હું તાજો ખીલેલો છોડ છું!

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
હું તાજો ખીલેલો છોડ છું! 1 - image


- ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

- આયુષ્યના બે જ દિવસ હવે બાકી છે એવી ખબર પડે તો તમે શું કરશો? રઘવાયા થઇ જશો? સ્વસ્થ રહેશો? સહજ બની રહેશો? કહો, શું કરશો?

ધા રો કે તમે જે ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હો, તે ભગવાન સ્વપ્નમાં આવી એમ કહે કે 'તમારું જીવન હવે પૂરું થઈ જાય છે, પણ વધારાના બે દિવસ તમને કૃપાવંત થઇને આપું છું' તો કહો તમે એ દિવસમાં શું કરશો ? અથવા આજ વાત તમારો ભગવાન હાજરાહજૂર થઇને, કાનોકાન તમને કહે, તો શું કરશો ? જરા વિચારો. રઘવાયા થઇ જશો ? સ્વસ્થ રહેશો ? સહજ બની રહેશો ? કહો, શું કરશો?

કદાચ તમે આવું પણ વિચારો લેખક હો તો... હીંચકા પર બેસીને કોઈ વીઆઈપી સાથે ઝૂલ્યા હો તો અમર થઇ જવા એક વધુ કોલમ લખી નાખવાનું વિચારો ? કે એવી કોઈ કોલમ લખવાનું વિચારો જેમાં તમે મોટા નેતાને ભલે અલપઝલપ મળ્યા હો છતાં મોટા નેતા સાથે તમારી મોટાઈ દર્શાવતા એકાદ બાકી રહી ગયેલાં લેખ કાંતી નાખો ? એવું પણ બને કે તમે સત્તાના નશામાં ન કરવાનાં કામો કર્યાં હોય અને પછી પોલ ખુલ્લું પડી જાય અને લોકો તમારી અસલિયત જાણી જાય તે માટે એ બે દિવસ પેલા પુરાવાનો નાશ કરવામાં ગાળશો ? અથવા તમે મોટ્ટા, ઘણા મોટ્ટા, કથાકાર હો, ધનમાં આળોટતા હો, તો એ બે દિવસ કોઈ માલેતુજારના ઘરે જઇ રામ કે કૃષ્ણની એકાદ ટૂંકી કથા કહીને મરણ પૂર્વે જયજયકાર થઇ રહે તેવું હંમેશની માફક ઇચ્છશો ? અથવા તમે બહારની ઝાકમઝોળ દાખવતા બિલ્ડર હો, ઘણાંનાં તમે મકાન બાંધી આપવાના નિમિત્તે આગોતરા પૈસા ઉઘરાવી લીધા હોય અને હજી બે-ચાર જણે પૈસા આપવાનો વાયદો કર્યો હોય, તો તેના ઘેર જઇ એ નાણાં લઇ આવશો ? મકાન તો તમે આપવાના જ નથી ! અથવા તમે ચપળ આદમી હો, બેઠાડુ હો તો માતા-પિતાની માલિકીવાળા ઘરને તમારા નામે કરી લેવાનો વિધિ ઝટપટ કરી લેવાનું વિચારશો ? અથવા તમે જે વ્યક્તિને દુશ્મન લેખ્યા કરો છો એને એ બે બચેલા કે વધુ મળેલા દિવસોમાં વધુ હેરાન કરવા માટે યુક્તિ-પ્રયુક્તિઓ કરશો ? અથવા તમે શેરસટ્ટાનું કે વીમાનું કરતા હો અને તમારી પાસે ફાજલ નાણાં ન હોય તો ય ઊછીનાં નાણાં લઇ કોઈ કંપનીના શેર ખરીદવામાં એ બે દિવસ દોડાદોડી કરશો ? કે પછી રામલલ્લાના મંદિરમાં જઇને તમે પૂરા ધાર્મિક છો એ બતાવતા તમારા થોડાક ફોટો પડાવી લેવાનું આયોજન કરશો ? કે મરણ પછી ય વાહવાહી થતી રહે તેવા ખોટા આત્મવૃત્તાંતની હકીકતો પ્રકટ થઇ રહે તે માટે આકાશપાતાળ એક કરી રહેશો ? આ સિવાયનું પણ હું કે તમે મારી કે તમારી પ્રકૃતિ પ્રમાણે કશુંક તો એ બે દિવસમાં જરૂર કરવાના રઘવાટથી, વિહ્વળ થઇને, નાટકો અનેક છે, અભિનય છે, શબ્દો છે, ચાતુરી છે અસત્યને વાઘા પહેરાવવામાં જ કદાચ એ બે દિવસ ખર્ચાઈ રહે... સાચું છે ને ?

