અધર ઈઝ હેલ? .
- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- 'મૃત્યુ' પણ કોઇક અન્યે સર્જેલી પળ છે. જે તમારી પહોંચની બહારની છે. તમારે તેને તાબે થવાનું છે
Entry અને Exitઆ બે શબ્દો થોડાંક જુદાં કારણોસર હમણાં મનમાં રમ્યા કરે છે. વાત તો મૂળે એક ગ્રંથનું શીર્ષક કયું રાખવું એ હતી. વળી શીર્ષક માટે ગ્રંથની અંદરની સામગ્રીને પણ લક્ષમાં રાખવાની હોય છે. વિચારણાને અંતે શીર્ષક નક્કી થયું - 'અંદર બહાર' અર્થાત ગમન અને નિર્ગમન. વધુ સહજ ભાષામાં કહું તો દ્વારમાં પ્રવેશ કરવો અને દ્વાર વાટે જ બહાર નીકળવું. આમ જોઇએ તો આપણી જિંદગી પણ શું આ ગમન અને નિર્ગમન વચ્ચેની લગભગ અનપેક્ષિત એવી સફર નથી ? હું 'યાત્રા' જેવો, આજે લગભગ ચવાઈ ગયેલો, શબ્દ, વાપરવાનું જાણીબૂઝીને ટાળું છું. વળી 'યાત્રા'માં લક્ષ્ય જેવું પણ હોય છે. અહીં જીવન સફર ધારીએ છીએ કે ઇચ્છીએ છીએ તેવી હોતી નથી. ઘણું પહોંચ બહારનું બનતું હોય છે. થોડુંએક ક્યારેક અપેક્ષા પ્રમાણે કદાચ બનતું પણ હશે. પણ તેવો કશો નિયમ ત્યાં નથી.
પણ આશ્ચર્ય એ વાતનું છે કે ક્યારેક ક્યારેક આ ગમન-નિર્ગમનનાં બે બિન્દુઓ વચ્ચે કોઇક કોઈક વિરલ જન આખું આકાશ રચી દે છે, કોઈક કોઈક એક આખો સમુદ્ર ઊછળતો, ગર્જતો કરી રહે છે. કોઈક કોઈક થોડાંક સૌંદર્ય બિન્દુઓ જન્માવી રહે છે. પણ બહુશઃ લોકોની તો આવન-જાવન જ રહેતી હોય છે ન કશી નોંધ કે ન કશી ટિપ્પણી. કેટલાક તો આવન-જાવનના રસ્તા સુધ્ધાં ભૂલી ગયાં હોય છે ! જીવનને એવાઓ કોઇક રીતે કુરુક્ષેત્ર બનાવી રહે છે. અને તે ય પાછું અઢાર દિવસનું નહીં, જિંદગીના છેલ્લા શ્વાસ સુધીનું કુરુક્ષેત્ર ! તેવાઓને પોતાની જિંદગી કરતાં બીજાની જિંદગીમાં વધુમાં વધુ રસ પડતો હોય છે. એક મિશન રૂપે તેવાઓ એ કાર્ય કરતા હોય છે. કોણ શું ખાય છે, પીએ છે, કેવાં વસ્ત્રો પહેરે છે, ક્યાં જાય છે, શું કામ જાય છે, કોને મળે છે અથવા એવાને ઘેર સવારથી સાંજ સુધી કોણ આવ્યું - ગયું તેની રજેરજ માહિતી તે મેળવે છે. મેળવ્યા પછી તેનું પિષ્ટપેષણ કરે છે, દેશી વાયરલેસ બનીને પછી શક્ય તેટલો તે માહિતીનો ફેલાવો કરે છે. કહો કે અન્યની જિંદગીમાં ડોકિયાં કરવાનો સનાતન રસ એ જ એવાઓની દૈનિક પ્રવૃત્તિ થઇ જતી હોય છે. કહો કે આ એક જ પ્રવૃત્તિની જો એવાઓના જીવનમાંથી બાદબાકી કરી નાખીએ તો તેવાઓના જીવનમાં પછી કશું બચે જ નહીં. સરળ શબ્દોમાં કહીએ તો તેવાઓ બીજા માણસોને સહી શક્તા નથી તો તેના વિના તે ચલાવી શક્તા પણ નથી. આમ ગમન-નિર્ગમન વચ્ચે ફિતૂરીનો એક મોટો ખેલ ચાલતો રહે છે અને આપણે એને 'જીવન' જેવું ભારેખમ લેબલ લગાવી દઈએ છીએ ! આપણું આજનું, સરેરાશ માનવનું જીવન લગભગ આ દિશામાં જ જતું જોવાય છે. માણસ નકારાત્મકતાનાં, ડોકિયાંગીરીનાં આવાં અડાબીડ જંગલો ખડાં કરીને પોતે જ તેમાં અટવાઈ જાય છે. ત્યાં ઈહાિઅ જરૂર છે, ગમન જરૂર છે, પણ ઈટૈા