારે આપણું ચેતાતંત્ર ધૂ્રજી જવું જોઈએ, આપણી વિચારશક્તિ પણ એવી દિશામાં એકાગ્ર બની ભિન્ન રીતે વસ્તુને જોતી થવી જોઈએ. વાત તો બધાં ક્ષેત્રોમાં સત્યની અવગણના થતી હોય ત્યારે ફેરવિચારણા અનિવાર્ય બને છે.
હું અહીં કવિ-કવિતા વિશે વાત કરું છું. ત્યાં આપણે અમુક કારિકાઓમાં બંધાઈ ગયા છીએ એ પ્રતિ સંકેત કરું છું. કવિ-કવિતા બંને સત્યાન્વેષક છે, અથવા સત્યને ઉજાગર કરવાનું પર્યંતે એનું લક્ષ્ય છે. આપણે કે કવિ-કવિતા પ્રવર્તમાન સંજોગોથી અસ્પૃષ્ટ કેવી રીતે રહી શકીએ ? એમાંય શબ્દધારક તો સત્યવીર છે. જેરીકો જેવો આપણા સમયનો કવિ 'આઈ એમ મેની થીંગ્સ' એવું કહેતો હોય ત્યારે કવિ-કવિતાની નિસબત કેટ-કેટલી વસ્તુઓ સાથે રહી હોય છે તે જ તેમાં સૂચવાય છે. આપણે કે કવિ-કવિતા આપણા સમયમાં કોઈ એક વસ્તુને લઈ-પકડીને બેસી રહે તો ચાલે તેમ નથી. લોકો જે કંઈ અનુભવે છે, જે પીડા લઈ જીવે છે, જે અન્યાયની સામે ઝઝૂમે છે, જે હતાશા સાથે જીવનથી એ મોં ફેરવી રહ્યો છે એ સર્વ સાથે આપણું જોડાણ થવું જોઈએ. આજનો કવિ વિશ્વભરમાં રાજકારણે જે ગંદકી વિસ્તારી છે, માનવજીવનને જે રીતે રમકડું બનાવી દેવામાં આવ્યું છે, જે રીતે બધું મૂલ્યપ્રણાશ તરફ ધકેલાઈ રહ્યું છે તેની ઉપર જો તે પોતાની પ્રતિક્રિયા અથવા તો પરિસ્થિતિનો ગ્રાફ કવિતા વડે નહીં આપે તો કયા બારણે જઈને માણસ કે માનવજાત ટકોરો મારી સત્યના રખોપા માટેની અપેક્ષા રાખશે ? શું આપણે પેલા બંધિયારપણાને જ આપણું વિશ્વ માનીએ છીએ ? શું રાધા-કૃષ્ણ પ્રેમ સંવેદનાથી અતિરિક્ત આપણને બીજું કશું કહેતાં નથી ? શું શૃંગારિક સંકેતોથી એ બધું આગળ વિસ્તરી શકે તેમ નથી ? આનો ઉત્તર આપણી સામેનું વિભીષિકાઓ ભરેલું આજનું જગત, આજનો ચેતનાશૂન્ય માણસ આપી રહે તેમ છે. આમાં અગ્રેસર થઈને, સત્યના દીપને ઓલવાતો અટકાવવા અથવા અંધકારના ધાડાંને રોંકવા માટે કે પ્રકાશનાં કિરણોની શક્યતાઓ આવિષ્કાર કરવા માટે અને વધુ સાચું કહું તો પરિસ્થિતિને પર્દાફાશ કરી માણસને વિપથગામી થતો અટકાવવા માટે કવિ-કવિતા હજી પણ કારગત નીવડી શકે તેમ છે. કાફકા કહેતો સફેદ કાગળમાંના અક્ષરો એના વાચકની આંખને દઝાડી શકે છે. સર્જક શબ્દમાં એવું કૌવત છે. પણ દિનપ્રતિદિન આપણો સર્જક રાજકારણને સમજીને પ્રકટ કરવાને બદલે રાજકારણની ડાબી બાજુનો જ હિસ્સો બનતો જાય તો ? રાજકારણી જ બની રહે તો ? સાર્તે નોબેલ પ્રાઈઝનો અસ્વીકાર કરતાં જે કારણ આપેલું તે સ્મરણમાં રાખવા જેવું છે. સર્જકે સંસ્થામાં પોતાને તબદિલ ન કરવો જોઈએ. દુર્ભાગ્યે હવે તો એક તરફ સાહિત્યનો દુષ્કાળ અને બીજી તરફ કહેવાતા સાહિત્યનો લીલો દુષ્કાળ પ્રવર્તે છે. ઢગલાબંધ લખાય છે, વાહવાહી થાય છે, તાળીઓ પડે છે, મીડિયામાં એ બધું વિશેષણોના ખડકલા સાથે પ્રસિદ્ધ થાય છે. માન-અકર પણ મળે ! લેખક લખે, આયોજન કરે, પ્રસિદ્ધિ કરે, બીજી ગોઠવણ કરે અને એ જ તાળીનો પ્રારંભ કરો કોઈકે કહ્યું છે સાચા સર્જકને ક્યારેય સત્તા સાથે ફાવ્યું નથી, પણ આજના વિશ્વમાં લેખકને એ ફાવતું જ નહીં, ભાવતું પણ લાગે છે.