પણ એવું ય બને. કોઇક એવો ય લેખક હોય જે એ બે દિવસમાં પણ ફૂલ કે મધમાખી કે પતંગિયાની કથા લખીને પોતાને અને અન્યને પણ હળવાફૂલ કરી રહેવાનું વિચારે. એવું પણ બને કે જીવનભર ટોળામાં રહીને કેટલુંક ખોટું કાર્ય કર્યું હોય અને આ બે દિવસ પશ્ચાતાપમાં ગાળવાનું પણ મન થાય. એવું પણ બને કે એ બે દિવસ કોઇની સ્મૃતિમાં, કોઈ માટે કરેલાં સદ્કાર્યોને કે કોઈકે પોતાને માટે વિનાકારણે દાખવેલી આત્મીયતાને યાદ કરી કરીને થોડુંક રડી લઈએ. એનો પણ એક આનંદ હોય, મનને તેથી શાંતિ મળતી હોય એવું ય બને. કદાચ એમ પણ થાય કે ચાલો, એ બે દિવસ કોઈ બગીચામાં બેસી ગાળીએ. વૃક્ષો સાથે, પુષ્પો સાથે થોડોક સંવાદ થઇ રહે. લીલાઘાસમાં આળોટવાનો આનંદ લૂંટી લેવાનું મન થાય. રાત્રિનું આકાશ-તારા જોવાનું પણ દિલ થઇ આવે. પંખીઓનાં ઉડ્ડયનને પણ ટગર ટગર જોયા કરવાની ઇચ્છા થાય. અથવા કોઈ ઉત્તમ કાવ્ય ઇચ્છા થતાં વાંચી શકાયું ન હોય, સમયને અભાવે કોઈ નવલકથાનું છેલ્લંર ચાર પાનનું પ્રકરણ જ વાંચવાનું બાકી રહી ગયું હોય તો તે પણ વાંચી લઇએ. અથવા એવું ય બને કે ઘરડાં માતા પિતાને ક્યારેક આવેશમાં કડવાં વેણ કહ્યાં હોય, પત્ની-બાળકોને કશેક અન્યાય કર્યો હોય તો સૌને સાથે બેસાડીને તેમની દિલથી માફી માગી લઈએ. અથવા એવું ય બને કે કોઇને તેના વિકટ સમયમાં દાન આપવાનું વચન આપ્યું હોય તો એ વચન પણ પૂરું કરી લેવાનું મન થાય. અથવા એમ પણ બને કે કોઈ રમણીય સ્થળ જોવાનું ઇચ્છ્યું હોય, ન જવાયું હોય તો એ બે દિવસમાં તે પણ જોઈ આવીએ. ઘરમાં રહીએ છીએ, પણ ક્યારેક ઘરને જ પૂરેપૂરું જોયું ન હોય, અડોશી પડોશીને પણ નિરાંતે ન મળાયું હોય કે તેમનો પરિચય ન કેળવ્યો હોય, તો એ બે દિવસમાં ઘરની એકે એક ચીજ જોઈ વળીએ, ખરીદી વખતની સ્મૃતિઓ તાજી કરી લઇએ. અડોશી પડોશીને ખુલ્લા દિલે મળી લઇએ. કોઇકને ચાહવાનું બાકી રહ્યું હોય, પ્રેમ પ્રકટ કરવાનું ન બન્યું હોય તો તેની સાથે લાગણીભરી થોડીક ક્ષણોની પણ એ બે દિવસમાં આપ-લે થઇ શકે. એવું પણ બને જુઠ્ઠાણાંથી, બદમાશોથી, ભાષણોથી જીવન વેડફી નાખ્યું હોય તો એ બે દિવસમાં માત્રને માત્ર શાંતિ પાઠ કરી લેવાનું પણ મન 

થઇ આવે. અથવા તો એમ પણ થાય કે રાજા રવિ વર્માનાં થોડાંક પેઇન્ટિંગ્સ માણી લઇએ, બિથોવનની સિમ્ફની સાંભળી લઇએ, બિસમિલ્લાંખાનની શહનાઇમાંથી મનભરીને કજરી કે માલકોશ માણી લઇએ. કે પછી પિકાસો, વાનગોધ અથવા ચાર્લીચેપ્લીનના જીવનના કેટલાક અંતરંગોમાં રંગાઈ રહીએ. અથવા જિબ્રાનનાં કેટલાંક અવતરણોને ફરી વાંચી લઇએ. અથવા એવું ય મન થઇ આવે કે આ બે દિવસોનો સૂર્યોદય, બે દિવસનો ચંદ્રોદય પણ અનિમેષ આંખે જોઈ લઇએ. 'મકાન' પાછળના વાડામાં આવેલા. ઘટાદાર લીમડાના વૃક્ષ નીચે એક ઢળતી સાંજ ગાળી લેવાનું મન થઇ આવે. એવી પળોમાં જે મિત્રોને ઘણા દિવસથી ફોન નથી થયા તેમની સાથે થોડી હસી મજાક કરી લઉં એવી વૃત્તિ થાય. તરોતાજા થઇ રહું.કોઈ તૂટી રહેલા માણસની આંખનાં આંસુ લૂછીને તેને હસતો દેખી રહું. અથવા બે દિવસના જે કલાકો મળ્યા છે એ કલાકોને સાચ્ચે જ હૃદયથી ભીંજવી મૂકું, કોઈ રતૂંબડા ગાલવાળા નાના છોકરાને ચૂમી રહું, એના આછા-અધૂરાં, અર્થહીન છતાં અર્થભર્યા શબ્દોમાં, તેના સ્મિતમાં મારા શબ્દો અને સ્મિત ભેળવી રહું... અને હા, હું બે દિવસ પૂરાં થવામાં પણ કલાકેક બાકી હોય તો પણ મારા પેલા ભગવાનને ટહુકો કરીને પ્રેમથી નિમંત્રી રહું ઃ ચાલો, પ્રભુ ! હું તો તાજો ખીલેલો છોડ છું !


Google NewsGoogle News