નથી, નિર્ગમન નથી. પોતે રચેલા કોશેટામાં તે બંધાઈ જાય છે. તેનાથી તે તુષ્ટ રહે છે ને અન્યને તુચ્છ ગણે છે. પોતે જ પોતાની 'કેદ' રચે, એ કેદનો 'કેદી' પણ પોતે જ બની રહે. આવા અસંતુષ્ટ 'કેદી' બીજાને માટે નર્ક સર્જી રહે છે, તેના જીવનને દોહ્યલું બનાવી દે છે. આ 'નર્ક' અને 'કેદ' શબ્દની સાથે જ મારા મનમાં સાર્ત્ર નાટક થોડીક જુદી રીતે સ્મૃતિમાં આવી રહે છે. સાર્ત્રે નાટકનું નામ રાખ્યું છે - '‘No Exit' ' અર્થાત્ ત્યાં ગમન છે, પણ નિર્ગમન નથી. Entry છે, પણ Exit નથી. સાર્ત્ર એમની રીતે સાચા છે. મોટા ભાગના માણસો આણતાં જ કે જાણતાં વિષ્ટાના કીડા બની જતા હોય છે. વિષ્ટાની આસપાસ - બહાર કે અંદર તેમની આવન-જાવન રહેતી હોય છે. કીડા રૂપે માત્ર એ ક્રિયા તેનું સર્વ હોય છે. તેનાથી બહાર એ કીડો કશું જોઈ શક્તો નથી કે અન્ય કશું કરવા તે તૈયાર પણ નથી. કીડા જેવા એવા માણસોને પછી બહાર નીકળવાનું સૂઝતું જ નથી, કહો કે બહાર નીકળવાની ત્યાં તેમની નિયતિ જ નથી. ત્યાં જ પ્રશ્ન માનવ અસ્તિત્વનો આવીને રહે છે. નિર્ગમન નથી ઈટૈા નથી તો પછી તમારું ખુદનું વ્યક્તિત્વ કે અસ્તિત્વ પણ નથી. કહો કે કોઈ આઈડેન્ટિટિ નથી. કહો કે પ્રવેશ પછી આપણે ક્યારેય ઓળખપત્રનો વિચાર જ કર્યો નથી ! આપણે એ રીતે ઓળખપત્ર ગૂમાવી ચૂકેલા માણસો ત્યાં ટોળેટોળાં રૂપે એકત્રિત થઇએ છીએ. પરસ્પર માટે નર્ક સર્જી રહીએ છીએ. તમે મારા માટે અને હું તમારા માટે નર્ક રચતા રહીએ છીએ - છેલ્લા શ્વાસ સુધી સાથે રહીને, સાથે રહીને પ્રેમ કરવાના ઢોંગ સાથે, તિરસ્કાર કરતાં કરતાં Other is hell પુરવાર થઇ રહીએ છીએ.
આપણું ભારતીય ચિંતન 'ઉપાસનાં', 'આરાધના', 'તપ' કે 'સાધના' જેવા શબ્દોનું એક બીજું તર્કજડ વિશ્વ રચીને 'મોક્ષ'ની વાતો કરે છે ! કયો મોક્ષ ? કોનો મોક્ષ ? તે પાછળ અનુભવની કોઈ પીઠિકા રહી છે ખરી ? 'મૃત્યુ' પણ નિગર્મન નથી. એ 'મૃત્યુ' પણ કોઇક અન્યે સર્જેલી પળ છે. જે તમારી પહોંચની બહારની છે. તમારે તેને તાબે થવાનું છે. અને તે ય અનિવાર્યપણે કહો કે નિર્ગમન છે જ નહીં.
અને છતાં સાર્ત્રથી થોડેક દૂર જઈને, તત્ત્વચિંતનના કે તત્ત્વના કોઈ વિતંડાવાદો વિના, કહી શકીએ હા, 'નિર્ગમન' છે. પણ એવા 'નિર્ગમન' માટે Entry પ્રવેશ સાથે જ, તમારે તમારા અસ્તિત્વના ઉજાશને સમજી લેવો પડશે, તે જ તમારું હોવું, થવું છે તે પ્રમાણવું પડશે. એ સાથે જ તમે વિચારશો કે Other is Hell એ વાત તદ્દન વિપરીત છે. 'હુ નર્ક રચવા કે વિસ્તારવા નહીં, તેને નષ્ટ કરવા પ્રવેશ પામી રહ્યો છું' - એવા કૃતસંકલ્પી બનવું પડશે. એ સંકલ્પને યથાર્થમાં પલટીને બીજા માણસને તમારી માણસાઈના સ્પર્શથી ન્યાલ કરવાની કર્મલીલા વિસ્તારવી પડશે. ત્યારે Other is heaven સિધ્ધ થશે. કૃષ્ણે 'ભગવદ્ ગીતા'ના અઢારમા અધ્યાયમાં એવી કર્મઅભિરત વ્યક્તિ ચેતના વડે 'નિર્ગમન'નો રાહ જુદી રીતે ચીંધ્યો જ છે.