સંસ્કૃતિ બદલાઈ છે, સત્યનો ક્રમ પાછળ ધકેલાતો જાય છે, અસત્ય વધુ ઝળહળી આગળના ક્રમે આવતું જાય છે. બધું આજની સંસ્કૃતિ સમેત રાજકારણને સાંભળે છે, પરિણામે સંસ્કૃતિ અને વિકૃતિ પરસ્પર નજીક સરતાં જાય છે. જોનાસ મેકસે એકવેળા રાજકારણને બદલે સંસ્કૃતિએ કવિ-કવિતાનું સાંભળવું જોઈએ એવો મત તીવ્ર રૂપે પ્રકટ કરેલો, એ મત સાથે સંમત થવાય તેવું છે. પણ એ કવિ-કવિતાનું આસન જ કવિ-કવિતા ખુદે ડગમગાવી દીધું હોય ત્યાં રાજકારણનો જ પ્રભાવ વિસ્તરે ને ? સંસ્કૃતિ સાંભળે તો પણ પછી કોનો અવાજ સાંભળે ?
હા, કવિ-સર્જક મનુષ્ય છે, વધુ ઝીણું જોનારો, વધુ અનુભવી રહેનારો, વધુ સંવેદી રહેનારો અને અનેક વસ્તુને પોતાનામાં ભરીને બેઠેલો વ્યક્તિ છે. પણ એનો શબ્દ જ્યારે બંધિયારપણાથી, શાસકોની ભભકથી, તેમની દુશ્ચેષ્ટાઓને
સુચેષ્ટામાં ફેરવી નાખવાની સ્પર્ધામાં ઊતરી રહે ત્યારે એ શબ્દ, એનો ધારક, કવિ-સર્જક, પ્રજા માટે તેની વિશ્વસનીયતા ગુમાવી બેસે છે. તેની રચનાઓમાં પછી માણસનો પડછાયો વિસ્તરતો નથી તેમાં સંવાદની કોઈ ભૂમિકા બંધાતી નથી, તેમાં એક યા બીજી રીતે જૂઠી પ્રશસ્તિ પ્રવેશી રહે છે. અથવા સરેરાશ લાગણીઓને બહેકાવતી પ્રાસાનુપ્રાસની પદ્ય કરામતો. અનુભવના અંતઃસ્તલ સુધી ન પહોંચનાર અનુભવ સર્જવા બેસે તો પછી નરી આયાસભરી કસરત સિવાય શું પ્રાપ્ત થાય ?
સ્ટીફન કિંગની માફક એવા શબ્દાળુ લેખકોને કોણ કહેશે કે ખૂબ વાંચવાનું છે, ખૂબ જોવાનું છે, ખૂબ સાંભળવાનું છે. આ ત્રણ ક્રિયાઓ તો લગભગ અર્થશાસ્ત્રનો ઘટતા તુષ્ટિગુણનો નિયમ બનતી જાય છે !
મને આ ક્ષણે જુદા સંદર્ભમાં, પાબ્લો નેરુદાનું સ્મરણ થાય છે. એની વાત આપણા આજના શબ્દસેવીએ કદાચ યાદ રાખવી પડે તેવી છે. તેઓ કહે છે કવિતાને રાજકારણથી અલગ ન રાખો. એવું વિચારનારા કવિતાના દુશ્મન છે આજના સમયનો અમેરિકાનો યુવાન કવિ, આગળ ઉલ્લેખ્યું છે તે, જેરીકોબ્રાઉન પણ કહે છે - કવિતા અને રાજકારણને અલગ ન કરો - તેના વિના કવિતા સંભવિત નથી. આ બંને કથનનો મર્મ તો છેવટે એ છે કે રાજકારણને સમજો, તેની ગતિ-વિધિ, વિવિધ ચાલનાને સમજો, તેની દિશા અને તેના ડોળને સમજો - તો જ સત્ય તમારી સામે, તમારા શબ્દ માટે, તમારી રચના માટે સુસ્પષ્ટ રૂપે આવી રહેશે. રાજકારણ આજે જીવનવ્યાપન બની ગયું છે, તે વડે માનવનો, તેની સંસ્કૃતિનો નકશો દોરવા બલાત્ પ્રયત્ન થઈ રહ્યો છે. એ બધાંને કવિ-કવિતાએ રાજકારણને સમજી, તેને સહારે જ પેલા બંધિયારપણામાંથી બહાર નીકળી, નવા રૂપે શબ્દને અવતારવાનો છે, નવી કવિતા, સાચની કવિતા, જીવતરના ધબકારની કવિતા. ફિક્કી-લીસ્સી-પોમલી-પોચટ શબ્દાળુ રચનાઓને કાળ છેવટે ભરખી જતો હોય છે. રાજકારણ સમજો, જગતને તે વડે સમજો. પ્રેમની વાત સાથે ક્રૂરતાને પણ ઓળખો, વિસંવાદની સામે સંવાદ સુધી પણ યાત્રા ગોઠવો. છળ-બળને ઓળખવા રાજકારણ-રાજનીતિ સમજાય ત્યારે આજના સમયના માનવને વધુ સમજી શકાય, ત્યારે સત્ય-અસત્ય વચ્ચેનો ભેદ કરી શકાય. મહાભારત-રામાયણ અને ઈલિયડ-ઓડેસીએ સાચા કવિઓનો એવો પ્રશસ્ત માર્ગ દર્શાવી જ આપ્યો છે.